નારદ પુરાણ - ભાગ 8 Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નારદ પુરાણ - ભાગ 8

સનકે કહ્યું, “હે નારદ! આપ ધ્યાન દઈને સાંભળો. ત્રણ પગલાં ભૂમિ આપવાનું વચન બલિએ આપી દીધું. ત્યારબાદ મહાવિષ્ણુ વિશ્વાત્મા વધવા લાગ્યા. તેમનું માથું બ્રહ્મલોક સુધી પહોંચી ગયું. અત્યંત તેજસ્વી શ્રીહરિએ પોતાના બે પગથી આખી પૃથ્વી માપી લીધી. તે સમયે બીજો પગ બ્રહ્માંડકટાહ (શિખર)ને અડી ગયો અને અંગુઠાના અગ્રભાગના આઘાતથી ભાંગી જઈને તેના બે ભાગ થઇ ગયા. તે છિદ્ર દ્વારા બ્રહ્માંડની બહારનું જળ અનેક ધારાઓમાં વહીને આવવા લાગ્યું. ભગવાન વિષ્ણુનાં ચરણોને ધોઈને નીકળેલું તે નિર્મળ ગંગાજળ સર્વ લોકોને પવિત્ર કરનારું હતું. બ્રહ્માંડની બહાર જેનું ઉદ્ગમસ્થાન છે, તે શ્રેષ્ઠ તેમ જ પવિત્ર ગંગાજળ  ધારારૂપે વહેવા લાગ્યું અને બ્રહ્મા આદિ દેવતાઓને તેણે પવિત્ર કર્યા. ત્યારબાદ સપ્તર્ષિઓથી સેવાતું તે ગંગાજળ મેરુપર્વતના શિખર ઉપર પડ્યું 

        ભગવાન વામનનું તે કર્મ જોઇને દેવતાઓ, ઋષીઓ અને મનુષ્યો હર્ષિત થયા અને તેમની સ્તુતિ કરવા લાગ્યા. ત્યારબાદ ભગવાન વામને એક પગલું ભૂમિ પૂરી કરી લેવા માટે વિરોચનપુત્ર દૈત્યરાજ બલિને બાંધી દીધો. પછી તેને પોતાના શરણે આવેલો જોઇને તેને રસાતલનું રાજ્ય આપ્યું અને પોતે ભક્તને આધીન થઈને તેના દ્વારપાળ થઈને રહેવા લાગ્યા.”

        નારદે પૂછ્યું, “હે મુને, રસાતલ તો સર્પોના ભયથી યુક્ત ભયંકર સ્થાન છે. ભગવાન મહાવિષ્ણુએ બલિના ખાવાપીવા માટે શી સગવડ કરી?”

        સનકે કહ્યું, “હે નારદ, અગ્નિમાં મંત્ર બોલ્યા વગર નાખવામાં આવતી આહુતિ અને અપાત્રને આપવામાં આવતું દાન તેના કર્તા માટે ભયંકર હોય છે અને તે જ રાજા બલિના ઉપભોગ માટે સાધન બને છે. અપવિત્ર મનુષ્ય દ્વારા કરાતાં હવિષ્યનાં હોમ, દાન અને સત્કર્મ રસાતલમાં રાજ કરતા બલિના ઉપભોગને યોગ્ય બને છે અને કર્તાને અધઃપતનરૂપ ફળ આપે છે. દૈત્યને રસાતલલોક અને દેવતાઓને સ્વર્ગનું રાજ આપીને ભગવાન વામન તપશ્ચર્યા કરવા માટે વનમાં ચાલ્યા ગયા.

        ભગવાન વિષ્ણુના ચરણોમાંથી નીકળેલી ગંગાનો એવો પ્રભાવ છે કે તેના સ્મરણ માત્રથી મનુષ્ય સર્વ પાતકોથી મુક્ત થઇ જાય છે.”

        તેમનું કથન સાંભળીને નારદ તૃપ્ત થઇ ગયા. તેમણે કહ્યું, “હે મુને, ગંગાનું મહાત્મ્ય સાંભળવાની મને ઈચ્છા હતી તે આપે પૂર્ણ કરી. હવે મને દાન અને દાનના પાત્રનું લક્ષણ કહો.”

        શ્રી સનક બોલ્યા, “હે દેવર્ષિ, બ્રાહ્મણ સર્વ વર્ણોનો શ્રેષ્ઠ ગુરુ છે. આપેલા દાનને અક્ષય બનાવવા ઈચ્છતા માણસે બ્રાહ્મણને દાન આપવું જોઈએ. સદાચારી બ્રાહ્મણ નિર્ભય થઈને બધાં પાસેથી દાન લઇ શકે. ક્ષત્રિય અને વૈશ્યે ક્યારેય કોઈની પાસેથી દાન ન લેવું. જે બ્રાહ્મણ ક્રોધી, પુત્રહીન, દંભાચારપરાયણ તેમ જ પોતાનાં કર્મોની ત્યાગ કરનારો હોય, તેને આપેલું દાન નિષ્ફળ થાય છે.

        જે પારકી સ્ત્રીમાં આસક્ત, પારકા ધનનો લોભી અને નક્ષત્રસૂચક (જોશી) હોય, તેને આપેલું દાન પણ નિષ્ફળ થાય છે. જેનાં મનમાં બીજાંઓનો દોષ જોવાનો દુર્ગુણ ભરેલો હોય, જે કૃતઘ્ન, કપટી અને યજ્ઞ કરાવવાનો અધિકાર ન હોય તેવા પાસે યજ્ઞ કરાવે છે, તેને આપેલું દાન પણ નિષ્ફળ છે. જે હંમેશાં યાચના કરતો રહે છે, જે હિંસક, દૃષ્ટ અને રસ (ઘી-દૂધ)નો વિક્રય કરતો હોય, તેને આપેલું દાન નિષ્ફળ છે.

        હે બ્રહ્મન! જે વેદ, સ્મૃતિ તથા ધર્મનો વિક્રય કરનારો હોય તેને આપેલું દાન પણ નિષ્ફળ થાય છે. જે ગાઈ-બજાવીને જીવન નિર્વાહ ચલાવતો હોય, જેની સ્ત્રી વ્યાભિચારિણી હોય, તેમ જ જે બીજાઓને કષ્ટ આપતો હોય તેને આપેલું દાન પણ નિષ્ફળ છે. જે માણસ તલવારથી આજીવિકા ચલાવતો હોય, શાહીથી જીવનનિર્વાહ કરતો હોય, જીવિકા માટે દેવની પૂજા સ્વીકારતો હોય, જે માણસ આખા ગામનો પુરોહિત હોય, હલકારો હોય, એવા માણસોને આપેલું દાન નિષ્ફળ થાય છે. વેતન લઈને બીજાંઓને માટે રસોઈ બનાવતો હોય, જે કવિતાઓ રચીને લોકોનાં ખોટાં વખાણ કરતો હોય; જે વૈદ્યનો વ્યવસાય કરતો હોય, જે અભક્ષ્ય વસ્તુઓનું ભક્ષણ કરતો હોય, તેને આપેલું દાન પણ નિષ્ફળ થાય છે.

        જે માણસ વિષ્ણુના નામના કરેલા જપને વેચે છે, સંધ્યાકર્મનો ત્યાગ કરે છે, તેમ જ ન લેવા જેવાં દાન લઈને દગ્ધ થયેલો છે, તેને આપેલું દાન નિષ્ફળ થાય છે. જેને નાતીલાઓએ નાત બહાર મુક્યો હોય; કુંડ (પતિની હયાતીમાં બીજા પુરુષથી ઉત્પન્ન થયેલો પુત્ર) અને ગોલક (પતિના મરણ પછી અન્ય પુરુષ દ્વારા ઉત્પન્ન થયેલો પુત્ર) હોય તેને આપેલું દાન પણ નિષ્ફળ થાય છે.

પરિવિત્તિ (નાનો ભાઈ પરણેલો હોવા છતાં પોતે અપરિણીત રહેલો મોટોભાઈ), પરિવેત્તા (મોટોભાઈ અવિવાહિત હોવા છતાં પરણેલો નાનો ભાઈ), સ્ત્રીના વશમાં રહેનારો અને અત્યંત દૃષ્ટ હોય તેવા માણસોને આપેલું દાન સફળ નથી રહેતું. મદ્યપાન કરનારો, માંસ ખાનારો, સ્ત્રીલંપટ, અત્યંત લોભી, ચોર અને ચાડીખોર હોય તેવા માણસોને આપેલું દાન નિષ્ફળ જ કહેવાય.

હે નારદ! જે બ્રાહ્મણ સત્કર્મ કરતો હોય, તેને યત્નપૂર્વક દાન આપવું. જે દાન શ્રદ્ધાપૂર્વક તેમ જ ભગવાન વિષ્ણુને સમર્પણ થવાના ભાવથી આપવામાં આવ્યું હોય કે ઉત્તમ પાત્રે યાચના કરવાથી તેને આપવામાં આવ્યું હોય તે દાન ઉત્તમ હોય છે. આ લોક અને પરલોકમાં લાભ મળવાનો ઉદ્દેશ રાખીને સુપાત્રને આપવામાં આવેલ સકામ દાનને મધ્યમ માનવામાં આવે છે. દંભથી, બીજાઓની હિંસા માટે અવિધિપૂર્વક, ક્રોધથી, અશ્રદ્ધાથી તેમ જ અપાત્રને જે દાન આપવામાં આવે તેને અધમ માનવામાં આવ્યું છે. 

દાન, ભોગ અને નાશ- આ ધનની ત્રણ પ્રકારની ગતિ છે. દાન નથી કરતો કે નથી ઉપભોગમાં લેતો, તેનું ધન કેવલ નાશનું કારણ થાય છે. હે નારદ હવે તમને એક કથા કહું છું તેમાં દાન આદિનું લક્ષણ પણ કહેવામાં આવશે અને ગંગાનું માહાત્મ્ય પણ આવી જશે. આ પુણ્યકારક સંવાદ સગરકુળના ભગીરથ અને ધર્મ વચ્ચેનો છે.”

ક્રમશ: