નારદ પુરાણ - ભાગ 53 Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નારદ પુરાણ - ભાગ 53

સનત્કુમાર આગળ બોલ્યા, “ઈષ્ટદેવની આરતી ઉતાર્યા પછી શંખનું જળ ચારે બાજુ છાંટી, હાથ ઊંચો કાતીને ભગવાનનું નામ લેતાં લેતાં નૃત્ય કરવું અને દંડની જેમ પૃથ્વી પર પડી સાષ્ટાંગ પ્રણામ કરવા. તે પછી ઊભા થઈને ઈષ્ટદેવની પ્રાર્થના કરવી અને પછી જમણી બાજુએ વેદી બનાવી તેનો સંસ્કાર કરવો. મૂળ મંત્રથી ઈક્ષણ, અસ્ત્ર (ફટ) દ્વારા પ્રોક્ષણ અને કુશથી તાડન (માર્જન) કરી કવચ દ્વારા ફરીથી વેદીનો અભિષેક કરવો. તે પછી વેદીની પૂજા કરીને તેના ઉપર અગ્નિની સ્થાપના કરવી. પછી અગ્નિને પ્રજ્વલિત કરીને તેમાં ઇષ્ટદેવનું ધ્યાન કરી આહુતિ આપવી. સમસ્ત મહાવ્યાહૃતિઓથી ચાર વાર ઘીની આહુતિ આપીને સાધકે ભાત, તલ અથવા ઘૃતયુક્ત ખીર દ્વારા પચીસ આહુતિ આપવી. ત્યારબાદ વ્યાહૃતિથી હોમ કરીને ગંધ આદિ દ્વારા ફરી ઈષ્ટદેવની પૂજા કરવી. ભગવાનની મૂર્તિમાં અગ્નિ લીન થયો હોવાની ભાવના કરવી.

ત્યારબાદ અગ્નિદેવની પ્રાર્થના કરવી અગ્નિનું વિસર્જન કરવું.

                  भो भो वह्ने महाशक्ते सर्वकर्मप्रसाधक।

                  कर्मान्तरेऽपि सम्प्राप्ते सान्निध्यं कुरु सादरम् ।।

        હે અગ્નિદેવ, આપની શક્તિ મહાન છે. આપ સર્વ કર્મોની સિદ્ધિ કરાવનારા છો. કોઈ બીજું કાર્ય પ્રાપ્ત થાય ત્યારે પણ આપ અહીં સાદર પધારો.

        આ પ્રમાણે વિસર્જન કરીને અગ્નિદેવતા અર્થે આચમન માટે જળ આપવું. પછી બાકીના વધેલા હવિષ્યથી ઈષ્ટદેવને, પૂર્વોક્ત પાર્ષદોને પણ ગંધ, પુષ્પ અને અક્ષત સહિત બલિ આપવો. તે પછી સર્વ દિશાઓમાં યોગિની આદિને બલિ અર્પણ કરવો.

ये रौद्रा रौद्रकर्माणो रौद्रस्थाननिवासिन:।

योगिन्यो ह्युग्ररूपाश्च गणानामधिपाश्च ये।।

विघ्नभूतास्तथा चान्ये दिग्विदिक्षु समाश्रिता:।

सर्व ते प्रितमनस: प्रतिगुह्ननित्वमं बलिम्।।     

                  જેઓ ભયંકર છે, જેમનાં કર્મ ભયંકર છે, જેઓ ભયંકર સ્થાનોમાં નિવાસ કરે છે, જે ઉગ્ર રૂપવાળી યોગીનીઓ છે, જે ગણોના સ્વામી તથા વિઘ્નસ્વરૂપ છે અને પ્રત્યેક દિશા તથા વિદિશામાં રહે છે, તે સર્વ પ્રસન્નચિત્ત થઈને આ બલિ ગ્રહણ કરે.

        આ પ્રમાણે આઠે દિશાઓમાં બલિ અર્પણ કરીને તે પછી ભૂતબલિ આપવો. ત્યારબાદ ધેનુમુદ્રા દ્વારા જળનું અમૃતીકરણ કરીને ઈષ્ટદેવતાના હાથમાં ફરી આચમન કરવ માટે જળ આપવું. પછી મૂર્તિમાં રહેલા દેવતાનું વિસર્જન કરીને પુન: તે મૂર્તિમાં જ તેની પ્રતિષ્ઠા કરવી. પછી પાર્ષદને નૈવેદ્ય આપવું. મહાદેવના ‘ચંડેશ’, ભગવાન વિષ્ણુના ‘વિષ્વક્સેન’, સૂર્યના ‘ચંડાશ’, ગણેશના ‘વક્રતુંડ’ ભગવતી દુર્ગાની ‘ઉચ્છિષ્ટ ચાંડાલી’-આ બધાં ઉચ્છિષ્ટ ભોજી કહેવાય છે.

        ત્યારબાદ મૂલમંત્રના ઋષિ આદિનું સ્મરણ કરીને મૂળથી જ ષડંગ-ન્યાસ કરવા અને યથાશક્તિ મંત્રનો જાપ કરીને દેવને તે અર્પણ કરવો.

गुह्यातिगुह्यगोप्ता त्वं गृहाणास्मत्कृतं जपम्। 

सिद्धिर्भवतु मे देव तवत्प्रसादात्त्वयि स्थिता।।

        દેવ, આપ ગુહ્યથી અતિગુહ્ય વસ્તુની રક્ષા કરનારા છો. આપ મારા વડે કરવામાં આવેક આ જપને ગ્રહણ કરો. આપના પ્રસાદથી આપની અંદર રહેલી સિદ્ધિ મને પ્રાપ્ત થાઓ.

        તે પછી પરાङ्મુખ અર્ઘ્ય આપીને પુષ્પોથી પૂજા કરવી. પૂજન કર્યા પછી પ્રણામ કરવા. બંને હાથોથી, બંને પગથી, બંને ઢીંચણોથી, છાતીથી, મસ્તકથી, નેત્રોથી, મનથી અને વાણીથી કરવામાં આવતા નમસ્કારને ‘અષ્ટાંગ પ્રણામ’ કહેવાય છે. બંને બાહુઓથી, ઢીંચણોથી, છાતીથી અને મસ્તક તથા મનથી કરતાં પ્રણામને ‘પંચાંગ પ્રણામ’ કહેલ છે. પૂજામાં આ બંને પ્રણામ શ્રેષ્ઠ મનાયા છે. મંત્રના સાધકે દંડવત પ્રણામ કરીને ભગવાનની પરિક્રમા કરવી. ભગવાન વિષ્ણુની ચાર વાર, ભગવાન શંકરની અડધી વાર, ભગવતી દુર્ગાની એક વાર, સૂર્યની સાત વાર અને ગણેશની ત્રણ વાર પરિક્રમા કરવી જોઈએ.

        ત્યારબાદ મંત્રના ઉપાસકે ભક્તિપૂર્વક સ્તોત્રપાઠ કરવો. પછી આ પ્રમાણે બોલવું.

ॐ इत: पूर्वं प्राणबुद्धि देहधर्मधिकारतो जाग्रत्स्वप्नसुषुप्त्य्वस्थासु मनसा वाचा हस्ताभ्यां पदभ्यामुदरेण शिश्नेन यत्स्मृतं यदुक्तं यत्कृतं तत्सर्वं ब्रह्मार्पणं भवतु स्वाहा। मां मदीयं च सकलं विष्णवे ते समर्पये ॐ तत्सत्।।   

                આ પહેલાં પ્રાણ, બુદ્ધિ, દેહધર્મના અધિકારથી જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થાઓમાં મનથી, વાણીથી, બંને હાથોથી, બંને પગોથી, ઉદરથી, લિંગથી મેં જે કંઈ વિચાર્યું છે, કે કહ્યું છે, જે કર્મ કર્યું છે, તે બ્રહ્માર્પણ થાઓ, સ્વાહા. હું મને પોતાને અને મારા સર્વસ્વને આપશ્રી વિષ્ણુની સેવામાં સમર્પિત કરું છું. ॐ તત્સત.

        આ મંત્રને ‘બ્રહ્માર્પણ મંત્ર’ કહ્યો છે. આના આદિમાં પ્રણવ છે, તે પછી બ્યાસી અક્ષરનો આ મંત્ર છે. આનાથી ભગવાનને આત્મસમર્પણ કરવું જોઈએ. ત્યારબાદ ક્ષમાપ્રાર્થના કરવી જોઈએ.

अज्ञानाद्वा प्रमादाद्वा वैकल्यात्साधनस्य च।

यन्नूनमतिरिक्तं वा तत्सर्वं क्षन्तुमर्हसि।।

द्रव्यहिनं क्रियाहिनं मन्त्रहीनं मयान्यथा।

कृतं यत्तत्क्षमस्वेश कृपया त्वं दयानिधे।।

यन्मया क्रियते कर, जाग्रत्स्वप्नसुषुप्तिषु।

तत्सर्वं तावकी पूजा भूयाद्भूत्यै च मे प्रभो।।

भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनम्।

त्वयि जातापराधानां त्वमेव शरणं प्रभो।।

अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम।

तस्मात्कारुण्यभावेन क्षमस्व परमेश्वर।।

अपराधसहस्त्राणि क्रियन्तेऽहर्निशं मया।

दासोऽयमिति मां मत्वा क्षमस्व जगतां पते।।

आवाहनं न जानामि न जानामि विसर्जनम्।

पूजां चैव न जानामि त्वं गति: परमेश्वर।। 

 

        ‘ભગવન, અજ્ઞાનથી, પ્રમાદથી તથા સાધનના અભાવથી મારાથી જે ન્યૂનતા અથવા અધિકતાનો દોષ થઇ ગયો હોય તેને આપ ક્ષમા કરશો. ઈશ્વર, દયાનિધે, મેં દ્રવ્ય વિના, ક્રિયા વિના તથા મંત્ર વીણા વિધિથી વિપરીત જે કર્મ કર્યું છે તેને આપ કૃપા કરીને ક્ષમા કરો. પ્રભો, મેં જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થાઓમાં જે કર્મ કર્યું છે તે સર્વ આપની પૂજારૂપ થઇ જાય અને મારા માટે કલ્યાણકારી થાય. લથડિયું ખાઈને ધરતી પર પડી જનારાઓને આશરો આપનારી પણ ધરતી જ છે, તેવી જ રીતે આપના પ્રત્યે અપરાધ કરનારા માણસોને માટે પણ શરણ આપનારા આપ જ છો. પરમેશ્વર, આપના સિવાય બીજું કોઈ શરણ નથી. આપ જ મને શરણ આપનારા છો. માટે કરુણાપૂર્વક મારી ભૂલો માટે મને ક્ષમા કરશો. જગત્પતે, રાતદિન મારાથી હજારો અપરાધો થાય છે, તેથી ‘આ મારો દાસ છે’ આમ સમજી ક્ષમા કરશો. પરમેશ્વર, આપનું આવાહન કેમ કરવું, તે હું જાણતો નથી, વિસર્જન પણ જાણતો નથી અને આપની પૂજા કરવાનું પણ સારી પેઠે આવડતું નથી. હવે આપ જ મારી ગતિ છો-આધાર છો.’

        આ પ્રમાણે પ્રાર્થના કરીને મંત્રના સાધકે મૂળ મંત્ર ભણીને વિસર્જન માટે મંત્ર પુષ્પાંજલિ આપવી.

गच्छ गच्छ परं स्थानं जगदीश जगन्मय।

यन्न ब्रह्मादयो देवा जानन्ति च सदाशिव:।। 

        ‘હે જગદીશ, જગન્મય, આપના જે પરમધામને બ્રહ્મા આદિ દેવતાઓ તથા ભગવાન શિવ પણ જાણતા નથી તે પરમધામમાં સિધાવો.’

        આ પ્રમાણે પુષ્પાંજલિ આપીને સંહારમુદ્રા દ્વારા ભગવાનને તેમના અંગભૂત પાર્ષદો સહિત સુષુમ્ણા નાડીના માર્ગથી પોતાના હૃદયકમળમાં સ્થાપિત કરીને પુષ્પ સૂંઘીને વિદ્વાન પુરુષે ભગવાનનું વિસર્જન કરવું. બે શંખ, બે ચક્રશિલા (ગોમતીચક્ર), બે શિવલિંગ, બે ગણેશમૂર્તિ, બે સૂર્યપ્રતિમા અને દુર્ગાની ત્રણ પ્રતિમાઓનું પૂજન એક ઘરમાં ન કરવું જોઈએ. જો કરવામાં આવે તો દુઃખની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ મંત્ર ભણીને ભગવાનના ચરણામૃતનું પાન કરવું.

अकालमृत्युहरणं सर्वव्याधिविनाशनम्।

सर्वपापक्षयकरं विष्णुपादोदकं शुभम्।।

                ‘ભગવાન વિષ્ણુનું શુભ ચરણામૃત અકાલમૃત્યુનું અપહરણ, સર્વ વ્યાધિઓનો નાશ તથા સમસ્ત પાપનો સંહાર કરનારું છે.’

        ભિન્ન ભિન્ન દેવતાઓના ભક્તોએ પોતાના આરાધ્ય દેવને નિવેદિત કરેલો પ્રસાદ ગ્રહણ કરવો. ભગવાન શિવને નિવેદિત નિર્માલ્ય-પત્ર, પુષ્પ, ફળ અને જળ ગ્રહણ કરવા યોગ્ય હોતું નથી; પરંતુ શાલગ્રામ શિલાનો સ્પર્શ થવાથી તે સર્વ પવિત્ર થઇ જાય છે.

        હે નારદ, પાંચ પ્રકારની પૂજા કહી છે; આતુરી, સૌતિકી, ત્રાસી, સાધનાભાવિની તથા દૌર્બોધી. એમનાં લક્ષણો હું જણાવું છું તે ધ્યાનથી સાંભળો.

        માંદા માણસે સ્નાન ન કરવું, જપ ન કરવો તેમ જ પૂજન પણ કરવું નહીં, આરાધ્ય દેવની પ્રતિમા અથવા સૂર્યમંડળનાં દર્શન તથા તેમને પ્રણામ કરીને મંત્રસ્મરણપૂર્વક તેમના માટે મંત્ર પુષ્પાંજલિ આપવી. સાજા થયા પછી સ્નાન અને નમસ્કાર કરી ગુરુની પૂજા કરવી. તેમને આવી પ્રાર્થના કરવી કે ‘જગન્નાથ, જગત્પૂજ્ય, દયાનિધે, આપની કૃપાથી મને પૂજા છોડવાનો દોષ ન લાગે.’ તે પછી યથાશક્તિ બ્રાહ્મણોનું પણ પૂજન કરીને તેમને દક્ષિણા આદિથી સંતુષ્ટ કરવા અને તેમના આશીર્વાદ મેળવી પહેલાંની જેમ ભગવાનની પૂજા કરવી. આ ‘આતુરી પૂજા’ કહેવામાં આવી છે.

        હવે હું સૌતિકી પૂજા વિષે જણાવું છું. સૂતક બે પ્રકારનું કહેવામાં આવ્યું છે.-જાતસૂતક અને મૃતસૂતક. બાને સૂતકોમાં એકાગ્રચિત્ત થઈને માનસી સંધ્યા કરીને મનથી જ ભગવાનનું પૂજન અને મનથી જ મંત્રજાપ કરવો. સૂતક ઊતરી ગયા પછી પૂર્વવત ગુરુ અને બ્રાહ્મણોનું પૂજન કરીને તેમના આશીર્વાદ લઇ નિયમ મુજબ પૂજાના ક્રમનો આરંભ કરી દેવો. આ ‘સૌતિકી પૂજા કહેવામાં આવી છે.

        દૃષ્ટોથી ત્રાસ પામેલા માણસે મળી આવે તે સામગ્રીથી અથવા માનસિક ઉપચારોથી ભગવાનની પૂજા કરવી. આ ‘ત્રાસી પૂજા’ કહેવામાં આવી છે. પૂજાની સાધન સામગ્રી એકથી કરી મેળવવાની શક્તિ ન હોય તો તે મળી આવે તે પત્ર, પુષ્પ અને ફળનો સંગ્રહ કરીને તેમના દ્વારા અથવા માનસોપચારથી ભગવાનની પૂજન કરવું. આ ‘સાધનાભાવિની’ પૂજા છે.

        સ્ત્રી, વૃદ્ધ, બાળક અને મૂર્ખ માણસ પોતાના અલ્પ જ્ઞાન અનુસાર જે કોઈ ક્રમથી જે પણ પૂજા કરે છે, તેને ‘દૌર્બોધી’ પૂજા કહે છે. આ પ્રમાણે સાધકે જે કોઈ પણ રીતે સંભવ હોય, તે પ્રમાણે દેવપૂજા કરવી જોઈએ. દેવપૂજા પછી બલિવૈશ્વદેવ આદિ કરીને શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવવું. તે પછી ભગવાનને અર્પિત કરેલું નૈવેદ્ય પોતાના આપ્તજનો સાથે પ્રસાદ રૂપે જમવું. પછી મુખશુદ્ધિ કરીને થોડીક વાર વિશ્રામ કરવો. પછી સ્વજન સાથે બેસીને પુરાણ-ઈતિહાસ સાંભળવાં.

        જે સર્વ પૂજાવિધીઓના સંપાદનમાં સમર્થ હોઈને પણ અપૂર્ણવિધાનનું અનુષ્ઠાન કરે છે, તે ઉપાસકને સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થઇ નથી.”

 

ક્રમશ: