આસમાની રંગની છત્રી રે.. - 4 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આસમાની રંગની છત્રી રે.. - 4

2.

બિંદિયાએ છત્રી હાથમાં લઈ ગોળગોળ ફેરવી. એને ઘેર છત્રી તો હતી,  પકડવી મુશ્કેલ બને એવડી મોટી અને કાળી. એમાં પણ ઉંદરોએ કાણાં પાડી દીધેલાં. આ છત્રી તો નાજુકડી, નાની હતી. બરાબર બિંદિયાની સાઈઝને માફક આવે એવી. કેવું ભૂરું, આકાશ કે ધતુરાના ફૂલ જેવું એનું કાપડ હતું! એ તો  ઘેરાં ભૂરાં સિલ્કની હતી. કાપડ સોંસરવું અજવાળું દેખાતું હતું. કેવી સુંવાળી, કેવી નાજુક અને એમાંથી ઉપરનું આકાશ થોડું જોઈ શકાય એવી અર્ધ પારદર્શક.

બિંદિયાને છત્રી એટલી વહાલી લાગી કે એ છત્રીને આમથી તેમ ઝુલાવતી કાપડ પર હાથ ફેરવી રહી. આખરે વગર વરસાદે કે તડકે એ છત્રી ખોલીને ઘર તરફ ચાલવા લાગી.

બિંદિયા ઘેર પણ આ છત્રીને ખુલ્લી જ રાખતી. એને મન છત્રી બંધ કરતાં ખુલ્લી વધુ સુંદર દેખાતી હતી. એનો મોટો ભાઈ બીજ્જુ  ક્યારેક છત્રી ઘરમાં વચ્ચે આવે છે કહી બંધ કરી દેતો પણ થોડી જ વારમાં બિંદિયા એ ખોલી નાખતી.

બિંદિયા જ્યાં જાય ત્યાં છત્રી એની સાથે ને સાથે જ રાખતી.  પછી એ ગાયો ચરાવવા હોય, થોડી શેરી દૂર આવેલ કૂવેથી પાણી ભરવાનું હોય કે ગ્રાહકોને દૂધ આપવા જવાનું હોય. એણે છત્રી નીચેથી ઉપરનું આકાશ અને વૃક્ષો જોવાં ગમતાં.

એની છત્રી પહાડ પર પણ દૂરથી દેખાઈ આવતી. ગામના લોકો એ નવી વસ્તુ સામે કૌતકથી જોઈ રહેતા.

ગામના એક કાચા, ધૂળિયા રસ્તે ભોલારામ ની નાની હાટડી જેવી દુકાન હતી. આવતા જતા ટુરિસ્ટ ત્યાં ચા કે લસ્સી પીતા. તે દુકાનના થડા પર કાચની નાની બરણીઓમાં ટોફી, ચોકલેટ, સેકેરીન ની બનેલી મીઠાઈઓ રાખતો અને બાળકો સ્કૂલેથી વળતાં ક્યારેક ત્યાંથી એ લેતાં. ક્યારેક કોઈએ પૈસા આપ્યા હોય ત્યારે ખિસ્સું ગરમ હોય  તો બિંદિયા અને બિજ્જુ  ત્યાંથી આવું કશુંક લેતાં. 

એક દિવસ એ દુકાન પાસેથી બિંદિયા એની ભૂરી છત્રી લઈ પસાર થઈ. મૂછ ચાવતા બેઠેલા ભોલારામે આ છત્રી જોઈ.

”લે, આ તો નવું જોણું. આ ગામમાં, એ પણ આ બિંદિયા પાસે ક્યાંથી?” એના મગજમાં વિચારોની ઘટમાળ ચાલી. ઘણી વાર સુધી એની આંખો સામે એ છત્રી તરવરી રહી.

એક દિવસ ખુદ બિંદિયા એની દુકાને કશું લેવા આવી. છત્રી તો એના હાથમાં જઓય જ!

“છોકરી, આ  તારી પાસે ક્યાંથી આવી?” એણે પૂછ્યું.

“બસ, એમ જ, એક  શહેરી મેમસાહેબે આપી.” બરણીઓ પર હાથ ફેરવતી બિંદિયા બોલી.

“લે, એમ ને એમ?” ભોલારામે પૂછ્યું.

“ના હોં! સામે મારી માળા એને આપી. એના સાટામાં આ લીધી. તમને ગમે છે?  લો, જુઓ.” કહેતી બિંદિયાએ છત્રી ભોલારામ સામે ધરી.

છત્રી આમથી તેમ ફેરવતાં , એનાં રૂપાળાં સિલ્ક પર હાથ ફેરવતાં ભોલારામ કહે “વાહ, છત્રી છે તો બહુ મઝાની. પણ એ તો  ન વરસાદમાં કામ લાગે કેમ કે  સાવ નાની છે, ન એનાથી તડકો રોકાય. આ તો બધી શહેરી મેમ સાહેબોનું રમકડું છે.” અંદરથી ઈર્ષ્યાથી બળી રહેલા ભોલારામે કહ્યું.

“ખબર છે.  તો મારું પણ રમકડું ગણી લો. પણ કાંઈક તો કામ આવશે?  સરસ છે ને?” કહેતાં બિંદિયાએ હળવેથી ભોલારામના હાથમાંથી છત્રી પાછી લઈ લીધી.

“પણ છોકરી, આખા વાઘનખના બદલામાં આ છત્રી લીધી? અને તારી સાત રંગના મણકાઓની માળા, જેમાં આ વાઘનખ  પેન્ડન્ટ તરીકે  હતો એ આપી દીધી? તું છેતરાઈ ગઈ. અને હવે આ છત્રીનું તું શું કરીશ?” ભોલારામે  કહ્યું.

“કાંઈ કરવા થોડી લીધી છે? એ આંટીને મારી માળા ગમી તો એને આપી. મને ગમી તે લીધી.”  કહેતાં બિંદિયાએ એક બરણીમાં હાથ નાખી બે ચાર ટોફી એની નાનકડી મુઠીમાં ભરી, કાઉન્ટર પર પૈસા મૂકી ચાલવા લાગી.

“ઊભી રહે છોકરી, તારે આ કોઈ કામની નથી. તારાથી સચવાશે પણ નહીં. તું મને આપી દે, હું તને વીસ રૂપિયા આપીશ.” ભોલારામે દાણો દાબી જોયો.

“હોતું હશે? સો રૂપિયા આપતાં પણ આવી છત્રી ન મળે.  આમ તો હું આપું નહીં, તમારે જોઈતી હોય તો સો રૂપિયા.” બિંદિયાએ ફટ કરતો જવાબ આપ્યો.

“તું તો ખૂબ મોટી કિંમત કહે છે. ઠીક છે, ચાલ, પચાસ આપીશ. લે, આ તારા જ ઘરનાં દૂધની મિઠાઈ.” કહેતાં તેણે એક બળી નો ટુકડો આપ્યો.

“લો કાકા, આ ટોફી ના પૈસા કાઉન્ટર પર મૂક્યા. રામરામ. બાય.” કહેતી બિંદિયા દુકાનનો ઓટલો ઉતરી એ ધૂળિયા રસ્તે આમથી તેમ ઝૂલતી ગઈ. ભોલારામ આંખો ખેંચી મૂછો ચાવતો  એ દેખાતી બંધ થઈ ત્યાં સુધી એની છત્રી સામે  જોઈ રહ્યો. 

એ છત્રી દેખાતી બંધ થતાં એણે એક પ્રલંબ નિઃસાસો  નાખ્યો. આખો દિવસ એનો જીવ કામમાં ન રહ્યો.

ક્રમશ: