ભાગવત રહસ્ય- ૧૬૩
ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની સતત કાળજી રાખવી પડે છે-મહેમાનની સાથે બેસો તો તે ભોજન લે છે.કોઈ સાહેબ ઘેર આવ્યા હોય-ચા મૂકી ને બે-ત્રણ વાર કહેવું પડે કે સાહેબ ચા ઠંડી થાય છે. સાહેબ કંઈ આંધળો નથી-પણ બે-ત્રણ વાર કહીએ ત્યારે તે ચા લે છે.માનવને મનાવવો પડે તો લાલાજી તો તેના કરતા હજારો ગણા શ્રેષ્ઠ છે.
લાલાજી ને ભોગ ધરાવ્યા પછી –તેમની જોડે બેઠા વગર જો ઘરનાં બીજાં કામમાં લાગી જાઓ તો
લાલાજી ભોગ સામે જોશે પણ નહિ.યશોદામૈયા બહુ મનાવતા ત્યારે લાલાજી ખાતા. યશોદાજીના જેમ
લાલાને જમવા માટે ખુબ મનાવો.લાલાને અનેક વાર મનાવશો તો કોઈ એક વાર તે માનશે.
લાલાજી જે દિવસે ખાશે- તે દિવસે બેડો પાર છે.
કોઈવાર ઘરનાં બધાને બહાર જવાનું હોય તો ભગવાનને એકલા દૂધ પર રાખે છે.કહેશે-કે-“નાથ, દૂધ જમો.મારે આજે મોહનથાળ ખાવા બહાર જવાનું છે.” ત્યારે ભગવાન કહેશે-કે-“તું મિષ્ટાન્ન ખાય અને મને દૂધ પર રાખે છે ? હું પણ તને એક મહિનો દૂધ પર રાખીશ.” ભગવાન ટાઈફોઈડ તાવને મોકલી આપે છે.
ડોક્ટર કહેશે-કે હવે તેને એક મહિનો અનાજ આપશો નહિ.--આ તો હળવા અર્થ માં કહ્યું.
ઘરમાં કોઈ જમનાર ન હોય તો પણ ભગવાન માટે રસોઈ બનાવો.
પરમાત્માની સેવાનું ઘણું મહત્વ છે. કોઈ પણ એક જગ્યાએ મન અને ધ્યાન કેન્દ્રિત કરવા-
કોઈ પણ સ્વરૂપની મૂર્તિ રાખી પ્રેમપુર્વક-ખુબ જ ભાવથી પ્રભુ ની સેવા કરો.ચિત્રસ્વરૂપ કરતા મૂર્તિસ્વરૂપ સારું છે.મૂર્તિ સ્વરૂપમાં આંખ ને મન પરોવાયેલું રહે છે.લોખંડની છીણી હોય અને તેને અગ્નિમાં તપાવો-તો અગ્નિના સંબંધથી તે છીણી અગ્નિસમ બને છે.તેને હાથ અડાડી શકાતો નથી.
તેમ મૂર્તિમાં પ્રભુ આવીને બિરાજ્યા છે –એવી-ભાવના કરવાથી –મૂર્તિ ભગવદસ્વરૂપ બને છે.
મુર્તિની સેવામાં સંપત્તિ પ્રમાણે ખર્ચ કરો.લાલા માટે સુંદર સિંહાસન બનાવો.રોજ નવાં નવાં કપડાં પહેરાવો.
જેની પાસે સંપત્તિ નથી તે તો પ્રેમથી ફૂલ અર્પણ કરેશે તો પણ ચાલશે.તેથી પણ ઠાકોરજી પ્રસન્ન થશે.
પ્રભુ માને છે-કે મેં તેને કશું આપ્યું નથી તો તે મને ક્યાંથી આપે ? સેવા કરો ત્યારે મનથી એવી ભાવના રાખો કે –લાલાજી પ્રત્યક્ષ હાજર થઇ ને વિરાજ્યા છે. સેવાના આરંભમાં ધ્યાન કરવાનું –અને ભાવના કરવાની કે-લાલાજી રૂમ-ઝુમ કરતા ચાલતા આવીને મૂર્તિમાં પ્રવેશ્યા છે. હાજરા હજુર છે.
વેદાંતીઓ બ્રહ્મની-અદ્વૈતની વાતો કરે છે.જીવ બ્રહ્મ છે,આત્મા પરમાત્મા છે. હા તે સાચું છે.
પણ જીવ ભલે બ્રહ્મરૂપ હોય-પણ આજે તો તે દાસ છે.(જ્યાં સુધી જીવને બ્રહ્મ નો અનુભવ ન થાય ત્યાં સુધી)
દાસ્યભાવથી અભિમાન મરે છે.(માલિકની “કૃપા” થી હું સુખી છું)
ભાગવતમાં વાત્સલ્યભાવ-મધુરભાવ...એવા અનેક ભાવનું વર્ણન છે.પણ એ સર્વ ભાવ દાસ્યભાવથી મિશ્રિત છે.દાસ્યભાવ વગર જીવની દયા ઈશ્વરને આવતી નથી. (અહમનો અભાવ-થવાથી ઈશ્વર પ્રસન્ન થાય છે)
સેવા એટલે સેવ્ય (પરમાત્મા)માં મન પરોવી રાખવું. પોતાના શરીર (સ્વ-રૂપ) પર જેવો પ્રેમ કરીએ છીએ-
એવો જ લાલાજીના સ્વરૂપમાં પ્રેમ રાખવાનો છે.કૃષ્ણ સેવામાં હૃદય ન પીગળે ત્યાં સુધી સેવા સફળ થતી નથી.મૂર્તિ માં ભગવદ-ભાવ ન જાગે ત્યાં સુધી દુનિયાના પ્રત્યેક પદાર્થમાં ઈશ્વર ભાવ જાગતો નથી.સેવા કરતાં સતત નિષ્ઠા (વિશ્વાસ) રાખવાની છે-કે-મૂર્તિમાં પ્રત્યક્ષ પરમેશ્વર છે.પ્રત્યક્ષ લાલાજી છે.
મનમાંથી મલિનતાને કાઢી નાખી-શુદ્ધ થઇ અને સેવા કરવાની છે.
સેવાની વિધિ, સેવામાં દૃઢતા અને સેવામાં કેવી ભાવના જોઈએ? એ બાબત માં નામદેવના ચરિત્રની એક કથા છે.નામદેવ ત્રણ વર્ષના હતા.ઘરમાં વિઠ્ઠલનાથજીની પૂજા હતી.એકવાર પિતાને બહારગામ જવાનું થયું.પિતાએ નામદેવને પૂજા નું કામ સોંપ્યું.પિતાજી કહે છે-બેટા,ઘરના માલિક વિઠ્ઠલનાથજી છે.ઘરમાં જે કંઈ છે તે આપણું નથી –પણ વિઠ્ઠલનાથજી નું છે.તેમની સેવા કર્યા વગર ખાઈએ તો પાપ લાગે. તેમને ભોગ અર્પણ કરી અને પ્રસાદરૂપે લઈએ તો દોષ નથી.
નામદેવ પૂછે છે-કે-બાપુજી,ઠાકોરજીની સેવા કેમ કરવી તે મને બતાવો.
પિતાજી સેવાની વિધિ સમજાવતાં કહે છે-કે-બેટા, સવારમાં વહેલો જાગજે