આસમાની રંગની છત્રી રે.. - 2 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આસમાની રંગની છત્રી રે.. - 2

1.

“નીલુ… નીલુ…” પહાડોમાં બાળકીના તીણા અવાજના પડઘા ગુંજી રહ્યા.  પહાડ પરથી ઉતરતી નાની કેડી પર નાના નાના પગ ધબધબ કરતા દોડી રહ્યા.  ક્યાંક પાંદડાં કચરાવાનો અવાજ એ નાનીશી પગલીઓના પગરવ સાથે ભળી એક ધીમું સંગીત પેદા કરી રહ્યો. .

“ નીલુ..” બાળકીએ મોં આડી હથેળી રાખી મોટેથી બૂમ પાડી અને સામેથી ભોં.. કરતો અવાજ આવ્યો. એ નીલુનો હતો. નીલુ એ બિંદિયા ની ગાય હતી. બિંદિયા એટલે એ પહાડ પર ઉછરતી, કહો કે પહાડને ધાવીને મોટી થતી દસ અગિયાર વર્ષની બાલિકા.

નીલુ અને ગૌરી એ બે બિંદિયા ના ઘરની  ગાયો હતી.  નીલુ ભૂરાશ  પડતી કાળી એટલે એ નામ અને ગૌરી શ્વેત ગાય હતી એટલે એ નામ. 

બિંદિયાનો અવાજ સાંભળી બે ગાયોએ ડોકાં ધુણાવ્યાં અને એની ઘંટડીનો અવાજ પહાડના સુસવાટા મારતા પવન સાથે ગુંજી રહ્યો.

ગાયોને લઈ બિંદિયા પહાડની નજીક તેનાં ઘર તરફ જવા લાગી.

બિંદિયા હજુ કિશોરાવસ્થામાં પહોંચી ન હતી. ગુલાબી ટશરો વાળા ગાલ, કાળી આંખો, માસૂમ ચહેરો, ગોરું શરીર અને માથે એક કાળી પોની લહેરાતી હતી.

આમ તો ગાયો વાળવા બિંદિયા નો મોટો ભાઈ બીજજુ જતો હતો પણ એની સ્કૂલની પરીક્ષાઓ નજીકમાં હતી એટલે ઘેર હતો અને પહાડ પરથી ખળખળ પડતાં ઝરણાં જેવી બિંદિયા આજે ગાયો ચરાવવા ગયેલી. એ પોતાની રમતોમાં મસ્ત રહેતી ને ગાયો ચરતી રહેતી. બિંદિયા એને જ્યાં જવું હોય ત્યાં જવા દેતી. ગાયોને રસ્તો ખબર હતી અને બિંદિયાનો અવાજ પણ એ ઓળખતી હતી.

બિંદિયા ગાયો લઈ ઘર તરફ જતી હતી ત્યાં એણે અમુક શહેરી લોકોના ખિખિયાટાઓ અને હસવાના અવાજો સાંભળ્યા.

બિંદિયા તેમની નજીકથી પસાર થઈ. નીલુ અને ગૌરી આગળ ગયાં, બિંદિયા એ લોકો સામે જોતી ધીમી પડી.

એ સહુ નજીકનાં મોટાં શહેરમાંથી અહીં પીકનીક માણવા આવ્યાં હોય એમ લાગ્યું. ચટાઈઓ પથરાઈ હતી, એક બે ફોલ્ડિંગ ખુરશીઓ મૂકી હતી, મ્યુઝિક વાગતું હતું અને કોઈક સરસ ખાવાની સુગંધ આવતી હતી. આજુબાજુ સંગીત વાગતું હતું.  વહેલી સવારે આવી આ લોકો પહાડ ચડ્યાં હશે અને અત્યારે ધુમ્મસ અને ઠંડી ઓછી થતાં આલ્હાદક વાતાવરણ માણી રહ્યાં હશે.

બિંદિયાએ એ તરફ જોયું. એણે ખાલી સુગંધ નાકમાં ભરી ને એ લોકો તરફ એક નજર નાખી ચાલતી થઈ. આ જગ્યા ખૂબ રળિયામણી હતી એટલે પિકનિકમાં આવતા લોકોની અહીં કોઈને નવાઈ નહોતી.

બિંદિયાએ એ લોકોના પહેરવેશ, હાવભાવ વગેરે તરફ જોયું. થોડું  મુગ્ધ આશ્ચર્ય, થોડી રમૂજથી  એ  ત્યાં જે માહોલ હતો એ જોઈ રહી.

કોઈ યુવતીનું એની તરફ ધ્યાન પડ્યું.

“અરે વાહ, ટેણકી  કેવી મસ્ત છે, ગોરી મઝાની?” એણે કહ્યું.

“ હરણી જેવી ચંચળ છે. જુઓ તો, ગાયોની પાછળ કેવી દોડતી જાય છે!” બીજીએ કહ્યું.

પહેલીએ એને પોતાની પાસે બોલાવી નામ પૂછ્યું. એણે બિંદિયા કહ્યું.

“ તારે કશું ખાવું છે? અમે જો, આ નૂડલ્સ ને બટાકા ઉકાળવા મૂક્યાં છે. “ પહેલીએ બિંદિયા પાસે આવી એને વહાલ કરતાં પૂછ્યું.

“ ના, મારે કશું ખાવું નથી.” બિંદિયાએ ના પાડી.

બીજી સ્ત્રી સાથેના પુરુષે બિંદિયાને એક ચોકલેટ આપવા માંડી. બિંદિયાએ  સ્મિત કરી ના પાડી અને ફરી “ નીલુ.. ગૌરી..” કરતી ગાયો પાછળ જવા લાગી.

“કેવી રૂપાળી છોકરી છે? છે પણ ખડતલ.” પહેલીએ કહ્યું. એને આ બાલિકા ગમી ગઈ હતી.

“ઠીક, આવજો.” કહેતી બિંદિયા જવા લાગી ત્યાં એનું ધ્યાન આસપાસ પાથરેલ ચીજો પર પડ્યું અને એક નાની એવી ભૂરા રંગની છત્રી પર સ્થિર થયું.

એ જોઈ જ રહી. કેવી સરસ આસમાની ભૂરી છત્રી હતી! અને એની ઉપર સવારે દસ વાગ્યાનો સૂર્યપ્રકાશ એક સાઈડમાંથી પડતો હોઈ અદ્ભુત ચળકતી હતી. જાણે આકાશનો ટુકડો ઉતરીને ત્યાં પડ્યો હોય.

એને થયું કે આવી છત્રી મારી પાસે પણ હોય તો!

ક્રમશ: