સનત્કુમાર બોલ્યા, “હે વિપેન્દ્ર, હવે હું ગણેશના મંત્રોનું વર્ણન કરું છું. સર્વ અભીષ્ટ વસ્તુને આપનારા આ મંત્રોની સારી પેઠે આરાધના કરનારો સાધક ભુક્તિ (ભોગ) અને મુક્તિ (મોક્ષ) પ્રાપ્ત કરી લે છે. ‘ङे’ વિભક્તિ (ચતુર્થી એક વચન) અંતવાળા ગણપતિ, તોય ભુજંગ, વરદ, સર્વજન, વહ્નિ:પ્રિય શબ્દોથી અઠ્ઠાવીસ વર્ણવાળો મંત્ર બને છે. ‘ૐ ગણપતયે તોયાય ભુજંગાય વરદાય સર્વજનાય વહ્નિપ્રિયાય નમ:’ આ મંત્રના ગણક મુનિ છે, નિચૃદ ગાયત્રી છંદ છે, ગણેશ દેવતા છે, ષષ્ઠ બીજ છે, શક્તિ આદિ છે. મહાગણપતિની પ્રીતિ માટે આનો વિનિયોગ કરવામાં આવે છે. મંત્રસાધકે શિરમાં ઋષિનો, મુખમાં છંદનો, હૃદયમાં દેવતાનો, ગુહ્યભાગમાં બીજનો અને બંને પગમાં શક્તિનો ન્યાસ કરવો. છ અંગોમાં ‘ૐ ह्रां, ह्रीं, ह्रूं, ह्रैं, ह्रौं, ह्रः’:- આ શૈવી ષડંગ મુદ્રાથી હૃદયાદિ ન્યાસ કરવો. નાભિથી પગ સુધી ભૂર્લોકની કલ્પના કરીને ‘ગાં’ બોલીને ન્યાસ કરવો. કંઠથી નાભિ પર્યંત ભુવર્લોકની કલ્પના કરીને ‘ગીં’ બોલીને ન્યાસ કરવો. મસ્તકથી કંઠ સુધી સ્વર્ગલોકની કલ્પના કરીને ‘ગૂં’ બોલીને ન્યાસ કરવો. ‘ગાં ગીં ગૂં’ આ મૂળમંત્રથી કરતા આ ન્યાસ્ન્ર ભુવનન્યાસ કહેવામાં આવેલ છે. મૂળમંત્રનું ઉચ્ચારણ કર્યા પછી ૐ अं आं इं ईं उं ऊं ऋं ऋं ऌं ऌं एं ऐं ओं औं अं अः:-આ માતૃકાવર્ણનો ઉચ્ચાર કરવો. લલાટ, મુખ, કંઠ, હૃદય, નાભિ, ઊરુ, જાનુ અને પગમાં મૂળથી ન્યાસ કરવો.
‘તત્પુરુષાય’ ના અંતમાં ‘વિદ્મહે’ અને ‘વક્રતુંડાય’ શબ્દના અંતમાં ‘ધીમહિ’ બોલીને તે પછી ‘તન્નો દંતિ: પ્રચોદયાત’-આ પદ બોલવું. સર્વ સિદ્ધિઓને આપનારી આ ગણેશની ગાયત્રી છે. ન્યાસવિધિ કર્યા પછી હૃદયમાં ગણપતિનું ધ્યાન કરવું.
‘ઉગતા ભાનુ જેવા વર્ણવાળા, સર્વલોકની સ્થિતિ અને અંતના કારણરૂપ; શક્તિ સહિત સુશોભિત અંગવાળા તેમ જ દંત અને ચક્રના આયુધને ધારણ કરનારા ગણપતિને વંદન કરવું.’ આ પ્રમાણે ધ્યાન કરીને ચુમ્માલીસ હજાર અથવા ચાર લાખ ગાયત્રીમંત્રનો જાપ કરવો અને શેરડી, સક્તુ (સાથવો), મોચાફળ (કેળાં), ચીપિટ (પૌવા), તલ, લાડુ, કોપરું અને ડાંગરની ધાણી (લાજા) આ આઠ દ્રવ્યો વડે વિધિપૂર્વક પૂજાયેલા પ્રદીપ્ત અગ્નિમાં જપેલા મંત્રના દશમા ભાગનો હોમ કરવો. પીઠ પર આધારશક્તિનું પૂજન કરવું.
ષટ્કોણની અંદર ત્રિકોણ આલેખવો અને ષટ્કોણની બહાર અષ્ટદળ આલેખવું. ત્રિકોણમાં ગણેશનું આવાહન-પૂજન કરવું, પીઠ ઉપર તીવ્રા, જ્વાલિની, નંદા, ભોગદા, કામરૂપિણી, ઉગ્રા, તેજોવતી, સત્યા અને વિઘ્નનાશિની-આ નવશક્તિઓને ‘सर्वादिशशक्तिकमलासनाय ह्रदयान्तिकः’ આ મંત્ર બોલીને આસન આપવું. પછી ત્રિકોણની બહાર લક્ષ્મી-વિષ્ણુ, ગૌરી-શંકર, રતિ-કામદેવ, પૃથ્વી અને પોત્રી આ આઠનું પૂર્વ દિશા આદિમાં ક્રમથી પૂજન કરવું. ક્રમથી બિલ્વ, વડ, પીપળો અને પ્રિયંગુ (આસોપાલવ) થી ચાર દિશામાં તેમને પૂજવા. ષટ્કોણમાં આમોદાદિનું તેમની પ્રિયાઓ સહિત પૂજન કરવું. સર્વપ્રથમ સિદ્ધિ સહિત આમોદની પૂજા કરવી. અગ્નિકોણમાં સમૃદ્ધિ સહિત પ્રમોદની, ઈશાનમાં કીર્તિ સહિત સુમુખની, પશ્ચિમમાં મદનાવતી સાથે દુર્મુખની, નૈઋત્યમાં મદદ્રવા સહિત વિઘ્નની, વાયવ્યમાં દ્રાવિણી સાથે વિઘ્નકર્તાની પૂજા કરવી. અષ્ટદળમાં માતૃકાઓની પૂજા કરવી.
આ પ્રમાણે સાધકે વિઘ્નેશ્વરની આરાધના કરીને પોતાના મનોરથ સિદ્ધ કરવા. ભાદરવા વદ ચતુર્થીથી લઈને પ્રતિમાસે આળસરહિત થઈને સંકટનો નાશ કરનારું ગણપતિનું વ્રત કરવું. તે દિવસે સૂર્યોદયથી માંડીને ચંદ્રનો ઉદય થતાં સુધી મંત્રસાધકે વાણી અને મનને સ્થિર રાખી ઊભા રહેવું; પૃથ્વી પર કે કોઈ જાતના આસન પર બેસવું નહીં. ચંદ્રનો ઉદય થયા પછી અનેક જાતનાં પુષ્પ તથા અન્ય પૂજનસામગ્રી વડે ગણપતિનું પૂજન કરવું. એકવીસ લાડુનું નૈવેદ્ય તેમને અર્પણ કરવું. એક હજાર આઠ ગણેશ ગાયત્રીમંત્રનો જાપ કરવો. પછી શ્વેત અને લાલ પુષ્પો તથા ચંદન સહિત ગણપતિને અર્ઘ્ય આપવું, તેમની સ્તુતિ કરવી, તેમને પ્રણામ કરવા; પછી ચંદ્રમાનું પૂજન કરવું. ચારવાર ચંદ્રને અર્ઘ્ય આપવો. ગણપતિને નૈવેદ્યરૂપે ધરેલા લાડુમાંથી અડધા લાડુ બ્રાહ્મણને આપવા. વ્રત કરનારે અડધા લાડુ પોતે ખાવા. આ પ્રમાણે એક વર્ષ સુધી આ વ્રત કરવું.
