Featured Books
શ્રેણી
શેયર કરો

શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - 20 - ડૉક્ટર વિરુદ્ધ ડૉક્ટર

ડૉક્ટર વિરુદ્ધ ડૉક્ટર

ગવર્નમેન્ટ હોસ્પિટલમાં રેસીડેન્સી કરવી અને પ્રાઇવેટ હોસ્પિટલને ચલાવવી એ બંને વસ્તુમાં હાથી ઘોડાનો અંતર રહેલો છે. સરકારી દવાખાનામાં તમારી ઉપર કન્સલ્ટન્ટ તબીબ અને નીચે જુનિયર ડૉક્ટર હોય, દવા ઇન્જેક્શન કે પછી લોહીના રિપોર્ટ્સ, અદ્યતન સુવિધાઓ જેવી કે વેન્ટિલેટર અને આઇસીયુ તેવી તમામ વસ્તુઓનો ખર્ચ દર્દીને ક્યારેય ચૂકવવાનો નથી. જેના લીધે ડાયગ્નોસીસ ને પાક્કું કરવા જો ૨ રિપોર્ટ્સ વધારાના ડોક્ટરને કરાવવાના થાય તો પણ કોઇ તકલીફ ના થાય.
પૈસાનું ભારણ ખીસ્સા પર ના પડે એટલે ૨ દિવસ વધારે સરકારી દવાખાનામાં સારવાર પૂરી કરવા જો દર્દીને દાખલ રેહવું પડે તો પણ તેને આર્થિક રીતે શાંતી લાગે.
જ્યારે પ્રાઇવેટ પ્રેક્ટિસ તેનાથી તદ્ધન વિપરીત છે. બને એટલું ડિસિઝન ક્લિનિકલી એટલે કે દર્દીને તપાસીને જ લેવું પડે, બિમારીને કન્ફર્મ કરવા સપોર્ટિવ એવિડેન્સ તરીકે કરાવવામાં આવતા રિપોર્ટ્સ પણ બને એટલે ઓછા અને મિનિમમ ખર્ચમાં થાય તેની સંપૂર્ણ તકેદારી રાખવી પડે.
ઘણી વાર અમુક દર્દીઓના લોહીના રિપોર્ટ્સમાં ભારે ઇન્ફેકશન આવે કે દાખલ થવાની જરૂરિયાત આવે તો,
“સાહેબ બને એટલું દવાથી જ સારું કરો, દાખલ થવાના પૈસા નથી. અમને ખબર છે કે અમદાવાદ સિવિલમાં સારી સારવાર વિના મૂલ્યે થશે પણ અમદાવાદ જતા અમને બીક લાગે.”
આવી દલીલો સગાઓ તરફથી પેરિફેરીની પ્રેક્ટિસમાં મેં કેટલીય વાર સાંભળી છે અને હજી પણ સાંભળું જ છું.
આજથી લગભગ ૩ વર્ષ પેહલાની વાત.
પ્રાઈવેટમાં પ્રેક્ટિસ શરૂ કર્યાને ઠીક ઠાક ૪ મહિના જેવું થયું હતું. વિરમગામમાં આવેલી એન્જલ હોસ્પિટલમાં બાળરોગના નિષ્ણાંત ડૉક્ટર તરીકે હું ફરજ બજાવતો હતો.
સવારના ૧૧ વાગ્યાનો સમય હતો. ઓપીડી માં શાંતી હતી એટલામાં અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી એક મોટી પીડિયાટ્રિક હોસ્પિટલના પીઆરઓ મને મળવા આવ્યાં,
“સર આપણી હોસ્પિટલમાં પી.એમ.જે.વાય. (પ્રધાનમંત્રી જન ધન યોજના) શરૂ થઈ ગઈ છે, જો કોઇ જરૂરીયાત વાળું બાળક હોય તો મોકલી આપજો તેની સારવાર ફ્રી માં થઈ જશે.”
પીઆરઓ એ હોસ્પિટલનું કાર્ડ ટેબલ પર મૂકતાં કહ્યું. મેં ક્યારેય આ યોજના વિશે પેહલા સાંભળેલું ન હતું. મને કુતુહલતા થઈ અને મેં પૂછ્યું,
“પ્રાઇવેટ હોસ્પિટલમાં ફ્રી સારવાર? આવું તો કેવી રીતે શક્ય બને?”
“સાહેબ ગવર્નમેન્ટ એ ગરીબ દર્દીઓની વિના મૂલ્યે સારી સારવાર થઈ શકે તે હેતુથી આ યોજના લોન્ચ કરી છે. તમે જાણો જ છો કે અધૂરા મહીને જન્મેલાં, ઓછા વજન ધરાવતા બાળકો, જન્મ સમયે ના રડેલાં બર્થ એસફાક્સિયા વાળા બચ્ચાઓ કે જેમને ભારે ખેંચ આવતી હોય અથવા જેના લોહીમાં ઇન્ફેકશનની માત્રા કે જેને સેપ્સિસ કહી શકાય તેવા તમામ બાળકોને એન.આઇસીયુ ની સારવારની જરૂરિયાત લાંબા સમય સુધી પડે છે, તેનો ખર્ચ ગરીબ પેશન્ટ માટે ઉઠાવવો અશક્ય છે અને મધ્યમ વર્ગના પેશન્ટ માટે પણ ઘણું અઘરૂ છે. ખાસ કરીને આ વર્ગ ને ધ્યાનમાં લઈને આ યોજના સરકારે બનાવી છે”
“જોરદાર કહેવાય. પેશન્ટ ને પૈસા નું ભારણ ના લાગે અને ડૉક્ટર દર્દીને બચાવવાનું કામ પૈસાને લીધે થતી ઉતાવળ વિના શાંતિથી કરી શકે. આનાથી તો ડૉક્ટર અને પેશન્ટનો સંબંધ વધારે મજબૂત થશે.”
મેં આનંદ સાથે પ્રતિ ઉત્તર આપતા કહ્યું.
“પણ નવજાત બાળકનું કાર્ડ કેવી રીતે નીકળે?”
મેં સવાલ કર્યો.
“સર બાળકના કાર્ડની જરૂર નથી. નવજાત બાળકના મમ્મી કે પપ્પા નું કાર્ડ જોઈએ. જો તેમની પાસે ના હોય તો તેમના આધાર કાર્ડ અને આવકના દાખલાના આધારે એ કાર્ડ સરળતાથી બની શકે. આ કાર્ડ અંતર્ગત ૫ લાખ સુધીનો ખર્ચ સરકાર ભોગવશે.”
પીઆરઓ એ જવાબ આપ્યો.
મને આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે વરદાન જેવી લાગી.
૨૦૨૧ માં પ્રૅક્ટિસ ચાલુ કરી ત્યારથી લઈને આજ સુધીના ૩ વર્ષના સમયગાળામાં ૧૫૦ થી વધુ નવજાત બાળકો મેં જ્યાં કામ કર્યું એ હોસ્પિટલમાંથી જ્યાં આ ફેસિલિટી મળે છે એવી અમદાવાદની હોસ્પિટલમાં દાખલ થવા મોકલેલા છે. ત્યાંથી વિના ખર્ચે સારા માં સારી સારવાર મેળવી એ બાળકોના માં બાપ હાલ પણ મને મળવા આવે છે અને આભાર માનતા થાકતાં નથી. એમના ઘણા બાળકો જે જન્મ સમયે વેન્ટીલેટર પર હતા તે એક વર્ષના પણ થઈ ગયા છે અને સરસ હસતા હસતા ઓપીડીમાં આવે છે.
કળયુગ ની હજી તો શરૂઆત જ છે ત્યાંતો પાપનું પ્રમાણ વધવા લાગ્યું. દરેક વ્યક્તિમાં દેવ અને દાનવ બંને વસવાટ કરે છે. છેલ્લા અમુક વર્ષોમાં મેં જોયું છે કે જે હોસ્પિટલ અને ડોક્ટર્સ એથિકેલી એટલે કે દર્દીને સારું કરવાની ભાવના સાથે જ કામ કરતા હતા તેમાથી ઘણા ખરા ડોક્ટર્સ એ આ યોજના બંધ કરી દીધી. મેં જ્યારે કારણ પૂછ્યું તો ભારે આઘાત લાગ્યો,
“સાહેબ યોજના ચાલુ કરે દોઢ વર્ષ થઈ ગયું હજુ પણ સરકાર તરફથી પેમેંટ આવ્યું જ નથી. ઘરના કેટલા રૂપિયા જોડું? સરકારી કામ છે એને પૂરું કરવા અમુક વચોટિયા અધિકારીઓ એટલા લાખો માં રૂપિયા માંગે છે કે શું કેહવું? એના કરતા તો આ યોજના ના લેવી જ સારી.”
જે ડૉક્ટર એ આ યોજના બંધ કરી હતી તેમણે પોતાની હૈયા વરાળ ઠાલવી. સરકારને સારું કામ કરવું છે, ઉપરના લેવલ પર સારી યોજના બને છે પણ એ વસ્તુનો લાભ સામાન્ય વ્યક્તિ સુધી નથી પોહચી શકતો કારણકે આખી સિસ્ટમમાં ઊધઈ પ્રસરી ચૂકી છે. આ ઉધઈ સરકારી સિસ્ટમની સાથે અમુક ડોક્ટરોના મગજમાં પણ પ્રસરી ગઈ છે. જેના લીધે અમુક હોસ્પિટલોને પૈસા કમાવાના ધંધાર્થે ખોલવામાં આવેલી છે. જેમાં પોલિટિકલ ઇન્વોલ્વમેન્ટ પણ પૂરેપૂરું હોય જ છે. કાર્ડમાં ખોટા ઓપરેશન કરવા, કાર્ડમાં ખોટું દાખલ કરવું. દર્દીને ઇન્ફેકશન ના હોય તો પણ રિપોર્ટમાં ખોટું ઇન્ફેકશન બતાવવું. જોવાની વાત એ છે કે આવી હોસ્પિટલોના પીએમજેવાય યોજનાના બિલની ચુકવણી દર મહિને સમયસર સરકાર દ્વારા થઈ જ જાય છે. કેટલા બધા લોકો આ ‘સ્કેમ’ માં શામેલ હશે એ તમે વિચારી શકો છો. આવા તમામ કુકર્મો ચાલતા જ હોય છે. પણ પાપનો ઘડો જલ્દી ભરીને ફૂટી જાય છે તેમ ગમે તેટલો પોલિટિકલ સપોર્ટ હોય તો પણ આવા કુકર્મો પ્રજાની સામે ખૂબજ ઝડપથી પોહચી જાય છે.
પણ આવા બનાવોને લીધે તમામ ડોક્ટરની નિયત પર શંકા કરવી કે પછી બધાજ ડોક્ટરોને ગુનેહગારની નજરોથી જોવા કે પછી આ યોજનાને ખરાબ બતાવવી એ યોગ્ય નથી. દોષિતોને સજા ચોક્કસ થી મળવી જ જોઈએ અને આ યોજનામાં રહેલા લૂપહોલ્સને ઓળખીને એનું પાક્કું સમારકામ કરવું જરૂરી છે.
જમાનો બદલાઈ રહ્યો છે તેમ અમુક ડોક્ટરનું માઇન્ડસેટ પણ એક બિઝનેસમેન જેવું થવા લાગ્યું છે. આ માનસિકતા બદલાવા પાછળ ઘણા પરિબળો જવાબદાર છે. નીટ પીજીમાં એડમિશન માટે વચ્ચે ૦ પર્સન્ટાઈલ કરવામાં આવ્યું હતું. મતલબ લાયકાત અને મહેનત નહીં પણ પૈસા અને ડોનેશનના ધોરણે ડૉક્ટર બનાવવામાં આવશે. મેટ્રો સિટીમાં ડોક્ટરો વચ્ચે હેલ્થી નહીં પણ અનહેલ્થી કમ્પિટિશન. અમુક ડોક્ટરો પોતાના પ્રતિસ્પર્ધી ડોક્ટરની પ્રેક્ટિસ ઓછી કરવા સામ દામ દંડ ભેદ બધી જ નીતિ અપનાવે છે. અને સૌથી મોટું ફેક્ટર છે પેશન્ટનો અવિશ્વાસ. હાલના દર્દીઓના સગા બીમારીઓ સમજવા તૈયાર જ નથી. જો કોઇ હોસ્પિટલમાં દર્દીનું બીમારીના લીધે પણ મૃત્યુ થાય, તેના સગાને બધીજ વસ્તુઓ સમજાયા બાદ પણ અમુક અમાનુષી તત્વો હોસ્પિટલમાં તોડફોડ કરે. ડૉક્ટર અને સ્ટાફ જોડે મારઝૂડ કરે. આવા બનાવો બાદ ડૉક્ટર જોખમી કેસની સારવાર કરતા હંમેશા અટકે છે.
જેનો ગેરફાયદો આ સમાજનેજ થશે. અન્ય એક અગત્યનું પરિબળ છે જનરેશન ગેપ. ડૉક્ટર કમ્યૂનિટીમાં આ જનરેશન ગેપ ઘણી જોખમી વસ્તુ થઈ ગઈ છે. કોઇ પણ જગ્યાએ ૨ પ્રકારના ડૉક્ટર તમને મળશે. એક ૧૫ કે ૨૦ વર્ષ થી પ્રૅક્ટિસ કરતા, સીનિયર અનુભવી તબીબ. જેમના ત્યાં પેશન્ટોની લાઇન લાગશે પણ તેમને કોઇ નવા પાસઆઉટ ડૉક્ટર સાથે કામ કરવામાં હંમેશા જોર પડશે. તેમને ડર લાગે છે કે આ નવો પાસ થયેલો ડૉક્ટર ક્યાંક તેમની પ્રૅક્ટિસ ઓછી ના કરી દે, તેમના પેશન્ટ તુટી ના જાય. નવા તબીબ ના પણ પોતાના દુઃખ છે, જલ્દી કમાવવની ઉતાવળ અને ધીરજ નો અભાવ. જોઇન્ટ પ્રેક્ટિસમાં થતો આ ઘર્ષણ જન્મ આપે છે નવી નવી હોસ્પિટલ્સને.
મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ પણ એવા વિચાર સાથે શરુ થઈ હતી કે દર્દીને બધી જ સારવાર એક જ જગ્યાએ મળી શકે, તેને વારે વારે દવાખાના બદલવા ના પડે. પણ ધીરે ધીરે તેમ નોન મેડિકલ લોકોનો તેમની માનસિકતાનો પગ પેસારો વધ્યો અને છેલ્લે પોલિટિકલ ઇન્વોલ્વમેન્ટ પણ થયું અને પરિણામ તમારી સામે છે.
ભારત દેશમાં મેડિકલ પ્રૅક્ટિસ માટેનો આવનારો સમય ઘણો જોખમી જણાઈ રહ્યો છે. ડૉક્ટર અને દર્દી વચ્ચેનો ઘર્ષણ હજી કેટલા ખરાબ દિવસો બતાવશે એતો હવે ભવિષ્યમાં જ જોવાનું રહ્યું.