ભાગવત રહસ્ય-૧૬૪
પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જાગી –સ્નાન કરી પવિત્ર થઇ –તે પછી ભગવાનની પ્રાર્થના કરવી.પ્રાર્થના કરી લાલાજીને જગાડવાના. આપણે તો ભગવાન ના સેવક છીએ.સાધારણ સેવક જેમ માલિકને સાવધાનીથી જગાડે-તેમ લાલાજી ને જગાડવાના.(ઉત્તિષ્ઠ ગોવિંદ,ઉત્તિષ્ઠ ગરુડધ્વજ,ઉત્તિષ્ઠ કમલાકાન્ત ત્રૈલોક્ય મંગલમ કુરુ) ઉઠાડતાં પહેલાં ભોગ સામગ્રી તૈયાર રાખજે. વૈષ્ણવના હૃદયમાં પ્રેમભાવ જાગે એટલે લાલાજીને ભૂખ લાગે છે.
મંગળામાં માખણ-મિસરીનો ભોગ લગાવવાનો હોય છે.(મંગળા અને શૃંગાર કરી બંનેનો સાથે ભોગ પણ –ઘણા લગાવે છે) પ્રભુના ધીરે ધીરે ચરણ પખાળવા,કે તેમને દુઃખ ન થાય. શ્રીઅંગ કોમળ છે-તેવી ભાવના કરી તેમને સ્નાન કરાવવું.પછી ભગવાનને શૃંગાર કરવાનો. વિઠ્ઠલનાથને પૂછવાનું-આજે કયું પીતાંબર પહેરાવું ? “
શૃંગાર કરવાથી શું ભગવાનની શોભા વધે છે ? ના,પરમાત્મા ને શૃંગારની જરૂર નથી. એ તો સહજ સુંદર છે. નિત્ય સુંદર છે.શૃંગાર કરતી વખતે આંખ અને મન ભગવાનમાં જોડાય છે-જેથી મન શુદ્ધ થાય છે.
મોટા મોટા યોગીઓને જે આનંદ સમાધિમાં બંધ આંખે મળે છે-તેવો આનંદ વૈષ્ણવો ને ઠાકોરજીના શૃંગાર માં ઉઘાડી આંખે મળે છે.યોગીઓને પ્રાણાયામ -પ્રત્યાહાર કરવા પડે છે-છતાં મન કોઈ વાર દગો આપે છે.
ઝાડ નીચે બેસી ધ્યાન-ધારણા કરવાથી જે યોગીને જે સિદ્ધિ મળે તે સિદ્ધિ વૈષ્ણવોને ઠાકોરજીની સેવાથી મળે છે.લાલાજીની ઈચ્છા અનુસાર શૃંગાર કરો તે સેવા છે-અને આપણી ઈચ્છા અનુસાર શૃંગાર કરીએ તે પૂજા છે.કનૈયાને વારંવાર પુછશો તો કનૈયો તમને કહેશે-કે તેમની શું ઈચ્છા છે.
અને એટલો સમય જગત ભુલાશે અને માલિકમાં તન્મયતા થશે-અને આનંદ થશે.
“શૃંગાર કર્યા પછી-ભોગ અર્પણ કરવાનો-દૂધ ધરાવવાનું. વિઠ્ઠલનાથ શરમાળ છે-વારંવાર પ્રાર્થના કરીએ છીએ ત્યારે આરોગે છે.સેવા પછી પ્રાર્થના કરવાની “ (એવું નથી કે સંસ્કૃતમાં જ પ્રાર્થના થાય.પોતાની માતૃભાષામાં પણ સ્તુતિ કરી શકાય.પ્રભુને તો બધી ભાષા આવડે છે)
“સ્તુતિ-પ્રાર્થના પછી કિર્તન કરવાના.તે પછી આરતી ઉતારવાની.અને પછી ભગવાનને વંદન કરવાના. સ્તુતિ માં કોઈ ભૂલ થઇ હોય તો તે વંદન કરવાથી,માફ થાય છે. સેવા પરિપૂર્ણ બને છે. સમાપ્તિમાં સાષ્ટાંગ પ્રણામ કરવાના.”
નામદેવ નિર્દોષ બાળક હતા.પિતાએ કહેલી સર્વ વાત સાચી માની છે.બાળકના મનમાં આ વાત ઠસી ગઈ કે-
આ મૂર્તિ નથી પણ સાક્ષાત પરમાત્મા છે.બાળક નાનો હોય ત્યાં સુધી તેને સમજાવવામાં આવશે તો મૂર્તિમાં ભગવાન દેખાશે. મોટી ઉંમર નો થાય પછી તેને સમજાવવા જશો તો સામી દલીલ કરશે.(આપણે ઘણા પણ –મૂર્તિમાં શું ભગવાન છે? તેની દલીલ કરીએ છીએ!!!) નામદેવના મનમાં ઠસી ગયું-કે-ભગવાન દૂધ પીશે-ભગવાન ભોગ જમશે. નામદેવ બાલ્યાવસ્થાથી જ ભક્ત હતા.
તે દિવસે રાત્રે નામદેવને ઊંધ નથી આવતી. “સવારે મારે વિઠ્ઠલનાથજીની સેવા કરવાની છે.”
પ્રાતઃકાળમાં ચાર વાગે નામદેવ ઉઠ્યા છે.કિર્તન કરી પ્રેમથી ભગવાનને જગાડે છે.ઠાકોરજીના ચરણ પખાળી સ્નાન કરાવ્યું.સુંદર શૃંગાર કર્યો છે. વિઠ્ઠલનાથ પ્રસન્ન દેખાય છે.(ઝાંખી) ઘરનાં ગરીબ હતા એટલે હીરા મોતી ની કંઠી ક્યાંથી અર્પણ કરી શકે ? તુલસી અને ગુંજાની માળા અર્પણ કરી છે. ઠાકોરજીને ગોપીચંદનનું તિલક કર્યું છે.શૃંગાર થયા પછી ઠાકોરજીને ભૂખ લાગે છે.
આપણા હૃદયમાં પ્રેમ હોય તો તે પ્રેમ જ મૂર્તિમાં જાય છે અને મૂર્તિ ચેતન બને છે. પ્રેમ જડને ચેતન બનાવે છે.
નામદેવ દૂધ લઇ આવ્યો છે.
“વિઠ્ઠલ તમે જગતને જમાડનાર છો.હું તમને શું જમાડી શકું ? તમારું તમને અર્પણ કરું છું.”
“ત્વદીયં વસ્તુ ગોવિંદ,તુભ્યમેવ સમર્પયે. “ (હે ગોવિંદ,તમારી વસ્તુ જ તમને અર્પણ કરું છું
-- - - - - - - - - - - - - - -- - - - - - - -