આસમાની રંગની છત્રી રે.. - 6 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આસમાની રંગની છત્રી રે.. - 6

ખરું અઘરું કામ હવે હતું. એણે એક ઝાડની ફેલાયેલી ડાળી પરથી ચાર પગે આગળ વધવું પડે એમ હતું. ઝાડ પણ એના લટકવાથી ઉખડી પડે એમ હતું પણ છત્રી એની પહોંચમાં આવે એ માટે આ એક જ રસ્તો હતો.

એને બીજ્જુએ લસરીને ઝાડ પર ચડતાં શીખવેલું એમ એ નીચે ખીણની પરવા કર્યા વગર સંભાળીને એ ખડક પર પહોંચી ગઈ જ્યાં ચેરીના ઝાડ પર એની છત્રી ફસાયેલી. એ વાંદરીની જેમ બે પગો ઘૂંટણથી વાળી ઝાડનું થડ પકડી ઉપર ચડી અને પગ થડ પર સ્થિર કરી લાંબી થઈ છત્રીને પકડી. હજી એની આંગળીઓ જ ત્યાં સુધી પહોંચેલ. એ થોડું વધુ ચડી, અત્યંત જોખમી જગ્યાએ વધુ આડી ખેંચાઈ. નીચે ઊંડી ખીણ હતી એ જોયું અને એકદમ આડી થઈ જાત લંબાવી  ઉપર  એક ડાળ માં ભરાયેલી છત્રી પકડી હળવેથી ખેંચી લીધી.

એને દુઃખ થયું કે છત્રી બે ત્રણ જગ્યાએથી ફાટી ગયેલી. એમ તો કાણાં નાનાં હતાં.

હવે એણે નીચે જોયું અને સાચે જ ડરી ગઈ.

એની બરાબર નીચે, હજી કેટલાંય ફૂટ નીચે પથરાળ જમીન વચ્ચેથી ઝરણું વહેતું હતું.

નીચે જોતાં જ એના હાથ પગ ધ્રુજવા લાગ્યા. એ સાથે ઝાડ પણ ઝૂલવા લાગ્યું.

એ જો  લસરી, તો પડી. અને તો નીચે ઊંડી ખીણમાં જ પડે એમ હતું.

એણે નીચે કે ઉપર જોવાને બદલે સામે જોયે  રાખ્યું. નજર ન હટે એટલે છત્રી જ સામે રાખી. ખૂબ ધ્યાનથી એ આવી એ જ રસ્તે પાછી વળી. પાછા ફરવાનું જવા કરતાં પણ અઘરું હતું.

છત્રીને સંભાળવા સાથે આગળ જવું હવે મુશ્કેલ હતું. એણે છત્રીનો હાથો પોતાની પીઠ સાથે ભરાવ્યો અને ધાર આવતાં છત્રી ફેંકી. ખુલ્લી છત્રી ફરીથી ધાર પાસે ઘાસ પર અટકી ગઈ અને કોઈ ડાળ પર લટકી છલાંગ લગાવી એ ટેકરી પર  પહોંચી ગઈ.

એને આખા શરીરે કાંટા ખૂંપી ગયેલા, ઉઝરડાઓ પણ પડેલા પણ છત્રી પાછી મેળવવાના આનંદ સામે એની પીડા કાંઈ ન હતી. એના ભાઈ બીજ્જુને એક વાર મધમાખીઓ કરડવાથી પછી એ મધમાખી ના ડંખની પીડાથી જાણે  કાયમ માટે મુક્ત થઈ ગયેલો એમ બિંદિયા છત્રી મળતાં પીડા મુક્ત થઈ ગઈ. આનંદથી છત્રી ખોલી એ ફરીથી નાચતી કૂદતી ઘેર ગઈ.

તો બીજ્જુ ને શું થયેલું? ચાર વર્ષ અગાઉ એ  શાળાએથી આવતાં એક મધપૂડા વાળાં  ઝાડ સાથે અનાયસે અથડાયેલો. મધમાખીઓએ એને આખા શરીરે ડંખ ભરી લોહીલુહાણ કરી નાખેલો પણ એ પછી કોઈ પણ મધમાખીનો ડંખ એને અસર કરતો ન હતો.

એક દિવસ એ શાળાએથી મોડો આવતો હતો. બપોરના બે વાગી ચૂકેલા. એણે સવારે છ વાગ્યાથી કશું ખાધું ન હતું. રસ્તે જાંબુ જેવાં નાનાં ફળ નીચે વેરાયેલાં કે નીચી ડાળીએ હોય એ તોડીને ખાધેલાં . એ એ ભોલારામની  દુકાન પાસેથી પસાર થયો. એ દુકાનની બહાર બરણીઓમાં  રાખેલ મીઠાઈઓ પાસે ઊભો. “આવ દીકરા, શું જોઈએ?” ભોલારામે  મધમીઠા અવાજે પૂછ્યું.

“આજે તો કાંઈ નહીં કાકા. મારી પાસે પૈસા નથી.” બિજ્જુએ  કહ્યું.

“એમાં શું મૂંઝાય છે? પછી આપજે.” ભોલારામે કહ્યું.

બિજ્જુએ ના પાડતાં ડોકું હલાવ્યું. એના કેટલાક મિત્રોએ એ રીતે ઉધાર મીઠાઈઓ  કે વસ્તુઓ લીધેલી અને પછી એની કિંમત કરતાં ઘણી મોટી રકમની ભોલારામે માગણી  કરેલી. આખરે એ છોકરાઓએ પોતાના ઘરની કે ખરીદીને અમુક વસ્તુઓ જેવી કે દાતરડું, કાતર, કુહાડી, અથાણું ભરેલી બરણી  અને કેટલાક કેસમાં તો  ઘરની કોઈ સ્ત્રીની કાનની બુટ્ટીઓ પણ આપી દેવી પડેલી જે પછી ભોલારામની માલિકીની બની ગયેલી. બિજ્જુ આવું કરવા માગતો ન હતો.

ભોલારામનો ડોળો ગામની એક માત્ર, સિલ્કની ભૂરી છત્રી પર  હતો એટલે એની માલિક બિંદિયા કે બિજ્જુને કે એના ઘરનાં ને કાંઈ પણ ઉધાર આપવા તત્પર હતો પણ બેય છોકરાં એની જાળમાં ફસાય એમ ન હતાં.

ક્રમશ: