આસમાની રંગની છત્રી રે.. - 1 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આસમાની રંગની છત્રી રે.. - 1

પ્રસ્તાવના 

રસ્કિન બોન્ડ જન્મે બ્રિટિશ, વર્ષોથી ઉત્તરાંચલ માં રહેતા બાળવાર્તાઓ જાણીતા લેખક છે. તેઓ અંગ્રેજીમાં લખે છે પણ એમની વાર્તાઓની પૃષ્ઠભૂમિમાં ઉત્તરાંચલ ના પહાડી પ્રદેશનાં ગામો અને એનું લોકજીવન હોય છે. એમનાં બધાં થીમ બાળકો, કિશોરોને ખૂબ ગમે એવાં હોય છે.

બાલ કિશોર સાહિત્ય માટે તેઓ ભારતમાં ખૂબ પ્રખ્યાત છે અને હવે મોટા ભાગની શાળાઓ અંગ્રેજી માધ્યમ માં હોય છે તેમાં ઈતર વાંચન તરીકે તેમની બુક્સ ની ભલામણ કરવામાં આવે છે અને લગભગ દરેક સારી અંગ્રેજી માધ્યમની ભારતીય શાળામાં તેમની બુક હોય જ છે.

અંગ્રેજી વાંચતાં બાળકોમાં અને એ વંચાવતા વાલીઓમાં તેઓ ખૂબ લોકપ્રિય, ખૂબ વેચાતાં પુસ્તકોના લેખક છે. તેઓ અત્યારે 85 વર્ષના છે પણ હજુ લખે છે, પહાડ ઉતરી ચડી શકે છે. અલમોરા પોતાનાં ઘેર રહે છે.

આ નોવેલ એમની લઘુ નવલ ‘ the blue umbrella'  નો ભાવાનુવાદ, ફેરફારો સાથે છે.

એમનાં પુસ્તક the children's companion નો રીવ્યુ મેં આ પ્લેટફોર્મ, માતૃભારતી  પર મૂકેલ છે.

વાર્તા એક પહાડી ગામમાં રહેતી ખેડૂત બાળકીની અને એને ભેટ મળેલ આમ તો શોભાની પણ એ મળતાં છત્રી પાછળ ઓતપ્રોત થઈ જતી,  પોતાની રીતે એને ઉપયોગમાં લેતી  બાળકી અને એની આ સિલ્કની બ્લ્યુ છત્રીની છે. 

બાળકી માસૂમ છે પણ ભોળી નથી. એ ખેડૂતની પુત્રી છે. પહાડ ચડવા ઉતરવા એને માટે રોજની વાત છે. એને મોટો ભાઈ બિજ્જુ  છે જે અભ્યાસમાં આગળના ધોરણમાં હોઈ પોતાનાં પાઠ્યપુસ્તકો જાળવવામાં અને અભ્યાસ કરવામાં વધુ ધ્યાન આપે છે પણ ઘરનાં કામો પણ જરૂરથી કરે છે.

બિંદિયા ને એની માતા ગાયો ચરાવવા ટેકરી પર લીલું ઘાસ હોય ત્યાં મોકલે છે. એ પિતાની રમતોમાં મસ્ત હોય છે.

ભોલારામ ગામની એક માત્ર સરખી એવી દુકાનનો માલિક અને લોકોની વખતોવખત નાણાંકીય જરૂરિયાતો સંતોષી બદલામાં પોતાની સમૃદ્ધિ વધારતો રહે છે. એ સ્વભાવે અહીં લૂચ્ચો અને લોલુપ બતાવ્યો છે.

મૂળ નોવેલ નું શબ્દશઃ ભાષાંતર કરવાને બદલે ગુજરાતીમાં વાંચવું ગમે એમ ગુજરાતી શબ્દો,  તળપદા રૂઢિપ્રયોગો અને વાક્યો મૂકેલાં છે. મૂળ પ્લોટને વફાદાર રહી વાર્તા મૂળ ગુજરાતીમાં જ લખી હોય એમ બતાવવા પ્રયત્ન કર્યો છે.

આશા છે માતૃભારતીના સહુ વાંચકો આ ભાવાનુવાદના પ્રયત્નને વધાવી લેશે અને પોતાનાં નજીકનાં બાળકોને વાંચી સંભળાવશે.

.***

પ્રકરણ 1

“નીલુ… નીલુ…” પહાડોમાં બાળકીના તીણા અવાજના પડઘા ગુંજી રહ્યા.  જાણે બાળકીના અવાજ સાથે પહાડો પણ નીલુ અને ગૌરીને બોલાવી રહ્યા  પહાડ પરથી ઉતરતી નાની કેડી પર નાના નાના પગ ધબધબ કરતા દોડી રહ્યા.  ક્યાંક પાંદડાં કચરાવાનો અવાજ એ નાનીશી પગલીઓના પગરવ સાથે ભળી એક ધીમું સંગીત પેદા કરી રહ્યો. .

ત્યાં થોડે દૂરથી ઢોરને ગળે બંધાતી ઘંટડીઓ નો સૂરીલો અવાજ  બાળકીની બૂમો સાથે જાણે તાલ પુરાવી રહ્યો.

“ નીલુ..” બાળકીએ મોં આડી હથેળી રાખી મોટેથી બૂમ પાડી અને સામેથી ભોં.. કરતો અવાજ આવ્યો. એ નીલુનો હતો. નીલુ એ બિંદિયા ની ગાય હતી. બિંદિયા એટલે એ પહાડ પર ઉછરતી, કહો કે પહાડને ધાવીને મોટી થતી દસ અગિયાર વર્ષની બાલિકા. ઉત્તરાંચલના પહાડોની સુંદરતા એનાં અંગેઅંગમાંથી નીતરતી હતી. એની નાની કાયા એકદમ સુડોળ અને ખડતલ હતી. કોઈને પણ જોતાં વહાલ ઉપજે અને બીજો કોઈ ભાવ ન જાગે એવું એનું સ્વરૂપ હતું. હજી એ કિશોરાવસ્થાનો ઉંબરો ચડી ન હતી.

નીલુ અને ગૌરી એ બે બિંદિયા ના ઘરની  ગાયો હતી.  નીલુ ભૂરાશ  પડતી કાળી એટલે એ નામ અને ગૌરી શ્વેત ગાય હતી એટલે એ નામ. 

બિંદિયાનો અવાજ સાંભળી બે ગાયોએ ડોકાં ધુણાવ્યાં અને એની ઘંટડીનો અવાજ પહાડના સુસવાટા મારતા પવન સાથે ગુંજી રહ્યો. ગાયો ડોક ધુણાવતી બિંદિયા તરફ ઢાળ ઉતરતી આવી રહી.

ક્રમશ: