Featured Books
શ્રેણી
શેયર કરો

પાછા વળ્યા પાછલા દિવસો - 5

જાનવી ઘરે પહોંચીને દ્રાક્ષની થેલી મમ્મીના હાથમાં મૂકે છે. મમ્મી થેલી ખોલીને જુએ છે તો અંદર તાજી અને મીઠી દ્રાક્ષ હોય છે.

"લે મમ્મી, આ તારા માટે! તને તો આ દ્રાક્ષ બહુ ભાવે છે ને, એટલે હું લાવ્યા વગર રહી ન શકી." જાનવીએ હસીને કહ્યું.

મમ્મીએ દ્રાક્ષ જોઈને રાજી થવાને બદલે ચિંતા ભર્યા અવાજે કહ્યું, "અરે જાનવી, આવો ખોટો ખર્ચો શું કામ કર્યો? તારે તારી પોકેટ મની બચાવવી જોઈએ. આવી રીતે બધું વાપરી નાખીશ અને પોકેટ મની ખલાસ થઈ જશે તો આખો મહિનો તું શું કરીશ?"

ત્યાં બાજુમાં બેઠેલા તેના પપ્પા પણ બોલી ઉઠ્યા, "હા જાનવી, મમ્મી સાચું કહે છે. જો તારી પોકેટ મની પૂરી થઈ જશે તો વચ્ચેથી હું તને એક પણ રૂપિયો વધારાનો નહીં આપું."

આ સાંભળીને જાનવી થોડી ખીજાઈ ગઈ. તેણે મક્કમ અવાજે કહ્યું, "ભલે પપ્પા, મને વધારાની પોકેટ મની ન આપતા! પણ મમ્મી અત્યારે શારીરિક રીતે નબળી છે અને એને સારા ખોરાક તથા ફ્રૂટની જરૂર છે. મમ્મી માટે લાવેલી વસ્તુ ખોટો ખર્ચો નથી. અને હા, મારી પોકેટ મની માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી. મેં બે ટ્યુશન માટે વાત કરી રાખી છે, કાલે મને ત્યાંથી જવાબ મળી જશે. હું જાતે કમાઈ લઈશ."

જાનવીનો ગુસ્સો અને એનો પ્રેમ જોઈને મમ્મીએ વાત વાળતા કહ્યું, "સારું હવે, ગુસ્સો ન કર. ચાલ જમવા બેસી જાઓ, રસોઈ તૈયાર જ છે."

બધા જમવા બેસે છે. મમ્મીએ આજે ખાસ મહેનત કરીને 'અંજીર રોલ' નામના એક ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈના ટુકડા બનાવ્યા હતા. પરંતુ સામગ્રી ઓછી હોવાથી અંજીર રોલ ઓછા બન્યા હતા. મમ્મીએ પપ્પાને અને ઘરના બીજા સભ્યોને થાળીમાં બબ્બે-બબ્બે અંજીર રોલ પીરસ્યા, પણ પોતાના માટે માત્ર એક જ કટકો રાખ્યો.

જાનવી આ બધું ચૂપચાપ જોઈ રહી હતી. એને મનમાં થયું કે મમ્મી હંમેશાં આવું જ કરે છે, પોતે સારું ખાતી નથી અને બધું બીજાને આપી દે છે.

બધા જમતા હતા ત્યાં પપ્પાએ પોતાની થાળીમાંથી બે અંજીર રોલ પૂરા કરીને કહ્યું, "આજે તો આ બહુ સરસ બન્યા છે, હજી એકાદ-બે હોત તો મજા આવી જાત."

આ સાંભળીને મમ્મીએ તરત પોતાની પ્લેટમાંથી જે એકમાત્ર અંજીર રોલનો કટકો બચ્યો હતો, તે પણ પપ્પાની થાળીમાં મૂકી દીધો.

