આસમાની રંગની છત્રી રે.. - 3 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આસમાની રંગની છત્રી રે.. - 3

આમ તો કોઈની વસ્તુ ન માગવાનું કે કોઈ આપે તો ન લેવાનું એને  ઘેરથી શીખવવામાં આવ્યું હતું પણ એણે ક્યાં છત્રી માગી? ખાલી જોઈ. જોતાં જ એની નજર  એ ભૂરી છત્રી પર ઠરી ગઈ. પહેલી સ્ત્રીની એની ઉપર. એણે ઉપરથી નીચે આ બાલિકાને ધારી ધારીને જોઈ.

બિંદિયાનું ફ્રોક હતું તો સરસ ડિઝાઇન વાળું પણ મેલુ, ફાટીને સાંધેલું હતું. પહાડી ખેડૂતની  નાની છોકરીને ફેશનની હજી ઇચ્છા ક્યાંથી હોય? ખબર તો આવાં પીકનીકિયાંઓને જોઈ  લેટેસ્ટ ફેશનની પણ પડતી હોય.

“આ તારા ગળે માળા સરસ છે. એની ઉપર આ એકદમ અણીદાર વસ્તુ શું લટકે છે?” પહેલી સ્ત્રીએ બિંદિયાની માળા પરનાં લોકેટ પર હાથ ફેરવતાં પૂછ્યું.

“એ વાઘ નખ છે. આ તરફ ગામડાના લોકો એ ગળામાં પહેરે છે. એને ખૂબ લકી માને છે” કહેતાં ચોકલેટ આપનાર પુરુષે પોતાનું   જ્ઞાન  પીરસતાં સ્ત્રી વૃંદ તરફ જોયું. કોઈ પ્રભાવિત થાય છે?

“ આમ તો આ ચિત્તા નો નખ હોઈ શકે. મને મારા પપ્પાએ મેળામાંથી લઈ આપેલી માળા છે.” બિંદિયાએ કહ્યું.

“ ઓ, કહું છું આ નખ, વાઘ કે જેનો હોય એ કેવો સફેદ ચળકતો છે? શુકનવંતો હશે જ. આપણે એ લઈએ?” બીજીએ પતિને મધમીઠી વાણીમાં કહ્યું.

પુરુષે કહ્યું “ આ નખ તને વાગશે.  ઉપર કશું મઢાવી લઈએ? અમને આપ તો?”

બિંદિયા માસુમ હતી, મૂર્ખ નહીં.  કહે “ના, અમને આ વાગે નહીં. ઘણા વખતથી પહેરું છું.”

“તને મેળામાંથી બીજી માળા મળી રહેશે. અમે ક્યાં અહીં આવવાના? ચાલ, તને ઘેર લઈ જવા આ બધો નાસ્તો અને લે, આ ચોકલેટનું પેકેટ આપું. તું આ માળા આંટીને આપીશ?” પુરુષે દાણો તો દાબ્યો , બિંદિયા હવે માળા કચ્ચીને  પકડી રહી.

“ તમે પણ શું? એમ ને એમ કોઈ આપે? એમ કર છોકરી, તને વીસ રૂપિયા આપીએ. તું આપીશ ને?” બીજી સ્ત્રીએ કહ્યું.

બિંદિયા ડોકુ ધુણાવી ચાલવા જતી હતી ત્યાં એની નજર ફરીથી એ ભૂરી છત્રી પર પડી.

“ લે, પચાસ રૂપિયા. બસ? મેળામાં નવી માળા એટલામાં તો મળતી હશે.” પહેલી સ્ત્રી ગમતી છોકરીની વહારે ધાઈ.

“ ના, મને આ ગમે છે, નહીં આપું.” બિંદિયાએ મક્કમતાથી કહ્યું.

“જવા દે ચાંપલીને. તું પણ.. મૂક વાત” પુરુષ પોતાની પત્નીને ખિજાઈ રહ્યો.

“તમે વાત જ એ રીતે કરો છો કે કોઈ હા ન પાડે. આ તો શુકનવંતા વાઘનખ વાળી જ માળા છે. મેળામાં પણ એ ખાસ દેખાતી નહીં હોય અને મળે તો પણ સાવ પચાસમાં નહીં હોય.  મારે એ જોઈએ છીએ.” સ્ત્રી કહી રહી. 

એ બે વચ્ચે દલીલો થઈ રહી ત્યાં પહેલી સ્ત્રી બિંદિયાને વહાલ કરતી બોલી “ બેટા, તને અમે શું આપીએ તો આ માળા અથવા છેવટે એનો વાઘનખ અમને આપે?”

થોડો વિચાર કરી બિંદિયા એ ભૂરી મઝાની છત્રી સામે લોલુપ નજરે જોઈ રહી. ઘરનું શીખવેલું અવગણી એનાથી કહેવાઈ ગયું- “ તમે આ ભૂરી છત્રી મને આપો તો હું તમને આ માળા આપું. અમારે ત્યાં આવી છત્રી ન મળે, તમારે ત્યાં  આવી માળા કદાચ નહીં મળતી હોય.”

છત્રી એ બીજી સ્ત્રીની હતી. એ પણ મોં ફેરવી લેવા જતી હતી. એનો પતિ તો મનમાં “આ લોકોને ફટવ્યાં છે” કહી  ખિસ્સામાં હાથ નાખી આડું  જોવા લાગેલો ત્યાં પહેલી સ્ત્રી છત્રી ઉપાડીને કહે “ લે આ છત્રી, જલસા કર. હવે તો આપીશ ને તારી માળા?”

થોડો વિચાર કરી બિંદિયાએ માળા ઉતારી આપી અને છત્રી પોતાના હાથમાં ફેરવતી એકીટશે એની સામે જોઈ રહી. તો બીજી સ્ત્રી પહેલાં થોડું કચવાઈ, પછી એ માળા પોતાના ગળામાં પહેરી નખ પર હાથ ફેરવવા લાગી. ધીમેથી પતિને કહે “ સોદો ખોટો નથી. છત્રી આપણાં શહેરમાં માંડ સાઠ સિત્તેરની આવે છે. આવો આવો વાઘનખ તો કદાચ તાંત્રીક વેંચે તો પણ હજારમાં તો ખરો જ.”

સ્ત્રી વાઘનખનાં  લોકેટ સાથે પોતાને પોકેટ મીરર માં જોઈ રહી અને સરસ મઝાની રૂપકડી ભૂરી છત્રી હાથમાં રમાડતી બિંદિયા ઊછળતી કૂદતી અંધારું થાય તે પહેલાં ઘર તરફ દોડી ગઈ.

ક્રમશ: