એક ટીપું - એક જીવન Rainy Den દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ટીપું - એક જીવન

એક ટીપું — એક જીવન 


પહાડ ક્યારેય કોઈની રાહ જોતો નથી.

વિક્રમ આ વાત જાણતો હતો. છતાં આજે એ ત્યાં હતો — થાકેલો, હારેલો, ખાલી. ત્રણ વર્ષની મહેનત, એક સ્વપ્ન, અને છેલ્લે — નિષ્ફળતા. બિઝનેસ ડૂબી ગયો હતો. પૈસા ગયા હતા. અને સૌથી વધારે — વિશ્વાસ ગયો હતો. પોતાના પર નો.

શહેર છોડીને પહાડ પર આવ્યો હતો. કારણ નહોતો ખબર. બસ પગ ચાલ્યા — અને અહીં આવી ગયો.

જંગલ ઘેરું હતું. શાંત હતું. એ શાંતિ વિક્રમને અજીબ લાગી — એના મનમાં તો તોફાન હતું.

અને પછી — વરસાદ આવ્યો.

પહેલાં એક ટીપું. પછી બીજું. પછી આખું આકાશ વરસી પડ્યું.

વિક્રમ ઊભો રહ્યો. ભાગ્યો નહીં. ભીંજાવા દીધો પોતાને — કારણ કે હવે શું ગુમાવવાનું હતું?

ત્યારે એની નજર એક નાનકડા છોડ પર પડી.

પથ્થરની તિરાડમાં ઊગેલો એ નાનકડો છોડ — ચારે બાજુ ફક્ત કઠણ પથ્થર, ન માટી, ન પાણી, ન છાંયો. છતાં એ ઊભો હતો. નાનો હતો, કદાચ નબળો પણ હતો — પણ હતો.

વિક્રમ એની સામે જોઈ રહ્યો.

વરસાદ પડતો રહ્યો. ટીપાં એ નાનકડા છોડ પર પડ્યાં. છોડ ઝૂક્યો — પણ તૂટ્યો નહીં. ફરી સીધો થઈ ગયો. ફરી ઝૂક્યો. ફરી સીધો.

વિક્રમની આંખો ભીની થઈ ગઈ — વરસાદથી નહીં.

એણે વિચાર્યું — આ છોડને કોઈએ નથી કહ્યું કે અહીં ઊગી શકાય. કોઈએ નથી કહ્યું કે પથ્થરમાં જગ્યા છે. કોઈએ નથી આપ્યો સહારો. છતાં એ ઊગ્યો. છતાં એ ઊભો છે.

અને હું?

મને તો માટી હતી. પાણી હતું. સાથ હતો. છતાં એક તોફાનમાં હારી ગયો?

વરસાદ ધીમો થવા લાગ્યો.

વિક્રમ બેઠો — પથ્થર પર, ભીના કપડે, ખાલી ખિસ્સે. પણ કંઈક ભરાઈ રહ્યું હતું અંદર — ધીરે ધીરે, વરસાદના ટીપાંની જેમ.

એણે પેલા નાનકડા છોડને હળવેથી સ્પર્શ કર્યો.

"તેં શીખવ્યું," એ બોલ્યો — કોઈ સાંભળે કે ન સાંભળે.

પહાડ પરથી ધુમ્મસ ઓછું થઈ ગયું. સૂરજ બહાર આવ્યો. ભીના પાંદડાં ચળકી ઊઠ્યાં, જાણે હજારો નાના દીવા એકસાથે જળહળ્યા.

વિક્રમ ઊભો થયો.

એક ઊંડો શ્વાસ લીધો — ભીની માટીની સોડમ, વરસાદની તાજગી, અને અંદરથી આવતી એક નવી તાકાત.

પથ્થરની તિરાડમાં ઊગી શકાય — તો મારાથી પણ ઊગી શકાશે.

આ વખતે — હારેલો નહીં. શીખેલો.

છ મહિના પછી — એ જ પહાડ પર, એ જ વૃક્ષ પાસે — વિક્રમ ફરી આવ્યો.   

એ છ મહિના સહેલા નહોતા.

શહેર પાછો ગયો ત્યારે ઘરમાં ફક્ત ખાલી દીવાલો હતી. બેંક એકાઉન્ટમાં ફક્ત થોડા રૂપિયા. મિત્રો દૂર થઈ ગયા હતા — કારણ કે સફળ માણસ સાથે બધા હોય, નિષ્ફળ માણસ સાથે ઓછા. રાત્રે ઊંઘ નહોતી આવતી. એક એક દિવસ ભારે પથ્થર જેવો હતો.

પણ દર વખતે — જ્યારે હાર માનવાનું મન થતું — એ નાનકડો છોડ આંખ સામે આવી જતો.

પથ્થરની તિરાડમાં ઊગેલો. ઝૂકેલો પણ તૂટેલો નહીં.

પહેલો ગ્રાહક આવ્યો — નાનો હતો, પૈસા ઓછા હતા. પણ વિક્રમે એવું કામ કર્યું જાણે આ દુનિયાનો સૌથી મોટો ગ્રાહક હોય. બીજો ગ્રાહક આવ્યો. પછી ત્રીજો. ધીરે ધીરે — ટીપે ટીપે — જેમ વરસાદ જમીનને ભીંજવે, તેમ વિક્રમનું જીવન ફરી લીલું થવા લાગ્યું.

અને આજે — એ ફરી પહાડ પર હતો.

 

એની આંખો ભીની થઈ — પણ આ વતે દર્દથી નહીં. કૃતજ્ઞતાથી.

દરેક ટીપું કંઈક લઈ આવે છે.અને  એ ટીપું લઈ આવ્યું હતું વિક્રમની સૌથી મોટી જીત.પોતાની જાત પર નો — વિશ્વાસ.