મુખવટો Pratibha Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મુખવટો

                                                                         સાંજ ના સમય ની મારી ચા નો કપ લઈને હું રોજ ના નિયમ પ્રમાણે બેકયાર્ડ માં રાખેલ હીંચકા ઉપર આવી ને બેઠી . ઝરમર 

ઝરમર વરસી ગયેલી વાદળીઓ એ  વાતાવરણ ને ખુશનુમા બનાવી દીધું હતું . માટી ની ભીની ભીની સુગંધે મારા  મન ને તરબતર કરી દીધું . પૂર બહાર માં ખીલી ઉઠેલા સંધ્યા ના રંગો એ 

પોતાનું સામ્રાજ્ય જમાવવા માંડ્યું હતું . આકાશ માં ઇન્દ્ર ધનુષ ની પાતળી આભા નીખરી આવી . પ્રકૃતિ ના આ રંગો ને મારા મન માં સમાવી દેવા  આંખો બંધ કરીને નિતાંત પણે બેઠી હતી .. 

ત્યાં તો મારી સમાધિ નો ભંગ કરતી ફોન ની ઘંટડી રણકી ઉઠી .. 

હેલ્લો .. કોણ ?

" હેલ્લો ભાભી , સલોની બોલું છું .. કેમ છો ?? સામે થી રણકતો અવાજ સંભળાયો .. 

" હે સલોની ... what a pleasant surprise ...!! બહુ દિવસે ભાભી ની યાદ આવી ?? સલોની નો અવાજ સાંભળતા જ મારો ચહેરો ખીલી ઉઠ્યો ...

" હા ભાભી , થોડી કામ માં બીઝી થઈ ગઈ હતી .. આજે તો ખાસ આમંત્રણ આપવા જ ફોન કર્યો છે .. ભાભી , ૨૫ મી તારીખે કેયા ની સ્વીટ સિકસ્ટીન બર્થડે ઉજવવાની છે અને તે જ દિવસે

અમારા નવા ઘર નું વસ્તુ પૂજન પણ રાખ્યું છે .. તમારે અને શ્રીકાંતે ખાસ આવવાનું છે .."

"  સારું , પણ સાંજે શ્રી આવે એટલે ..... મારી વાત ને અડધે થી જ કાપી ને સલોની બોલી , " પણ ને બણ .. હું તમારું કઈં સાંભળવાની નથી અને મારો ખાસ આગ્રહ છે કે ચાર - છ દિવસ 

મારે ત્યાં રોકાઓ એવા જ આવજો .. કેટલા વર્ષો થઈ ગયા તમને મળી ને .. ખૂબ વાતો કરવી છે .. મારા મમ્મી પણ તમને યાદ કરે છે .."  એના અવાજ ની આત્મીયતા અને ભાવુકતા મને 

સ્પર્શી ગઈ ... !!

" ઓ .. કે .. ઓ .. કે .. તું એમ કઈં માનવાની નથી .. હું તને ઓળખું ને .. મેં હસતાં હસતાં કહ્યું , સાંજે શ્રી ને વાત કરું છું .. "

" થેન્ક યુ ભાભી .. સી યુ સુન .. " કહી સલોની એ ફોન મૂકી દીધો ..

ફોન તો ડિસકનેક્ટ થઈ ગયો .. પણ હું લગભગ ૨૫  વર્ષ પહેલા ના સમય સાથે કનેક્ટ થઈ ગઈ ..!! એક પછી એક પ્રસંગો ચિત્રપટ ની જેમ નજર સામે થી પસાર થવા માંડ્યા .. 

                                                                              હું લગ્ન કરી ને અમદાવાદ થી મુંબઈ આવી હતી . મુંબઈ શહેર મારા માટે નવું હતું . રસ્તાઓ ની જાણ નહોતી ., ટ્રેન 

બસ માં ફરવા ટેવાયેલી નહોતી . મારા પતિ વ્યવસાયે બિઝનેસ મેન .. એમના એક્સપોર્ટ - ઇમ્પોર્ટ ના કામ માં હમેશા વ્યસ્ત રહેતા .. એમને બિઝનેસ સબંધે બહારગામ જવાનું પણ ખૂબ 

રહેતું . એટલે એમની પાસે થી સમય ફાળવી અહીં તહીં ફરવા જવું અશક્ય હતું .. ત્યારે મારી મદદે આવી મારી નણંદ નીરજા .નીરજા મારા થી પાંચેક વર્ષ નાની ... સ્વભાવે શાંત અને સરળ .. 

