આજે સવાર થી જ અમારી સંસ્થા માં ચહલ પહલ ચાલી રહી હતી . આજે હતો " આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ".
એના અનુસંધાન માં જ એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં શહેર ની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ને આમંત્રણ આપવામાં આવ્યું હતું . એ ઉપરાંત શહેર ના સામાજિક કાર્યકર્તાઓ ,
મહિલા મંડળ ની બહેનો , પત્રકારો અને સમાજ માટે કઇંક કરી છૂટવાની ધગશ ધરાવતી યુવા પેઢી પણ હાજર રહી હતી . મોટી સંખ્યા માં લોકોની હાજરી નું મુખ્ય આકર્ષણ હતું , સરયૂબેન નું
મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેવું . સરયૂબેન ની સમાજ માં આગવી ઓળખ હતી . સ્વભાવે શાંત , ઠરેલ , મુત્સદ્દી અને સ્પષ્ટવક્તા .. તેમના વિચારો માં તર્ક હતો , સચોટ દલીલો હતી ,
સાચા ખોટા ની સમજ હતી , એક સમાધાન હતું ..!! પારંપારિક રીતે દીપમાળા પ્રગટાવી , નાની કન્યાઓ એ શ્રી ગણેશજી અને મા સરસ્વતી દેવી ની સ્તુતિ ગાઈ ને સુંદર નૃત્ય રજૂ કર્યું .
સંસ્થા પ્રમુખે ઉપસ્થિત રહેલા સર્વે નો આભાર માન્યો . સંસ્થા ની પ્રવૃતિઓ અને પ્રગતિ નો ટૂંક માં અહેવાલ આપી તેમણે સરયૂબેન ને આદર સાથે મંચ પર આવવા જણાવ્યું . એ સાથે જ
આખો હોલ તાળીઓ થી ગુંજી ઉઠ્યો .....!!!
માઇક હાથ માં લઈને સહુ પ્રથમ તેમણે ઉપસ્થિત રહેલા સર્વે શ્રોતા જન નું સ્વાગત કર્યું .. વક્તવ્ય ની શરૂઆત કરતાં
કહ્યું , " આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ના પ્રસંગે આપણે સહુ અહીં ભેગા થયાં છીએ .. સ્વાભાવિક જ આજના વિષય નું મુખ્ય કેન્દ્ર છે ' મહિલા ' . આપણે એને કેટલા નામો થી ઓળખીએ
છીએ ..... એના કેટ કેટલા રૂપ જોયા છે - જાણ્યા છે ....!! પણ મારે તો આજે વાત કરવી છે , દરેક પેઢી માં જીવી ગયેલી અને જીવી રહેલી સ્ત્રી ની મનઃ સ્થિતિ ની .... કદાચ એનો કોઈએ
ઊંડો અભ્યાસ નથી કર્યો ....અથવા કહો કે કોઈને એની જરૂર જણાઈ પણ જણાઈ નથી ....!!
આપણે આપણા વડીલો નો સમય કાળ જોઈએ ....... એ જમાના માં સ્ત્રી - શિક્ષણ નું પ્રમાણ નહિવત હતું .
લખતા - વાંચતા આવડે એજ ઘણું હતું . બાળ વિવાહ નો યુગ હતો ....નવ થી પંદર વર્ષ માં તો છોકરી ઓ ના લગ્ન લેવાઈ જતાં . સંયુક્ત કુટુંબો અસ્તિત્વ માં હતા . નાની ઉંમર માં જ
છોકરીઓ ના માથે આખા કુટુંબ ની જવાબદારી આવી પાડતી . રસોઈ કરવી , ઘરકામ કરવું , બાળકોને સાચવવા , અને કુટુંબ ના દરેક સભ્યો ની સંભાળ રાખવી એ જ એના જીવન નું
ધ્યેય બની રહેતું .... હોઠ સીવેલા જ રહેતા ... ઘર ની ચાર દીવાલો માં જ એનું વિશ્વ સમાઈ જતું હતું ..નાનપણ થી જ અનેક સારા નરસા અનુભવો ની એ મૂક સાક્ષી બની રહેતી .. પરિણામે
અચાનક જ એ ઠરેલ અને જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રી બની ગઈ ... આ મહિલા વર્ગ ભણેલો નહોતો , પણ ગણેલો ચોક્કસ હતો .... એક ગજબ ની કોઠા સૂઝ આ સ્ત્રીઓ માં હતી .
પોતાની અધૂરી રહેલી કે વણ સંતોષાયેલી ઈચ્છાઓ ને એમણે એમના સંતાનો દ્વારા પૂરી કરવા કમર કસી ....!!
.....અને એમની એ 'દીકરીઓ' એટલે જ આજ ની છ દાયકા વટાવી ચૂકેલી જ્ઞાન સભર મહિલાઓ ...!!
એમના જન્મ નો યુગ એક ક્રાંતિ નો યુગ હતો . .. સામાજિક સુધારણા અને સ્ત્રી શિક્ષણ ની હિમાયત નો યુગ હતો . દરેક માતા - પિતા પોતાની દીકરીઓ ને એટલું શિક્ષણ તો જરૂર આપવા
માંગતા કે જેથી દીકરી સ્વાવલંબી બની શકે .. પોતાના પગ ઉપર ઊભી રહી શકે .. સંજોગવશાત પતિ ની પૂરક પણ બની રહે .... આ જમાના ની છોકરીઓ ને ઊંચા માં ઊંચું શિક્ષણ લેવાની
પૂરી સગવડ મળી રહેતી .. પરંતુ .....શિક્ષણ ની સાથે સાથે તેમને ઘરકામ અને રસોઈ કળા ને પણ પ્રાધાન્ય આપવામાં આવતું .. " દીકરી એ પારકા ઘરે જવાનું છે અને ત્યાં જ સમાઈ જવાનું
છે " એ સંસ્કાર પણ મૂળ માં હતા .. આમ આ યુગ ની સ્ત્રીઓ શિક્ષણ માં અને ઘર ના કામકાજ માં એમ બંને રીતે ઘડાઈ ને તૈયાર થઈ હતી ....!!
વડીલો નો આદર કરવો , પતિ ને માન આપવું અને ઘર નું વાતાવરણ આનંદિત રાખી - 'ઘર ' ને સ્વર્ગ
બનાવવાની કળા સ્ત્રી ને જ હસ્તગત હોય છે , એવી શિખામણ ની ગાંઠ સાડી ના પલ્લે બાંધી એ શ્વસુર ગૃહે પ્રવેશ કરતી . આ સ્ત્રીઓ પાસે શિક્ષણ હતું , સંસ્કાર હતા અને સ્વતંત્ર વિચાર
કરવાની ક્ષમતા પણ હતી ....!! પરંતુ ...... ઘણા કુટુંબો માં આ જ વાત ઘર માં ટકરાવ નું મુખ્ય કારણ બનતી . એકહથું સત્તા ભોગવનાર " સાસુ " માટે અન્ય શિક્ષિત સ્ત્રી ને કુટુંબ માં
અપનાવવી સહેલું નહોતું . એક અકથ્ય ભય હમેશા એને સતાવતો ...... પરિણામે " વહુ " ને એ ક્યારેય 'દીકરી ' તરીકે અપનાવી ના શકી . જો ક્યારેક વહુ કોઈ વાત માં પોતાનો મત વ્યક્ત
કરવા જાય તો વાતવાત માં , " બહુ ભણેલા છો તે ખબર છે .." " તમારું ડહાપણ તમારી પાસે જ રાખો " જેવા વિશેષણો થી એને નવાજવામાં આવતી અને કયાં તેને દબાવી દેવામાં આવતી
દલીલબાજી થી ઘર નું વાતાવરણ ડહોળાઈ જશે અને દોષ નો ટોપલો પોતાના ઉપર જ આવશે , એ દહેશત થી આ સ્ત્રી ગમ ખાઈ જતી .. .. !! બધુ સમજવા છતાં એ ચૂપચાપ સહન કરી , ઘર
માં શાંતિ બનાવી રાખતી .. !! મિત્રો , આ વર્ગ ની મહિલાઓ વડીલો ની આમન્યા જાળવતી .....પતિ ના સારા નરસા સમયે તેની પડખે ઊભી રહેતી .....સંતાનો માં શિક્ષણ સાથે સ્વમાન
અને સ્વાભિમાન ના સંસ્કારો નું સિંચન કરતી ..' સ્વ ' ને વિસારી 'સર્વ ' નું ધ્યાન રાખતી ..!!!
બોલતા બોલતા સરયૂબેન નો અવાજ ગળગળો થઈ ગયો .. તેમના સ્વર માં કંપન નો અહેસાસ થયો .. સામે ટેબલ પર મૂકેલા ગ્લાસ માંથી તેમણે પાણી પીધું , ગળું ખંખેરી ને તુરંત જ સ્વસ્થતા
ધારણ કરી તેમનું વક્તવ્ય ચાલુ રાખ્યું ......
આમ આ મધ્ય યુગ ની સ્ત્રીઓ એ પોતાના શિક્ષણ અને સંસ્કારો ને ઉજાગર રાખી ને એક સુદઢ અને મજબૂત સમાજ ની રચના કરવામાં મોટો ફાળો આપ્યો છે . સુદઢ સમાજ ની ધરોહર સમી
આ મહિલાઓ એ અત્યારે જીવન ના ઉત્તમ કહેવાય એવા સોનેરી પાંચ થી છ દાયકા વિતાવી દીધા છે . જીવન માં ઘણા ઉતાર - ચઢાવ જોયા છે .. ગમે તેવા કપરા સંજોગો નો સામનો કરી ને
પણ સંતાનો ના ઉછેર માં કે પ્રગતિ માં કોઈ કચાશ નથી રાખી .. દીકરા અને દીકરી ના ઉછેર માં કોઈ ભેદભાવ નથી રાખ્યો .. અથવા તો કહીએ કે દીકરીઓ ને તો વધુ પ્રેમ થી , જતન થી
ઉછેરી ને એનું એક આગવું વ્યક્તિત્વ ઘડ્યું છે . એને સ્વમાની , સ્વાભિમાની , નીડર અને નિર્ભય બનાવી છે .....જેથી પોતાને જે સહન કરવું પડ્યું , એવું ક્યારેય કોઈ દીકરી ને સહન ના કરવું
પડે એજ એની મનોકામના રહી છે ..... તો બીજી બાજુ દીકરાઓ ને પણ સ્ત્રી દાક્ષિણ્ય ના સંસ્કાર અપાયા છે .....!!!
હવે વાત કરીએ આજ ની યુવા પેઢી ની .... આજે છોકરીઓ માં શિક્ષણ નું પ્રમાણ ઘણું ઘણું વધી ગયું છે ....
દરેક ક્ષેત્ર માં યુવતીઓ એ પોતાની હોંશિયારી અને વિદ્વત્તા ના જોરે કામયાબી ના શિખરો સર કર્યા છે .. આ આપણા સમાજ માટે અને રાષ્ટ્ર માટે ગૌરવ લેવા જેવી વાત છે ..!! જ્યારે
આપણી દીકરીઓ ની સાહસિકતા ની અને સફળતા ની વાતો સાંભળીએ છીએ ત્યારે ગર્વ થી માથું ઊંચું થઈ જાય છે . આ બધી વાત સાચી , પણ એક પ્રશ્ન મારા મન માં સતત ઘૂમરાયા કરે
છે . આ પ્રસંગે એ પ્રશ્ન પૂછવાની ઈચ્છા રોકી શકતી નથી . આખી કંપની કે આખા ડિપાર્ટમેંટ ની જવાબદારી સંભાળતી આજની કેટલીક યુવતીઓ , કુટુંબ ની કે સામાજિક જવાબદારી
સંભાળવામાં પાછી પાની કેમ કરે છે ? શું એને એની સ્વતંત્રતા છીનવાઇ જવાનો અવ્યક્ત ભય સતાવી રહ્યો છે ? કે પછી adjustment અને compromise જેવા શબ્દો ને અપનાવવા એ
માનસિક રીતે તૈયાર નથી ? મારે આજ ની યુવતીઓ ને એટલુંજ કહેવું છે કે , પુરુષ સમોવડી હોવું એ સારી વાત છે , પણ એ ઇગો તમારી ઓફિસ કે કાર્ય ક્ષેત્ર સુધીજ સીમિત રાખો .. એને
તમારી ફેમિલી લાઇફ માં પ્રવેશ ન કરવા દો ... કુટુંબ એ બંધન નથી , એ તો સર્વે પ્રશ્નો નું સમાધાન છે ... એ તો માં નો ખોળો છે .... " સ્વતંત્ર " વિચારો ધરાવવા એ ખૂબ પ્રશંસનીય છે ,
પણ ક્યારેક સ્વતંત્રતા ને પોષતા પોષતા " સ્વછંદતા " ક્યારે ઘર કરી જાય છે , એની જાણ પણ નથી રહેતી .. જે ખૂબ જ ભય જનક છે ....!!! મારી વ્હાલી દીકરીઓ , તમારી સમજશક્તિ
અને બુદ્ધિ ચાતુર્ય પર મને સંપૂર્ણ વિશ્વાસ છે .... તમે જે નિર્ણય લેશો એ સમજી વિચારીને લેશો એવી આશા રાખું છું .....!!
આજે " આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ " ની ઉજવણી નિમિત્તે આપણે આપણા સમાજ માં રહેલી જુદી જુદી પેઢી ની
સ્ત્રીઓ ની કુશળતા ની , સંસ્કારિતા ની , આખા કુટુંબ ને એક સૂત્ર માં બાંધી રાખવાની તેની શક્તિ અને ગરિમા ને પારખી .. કદાચ , આપણે આપણા ઘરો માં જ આ ત્રણે પેઢીઓ ને જોઈ
હશે ..... પણ , ક્યારેય તેમની મનઃ સ્થિતિ જાણવાનો પ્રયત્ન સુદ્ધાં કર્યો હશે ખરો ? તેની અસ્મિતા ને પોષી છે ખરી ?? આપણા શાસ્ત્રો માં 'સ્ત્રી ' ને ' શક્તિ ' નું બિરુદ આપવામાં આવ્યું છે .
સ્ત્રી એ સુદઢ સમાજ ની ' ધરોહર ' છે . જે રાષ્ટ્ર ની સ્ત્રી શારીરિક , માનસિક અને આર્થિક રીતે સદ્ધર છે એ રાષ્ટ્ર નો વિકાસ નિશ્ચિત છે . સંસ્કૃત માં એક સુંદર શ્લોક છે :
" યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ ।
યત્રૈતાસ્તુ ન પૂજ્યન્તે સર્વાસ્તત્રાફલાઃ ક્રિયાઃ ॥"
અર્થાત : જ્યાં નારીઓનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓ નિવાસ કરે છે (એટલે કે ત્યાં સુખ-સમૃદ્ધિ રહે છે). અને જ્યાં સ્ત્રીઓનું અપમાન થાય છે, ત્યાં કરવામાં આવેલા બધા જ કાર્યો નિષ્ફળ
જાય છે....!!!
બસ , અહીં જ વિરમું છું ..... આશા છે આપ સહુ ને મારુ વક્તવ્ય પસંદ પડ્યું હશે ..... સહુ નો ખૂબ ખૂબ આભાર ..... સરયૂબેને હાથ જોડી અભિવાદન કરતાં કહ્યું .. અને આખો હોલ
તાળીઓ ના ગડગડાટ થી ગુંજી ઉઠ્યો .....!!!