આ જોઈને જાનવીનો પારો છટકી ગયો. તે તરત ઊભી થઈ અને પપ્પાની થાળીમાંથી મમ્મીનો એ અંજીર રોલનો કટકો પાછો ઉપાડીને મમ્મીની પ્લેટમાં મૂકી દીધો.

જાનવી ખીજાઈને મમ્મીને કહેવા લાગી, "મમ્મી, આ શું છે? ઘરના બધા સભ્યોને જેટલી પોષણ અને સારા ખોરાકની જરૂર છે, એટલી જ જરૂર તને પણ છે! તારે પણ સારું ખાવું જોઈએ. તું શું કામ તારો ભાગ હંમેશા બીજાને આપી દે છે?"

એમ કહીને જાનવીએ પોતાની પ્લેટમાં આવેલો અંજીર રોલનો કટકો પણ ઉપાડીને મમ્મીની પ્લેટમાં મૂકી દીધો અને બોલી, "આ પણ તું જ ખા!"

ડાઇનિંગ ટેબલ પર એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ.પપ્પા ને પોતાની ભૂલ સમજાઈ છે અને તે કહે છે જાનવી તારી વાત બરાબર છે તારી મમ્મી હંમેશા પોતે પોતાના માટે અડધો જ ભાગ રાખે છે અને તેમાંથી પણ આપી દે છે તેથી તેને પોષણ ક્યાંથી મળે આજથી વધારે મમ્મી તેનું ધ્યાન રાખવાનું છે પણ જાનવી ને તો તેના પપ્પાની વાત ગમતી જ નથી તે તેને ઇગ્નોર કરે છે તેના પપ્પાને મનમાં એમ થાય છે તો જાનવી એ કેમ બદલાઈ ગઈ છે તે મારી સાથે આવું વર્તન કેમ કરી રહી છે તેની મમ્મીને પણ એવો અહેસાસ થાય છે કે જાનવી તેના પપ્પા પોતે થોડાક વધારે કમી થઈ ગઈ લાગે છે પણ તે બંને કંઈ બોલતા નથી અને ચૂપ રહે છે. 

પછી, સાંજે જાનવી પોતાના રૂમમાં બેઠી હતી ત્યાં જ એની બહેનપણીનો ફોન આવ્યો.

"જાનવી! તું તૈયાર છે ને? આજે રાત્રે આપણી કોલેજની સરસ પાર્ટી છે, તારે આવવાનું જ છે!" બહેનપણીએ ઉત્સાહથી કહ્યું.

જાનવીએ તરત જ ના પાડી દીધી, "ના યાર, મારે આજે પાર્ટીમાં નથી આવવું. તમે લોકો જાઓ અને એન્જોય કરો."

પણ એની બહેનપણીઓ માનવા તૈયાર નહોતી. "એવું થોડું ચાલે? અમે તને લેવા માટે તારા ઘરે જ આવીએ છીએ, તારે આવવું જ પડશે. એટલે શાંતિથી તૈયાર રહેજે!"

જાનવીએ ફરી ઘસીને ના પાડી, "ના એટલે ના, મારે નથી જ આવવું!"

બાજુમાં બેઠેલી એની મમ્મી અને એની બહેન આ બધું સાંભળતા હતા. ફોન મૂકાયા પછી મમ્મીએ નવાઈ પામીને પૂછ્યું, "કેમ જાનવી, આજે તારે પાર્ટીમાં નથી જવું? તું તો આવી કોલેજ પાર્ટીઓ માટે હંમેશા ઘેલી થતી હોય છે! દર વખતે તો તું સૌથી પહેલા તૈયાર થઈ જાય છે, તો આજે કેમ ના પાડે છે?"

જાનવી પોતાની સાચી વાત (કે એની પાસે પૈસા નથી અને એ ખોટો ખર્ચો કરવા નથી માંગતી) છુપાવતા ધીમેથી બોલી, "ના મમ્મી, એવું કઈ નથી. બસ મારે આજે કોલેજનું ઘણું લેસન બાકી છે એટલે મારે ભણવું છે."

થોડી જ વારમાં એની બહેનપણીઓ ઘરે આવી પહોંચી. જાનવીએ એમને પણ ખૂબ સમજાવવાની કોશિશ કરી, પણ બહેનપણીઓએ એનું એક ન સાંભળ્યું. એ બધી મળીને જાનવીને પરાણે તૈયાર કરીને પોતાની સાથે પાર્ટીમાં ખેંચી ગઈ.

પાર્ટીનો માહોલ ખૂબ જ ધમાકેદાર હતો. રંગબેરંગી રોશની ઝળહળી રહી હતી, ડીજેના તાલ પર મોટેથી મ્યુઝિક વાગી રહ્યું હતું અને કોલેજના બધા જ વિદ્યાર્થીઓ ધમાલ-મસ્તી સાથે ડાન્સ કરી રહ્યા હતા. ચારેય બાજુ હાસ્ય, મજાક અને સેલ્ફી લેવાનો કોલાહલ મચેલો હતો.

એ જ પાર્ટીમાં મનોજ પણ આવ્યો હતો. મનોજ પોતે એક એથલીટ અને રેસ્લર હતો, જે બીજા લોકોને ટ્રેનિંગ અને પ્રેક્ટિસ કરાવીને કમાણી કરતો હતો. જાનવી પાર્ટીના એક ખૂણામાં ચિંતાતુર ઊભેલી જોઈને મનોજ તેની પાસે આવ્યો.

જાનવીએ મનોજને કહ્યું, "મનોજ, મારે તારી પાસે એક મદદ જોઈએ છે. મારે મારી જાતે પૈસા કમાવા છે, શું તું મને ક્યાંક ટ્યુશન કે કોચિંગ અપાવી શકે? જેથી હું પણ મારી મમ્મી માટે કંઈક કરી શકું."

મનોજે સ્મિત સાથે આશ્વાસન આપતા કહ્યું, "હા જાનવી, એમાં શું મોટી વાત છે! હું તને ચોક્કસ ટ્યુશન અપાવવામાં મદદ કરીશ."

તે પછી પાર્ટીમાં જાનવીનો બોયફ્રેન્ડ પણ આવ્યો. બહેનપણીઓ જાનવીને કહી રહી હતી કે આજ રાત્રે તેનો બોયફ્રેન્ડ એને ખાસ પ્રપોઝ કરવાનો છે.

પણ જાનવીનું ધ્યાન કે મન પાર્ટીમાં બિલકુલ નહોતું. એના મગજમાં તો મમ્મીની બીમારી, દવાની જરૂરિયાત અને ઘરની સ્થિતિ જ ફરતી હતી.

હજુ તો તેનો બોયફ્રેન્ડ એની નજીક આવીને પ્રપોઝ કરવા જતો જ હતો, ત્યાં જ જાનવી એને કઈ કહેવા દે તે પહેલા જ ત્યાંથી ખસી ગઈ. પાર્ટીમાં એક બીજો ખૂબ જ દેખાવડો છોકરો (પ્રેમ) (પ્રેમ એ તેના જ ક્લાસમાં ભણતો એક છોકરો છે અને તે તેનો ફ્રેન્ડ પણ છે )ઊભો હતો. જાનવી સીધી એ દેખાવડા છોકરા (પ્રેમ) પાસે ગઈ અને એને કહ્યું, "મારું માથું બહુ દુખે છે, પ્લીઝ તું મને અત્યારે ને અત્યારે ઘરે મૂકી જઈશ?"

એ છોકરો પણ તૈયાર થઈ ગયો અને જાનવી તેના બોયફ્રેન્ડને કે પોતાની બહેનપણીઓને કાંઈ પણ કહ્યા વગર એ દેખાવડા છોકરા સાથે પાર્ટીમાંથી બહાર નીકળી ગઈ.

To be continue......