થોડા જ સમય માં અમારો મનમેળ જામી ગયો . ક્યાંય પણ જવું હોય .. શોપિંગ કરવા જવું હોય કે પછી મૂવી જોવા .. નીરજા તૈયાર જ હોય .. અને સાથે હોય સલોની .. નીરજા ની ખાસ

સહેલી .. નીરજા જેટલી શાંત .. સલોની એટલી જ ચંચળ  .. ખૂબ સ્ફૂર્તિલી ,હોંશીલી અને તેજ .. ભીડવાળા રસ્તાઓ માં પણ પાણી ના રેલા ની જેમ રસ્તો કરી બાઇક સરળતા થી આગળ 

ચલાવી મૂકે .. ખાલી રસ્તા પર તો એની બાઇક જાણે હવા માં ઊડે .. પાછળ બેઠેલા નો તો શ્વાસ જ અદ્ધર ચઢી જાય .. અને સલોની ખડખડાટ હસી પડે ..!! એને શોપિંગ નો જબરો શોખ .. 

એમાંય ખાસ કરી ને કપડાં નો અને જૂતાં નો ...એની દરેક વસ્તુ ની પસંદગી અવ્વલ હતી .. મારા લગ્ન ના શરૂઆત ના દિવસો માં હું , નીરજા અને સલોની ખૂબ સાથે રખડ્યા હતા .. 

ક્યારેક મંગળવારે સવારે સિદ્ધિ વિનાયક જઈ  ચઢતાં , તો શ્રાવણ મહિના માં બાબુલનાથ .. ક્યારેક ઓચિંતો મૂવી નો પ્લાન બની જતો .. તો ક્યારેક સાંજે જૂહુ પર લટાર મારવા નીકળી પડતાં

ખૂબ જ સુંદર અને સોનેરી દિવસો હતા .... હું ભૂતકાળ માં સારી પડી .. અને એકલી એકલી જ હસી પડી ..!!

                                                                                મારા લગ્ન ના ત્રણેક વર્ષ બાદ અમારી નીરજા ના લગ્ન નક્કી થયા .. ઘર નો જ પ્રસંગ હોય એટલા ઉત્સાહ થી સલોની 

કામે લાગી ગઈ હતી . એની સૂઝ બૂઝ અને મેનેજમેંટ સ્કીલ ને કારણે નીરજા ને અને મને  ઘણી રાહત મળી હતી . લગ્ન કરી ને નીરજા ઓસ્ટ્રેલિયા ચાલી ગઈ હતી . મને હતું હવે સલોની નું 

અમારા ઘરે આવવાનું ઓછું થઈ જશે .. પણ ના .. હું ખોટી હતી . મારા શ્રી ના જન્મ વખતે એ જ તો મારી પડખે ઊભી હતી . નીરજા તો દૂર હતી , ફોઇ તરીકે ની બધી ફરજ એણે જ તો 

નિભાવી હતી . શ્રીકાંત ના જન્મ પછી હું પણ મારા સંસાર માં વ્યસ્ત થઈ ગઈ . બહાર જવા આવવાનું ઓછું થઈ ગયું . પણ સલોની વચ્ચે વચ્ચે ક્યારેક ઘરે આવી ને ટહુકો કરી જતી .. એને 

શ્રી ની ખૂબ માયા હતી ...