આ વ્રત કરનારને પુત્ર અને પૌત્રાદિનું સુખ, વિત્ત અને આરોગ્ય પ્રાપ્ત થાય છે. સૂર્યોદયથી ચંદ્રનો ઉદય થતાં સુધી વ્રત કરનાર ઊભો રહેવામાં અશક્ત હોય તો સૂર્યાસ્તથી ચંદ્રોદય થતાં સુધી ઊભા રહી, કહેલી વિધિ પ્રમાણે વ્રત કરવાથી પણ ઉપર કહેલું વ્રતનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. હાથીદાંત, વાંદરાઓ અથવા હાથીએ ભાંગેલ લીમડો અથવા સફેદ કરેણમાંથી નિર્માણ કરેલી ગણેશની પ્રતિમામાં ગણપતિનું આવાહન તથા તેમની પ્રતિષ્ઠા કરી ચંદ્રગ્રહણના દિવસે નિરાહાર રહીને ગણપતિનું પૂજન કરવાથી દ્યૂતમાં, રાજદરબારમાં, યુદ્ધમાં અને સંસારવ્યવહારમાં સફળતા પ્રાપ્ત થાય છે. આ જ પ્રમાણે વક્રતુંડનું પણ પૂજન કરવું. ‘ૐ વક્રતુંડાય હુમ્’- આ મંત્રના ઋષિ ભાર્ગવ છે, છંદ અનુષ્ટુપ છે, દેવ ગણાધિપ છે, બીજ વક્રતુંડ છે, વં શક્તિ છે ને વં એ કવચ છે.
પૂર્વોક્ત રીતે ન્યાસ કરીને વક્રતુંડનું ધ્યાન કરવું. ‘ઊગતા સૂર્યના જેવી કાંતિવાળા, હાથમાં પાશ, અંકુશ, વર તથા અભયને ધારણ કરનારા, ગજના મુખવાળા, લાલ વસ્ત્રથી સુશોભિત એવા વક્રતુંડનું ધ્યાન કરવું. એક લાખ ગણેશ ગાયત્રીનો જપ કરવો. આગળ જણાવેલાં દ્રવ્યો વાડી જપના દશમા ભાગનો હોમ કરવો. પીઠ ઉપર જણાવ્યા પ્રમાણે તીવ્રા, જ્વાલિની, નંદા, ભોગદા, કામરૂપિણી, ઉગ્રા, તેજોવતી, સત્યા અને વિઘ્નનાશિની આ નવશક્તિઓનું આવાહન કરીને તેમનું પૂજન કરવું. અષ્ટદળમાં વિદ્યા, વિધાત્રી, ભોગદા, વિપ્રઘાતિની, નિધિપ્રદીપા, પાપઘ્ની, પુણ્યા તથા શશીપ્રભાનું પૂજન કરવું. દળના અગ્રભાગમાં વક્રતુંડ, એકાદંષ્ટ્ર, મહોદર, ગજાસ્ય, લંબોદર, વિકટ, વિઘ્નરાટ્ અને ધૂમ્રવર્ણનું પૂજન કરવું.
વક્રતુંડની કૃપાથી, તેમના પૂજનને લીધે સાધકની સર્વ કામનાઓ પૂર્ણ થાય છે. ગુરુની પાસેથી સંસ્કારપૂર્વક દીક્ષા લઈને તેમના મુખેથી ગણેશનો ષડક્ષર મંત્ર ‘ૐ વક્રતુંડાય હુમ્’-ગ્રહણ કરવો. બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી હવિષ્યાન્ન ભક્ષણ કરવા સાથે સત્ય વાણી બોલનારને જિતેન્દ્રિય થઈ પ્રતિદિન એક હજાર જપ કરવા. આ પ્રમાણે છ માસ સુધી જપ કરીને અષ્ટ દ્રવ્યોથી જપના દશાંશનો હોમ કરવો. આ પ્રમાણે કરનાર સાધકનું દારિદ્રય નાશ પામી તેને ત્યાં ઐશ્વર્ય સ્થિર થાય છે. ભાદ્રપદ કૃષ્ણ ચતુર્થીથી અશ્વિન શુક્લ ચતુર્થી સુધી આદરપૂર્વક પ્રતિદિન દસ હજાર વાર મંત્રનો જપ કરવો. અષ્ટદ્રવ્યોથી પ્રતિદિન એકસો આઠ આહુતિ આપીને હોમ કરવાથી પ્રથમ કહ્યા પ્રમાણેનું ફળ મળે છે. બંને પક્ષોની ચતુર્થીના દિવસે સો માલપૂઆના હોમથી સાધકને એક વર્ષમાં ઉત્કૃષ્ટ પ્રકારની સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
અંગારક ચતુર્થી (માઘ કૃષ્ણ ચતુર્થી) ના દિવસે ગણપતિની વિધિપૂર્વક પૂજા કરીને તેમને દૂધપાકનું નૈવેદ્ય અર્પણ કરવું. પછી ગુરુ આચાર્યનું પૂજન કરીને તેમને જમાડવા ગણપતિને અર્પણ કરેલું નૈવેદ્ય એક હજાર આહુતિઓથી ગણેશ ષડક્ષર મંત્ર ભણી અગ્નિમાં વિધિપૂર્વક હોમવું. આ પ્રમાણે એક વર્ષ સુધી કરવામાં આવતાં વિપુલ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. લોકોના હિતની ઈચ્છાથી એક બીજું સાધન કહેવામાં આવે છે.
