દક્ષિણ આફ્રિકાના ઉત્તર ટ્રાન્સવાલમાં ફુન્ડુડ્ઝી નામનું એક રહસ્યમયી તળાવ છે. આ તળાવ વિશે એવું કહેવામાં આવે છે કે તેનું પાણી પીધા પછી કોઈ જીવિત નથી રહ્યું. મુટાલી નામની નદીમાંથી આ તળાવમાં પાણી આવે છે. તેના ઉદ્ગમસ્થાનને શોધવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ તેના વિશે આજ સુધી કોઈ જાણકારી મેળવી શકાઈ નથી. સૌથી અજીબોગરીબ વાત એ છે કે તળાવના પાણીમાં દરિયાની જેમ ભરતી અને ઓટ આવે છે.
ઈ.સ. ૧૯૪૭માં હૈડરિક નામના એક ખેડૂતે તળાવમાં નાવ ચલાવવાનો પ્રયત્ન કર્યો. નાવમાં સવાર થઈને તે તળાવની વચ્ચે પહોંચ્યો અને એકાએક રહસ્યમયી રીતે ગાયબ થઈ ગયો. હૈડરિક અને તેની નાવનો આજ દિન સુધી કોઈ પત્તો લાગ્યો નથી.
ઈ.સ. ૧૯૫૩માં બર્ન સાઇડ નામના એક પ્રોફેસરે આ તળાવનું રહસ્ય છતું કરવાનું બીડું ઝડપ્યું. પ્રોફેસર બર્ન સાઇડ પોતાના એક સહયોગી સાથે અલગ-અલગ આકારની સોળ શીશીઓ લઈને ફુન્ડુડ્ઝી તળાવ જવા નીકળી પડયા. તેમણે પોતાના આ કામ માટે તળાવની નજીકમાં રહેનારા વેંડા કબીલાના લોકોને પોતાની ટોળકીમાં સામેલ કરવાનું વિચાર્યું, પરંતુ કબીલાના લોકોએ ફુન્ડુડ્ઝી તળાવનું નામ સાંભળ્યું કે તરત જ એક ક્ષણ ગુમાવ્યા વગર ત્યાંથી ભાગી ગયા. આ કબીલાના એક વૃદ્ધ આદિવાસીએ બર્ન સાઇડને સલાહ આપી કે જો તેને પોતાના અને પોતાના સહયોગીના પ્રાણ પ્યારા હોય તો ફુન્ડુડ્ઝી તળાવના રહસ્યને જાણવાનો વિચાર ત્યાગીને ત્યાંથી ચાલ્યો જાય. વૃદ્ધે કહ્યું કે, "તે મોતની દિશામાં આગળ વધી રહ્યો છે, કારણ કે આજ સુધી જે પણ આ તળાવની નજીક ગયાં છે તેમાંથી કોઈ પણ જીવિત પાછાં ફર્યાં નથી."
વૃદ્ધની આવી ડરામણી સલાહ સાંભળીને પ્રોફેસર બર્ન સાઇડ થોડા સમય સુધી મૂંઝવણમાં મુકાઈ ગયા, પરંતુ હિંમત ન હાર્યા. સાહસ સમેટીને તેમણે પોતાના સહયોગી સાથે તળાવ તરફ પ્રયાણ કર્યું. લાંબી થકવી નાખનારી મુસાફરી કરીને તેઓ આખરે પોતાની મંઝિલ ફુન્ડુડ્ઝી તળાવે પહોંચી ગયા, પરંતુ ત્યાં સુધીમાં રાતના અંધારાએ દિવસના પ્રકાશને પોતાની આગોશમાં સમાવી લીધું હતું. ચારેય બાજુ એટલું અંધારું હતું કે નજીકની વસ્તુ પણ દેખાતી નહોતી, તેથી આ ભયાનક જંગલમાં પ્રોફેસર બર્ન સાઇડે પોતાના સહયોગી સાથે સવાર પડવાની રાહ જોવાનું મુનાસિબ માન્યું.સવાર થતાં જ બર્ન સાઇડે તળાવના પાણીને જોયું તો તેનો રંગ કાળો હતો. તેમણે પોતાની આંગળીને પાણીમાં ડુબાડી અને પછી પોતાની જીભે અડાડી ચાખ્યું. આખું મોં કરિયાતું પીધું હોય તેમ કડવાશથી ભરાઈ ગયું. ત્યાર બાદ બર્ન સાઇડે પોતાની સાથે લાવેલી શીશીઓમાં તળાવનું પાણી ભર્યું. પ્રોફેસરે તળાવની આસપાસ ઊગતાં ફૂલછોડ અને ઝાડીઓમાંથી પણ કેટલાક નમૂના એકત્રિત કર્યા.
આટલું કરતાં-કરતાં સાંજ પડી ચૂકી હતી. તેમણે અને તેમના સહયોગીએ શક્ય એટલું જલદી ત્યાંથી ચાલ્યા જવાનો ફેંસલો કર્યો. તેઓ થોડેક જ દૂર ચાલ્યા હશે કે ડાળી ડિબાંગ રાતે પોતાનું સામ્રાજ્ય ફેલાવી દીધું, તેથી બેઉ જણ એક ખુલ્લી જગ્યામાં રાત પસાર કરવા રોકાયા. જગ્યા ખૂબ જ ડરામણી હતી અને પોતાના પ્રવાસ દરમિયાન ઠેક-ઠેકાણે તળાવ વિશે સાંભળેલી વાતોને કારણે તેમણે વારાફરથી સૂવાનો નિર્ણય કર્યો. જ્યારે પ્રોફેસર બર્ન સાઇડ સૂઈ રહ્યા હતા ત્યારે તેમના સહયોગીએ અજીબોગરીબ અવાજો સાંભળ્યા. તેણે ગભરાઈને પ્રોફેસરને જગાડયા. બધી વાત સાંભળ્યા પછી બર્ન સાઇડે અવાજનું રહસ્ય જાણવા માટે ટોર્ચ ચાલુ કરીને આસપાસ જોયું, પરંતુ કંઈ સમજાયું નહીં. અવાજના રહસ્યને લઈને તેઓ ઘણા સમય સુધી વિચારમાં રહ્યા. ત્યારબાદ તો બેઉ જણ સૂઈ જ ન શક્યા.
સવાર પડતાં જ તેઓ નીકળવા તૈયાર થયા. તે સમયે તેમણે પાણીની શીશીઓ જોઈ તો હેરાન થઈ ગયા, કારણ કે શીશીઓ ખાલી હતી. અચરજ પમાડે એવી વાત તો એ હતી કે શીશીઓનાં ઢાંકણાં વાખેલાં જ હતાં, પરંતુ શીશીમાં પાણીનું એક ટીપુંય નહોતું. વળી શીશીઓને સંભાળીને રાખવામાં આવી હતી.
હવે તેઓ ફરી વાર ફુન્ડુડ્ઝી તળાવ તરફ જવા નીકળ્યા, પરંતુ બર્ન સાઇડ પોતાને અસ્વસ્થ અનુભવી રહ્યા હતા. તેમના પેટમાં તીવ્ર દુખાવો થઈ રહ્યો હતો. છતાં પણ તેઓ લાંબી સફર ખેડીને તળાવના કિનારે પહોંચ્યા. બધી જ શીશીઓમાં તેમણે પાણી ભર્યું અને ત્યાંથી પાછા ફર્યા.ફરીથી એ જ ક્રમનું પુનરાવર્તન થયું. પાછા ફરતી વખતે અંધારું થઈ જતાં તેઓ એ જ સ્થાન પર રોકાયા જ્યાં પહેલાં રોકાયા હતા, પરંતુ આ વખતે તેમની આંખોમાં ઊંઘ નહોતી. સવાર પડતાંની સાથે પાણી ભરેલી શીશીઓને ખાલી જોતાં તેઓ ભારે મૂંઝવણમાં મુકાયા. આ દરમિયાન બર્ન સાઇડનું સ્વાસ્થ્ય સતત બગડી રહ્યું હતું.આખરે તેમણે રહસ્ય જાણવાનો વિચાર પડતો મૂકી ખાલી હાથે પાછા ફરવાનો નિર્ણય કર્યો. ઘરે પહોંચ્યા પછી સતત તેમની તબિયત ખરાબ થતી ગઈ અને બરાબર નવમા દિવસે પ્રોફેસર બર્ન સાઇડનું મૃત્યુ થયું. તેમની બોડીનું પોસ્ટ્મોર્ટમ કરવામાં આવ્યું. જેના રિપોર્ટ પ્રમાણે આંતરડાંમાં સોજો આવવાને કારણે બર્ન સાઇડનું મોત થયું હતું.
પ્રોફેસરે એકત્રિત કરેલા ફૂલછોડના નમૂના પણ એટલા ખરાબ થઈ ગયા હતા કે તેમનું પરીક્ષણ કરવું શક્ય નહોતું. બર્ન સાઇડનો સહયોગી કે જે ફુન્ડુડ્ઝી તળાવનું રહસ્ય જાણવા ગયો હતો તેનું મોત પણ બર્ન સાઇડની મોતના એક અઠવાડિયા પછી થયું. તે પિકનિક પર સમુદ્રકિનારે ગયો હતો. તે પણ ખેડૂત હૈડરિકની જેમ નાવમાં બેસીને સમુદ્રના કિનારેથી બહુ દૂર પહોંચી ગયો. બે દિવસ પછી રહસ્યમયી સંજોગોમાં સમુદ્રકિનારેથી તેની લાશ મળી.
આજ દિન સુધી નથી જાણી શકાયું કે તેનું મૃત્યુ એક અકસ્માત હતો કે પછી ખૌફનાક ફુન્ડુડ્ઝી તળાવનો અભિશાપ. આ અભિશપ્ત તળાવનું રહસ્ય જાણવા નીકળેલા બે સાહસવીરોનું મોત પણ આ તળાવના રહસ્યની જેમ જ એક રહસ્ય બનીને રહી ગયું છે.