સ્ટોરી @ 100 hiren joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ટોરી @ 100

શહેરની વરચો વરચ એક લાઈબ્રેરી આવેલી. જ્યાં પુસ્તક વાંચકોની સાથે મન મોજીલા રસિકોનો પણ જમાવડો રહેતો. ફરક એટલો કે પુસ્તક વાચકો અંદર રહેતા અને જેમને વાંચવાનો શોખ નથી, તેઓ બહાર ચાની કેબીન પાસે. કેબીન પાસે ગોઠવેલા બાંકડા પર બેઠા બેઠા અનેક પુરુષો લાઈબ્રેરીમાં બેઠેલા નેહા મેડમ ને ટગર ટગર જોયા રાખે. લાઈબ્રેરી એક પ્રાઇવેટ સ્કૂલ ચલાવતી હતી. જેનો હેતુ પુસ્તક શોખીનો ને વાંચવા માટે મટેરીયલ મળી રહે. પણ, અન્ય વિષયના રસિકો પણ ત્યાં જોવા મળતા. 

આ વાતથી નેહા મેડમ વાકેફ ખરા. નેહા મેડમ ત્યાંના લાઈબ્રેરીયન હતા. ક્યારેક બહુ લાગે તો મેડમ બારી વાસી દેતા એટલે ટપોરી બપોરી બધા શાંત. પણ, એ લિસ્ટમાં એક નીતિન નામનો પચીસેક વર્ષનો છોકરો. જે દેખાવે વ્યવસ્થિત લાગે એટલે ટપોરી નહીં, પણ વાંચવાનો તેને શોખ જરાય નહીં. તે પણ ઓફિસે થી છૂટી એકાદ કલાક લાઈબ્રેરી સામે હોટલે ચા પીવા બેસે. ચાનો બંધાણી નહીં પણ થઈ ગયો હતો. લાઈબ્રેરી સવારે અને સાંજે એક-એક કલાક ખુલે. 

છેલ્લા એક અઠવાડિયામાં લાઇબ્રેરીની બારી ખુલી નહીં, બંધ જ રહી. એટલે નીતિન થી રહેવાણુ નહીં. તે એક દિવસે લાઈબ્રેરીમાં ચડી ગયો. સીઘી તો મેડમ થી વાત થાય નહીં એટલે પુસ્તકો વિશે મેડમ ને પૂછવા લાગ્યો. પાંત્રીસ વર્ષના નેહા મેડમ બહુ હોશિયાર તેઓ નીતિન ની મનસા અને મનઃસ્થિતિ જાણી ગયા. બેએક દિવસ આવું ચાલ્યું. નીતિન એક કલાક સવારે અને એક કલાક સાંજે લાઈબ્રેરીમાં આવે. વાંચવાથી વધારે તે પૂછપરછ કરે અને વાંચન બહુ ઓછું. વળી, બીજાને ડિસ્ટર્બ પણ કરે. 

નીતિન બહુ શાણો નીકળ્યો. ત્રીજા દિવસે તેણે નેહા મેડમને ખરાબ રીતે હાથમાં સ્પર્શ કર્યો. એકવાર નહીં ત્રણ વાર તેને પોતાની હરકત અજમાવી. દરેક વખતે એણે એવો અભિનય કર્યો કે હાથ અજાણતા અડી ગયો હોય અને સોરી કહી દેતો. માટે નેહા મડમ કંઈ બોલી ન શક્યા પણ સમજી બધું ગયા. તેઓ બોલ્યા કંઈ નહીં પણ નીતિન ની આ હરકતે તેમને બહુ ડિસ્ટર્બ કરી નાખ્યા. તે રાત્રે એ વિચારમાં તેમને ઊંઘ પણ મોડી આવી. 

નેહા મેડમ દેખાવે સુંદર નવયુવાન લગતા. પાંત્રીસની ઉંમરે પણ તેઓ નવપરણિત લાગતા. તેમની પંદર વર્ષની છોકરી હતી. જે તેમની નાની બહેન લગતી. નેહા મેડમ ના શરીરનો આકાર અને વર્ણ કોઈ પણ પુરુષને આકર્ષિત કરે તેવો હતો. મોટા ભાગે તેઓ સાડી પહેરતા પણ અમુક કલરની સાડીઓમાં તે કોઈ અપ્સરા થી ઓછા ન લાગતા. યુવાનીમાં (કોલેજ સમયે) પણ તેમની સાથે વાત કરવા અનેક સ્ટુડન્ટો લાઈન લગાવતા. કોઈ નવા નવા બહાના શોધતા. તેમને લિફ્ટ આપવા મિત્રો પાસેથી નવી નવી બાઈકો ઉધાર લઈ આવતા. એટલામાં કામ ન બનતું તો નેહાની ફ્રેન્ડોને ચોકલેટ અને સમોસા ખવડાવતા જેથી તેનો ફોન નંબર મેળવી શકાય અથવા તેની સાથે મિત્રતા કરવામાં ઉપયોગ કરી શકાય. આવી અનેક લાલચો અને પેતરાઓ નેહા મેડમે વહેલી ઉંમરે જ જોઈ લીધા હતા. એ બધા વરચે તેમને નમન ને સાથી તરીકે પસંદ કર્યો હતો. જે તેના મોટા ભાઈનો સાળો હતો.


ચોથા દિવસે નેહા મેડમે એક યુક્તિ કરી. લાઈબ્રેરી બંધ કરવાની પાંચ મિનિટ પહેલા નેહા મેડમ ઉભા થયા અને બોલ્યા આવતા અઠવાડિયે રક્ષાબંધન છે જેની ઉજવણી આપણે લાઈબ્રેરીમાં કરવાની છે. અહીં વાંચવા આવતા બધા બહેનો અહીં આવતા ભાઈયોને રાખડી બાંધશે અને તેમની લાંબી આયુષ્ય માટે પ્ર્રાર્થના કરશે. નીતિનની સામે જોઈ તે બોલ્યા નીતિન ભાઈ તમે મારી પાસે રાખડી બંધાવશો ને ? 

નીતિન ને ચાલુ પંખે પસીનો છૂટવા લાગ્યો. કોઈપણ જવાબ આપ્યા વગર તે સીધો બહાર નીકળી ગયો અને બુક પણ લેતો ગયો. જેનું ટાઇટલ હતું . . .

અંજાન સફર અકેલા રાહી