પૌઆ, દૂધ, માલપૂઆ, લાડુ તથા વિવિધ પ્રકારનાં ફળોનું નૈવેદ્ય શ્રીગણેશને અર્પણ કરવું. તેમનું યથાવિધિ પૂજન કરવું. પછી સાધકે હળદર, સૈન્ધવ અને વચા આઠ માષા અથવા તો ચાર માષા લઈ તેનું ચૂર્ણ કરવું; તેને ચાર તોલા ગોમૂત્રમાં નાખવું. એક હજાર વાર ગણેશના ષડક્ષર મંત્રનો જપ કરવો. તે ઔષધીને અભિમંત્રિત કરી ગણપતિ આગળ મૂકવી. ઋતુસ્નાન કરી શુદ્ધ થયેલ, શુભ લક્ષણવાળી, શ્વેત વસ્ત્ર ધારણ કરેલી સ્ત્રીને આ ઔષધ પાવાથી, તે સ્ત્રી વંધ્યા હોય તો પણ સર્વ શુભ લક્ષણથી યુક્ત પુત્રને પ્રાપ્ત કરે છે.
હવે હું વધુ એક અદભુત રહસ્ય કહું છું, તે ધ્યાનથી સાંભળો. ગોચર્મ માત્ર પૃથ્વીને ગોમયથી લીંપીને તેના પણ અક્ષત છાંટી શુદ્ધ જળથી ભરેલો ઘડો મૂકવો. એ ઘડાની ઉપર એક નવા શકોરામાં કપિલા ગાયનું ઘી ભરીને તે શકોરું મૂકવું. પછી ‘ૐ વક્રતુંડાય હુમ્’ આ ષડક્ષર મંત્ર અને ‘ૐ વક્રતુંડાય હુમ્ નમ:’ આ અષ્ટાક્ષર મંત્રથી તે શકોરામાં દીપક પ્રકટાવવો. એ દીવામાં દેવનું આવાહન કરી ગંધ-પુષ્પ આદિથી તેનું પૂજન કરવું. પછી સ્નાન કરેલી કુમારી અથવા કુમારનું પૂજન કરવું. એમનામાંના કોઈ એકને દીવા આગળ બેસાડી, દેવનું ધ્યાન કરવું અને ‘ૐ વક્રતુંડાય હુમ્’ આ મંત્રનો જપ કરવો. પ્રકાટાવેલા તે દીપકમાં દ્વિજરૂપ ગણેશની ભાવના કરવી. પછી તે કુમાર અથવા કુમારીને દટાયેલી અથવા ચોરાયેલી સંપત્તિ કે હવે પછી પ્રાપ્ત થનારી સંપત્તિ વિષે પૂછવામાં આવતાં તેના વિષે તે સઘળી હકીકત કહેશે.
હે નારદ, ગણેશના સાધક માટે તંત્રશાસ્ત્રમાં અન્ય મંત્રો પણ છે; પરંતુ સાધકોથી તે ત્રણેય લોકમાં સિદ્ધ કરી શકાય એવા નથી. ગણેશના મંત્રોનું કહેવામાં આવેલું આ વિધાન શઠને, પાખંડી શિષ્યને તેમ જ ધુતારા માણસોને કદી કહેવું નહિ.
આ પ્રમાણે સર્વ સિદ્ધિને આપનારા શ્રીગણેશનું જે નિત્ય પૂજન કરે છે તે સર્વ ભોગોને પ્રાપ્ત કરી અંતે મુક્તિ પામે છે.”
ક્રમશ: