ગતાંકથી...
ક્યારેક સામાન્ય લાગતા બે બોલ પણ કોઈના જીવનને સાચી દિશા બતાવી દે છે. એ વાત લવના જીવનમાંથી સાર્થક થઈ ગઈ હતી.
ફ્રેશ થઈને તેણે નાસ્તા માટે સિટી તરફ જવાનું વિચાર્યું. પછી ત્યાંથી સીધું ઘરે જવાનું પણ મન બનાવી લીધું.
પણ તેને ક્યાં ખબર હતી કે આજે એની જિંદગીમાં એક એવી કડી જોડાવાની હતી, જેનો સંબંધ તેની સામે જ ઊભેલી એક વ્યક્તિ સાથે હતો…
અને એ વ્યક્તિનું નામ હતું...નિત્યા.
પરંતુ લવ માટે…એ હજુ પણ માત્ર એક નામ હતું
લાગણી.
હવે આગળ...
આ તરફ…
નિત્યા તૈયાર થઈને ઘરની બારી પાસે ઊભી રહી.
સવારનો નરમ તડકો તેના ચહેરા પર પડી રહ્યો હતો. બહારનું આકાશ નિર્મળ હતું, પરંતુ નિત્યાના મનમાં જાણે વાદળો ઘેરાયેલા હતા.
થોડીવાર પહેલાં જ જે હૃદય પ્રેમની એક સુંદર પળમાં ડૂબી ગયું હતું…
એ જ હૃદય હવે અચાનક ખાલી લાગતું હતું.
એણે ધીમેથી બારીની બહાર જોયું.
“આવું કેમ થાય છે?” એણે મનમાં વિચાર્યું.
“કોઈ વ્યક્તિ સાથેની એક પળ એટલી ખાસ બની જાય છે કે આખી દુનિયા સુંદર લાગે…”
“અને પછી એ જ વ્યક્તિ અચાનક દૂર થઈ જાય ત્યારે બધું ખાલી કેમ લાગે?”
નિત્યાની નજર ટેબલ પર પડેલી પોતાની બીજી નોટબુક પર ગઈ.
એણે તેને હાથમાં લીધી.
એક ક્ષણ માટે એની આંગળીઓ કવર પર અટકી.
આ નોટબુકમાં એ પોતાના નામથી કંઈ લખતી નહોતી.
નિત્યા તરીકે નહીં.
એ અહીં હતી-લાગણી.
એણે નોટબુક ખોલી અને એક પાનું વાંચ્યું.
“કેટલાક સંબંધોને નામ આપી શકાય નહીં. તેથી કદાચ મેં પોતાને જ એક નામ આપી દીધું છે… લાગણી.”
નિત્યાએ નોટબુક બંધ કરી.
એના ચહેરા પર એક ક્ષણ માટે દુઃખભર્યું સ્મિત આવ્યું.
લાગણી…
આ નામ એની ઓળખ નહોતું.
આ એની અંદર છુપાયેલી દુનિયા હતી.
જે દુનિયા વિશે કોઈ જાણતું નહોતું.
બહારથી કારનું હોર્ન સંભળાયું.
નિત્યા પોતાના વિચારોમાંથી બહાર આવી.
એણે બેગ ઉઠાવી, દરવાજો લોક કર્યો અને નીચે ઉતરી ગઈ.
ડ્રાઈવરે નમ્રતાથી કારનો દરવાજો ખોલ્યો.
“મેમ, સ્કૂલ જવાનું છે ને?”
નિત્યાએ હળવું સ્મિત કર્યું.
“હા.”
કાર શહેરના રસ્તાઓ પર દોડવા લાગી.
નવા રસ્તા…
અજાણ્યા ચહેરા…
નવી ગલીઓ…
નિત્યા બારીમાંથી બહાર જોતી રહી.
મન ગભરાતું હતું.
પરંતુ અંદરથી એક અવાજ આવતો હતો...
“તું કરી શકીશ.”
થોડીવારમાં કાર સ્કૂલના ગેટ પાસે આવીને ઊભી રહી.
મોટી બિલ્ડિંગ…
બાળકોના અવાજોથી ગુંજતું કેમ્પસ…
નવા ચહેરાઓ…નવો માહોલ…
નિત્યાની આંખો સામે એની જૂની સ્કૂલ તરવરી ઊઠી.
એ કાશીપર ગામ…જૂના વિદ્યાર્થીઓ…
એ લોકો…એ લાગણીઓ…
એ સરળ સંબંધો…
“કેટલી મજા હતી ત્યાં…”
એણે ધીમેથી કહ્યું.
પણ ડ્રાઈવરના અવાજથી એ વિચારોમાંથી બહાર આવી.
“મેમ, પહોંચી ગયા.”
નિત્યા કારમાંથી નીચે ઉતરી.
દરેક પગલું એને એની જૂની ઓળખથી દૂર લઈ જઈ રહ્યું હતું.
પરંતુ એને ખબર નહોતી…
કે આ નવી શરૂઆત સાથે એની જૂની કહાની પણ ધીમે ધીમે એની તરફ પાછી આવી રહી હતી.
બીજી તરફ…
લવ શહેરની એક નાની કેફેમાં બેઠો હતો.
સામે ચા હતી.
અને હાથમાં…એ જ ડાયરી.
ટ્રેનમાં કોઈ અજાણી છોકરીની ભૂલાય ગયેલ ડાયરી.
લવ હવે એટલું જાણતો હતો કે આ ડાયરીની માલિકનું નામ કદાચ.....લાગણી હશે
કારણ કે ડાયરીના દરેક પાનાં પર એ નામ ક્યાંક ને ક્યાંક જીવતું હતું.
પરંતુ લવને ખબર નહોતી…
કે લાગણી કોઈ વ્યક્તિનું સાચું નામ નહોતું.
એ તો નિત્યાની પોતાની પસંદ કરેલી ઓળખ હતી.
એનું ગુપ્ત નામ.એના દિલની ભાષા.
લવે ડાયરીનું એક પાનું ખોલ્યું.
એમાં લખેલું હતું..્
“ક્યારેક અજાણ્યા લોકો પણ પોતાના બની જાય છે, અને પોતાના… અજાણ્યા બની જાય છે.”
લવ થોડા સમય માટે શાંત થઈ ગયો.
આ વાક્ય એને પોતાના જીવન સાથે જોડાયેલું લાગ્યું.
એણે ધીમેથી કહ્યું,
“આ તો મારી જ કહાની લાગે છે…”
એણે ડાયરીના બીજા પાનાંઓ ફેરવ્યા.
ક્યાંય પણ કોઈ સરનામું નહોતું.
કોઈ ફોન નંબર નહોતોના કોઈ ઓળખ હતી.
માત્ર લાગણીઓ....યાદો.
અને એકમાત્ર નામ....લાગણી.
લવના મનમાં સવાલ ઊઠ્યો..!
“આ સાચું નામ છે કે કોઈ ઉપનામ?”
એણે ડાયરી બંધ કરી.
પછી ફરી ખોલી.
“તું ખરેખર કોણ છે?”
એણે પાનાંઓને જોઈને ધીમેથી પૂછ્યું.
જવાબ તો આવવાનો નહોતો.
પણ લવના મનમાં એક નિર્ણય જન્મી ચૂક્યો હતો.
“મારે આ ડાયરી એની માલિક સુધી પહોંચાડવી જ પડશે.”
અને કદાચ…
એના કરતાં પણ વધારે…
“મારે લાગણીને શોધવી જ પડશે.”
એણે ડાયરીનું બીજું પાનું ખોલ્યું.
આ વખતે એક સ્કેચ હતો.
એક છોકરીનો ચહેરો.
સુંદર ચહેરો…
પરંતુ આંખોમાં અજબ ઊંડાણ.
લવ લાંબા સમય સુધી એ સ્કેચને જોતો રહ્યો.
“આ જ હશે લાગણી?”
એણે ધીમેથી કહ્યું.
પરંતુ તરત જ પોતાને અટકાવ્યો.
“કે પછી… આ માત્ર એની કલ્પના છે?”
સ્કેચમાં કોઈ નામ નહોતું.
કોઈ ઓળખ નહોતી.....માત્ર આંખો હતી.
અને એ આંખોમાં જાણે એવી પીડા હતી…
જે લવને પોતાની જ અંદરની પીડા જેવી લાગતી હતી.
એણે ડાયરી બંધ કરી.
પણ એ ચહેરો એની આંખોમાંથી દૂર ન થયો.
લવ કેફેમાંથી બહાર નીકળ્યો.
રસ્તામાં જ મમ્મીનો કોલ આવ્યો.
“લવ, ક્યારે આવીશ ઘરે?”
“મમ્મી, આજે જ આવીશ… બસ થોડીવારમાં.”
“તું ઠીક છે ને બેટા?”
લવ થોડો સમય ચૂપ રહ્યો.
પછી ધીમેથી બોલ્યો:
“હા મમ્મી… હવે હું ખરેખર ઠીક છું.”
પણ ફોન બંધ કર્યા પછી એની નજર ફરી ડાયરી પર ગઈ.
એ જાણતો હતો…એ ખરેખર ઠીક થયો નહોતો.
એ તો માત્ર પોતાની પીડાથી બીજી કોઈની પીડા તરફ વળી ગયો હતો.
અને ક્યારેક…
બીજાની કહાનીમાં આપણે પોતાની કહાની શોધી કાઢીએ છીએ.
ઘરે પહોંચતા જ મમ્મીએ દરવાજો ખોલ્યો.
એક ક્ષણ માટે બંને એકબીજાને જોતાં રહ્યા.
