વિરાટ બ્રહ્માંડમાં અગણિત આકાશગંગાઓ છે. એમાં કરોડો તારાઓ અને ગ્રહો આવેલા છે. આપણી આકાશગંગા ’મિલ્કી વે’માં પણ આશરે કરોડોની સંખ્યામાં ગ્રહો આવેલા છે. આ બધા નિર્જીવ છે એવું માનવામાં આવતું નથી. ખગોળશાસ્ત્રીઓનું માનવું છે કે સમસ્ત બ્રહ્માણ્ડમાં લગભગ હજારેક તો એવા ગ્રહો હશે જ કે જ્યાં પૃથ્વી જેવી વિકસિત સભ્યતા રહેતી હોય. કેટલીક જગ્યાએ મનુષ્ય કરતાં પણ વધુ બુદ્ધિમાન અને વિકસિત પ્રાણીઓ રહેતા હોય એવું બની શકે છે. પૃથ્વી પર વસતા મનુષ્યોનું કોઇ પરગ્રહ પર પહોંચવું અને પરગ્રહવાસીઓનું પૃથ્વી પર આવવું અસંભવ નથી. ’ચેરિઓટ્સ ઓફ ધ ગોડ્સ’ પુસ્તકના લેખક એરિક વોન ડાનિકેને અનેક પ્રમાણો અને પુરાવાઓ સાથે એ સાબિત કર્યું છે કે પ્રાચીન કાળથી અર્વાચીન સમય સુધી અનેકવાર પરગ્રહવાસીઓએ પૃથ્વીની મુલાકાત લીધી છે. શાસ્ત્રોમાં દર્શાવેલા છે તે દેવોના ઊડતા રથો એ પરગ્રહવાસીઓના અવકાશયાનો જ હતા. પરગ્રહોથી આવતાં અવકાશયાનોને આપણે ’ઊડતી રકાબી’ પણ કહીએ છીએ. વિજ્ઞાાનીઓ એમને યુ.એફ.ઓ.(યુફો) એટલે કે અનઆઇડેન્ટીફાઇડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ (અનભિજ્ઞા ઉડ્ડયનયાનો) નામનથી ઓળખે છે.
પૃથ્વી પર આવા યુ.એફ.ઓ. દેખાયાના સેંકડો કિસ્સાઓ નોંધાયા છે. એમાંના કેટલાક કિસ્સાઓમાં એ પરગ્રહવાસીઓના અવકાશયાનને જ નહી, એ સાથે પરગ્રહવાસીઓને પણ નજરોનજર જોયાની ઘટનાઓ બની છે. આમાંની કેટલીક ઘટનાઓમાં તો વળી એ પરગ્રહવાસીઓએ રહસ્યમય વિચિત્ર વ્યવહાર કર્યો હોય એવું પણ બન્યું છે !
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જિમ્મી કાર્ટરે ઇ.સ.૧૯૭૩માં આકાશમાં ઊડતી રહસ્યમય વસ્તુને જોઇ હતી. એ દિવસે રાતના સમયે કાર્ટર જ્યોર્જિયામાં આવેલ થોમસ ટાઉનમાં ’લેરી જ્યોર્જિયા લાયન્સ ક્લબ’ના કેટલાક સભ્યો સાથે વરન્ડામાં બેસીને ચર્ચા કરી રહ્યા હતા. તે સમયે એકાએક તેમની નજર ઉપર આકાશમાં થતી એક ચળકતી રોશની પર પડી. પહેલાં તો એમને એમ થયું કે તે ચંદ્ર હશે. પરંતુ તે ચળકતી રોશની વારંવાર પોતાનો રંગ બદલતી હતી એટલે બધાનું તેના તરફ ધ્યાન ગયું હતું. થોડીવારમાં તો એ અજ્ઞાત યાન બધાની દ્રષ્ટિની બહાર પહોંચી ગયું હતું.
૧૯ સપ્ટેમ્બર ૧૯૬૧ના રોજ બનેલી એક ઘટનાને બાર્ની અને બુટ્ટી હિલ નામના દંપતી જીવનભર ભૂલી શકે એમ નહોતા. અમેરિકાના ન્યૂ હેમ્પશાયરમાં આવેલા પોર્ટ સ્માઉથમાં રહેતા તે એ દિવસે પોતાના ઘેર કારમાં બેસીને આવી રહ્યા હતા. તેમણે એમના રસ્તા પર આકાશમાંથી નીચે ઉતરતું ઊડતી રકાબી જેવું એક વિચિત્ર અવકાશયાન જોયું. તેમણે તેમની કાર ત્યાં જ અટકાવી દીધી. અવકાશયાન જમીન પર ઊતર્યું. કુતુહલથી પ્રેરાઇને તે બન્ને કારમાંથી બહાર આવ્યા અને એ અવકાશયાનને જોવા તેના તરફ આગળ જાય છે ત્યાં તે બેહોશ થઇ ગયા. તે લગભગ બે કલાક જેટલો સમય બેહોશ રહ્યા હતા, એવું બાર્ની અને બેટ્ટીને એમની ઘડિયાળ પરથી જાણવા મળ્યું. એ ૨ કલાક દરમિયાન તેમની સાથે શું બન્યું તે તેમને યાદ ન આવ્યું. પણ પછી જ્યારે તેમને મનોવિજ્ઞાાની પાસે લઇ જઇને સંમોહિત કરીને એમના અવેચતન મનને જાગૃત કરી એમાં રહેલી સ્મૃતિને બહાર લાવવામાં આવી ત્યારે જાણવા મળેલી વિગતોથી ઘણી રોચક હકીકત બહાર આવી.
પોતાની મોટર કારમાંથી નીચે ઊતરીને તે બહાર રસ્તા પર ઊભા હતા ત્યારે પેલા અવકાશ યાનમાંથી ઊતરેલા પરગ્રહવાસીઓએ કોઇ યંત્રથી તેમને બેહોશ જેવા કરી દીધા. પછી તેમને એક વિશાળ યાનની અંદર લઇ જવામાં આવ્યા. એ યાનની અંદર કેટલાક પરગ્રહવાસીઓ બેઠેલા હતા, જેમની આકૃતિ માનવો જેવી જ હતી પણ ચહેરામાં ભિન્નતા હતી. એમની આંખો મોટી અને ત્રાંસી હતી. એમના ચહેરા નાક નહોતું. એ વિશાળ અવકાશયાનના એક નાના પ્રયોગશાળા જેવા કક્ષમાં અપહરણ કરાયેલા પતિ- પત્ની બાર્ની અને બેટ્ટી હિલને બેસાડવામાં આવ્યા. ત્યાં તેમણે એ દંપતીનું પૂરેપુરું શારીરિક પરીક્ષણ કર્યું.
પૂર્વે કદી જોઇ ના હોય એવી યંત્ર સામગ્રીથી એમના શરીરનું સૂક્ષ્મ પરીક્ષણ કરાતું હતું ત્યારે એમને વિચિત્ર લાગણી અનુભવાતી હતી. એ યંત્રો શરીરના અંગોપાંગોના ફોટા પાડી લેતા હતા તે સાથે બીજી ઘણી બાબતોનું આંતરિક રેકોર્ડિંગ થઇ જતું હતું, એવું પણ લાગતું હતું. પરીક્ષણ વખતે તે પરગ્રહવાસીઓએ એમની સાથે કોઇ વાતચીત કરી નહોતી. તેમ છતાં એમને લાગતું હતું તે પરગ્રહવાસીઓ એમના મનમાં ચાલતા વિચારોને ટેલિપથીની જેમ કોઇ અજ્ઞાાત રીતે જાણી લેતા હતા. પરીક્ષણ વખતે તેમણે હિલ દંપતી સાથે કોઇ દુર્વ્યવહાર કર્યો નહોતો. દંપતીએ પૂછ્યું કે કયા કારણસર તેમનું શારીરિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું તેનો તેમણે કોઇ જવાબ આપ્યો નહોતો. પરીક્ષણ પૂરું થયા બાદ તેમણે કંઇક કહ્યું હતું. એ અવાજ એમના યંત્રમાંથી પસાર થઇને બહાર આવ્યો ત્યારે અંગ્રેજી ભાષાના વાક્યોરૂપે સંભળાયો હતો. અમે તમને નુકસાન નહી કરીએ. અમે પૃથ્વીવાસી માનવીનો અભ્યાસ કરવા માંગીએ છીએ. અમે તમને મળવા ફરી આવીશું. પછી તેમને ભાન આવ્યુંત્યારે તે તેમની મોટરમાં બેઠેલા હતા !
૪ જાન્યુઆરી, ૧૯૭૫ના દિવસે સવારના સમયે આર્જેન્ટિનો કાર્લો ડિયાઝ બાહિયા બ્લાન્કા વિસ્તારમાં આવેલા પોતાના ઘર તરફ પગે ચાલીને જતો હતો. હવામાન એકદમ ચોખ્ખું હતું. સૂર્યોદય થવાની તૈયારી જ હતી. ત્યાં એક વિચિત્ર ઘટના બની ગઇ. કાર્લોને લાગ્યું કે એના માથા પર કોઇ રંગબેરંગી પ્રકાશપુંજ પથરાઇ રહ્યો છે. એને કારણે એની હલનચલન સ્થગિત થઇ ગઇ એને આગળ ચાલવું હતું પણ જાણે એનું શરીર લકવાગ્રસ્ત થઇ ગયું હોય તેમ તે ત્યાં જ સ્થિર થઇ ગયો. એની આજુબાજુમાં હવાના કંપનો અત્યંત વધી ગયા અને તેની મરજી ના હોવા છતાં તે હવામાં ઉપરની તરફ ખેંચાવા લાગ્યો !
જ્યારે તે જમીનથી લગભગ ૩ મીટર ઉપર ખેંચાઇ ગયો હશે ત્યારે તેનામાં સાધારણ બેહોશી છવાઇ ગઇ હોય એવું લાગ્યું એમ છતાં પોતાની સ્થિતિને જોઇ- જાણી અનુભવી શકે એટલું તો ભાન એને હતું. થોડીવાર પછી તેણે પોતાની જાતને ઊડતી રકાબી જેવા એક અંડાકાર ગોળ અવકાશયાનમાં બેઠેલી જોઇ. ત્યાં તેણે ત્રણ પરગ્રહવાસીઓને જોયા, જેમનો આકાર મનુષ્ય આકૃતિ જેવો તો હતો પણ માથુ અને ચહેરો અલગ ભાતના હતા.
એ બધાની ચામડીનો રંગ એકદમ લીલો હતો. તેમણે પણ કાર્લો ડિયાઝનું શારીરિક પરીક્ષણ કર્યું. પછી અંદર કંઇક વાતચીત કરી અને તેના માથા પરથી વાળ ખેંચીને તેનો જથ્થો કરવા લાગ્યા. જો કે આશ્ચર્યની વાત એ હતી કે એને વાળ ચૂંટાતા હતા ત્યારે જરાય દર્દ થતું નહોતું !
એ પછી એમણે એની સાથે શું કર્યું એ એને યાદ રહ્યું નહોતું. પણ એના વાળ પરથી એ કંઇક મહત્ત્વનું સંશોધન કરવા માગતા હતા એવું એને લાગ્યું. એને હોશ આવ્યા ત્યારે તેણે પોતાને સાવ અજાણી જગ્યાએ જોઇ. પછી તેને ખબર પડી કે તે તેના ઘરથી ૮૦૦ કિલોમીટર દૂરના કોઇ સ્થાને પડેલો હતો. પછી કાર્લોનું તબીબી પરીક્ષણ પણ કરવામાં આવ્યું. ડૉક્ટરોને એ જોવા મળ્યું કે તેના વાળ જરૂર ચૂંટવામાં આવ્યા હતા પણ આશ્ચર્યની વાત એ હતી કે વાળ એ રીતે ચૂંટવામાં આવ્યા હતા કે જેથી એના મૂળને કોઇ નુકસાન ન થાય ! કાર્લોનું અપહરણ કરનારા પરગ્રહવાસીઓ એનું શારીરિક પરીક્ષણ કરી એના વાળ કેમ લઇ ગયા એ એક રહસ્યમય બાબત છે !