लोभात्क्रोधः प्रभवति लोभात्कामः प्रजायते ।
लोभान्मोहश्च नाशश्च लोभः पापस्य कारणम् ।।
(हितोपदेश, मित्रलाभ, २७)
એટલે કે લોભમાંથી ક્રોધની ભાવના ઉત્પન્ન થાય છે, લોભમાંથી કામના કે ઈચ્છા ઉત્પન્ન થાય છે, લોભથી જ વ્યક્તિ મોહ પામે છે, એટલે કે તે પોતાનો વિવેક ગુમાવે છે અને તે જ વ્યક્તિના વિનાશનું કારણ બને છે. વાસ્તવમાં, લોભ જ બધા પાપનું કારણ છે.
માણસ આદતોનો ગુલામ છે. યાદ રાખો, આદતો થી વ્યક્તિ નો સ્વભાવ બને છે. અને પછી સ્વભાવ થી વ્યક્તિત્વ અને પછી વ્યક્તિત્વ થી વ્યક્તિનું જીવન સુંદર બદલી જાય છે. તેથી, જો જીવનને સુધારવું હોય તો, આદતોમાં સુધારો કરવો પડશે. એકવાર ખરાબ આદત લાગી જાય પછી તેને છોડવી ખૂબ મુશ્કેલ છે.
यः स्वभावो हि यस्यास्ति स नित्यं दुरतिक्रमः'.
આનો અર્થ એ થાય છે કે માણસનો સ્વભાવ જેવો હોય છે, તે હંમેશા એવો જ રહે છે.
स्वभावो नोपदेशेन शक्यते कर्तुमन्यथा !
सुतप्तमपि पानीयं पुनर्गच्छति शीतताम् !!
તમે કોઈ વ્યક્તિને કેટલીય સલાહો આપો, પરંતુ તેનું મૂળ સ્વભાવ નથી બદલાતું, એકદમ એમ જ જેમ ઠંડા પાણીને ઉકાળો તો તે ગરમ થઈ જાય છે, પરંતુ પછી ફરીથી ઠંડું થઈ જાય છે.
નદી કિનારે એક લોભી માણસ તેના મિત્રો સાથે બેઠો હતો. પછી તેણે નદીમાં એક ધાબળો વહેતો જોયો. ધાબળો પકડવા તેણે નદીમાં કૂદીને ધાબળો પકડી લીધો. થોડી વાર પછી તેને લાગ્યું કે ધાબળો તેને પકડીને તેની સાથે લઈ જઈ રહ્યો છે. તેણે બચાવો-બચાવોની બૂમો પાડવા માંડી. બાજુમાં બેઠેલા મિત્રોએ કહ્યું ધાબળો છોડી દે. તેણે તણાતા તણાતા બૂમ પાડી અને કહ્યું - 'પહેલાં મેં ધાબળો પકડ્યો હતો, હવે આ ધાબળોએ મને પકડ્યો છે. હું તેને છોડવા માંગુ છું પણ તે મને છોડતો નથી.
તે 'ધાબળો વાસ્તવમાં રીંછ હતો, ધાબળો નહીં, જે ઉપરથી જોવામાં આવે ત્યારે ધાબળો જેવો દેખાતો હતો. રીંછે તેને પકડી લીધો હતો. હવે કોઈ તેને બચાવી સકે તેમ ન હતું. કહેવત છે લોભે લક્ષણ જાય, આની તો જાન જ ગઈ.
स्वभावो न उपदेशेन शक्यते कर्तुमन्यथा ।
सुतप्तमपि पानीयं पुनर्गच्छति शीतताम् ॥
ઉપદેશ આપવાથી સ્વભાવ બદલાતો નથી. પાણીને ઘણું ગરમ કર્યું છતાં, તે ફરીથી (તેના સ્વભાવ અનુસાર) ઠંડું થઇ જાય છે. માણસ નું મન બદલાય તો સ્વભાવ બદલાય. મનને બદલાવવાનો એક માત્ર ઉપાય એટલે મૂર્તિ પૂજા. ખેર આપણે ફરી પાછા સ્વભાવ પર જઈએ.
એક જાંબુ ના વૃક્ષ પર સૌથી નીચેની ડાળ પર એક પોપટ બેઠો હતો. એને હતો પાછો ખાવાનો ચટકો. આમ તેમ ડોક ફરાવતા જરીક ઉપર જોયું. તો એક કાળુ મસ્ત જાંબુ તમાટર જેવું પાકેલું ને હવામાં આમ તેમ લહેરાતું હતું.
હકીકત માં સૌથી ઉપર એક ભમરો ડાળ પર આવેલા ફૂલ પર મંડરાતો હતો. આ ભમરાયે જોયું. સૌથી નીચે એક લાલ રંગનું મસ્ત મધ થી ભરપુર એક ફૂલ લહેરાઈ રહ્યું હતું. વાસ્તવિક તે પોપટની ચાંચ હતી. તેણે તો ઉપરથી છલાંગ લગાવી સીધા પેલા ફૂલ ઉપર. આહાહા...
નીચે આળસુ પોપટને થયું વાહ ઉપરવાળાની મહેર છે. જોઈતું જાંબુ સીધું મારા મોઢામાં. હપદુક. આ બાજુ બધા ફૂલોનો રસ ચુસનારો આજે પોતે ચુસાઈ ગયો.
આવી ખરાબ ટેવો છે, પહેલા આપણે તેને 'પકડીએ છીએ', પછી તે આપણને પકડે છે. અને તે જયારે આપણને પકડે છે ત્યારે આપણે છુટી સકતા નથી.
श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात्।
स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम्।।18.47।। गीता
ખૂદનો (સ્વ) ધર્મ ભલે ગુણરહિત હોય, તે બીજાના સંપૂર્ણપણે અનુષ્ટિત ધર્મ કરતાં શ્રેષ્ઠ છે. જેમ ઝેરમાં જન્મેલા જીવને ઝેર હાનિકારક નથી બનેતું, તેમ સ્વભાવથી નિર્ધારિત કરેલું કાર્ય કરતા મનુષ્ય પાપને પામતો નથી.
હર્ષદ અશોડીયા ક. © 10000 વાર્તાઓ