પછી મમ્મીએ લવને ગળે લગાવી લીધો.
“તું ઠીક છે ને બેટા?”
લવની આંખો ભીની થઈ ગઈ.
“હા મમ્મી…”
એણે ધીમેથી કહ્યું:
“હવે હું ખરેખર ઠીક છું.”
તે રાત્રે…
લવ પોતાના રૂમમાં બેઠો હતો.
બહાર ચાંદની રાત હતી ને અંદર વિચારોનો દરિયો.
સામે ફરીથી એ જ ડાયરી.
એણે એક પછી એક પાનાં વાંચવા શરૂ કર્યા.
દરેક પાનાંમાં નિત્યાનું મન હતું.
પરંતુ નિત્યા નામ ક્યાંય નહોતું.
એણે પોતાનું સાચું નામ જાણે પોતાની જ લાગણીઓથી છુપાવી દીધું હતું.
દરેક પાનાં પર માત્ર એક જ ઓળખ જીવતી હતી
લાગણી..... લાગણી.... લાગણી
લવ એક પાનાં પર અટકી ગયો.
એમાં લખેલું હતું...
“હું કોણ છું? કદાચ આ સવાલનો જવાબ મને પણ ખબર નથી. તેથી આજે હું મારા માટે એક નામ પસંદ કરું છું— લાગણી.”
લવ ધીમેથી એ શબ્દોને વાંચતો રહ્યો.
“લાગણી…”
એણે ધીમેથી ઉચ્ચાર્યું.
એ જ સમયે…
બીજી તરફ નિત્યા પોતાના રૂમમાં બેઠી હતી.
એણે પોતાની નોટબુક ખોલી.
એ જ પાનું…એ જ શબ્દો…
એ જ નામ લાગણી.
એક જ સમયે…બે અલગ જગ્યાએ…
એક જ વ્યક્તિનું લખાણ એક અજાણ્યો માણસ વાંચી રહ્યો હતો.
અને એ જ વ્યક્તિ…
પોતાની જ લખેલી લાગણીઓથી અજાણ હતી કે કોઈ તેને શોધી રહ્યું છે.
નિત્યાએ ફોન હાથમાં લીધો.
પ્રથમનો ચેટ ખોલ્યો.
થોડીવાર સુધી સ્ક્રીન જોતાં રહી.
એણે લખ્યું
“તમે ક્યારે આવશો?”
પછી મેસેજ ડિલીટ કરી નાખ્યો.
“ના…”
એણે પોતાને જ કહ્યું.
“હવે હું પહેલા જેવી નબળી નહીં બનું.”
ફોન બાજુ પર મૂકીને એ બારી પાસે ગઈ.
બહાર ચાંદ હતો.
નિત્યાએ આકાશ તરફ જોયું.
એના મનમાં એક વિચાર આવ્યો
“કદાચ કોઈ મને શોધતું હશે?”
એ તરત જ હળવું હસી.
“કેટલી મૂર્ખ છું હું…”એણે પોતાને જ કહ્યું.
પણ એને શું ખબર હતી…
કે એ જ સમયે શહેરના બીજા છેડે કોઈ અજાણ્યો માણસ એની ડાયરી હાથમાં લઈને બેઠો હતો.
અને એ માણસ…
એને શોધવાનો નિર્ણય કરી ચૂક્યો હતો.
લવે ડાયરી બંધ કરી.
એણે છેલ્લી વાર એની ઉપર હાથ ફેરવ્યો.
“લાગણી…”
એણે ધીમેથી કહ્યું.
“હું તને શોધીશ.”
અને બીજી તરફ…
નિત્યા પોતાની નોટબુકમાં લખી રહી હતી.
“કદાચ કોઈ દિવસ કોઈ મને મારા નામથી નહીં… મારી લાગણીઓથી ઓળખશે.”
નિત્યાએ પેન રોકી.
થોડી ક્ષણ માટે એ વાક્યને જોયું.
પછી નીચે માત્ર એક શબ્દ લખ્યો...લાગણી.
બે અલગ જગ્યાએ…
એક જ વ્યક્તિ.
એક જ નામ.
એક જ અધૂરી કહાની.
લવ “લાગણી”ને શોધી રહ્યો હતો.
અને નિત્યા…
એ જાણતી પણ નહોતી કે એની અંદરની “લાગણી” હવે કોઈ બીજાના જીવનમાં પ્રવેશી ચૂકી હતી.
પરંતુ સૌથી મોટો સવાલ હવે એ હતો
લવ જ્યારે નિત્યાને મળશે…
ત્યારે શું એને ખબર પડશે કે સામે ઊભેલી આ જ સ્ત્રી એ “લાગણી” છે જેને તે શોધી રહ્યો છે?
કે પછી…
નિત્યા પોતે જ પોતાની ઓળખ છુપાવીને એની સામે ઊભી રહેશે?
ક્રમશઃ…🌷