                                                                                   એક દિવસ સલોની એ ફોન પર જ ધડાકો કર્યો .. એના ઘડિયા લગ્ન લેવાયા છે ... અમેરિકા થી આવેલા પ્રણવ સાથે 

ની મુલાકાત વિષે એણે વિસ્તાર થી વાત કરી . અહીં માત્ર રજિસ્ટર મેરેજ ની વિધિ જ કરવાની હતી .. મેં એને ફોન ઉપર જ આશીર્વાદ આપ્યા અને ફુરસદે આવી ને મળી જવા જણાવ્યું . એની 

વાતો પર થી જાણવા મળ્યું કે પ્રણવ નો ડાયમંડ નો ફેમિલી બિઝીનેસ છે . સસરા ના મૃત્યુ પછી એના સાસુ એ જ ધંધો સંભાળ્યો હતો અને હવે પ્રણવે પોતાની આવડત થી ધંધા માં ખૂબ પ્રગતિ 

કરી હતી .. સલોની ને શ્રીમંત અને સારું ઘર મળ્યું એનો મને આનંદ હતો . થોડા સમય માં સલોની પણ યુ એસ એ ઉપડી ગઈ ...પછી તો ફોન , પત્રો અને ઈ મેઇલ થી અમારો સંબંધ જળવાઈ 

રહ્યો . એ દરમ્યાન મને જાણવા મળ્યું કે સલોની નો ભાઈ જે વર્ષો થી અમેરિકા રહે છે તેણે તેના મમ્મી પપ્પા ને ત્યાં બોલાવી લીધા છે . આમ સલોની નું આખું કુટુંબ અમેરિકા સ્થાયી થઈ ગયું .

                                                                                    હું મારા સંસાર માં ગળાડૂબ વ્યસ્ત થઈ ગઈ હતી .. પહેલા શ્રી અને પછી શ્રેયા .. એ બંને પાછળ દિવસ ક્યાં

ઊગતો  અને ક્યાં આથમી જતો એ ખબર જ નહોતી પાડતી . સમય પાણી ના રેલા ની જેમ વહેતો રહ્યો .  બંને બાળકો ના ઉછેર , અભ્યાસ , ઈતર પ્રવૃતિ ની દોડાદોડ અને બિઝનેસ ને 

કારણે મારા પતિ ની દોડધામ માં અમારી જિંદગી ના બે - અઢી દાયકા જેટલો સમય ક્યાં પસાર થઈ ગયો .. ખબર જ ના પડી ...!! શ્રીકાંત બી . ટેક કર્યા પછી માસ્ટર્સ કરવા યુ એસ એ

આવ્યો અને અભ્યાસ પૂરો કર્યા પછી અહીં ની જ કંપની માં જોબ મળતા , એ અહીં જ સેટલ થઈ ગયો . અને મારી લાડલી શ્રેયા ડેન્ટિસ્ટ થઈ .. એની સાથે જ ભણતા આલોક સાથે ગયા વર્ષે

જ એના વિવાહ કર્યા . એ એના સંસાર માં ખુશ છે . મારી જવાબદારીઓ પૂરી થઈ .. જાણે જીવન ના બીજા અધ્યાય નો અંત આવ્યો .. કેટલાયે વખત થી શ્રી ના અમેરિકા આવવાના આગ્રહ 

ને માન આપી થોડા સમય માટે હું અહીં આવી ગઈ . આજે આવેલો સલોની નો ફોન મને પચ્ચીસ વર્ષ પહેલા ના ભૂતકાળ માં ખેંચી ગયો . એક એક ઘટના , સાથે વિતાવેલ એ મસ્તી ભર્યા 

દિવસો .. જાણે કાલ ની જ વાત હોય એમ નજર સામે થી પસાર થવા માંડ્યા .. હું સલોની ને મળવા ઉત્સુક થઈ ગઈ ..!!

                                                                                    

                                                                                  સાંજે શ્રી ને સલોની ના ફોન ની અને તેણે આપેલ આમંત્રણ ની વાત કરી . મારે થોડા દિવસ એની સાથે રોકાવું એવા 

એના આગ્રહ ની પણ વાત કરી .. બોલતી વખતે મારી હસી ઉઠેલી આંખો અને ચહેરા પર ના હાવભાવ જોઈને હું પણ સલોની ને મળવા કેટલી ઉત્સુક છું , એ સમજતા શ્રી ને વાર ના લાગી . 

અમારો જવાનો પ્લાન નક્કી થઈ ગયો . શ્રી પ્રસંગ માં હાજરી આપી ને પાછો આવી જશે , અને મારે ત્યાં એક વીક રોકાવું , એવું નક્કી થયું . બીજે દિવસે સવારે જ મેં સલોની ને ફોન કરી ને 

અમારો પ્લાન જણાવી દીધો . અતિ ઉત્સાહ થી મેં બધા માટે ગિફ્ટ્સ નું શોપિંગ કરવા માંડ્યું . મને યાદ આવ્યું , સલોની ને મારા હાથ ના મગસ ના લાડુ બહુ ભાવે છે . મેં ડબ્બો ભરી ને 

લાડુ બનાવ્યા .. આખરે જવાનો દિવસ આવી ગયો . કેટલા વર્ષો પછી હું સલોની ને મળીશ .. લગભગ વીસ વરસ .. એ એવી જ હશે કે બદલાઈ ગઈ હશે ? હું મન માં જ વિચારતી રહી .. 

આખે રસ્તે મેં શ્રી સાથે સલોની ની જ વાતો કર્યા કરી ..!!

                                                                               અમે સલોની ના ઘર પાસે આવી પહોંચ્યા . ગાડી નો અવાજ સાંભળતા જ સલોની દોડતી બહાર આવી .. ભા .. ભી 

કહેતાં એ મને પ્રેમ થી કસકસાવી ને ભેટી પડી .. થેન્ક યુ .. એ ગળગળી થઈ ગઈ .. અમારા બંને ની આંખો નીતરી રહી હતી .... થોડી વારે કળ વળતાં મેં પાસે ઉભેલા શ્રી ની ઓળખાણ 

કરાવતા કહ્યું , " આ શ્રી .. શ્રીકાંત ....

" wow !! what a handsome boy .... તને તો મેં બહુજ રમાંડ્યો છે હોં .. થેન્ક્સ , મમ્મી ને લઈ આવવા બદલ .. " કહેતાં તેણે શ્રી સાથે હાથ મિલાવ્યા . દરવાજા પાસે ઉભેલા પ્રણવે 

હાથ જોડી અમારું ભાવભીનું સ્વાગત કર્યું . ઘર માં કલાત્મક રીતે ગોઠવાયેલા રાચ રચીલા , નકશીદાર ફ્લાવર પોટ અને સુંદર પેઈંટિંગ્સ જોઈને હું મનમાં જ હસી પડી .. ' આ તો સલોની ની જ 

કરામત છે ' એણે અમારો રૂમ તૈયાર જ રાખ્યો હતો . ફ્રેશ થઈ ને હું બહાર ના રૂમ માં આવી . કેયા અને કીર્તન ક્યાં ? મેં આજુબાજુ નજર ફેરવતા પૂછ્યું . 

" એ બંને એમની ફોઇ ને ત્યાં ગયા છે .. અહીં નજીક જ રહે છે . કેયા ને થોડું શોપિંગ કરવું હતું .. કાલે આવી જશે . "

સલોની એ એના સાસુ ની ઓળખાણ કરાવી . મેં હાથ જોડી ને એમને જય શ્રી કૃષ્ણ કર્યા .. તેમણે પણ સામે હાથ જોડી ને પ્રત્યુત્તર આપતા કહ્યું , ' કેમ છો ? મજામાં ?? સલોની , ભાભી નું 

બરાબર ધ્યાન રાખજે .. કહેતાં એ ઊભા થયા .. " મારે જરા કામ છે , તમે આરામ થી બેસો .. એમ કહી અંદર ની રૂમ માં જતાં રહ્યા .. એમનું જાજરમાન વ્યક્તિત્વ , ૭૫ વર્ષે પણ આવો 

કડક ઠસ્સો .. એમને ટટ્ટાર ચાલે જતાં હું જોઈ જ રહી ...

" સલોની , તારા મમ્મી પણ ... તારી સાથે જ છે ને ? મેં અચકાતા પૂછ્યું

" હા ભાભી , તમારા થી શું છુપાવું ? તમને તો પપ્પા ના કડક અને સ્વમાની સ્વભાવ ની ખબર છે જ . ભાઈ - ભાભી સાથે ના ફાવતા , તેઓ બંને એકલા જ રહેતા હતા . તેમના છેલ્લા દિવસો 

માં મારો હાથ પકડી ગળગળા થતાં કહ્યું હતું , " મને તારી મમ્મી ની ચિંતા છે .. એને તું તારે  ત્યાં લઈ જજે .. " એમ કહી મારી પાસે થી વચન લીધું હતું .. એટલે મારી પાસે કોઈ બીજો

વિકલ્પ જ નહોતો . એ તો સારું છે કે પ્રણવ નો મને પૂરો સપોર્ટ છે " કહેતાં એની આંખ ભરાઈ આવી . 

" લ્યો , આ આવ્યા મમ્મી .. એમના ડિનર નો ટાઇમ થઈ ગયો છે . " મેં પાછળ ફરી ને જોયું . વ્હીલ ચેર માં બેઠેલા એના મમ્મી ને જોઈને હું ધ્રુજી ઉઠી .. શરીર સાવ નંખાઈ ગયું હતું . ખૂબ

અશક્ત લગતા હતા .  સલોની એ એમના માટે તૈયાર કરેલું સૂપ અને રાઇસ મિક્સ કરી , નાના છોકરાં ને ખવડાવે એ રીતે ધીમે ધીમે ખવડાવ્યું . થોડી વાર અમારી સાથે બેસી ને પાછા એમની 

રૂમ માં જતાં રહ્યા . 

અમે બધા એ સાથે ડિનર લીધું . પ્રણવ પણ અમારી સાથે જોડાયા . એમની પાસે તો જાણે વાતો નો ભંડાર હતો . શ્રી ને એમની વાતો માં ખૂબ રસ પડ્યો .. એને પ્રણવ ની સારી કંપની મળી 

ગઈ . જમી પરવારી ને પ્રણવ અને સલોની અમને એમનું બાજુના જ પ્લોટ માં બંધાવેલું નવું ઘર બતાવવા લઈ ગયા . એ મકાન નહીં , જાણે મોટો પેલેસ જ જોઈ લો . વિશાળ બેઠક રૂમ ,

ઊંચી સીલીંગ , સુંદર મોટા ઝુમ્મરો , લેટેસ્ટ ફર્નિચર , આધુનિક એપ્લાયન્સેસ થી સજાવેલું કિચન , આકર્ષક વળાંક લેતી ઉપર જવાની સીડી ....મોટી મોટી ઇટાલિયન વિન્ડોસ , આગળ પાછળ 

વિશાળ ખુલ્લી જગ્યા ... વચમાં આકર્ષક ડીઝાઇન વાળો કલાત્મક ફાઉંટેન અને સ્વિમિંગ પૂલ .....અમે જાણે કોઈ ફાર્મ હાઉસ માં આવી ગયા હોઈએ એવી પ્રતીતિ થઈ આવી . ઘર ની એક

એક વસ્તુ શ્રીમંતાઈ ની ચાડી ખાતું હતું .. તેના સાસુ અને મમ્મી ના રૂમ નીચે જ બનાવ્યા હતા . ઉપર જઈને પ્રણવે એક રૂમ નો દરવાજો ખોલતા કહ્યું , ' અને આ મારો બેડરૂમ .. 'મારો '

  શબ્દ પર ભાર  મુકતા  એણે કહ્યું . સલોની ના મમ્મી ની તબિયત સારી નથી રહેતી એટલે મોટે ભાગે સલોની ને એમની સાથે જ રહેવું પડે છે .. એટલે આ "મારો " બેડરૂમ છે .. એણે હસતાં 

હસતાં કહ્યું .. પણ એના શબ્દો પાછળ નો વ્યંગ મારા થી છુપો ના રહ્યો .. મેં સલોની સામે જોયું .. પણ એણે તરત જ નજર ફેરવી લીધી ....!!

                                                                                   બીજા દિવસે સવાર થી જ મેહમાનો ની અને કુટુંબ ના બીજા સભ્યો ની અવર જવર ચાલુ થઈ ગઈ હતી . સલોની એ

પહેલે થી જ બધા ના રહેવાની પૂરી સગવડ કરી રાખી હતી . દરેક ના રૂમ માં બ્લેન્કેટસ , ટૉવેલ્સ , નેપ્કિન્સ , સોપ , શેમ્પૂ વગેરે વ્યવસ્થિત મુકાઇ ગયા હતા . બ્રેકફાસ્ટ માટે બ્રેડ , બેગલ્સ ,

કૂકીસ , કોર્નફલેક્સ , ફ્રુટ્સ , જ્યુસ થી માંડી ને ખાખરા , ગાંઠિયા , ચેવડો જેવી અનેક વસ્તુઓ કિચન ટેબલ પર ગોઠવાઈ ગઈ હતી . ચા - કોફી માટે તો એણે મશીનો જ મૂકી દીધા હતા . 

એ સવાર થી આમ થી તેમ દોડાદોડી કરી રહી હતી ..

" સલોની , આ મહારાજ આવી ગયા છે , જરા પૂજા નો સામાન ચેક કરી લેજો ને " સાસુ નો આદેશ ...." ભાભી , આ કોફી નું મશીન ચાલુ કેમ નથી થતું ...નાની નણંદ નો ટહુકો .. 

" મામી , કેયા ની ક્લિપ્સ ક્યાં મૂકી છે ? .. . સલોની, મારી શેરવાની ના બટન ક્યાં મૂક્યા છે ?  પ્લીઝ જરા ઉપર આવ તો ...પ્રણવ નો અવાજ ... હું એક બાજુ બેઠી બેઠી આ બધો તમાશો 

જોતી જ રહી .. ક્યાં એક સમય ની નટખટ , ચુલબુલી , બિન્દાસ સલોની .. અને ક્યાં આજ ની આખા ઘર ને સંભાળતી પરિપક્વ ગૃહિણી .. નારી તું નારાયણી .. હું ઊંડો શ્વાસ લેતાં મન માં 

જ બબડી ..!!

ત્યાં તો " હે... કેયા આવી ગઈ ... કોઇકે બૂમ પડી .... મેં ઝડપ થી ઊભા થઈ ને પાછળ જોયું ...દરવાજા માં ઊભેલી કેયા .... આબેહૂબ સલોની .....એની જ પ્રતિકૃતિ ...... પચ્ચીસ વર્ષ

પહેલાંની સલોની જાણે મારી નજર સામે આવી ને ઊભી રહી .... હું તેની તરફ આગળ વધી .. ત્યાં જ મારી નજર કેયા ની પાછળ ઉભેલા કીર્તન પર પડી .. અને મારા પગ ત્યાં જ ખોડાઈ ગયા

.. એના પગ માં પોલિઓ ના બૂટ જોઈને મારા મન ને જાણે ધક્કો બેસી ગયો ... આ હકીકત ની તો મને ખબર જ નહોતી .. મારુ મન ઉદ્વિગ્ન થઈ ગયું ....!!

                                                                             વહેલી સવાર થી જ ઘર માં ધમાલ હતી .. પૂજા નું યોગ્ય મુહૂર્ત જાળવતા પંડિત જી એ  વિધિ શરૂ કરી .. પવિત્ર મંત્રોચ્ચાર 

સાથે નવા ઘર ના વસ્તુ પૂજન ની વિધિ કુટુંબ ના સભ્યો ની હાજરી માં ખૂબ સરસ રીતે સંપન્ન થઈ . સલોની એ લાડુ અને ફૂલવડી સાથે પારંપરિક ભોજન ની વ્યવસ્થા કરાવી હતી .. બપોરે 

જમી ને અમારી રૂમ માં જઈને મેં થોડો આરામ કર્યો . સાંજે કેયા ની બર્થ ડે પાર્ટી હતી . લગભગ છ વાગે હું તૈયાર થઈ ને નીચે હોલ માં આવી .. કેયા ના મિત્રો ની ધમાલ મસ્તી થી આખું ઘર 

ગૂંજી ઉઠ્યું હતું .. શ્યામ ગુલાબી ફ્રીલ વાળા ગાઉન માં કેયા ની સુંદરતા ઓર નીખરી આવી હતી .. ઈવેન્ટ ઓર્ગનાઇસ કરવામાં એક્સપર્ટ સલોની એ પાર્ટી નું આયોજન ખૂબ જ સુંદર અને

કુશળતાપૂર્વક કર્યું હતું . ખાસ ઓર્ડર આપી ને બનવડાવેલી આકર્ષક થીમ વળી બર્થડે કેક , જાતજાતની ખાણી પીણી , અવનવી રમતો , મેજિક શો અને છેલ્લે નાનો મ્યુઝિક કોન્સર્ટ ...

દરેક જણે આખો પ્રસંગ મન ભરી ને માણ્યો . કેયા ના મિત્રો ને સુંદર રિટર્ન ગિફ્ટ આપીને તેણે બધાને ખુશ કરી દીધા . મર્યાદિત આમંત્રિતો ની હાજરી માં બંને પ્રસંગ ખૂબ સારી રીતે ઉજવાયા 

                                                                            ધીમે ધીમે મેહમાનો એ વિદાય લેવા માંડી . પ્રસંગ ના બે દિવસ પછી સલોની ને મારી સાથે ફુરસદ થી બેસવાનો ટાઇમ 

મળ્યો . એના મોઢા ઉપર થાક વર્તાતો હતો . એ મારી રૂમ માં આવી નિરાંતે પગ લાંબા કરીને જરા આડી પડી .. માંડ દસ - પંદર મિનિટ થઈ હશે ત્યાં જ એના નામ ની બૂમ પડી , " સલોની ,

મારુ આઈ પેડ નથી મળતું .. ક્યારનો ગોતું છું .. જરા જોઈ આપ તો .." પ્રણવ ના શબ્દો માં આદેશ હતો . હું કઇં બોલવા જઉ એની પહેલા તો સલોની સફાળી ઊભી થઈ ને બહાર ની રૂમ 

માં ચાલી ગઈ . મારા મોઢા માંથી એક નિસાસો નીકળી ગયો . બહાર ગયેલી સલોની એવી તો બીજા કામો માં રોકાઈ ગઈ કે છેક મોડી  સાંજ સુધી એનો બેસવાનો વારો જ ના આવ્યો ...!!

એ પછીના બે દિવસ પરાણે સમય કાઢીને મને ફરવા લઈ ગઈ .. નજીક ના મોલ માં , પાર્ક માં , આર્ટ ગૅલેરી માં , ફ્લાવર શો માં અમે ખૂબ ફર્યા , ખૂબ વાતો કરી , ખૂબ હસ્યા .. પણ છતાં 

કઇંક ખૂટતું હતું .... હું તેનામાં ચંચળ , ચુલબુલી , મુક્ત આસમાન માં પાંખો ફેલાવી ઉડનારી સલોની ને શોધવાનો પ્રયત્ન કરતી રહી .... પણ મને નિષ્ફળતા જ મળી ..!!

બહાર નીકળ્યા પછી પણ એના જીવ ને શાંતિ નહોતી . વારે વારે એનો ફોન રણકી ઊઠતો .." મમ્મી , તું ક્યાં છે ? મારી ડ્રૉઇંગ બૂક ક્યાં મૂકી છે ? મમ્મી , કેટલા વાગે ઘરે આવીશ ?  મારુ  

ક્રાફ્ટ માટેરિયલ્સ લેતી આવજે ને .. કાલે સ્કૂલ માં લઈ જવાનું છે ... સલોની , જરા મેડિકલ્સ માંથી મારી દવા લેતાં આવજો .. વગેરે .. વગેરે .. !! આખું અઠવાડિયુ હું એના ઘર માં જ હતી .. 

પણ ક્યારેય એની સાથે નહોતી ....આખરે મારા પાછા જવાનો દિવસ આવી ગયો . શ્રી મને લેવા આવી ગયો હતો ... હસતાં મોઢે , રડું રડું થતી આંખે અને  ભારે હૈયે સલોની એ મને વિદાય 

આપી . મારી આંખો માં પણ ઝળઝળિયા આવી ગયા .. એને ભેટી પડતાં હું એના કાન માં ગણગણી  , " તારું ધ્યાન રાખજે બેના .." હું વધુ કઈં કહેવાની મનઃસ્થિતિ માં નહોતી ...!!!

                                                                                 ઘરે પાછા ફરતી વખતે આખા રસ્તે હું સાવ જ મૂંગી થઈ ગઈ ... એક ન કળાય એવી ટીસ રહી રહી ને દિલ માં ઉઠતી 

હતી ... સલોની ના અવનવા રૂપ મારી નજર સામે તરવા લાગ્યા .... સાસુમાં ના આદેશો નું પાલન કરતી સલોની .. પતિ ની પાછળ પાછળ ફરતી સલોની .... મમ્મી ની નાના બાળક ની જેમ 

કાળજી લેતી સલોની .... કીર્તન ની નાના માં નાની બાબતો નું ધ્યાન રાખતી સલોની ..... તો કેયા ની મિત્ર બની તેની દરેક વાતો માં રસ લેતી સલોની .. આખા ઘર ની " સૂત્રધાર "......!!

પણ આ બધામાં એનું પોતાનું સ્થાન ક્યાં હતું ?? કોઈને એની મનઃ સ્થિતિ નો ખ્યાલ સુદ્ધાં આવ્યો હશે ખરો ?? ભૌતિક સુખ સાહ્યબી નો મુખવટો ધારણ કરી ... મોં પર સદા હાસ્ય ફેલાવી 

ફરતી સલોની ની આંતરિક વ્યથા ની નોંધ આ હાજર  રહેલા મેહમાનો માંથી કેટલાયે લીધી હશે ?? મારા મન માં દ્વંદ્વ યુદ્ધ ચાલતું હતું .. અને દિલ વલોવાઇ જતું હતું ..!!

શ્રી કઇંક બોલ્યે જતો હતો .. તેના તૂટક તૂટક શબ્દો મારા કાને પડતાં હતા .... " મમ્મી , પ્રણવ અંકલ નો બિઝનેસ ખૂબ સારો ચાલતો હશે .. અહીં આટલું મોટું મેન્શન બનાવવું is not

easy ..." બીજા બધા ની જેમ શ્રી પણ બાહ્ય શાન બાન થી ઇમ્પ્રેસ થઈ ગયો હતો ... ઘર ની દરેક વસ્તુ ના વખાણ કર્યે જતો હતો અને ડોલર માં તેની કિંમત મૂલવતો હતો .. પરંતુ હું તેની 

વાતો માં સંમતિ પુરવી ના શકી ....!! હું તો મારા જ વિચારો માં મગ્ન હતી .. મારા તરફ થી કોઈ પ્રતિભાવ ના મળતા એણે  અચાનક પૂછ્યું , " મમ્મી , કેમ કઈં બોલતી નથી ? શું થયું છે ? 

are you okay  ?? એણે મને ખભે થી હચમચાવતા પૂછ્યું .. અને હું તંદ્રા માંથી ઝબકી ને જાગી ગઈ .. મારા મન ની વ્યગ્રતા ને છુપાવવાનો પ્રયત્ન કરતાં મેં કહ્યું , " ના .....ના ....બેટા .. 

તારી વાત સાચી છે ..... સલોની નું ઘર ખૂબ સરસ છે .. she is very ..... આગળ નો' lucky ' શબ્દ હું બોલી ના શકી ..... મારા ગળામાં ડૂમો ભરાઈ આવ્યો .. પણ બેટા , આ તો 

સોનાનું પિંજર કહેવાય .. !! હું જાણે સ્વગત બોલી ઉઠી ..... શ્રી અવાચક બની મૂઢ ની જેમ મારી સામે તાકી રહ્યો ......!!!