ગુજરાતની દક્ષિણે આવેલું દરિયા કિનારાનું ગામ જ્યાં દેવના દેવ એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદા બીરાજે છે. વેરાવળ અને સોમનાથ વચ્ચે માંડ સાત કિલોમીટરનું અંતર હશે.આ ગામે હવે જમાનાની હવા ફરવાને લીધે નાના ગામમાંથી શહેરનું ઉપનામ ધારણ કર્યું છે. વેરાવળ હવે ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક તરીકે વિકાસ પામી રહ્યું છે. આ ગામની મુખ્ય વસ્તી ખારવા,કોળી અને મુસ્લિમ સમાજની પરંતુ બ્રાહ્મણ,લોહાણા,પટેલ અને અન્ય સમાજ તો ખરો જ. વેરાવળે આધુનિકતા ધારણ કર્યા પછી પોતાનો વિસ્તાર વધાર્યો અને એમાં નવી નવી ઘણી સોસાયટીઓને સ્થાન મળ્યું.
એમાંની એક સોસાયટી વિશેની વાત કરુ.આ સોસાયટીમાં હજુ શહેરીકરણ નો પૂરો ભાવ નથી આવ્યો. દરેક ઘરની બહાર એક ઓટલા જેવી રચના તો છે જ. અને અમુક ઓટલા જાગતા ઓટલા છે. આ સોસાયટીના એક ઘરમાં રહે છે કાશીમાં અને તેનો પરિવાર. કાશીમાં જાતિ એ લોહાણા.. પરિવારમાં એક દીકરો દીકરી અને પુત્રવધુ પોતે ભર યુવાનીમાં વિધવા થયેલ.પતિ ટૂંકી બીમારીમાં ભવનો સાથ છોડીને અનંતની વાટે ચાલ્યો ગયો.અને ત્યારથી કાશીને માથે બે સંતાનોની સઘળી જવાબદારી નિભાવાનો ભાર આવી પડ્યો.
એક બાબત તો ખાસ સમજવા જેવી છે કે જ્યારે તમારી માથે આભ ફાટે છે ત્યારે તમારી છત્રીની વ્યવસ્થા તમારે જ કરવી પડે છે.ખુદને જ ઉભા થવું પડે છે.
સમાજ મદદ કરી કરીને કેટલી કરે? તમારો પ્રશ્ન છે એ તમારે જ ઉકેલવો પડે છે.
નિ :સહાય કાશી ઉપર બે સંતાનોના અને પોતાના જીવન વહનની જવાબદારી આવી. ઓછું ભણતર પણ જેઠે ક્યાંકથી લાગવગ લગાડી તેને આંગણવાડીમાં નોકરી અપાવી દીધી અને કાશી ત્યારથી બધાને નિભાવવા લાગી. આંગણવાડી નું કામ પતાવી ઘેર પહોંચે ત્યારે ઘરની બહાર આવેલ ઓટલે ઘડીક વિસામો ખાય. એને જોઈ પાડોશ ની બે ચાર બહેનો પણ તેની પાસે બેસે.અલક -મલકની વાતો થાય અને ઓટલે બેસી બનતા બૈરાઓના સંબંધો કાશીને હળવેક થી હળવી કરી નાખતા.
સમયમાં એવી શક્તિ છે કે એ તમારા દુઃખને ધીમે ધીમે ભૂલાવડાવે છે.કાશીનો સ્વભાવ મળતાવળો અને લોકોને મદદ કરવાની ભાવના વાળો હતો સાંજે કાશી ઓટલે😊 ન હોય કે બહાર ગઈ હોય તો શેરી ઉજજડ લાગતી.
સમય પરિવર્તનશીલ છે અને કહેવાય છે ને કે બધા દિવસ સરખા નથી હોતા.કાશીની ઉંમરે 58 વર્ષમાં પ્રવેશ કર્યો . આંગણવાડીની નોકરીની પૂર્ણાહુતિ થઈ અને નિવૃત્તિનો સમય આવ્યો. કાશીના દીકરો અને દીકરી પણ યુવાન થઈ ચૂક્યા હતા.કાશીની ઓટલા પરિષદોને હિસાબે દીકરાને પણ વિશેષ ઓળખાણ નો લાભ મળતો ગયો.અને દીકરાએ પણ પોતાની હોશિયારી થી નોકરીમાં અને પછી પોતાના ધંધામાં સારું કમાવા લાગ્યો.ધીમે ધીમે દીકરી અને દીકરા બંનેના લગ્ન થઈ ગયા. હવે કાશી પોતાની જવાબદારી માંથી નિવૃત્ત થઈ ચૂકી.આ સઘળી યાત્રા દરમિયાન કાશીનો અણનમ સાથ રહ્યો હોય તો તે ઓટલા સાથેનો હતો.
ક્યારેક ઘેર કોઈ ન હોય તો કાશી તો ખુરશી નાખીને એટલે બેઠી જ હોય.એ ન દેખાય તો પાડોશ પૂછે કે આજે એટલે કેમ નથી બેઠા? જો કોઈ આવે તો કાશી એમને પણ ખૂરશી આપી એમને ઓટલે બેસાડે.કાશી પણ ઘણીવાર હસતા હસતા કહે કે ક્યારેક તો ઓટલે મારો પાળીયો બનશે.
ઓટલા હોવાનો ફાયદો શું? આ ઓટલા સ્ત્રીઓના વિસા માં છે.આ ઓટલા એ સ્ત્રીઓના મન ઠલવાયા છે.આ ઓ ટલે કેટલી એ ઘરેલુ સમસ્યાના સમાધાન પણ મળ્યા છે ક્યારેક ક્યારેક આ ઓટલે ઈશારામાં પંચાત પણ થઈ છે. અને યુવાનીમાં ડગ માંડતી દીકરીઓની દેખરેખ પણ થઈ છે. આ ઓટલા એ કેટલી એ સ્ત્રીઓની કેટલી એ માતા ની એકલતા ભાંગી છે.આ ઓટલે કેટલાય ફેરિયાઓને ધંધો કરાવ્યો છે.
વેરાવળ શહેર ભલે થયું પણ આ સોસાયટીના ઓટલા એ ગ્રામ્ય જીવનની હુંફ પોતાના પાલવમાં હજી સંતાડી રાખી છે.