Featured Books
શ્રેણી
શેયર કરો

ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી
૧૯૫૩માં બિમલ રોય એક સમારોહમાં હાજરી આપવા ગયેલા. સમારોહમાં નૃત્યનો ભવ્ય સમારોહ થયો, પણ બિમલ રોયની નજર તો એક ૧૨ વર્ષની બાળા પર અટકી ગઈ. તે બાળાના નૃત્યથી એટલા અભિભૂત થઈ ગયા કે તેને પોતાની આગામી ફિલ્મ ’બાપ બેટી’ (૧૯૫૪) માટે પસંદ કરી લીધી. આ બાળા હતી ભારતીય સિનેમાની મશહૂર અભિનેત્રી આશા પારેખ. ૬૦ના દશકમાં પહેલી ફિલ્મ મેળવવી એ અભિનેત્રી માટે જીવનની અગ્નિપરીક્ષા સમાન હતું. આશાને બાળ કલાકારમાંથી અભિનેત્રી બનવું હતું અને સોળ વર્ષની ઉંમરે ’બૈજુ બાવરા’ જેવી શાનદાર ફિલ્મ બનાવનાર વિજય ભટ્ટની ’ગૂંજ ઉઠી શહનાઈ’ ફિલ્મ માટે આશાએ હિરોઇન બનવાની તૈયારી કરી, પણ વિજય ભટ્ટે તેને રિજેક્ટ કરતાં એવું કહ્યું કે આશામાં સ્ટાર મટીરિયલ નથી, તે ફિલ્મને ક્યારેય ન્યાય ના આપી શકે. આશા માટે તો ગોઝારો દિવસ બની ગયો, પણ તેના પછીના દિવસો તેના માટે સોનેરી રોશની લઈને આવ્યા. ફિલ્મ દિગ્દર્શક નાસિર હુસૈન ’દિલ દેકે દેખો’ બનાવી રહ્યા હતા. આ ફિલ્મ માટે શમ્મી કપૂર હિરોઇન તરીકે વહિદા રહેમાનને લેવા માંગતા હતા, પણ નાસિર સાહેબે પહેલેથી જ આશાને પસંદ કરી લીધી હતી. ફિલ્મ હિટ રહી અને દર્શકોને શમ્મી-આશાની જોડી ખૂબ પસંદ પડી. આશા શમ્મીને તેમના ફેવરિટ કો-સ્ટાર માને છે. તેમણે ચાર ફિલ્મોમાં રોમેન્ટિક પેર બનાવી છે, પણ રીઅલ લાઇફમાં શમ્મી આશાને ભત્રીજી કહેતા અને આશા તેમને કાકા કહીને બોલાવતી હતી. ૧૯૫૯થી ૧૯૭૩ સુધી આશાએ ફિલ્મો પર રાજ કર્યુ હતુ.આશા પારેખને નાસિર હુસૈને તેમની સાત ફિલ્મો ૧૯૫૯માં ’દિલ દેકે દેખો’, ૧૯૬૧માં ’પ્યાર કિસીસે હોતા હૈ’, ૧૯૬૩માં ’ફિર વોહી દિલ લાયા હૂં’, ૧૯૬૬માં ’તીસરી મંઝિલ’, ૧૯૬૭માં ’બહારોં કે સપનેં’, ૧૯૬૯માં ’પ્યાર કા મૌસમ’ અને ૧૯૭૧માં ’કારવાં’ જેવી ફિલ્મોમાં લીડ રોલ આપીને હિટ કરાવવામાં મદદ કરી હતી. આશા કોમર્શિયલ હિરોઇન તરીકે સૌથી વધુ સફળ રહ્યાં. ૧૯૭૦માં શક્તિ સામંતની રાજેશ ખન્ના સાથે ’કટી પતંગ’ કરીને કોમર્શિયલની સાથે ક્લાસિક ફિલ્મોમાં પણ તે ઉમદા સાબિત થઈ. આ ફિલ્મે તેને પ્રથમ બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ અપાવ્યો. ૬૦ના દશકાના તમામ સુપરસ્ટાર સાથે તેણે હિટ જોડી બનાવી હતી. શમ્મી કપૂર ’તીસરી મંઝિલ’, ધર્મેન્દ્ર ’મેરા ગાંવ મેરા દેશ’, દેવ આનંદ ’જબ પ્યાર કિસી સે હોતા હૈ’, મનોજકુમાર ’ઉપકાર’, સુનિલ દત્ત ’છાયા’, રાજેન્દ્રકુમાર ’ઘરાના’ અને રાજેશ ખન્ના ’કટી પતંગ’. આશાને દિલીપકુમાર સાથે અભિનય કરવાની ક્યારેય તક નથી મળી અને રાજ કપૂર સાથે ’ચાર મંડળી’માં કામ કરવા મળ્યું, પણ તે ફિલ્મ ક્યારેય રિલીઝ જ ના થઈ. તેની મોટાભાગની ફિલ્મોની સફળતા અસામાન્ય હતી અને ત્યારે દર્શકો તેને જ્યુબિલી ગર્લ કહેતા. જ્યુબિલી ગર્લે ગઈ ૨ ઓક્ટોબરે પોતાનો ૭૦મો જન્મદિવસ બોલિવૂડ સુપરસ્ટારોની વચ્ચે ઊજવ્યો.
* આશા પારેખ ગુજરાતી છે. તેમણે ત્રણ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. ૧૯૬૩માં આવેલી સુપરહિટ
ગુજરાતી ફિલ્મ ’અખંડ સૌભાગ્યવતી’માં તેણે કામ કર્યું છે. આ નામ પરથી તેમણે ગુજરાતી સિરીયલનું નિર્માણ પણ કર્યું હતું. આ સિવાય તેણે ’જ્યોતિ’ નામની ગુજરાતી ટીવી ધારાવાહિકમાં કામ કર્યું છે.
નૂતનઃ અભિનયની રાણી
ચહેરા પર માસૂમિયત, શર્મીલી, નાજુક, નમણી અને મદમસ્ત યૌવનની હાજરી પુરાવતી સ્ત્રી એટલે નૂતન. તેની ફિલ્મો તો લાજવાબ છે અને રહેશે, પણ તેના જેવા હાવભાવ નૂતન સિવાય કોઈ ના કરી શકે. સંજયલીલા ભણશાલીએ નૂતન વિશે એવું કહ્યું છે કે આપણે નૂતન જેવી અભિનેત્રી ક્યારેય ના બનાવી શકીએ. નૂતન એક જ હોય. ફેશન આઇકોન સાધના તો એવું કહેતી કે મને ફિલ્મોમાં અલગ બનવા જો કોઈએ પ્રેરણા પૂરી પાડી હોય તો તે છે નૂતનની ’સીમા’, ’સુજાતા’, ’બંદિની’ અને ’પરખ’ જેવી જબરદસ્ત ફિલ્મો. તેનો પરિવાર ફિલ્મો સાથે સંકળાયેલો હોવાથી અભિનયના દરવાજા તો પહેલેથી જ ખુલ્લા હતા, બસ, અભિનયની કસોટી પાર કરીને મહારાણી બનવાનું હતું. ૧૯૫૦માં તેની માતા શોભના સમર્થે બનાવેલી ’હમારી બેટી’ ફિલ્મમાં ચૌદ વર્ષની ઉંમરે નૂતને અભિનયનો જાદુ પાથરીને મીના કુમારી અને મધુબાલાનો પર્યાય આપી દીધો.
ત્રણેય એટલી મહાન અભિનેત્રીઓ છે કે તેમની વચ્ચે ક્યારેય સરખામણી ના થઈ શકે, પણ નૂતન ભારતીય સિનેમાના બાગમાં બે ગુલાબની વચ્ચે ત્રીજું ગુલાબ બનીને આવી. તેઓ ક્યારેય એક ફિલ્મમાં સાથે જોવા નથી મળ્યાં, પણ જો એ ચમત્કાર થઈ ગયો હોત તો સિનમાનો ઇતિહાસ કંઈક અલગ જ લખાયો હોત. ૧૯૫૫માં અમિયા ચક્રવર્તીની ’સીમા’ ફિલ્મમાં લેજેન્ડરી સ્ટાર બલરાજ સહાની સામે લીડ રોલમાં તે પ્રથમ વખત ઝળકી અને તે ફિલ્મ માટે તેને ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો. સફળતાના નશામાં ના ચડતા બહુ ઓછી અને પસંદગીની ફિલ્મો કરવાનો નિર્ધાર કર્યો. બિમલ રોયની ’બંદિની’ ફિલ્મે તેને ખૂબ સન્માન અપાવ્યું. સુનિલ દત્ત સાથે ’સુજાતા’ અને ’મિલન’ તથા વિનોદ ખન્ના સાથે ’મૈં તુલસી તેરે આંગન કી’ ફિલ્મો માટે તેને ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. ૧૯૮૫ પછી તેણે ’મેરી જંગ’, ’કર્મા’ અને ’નામ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં સહાયક રોલ કર્યા હતા. ૫૫ વર્ષની ઉંમરે કેન્સરની બીમારીને કારણે તેનું અવસાન થયું હતું. આજે તે આપણી વચ્ચે નથી, પણ તેની બેન્ચમાર્ક ફિલ્મો તેની હંમેશાં યાદ અપાવતી રહેશે.
રેખા પ્રેમમાં પ્રેમવિહોણી
સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર જેમિની ગણેશન અને અભિનેત્રી પુષ્પાવલીની રૂપવતી પુત્રી ભાણુરેખા એટલે બોલિવૂડની જીવતીજાગતી સુંદરી રેખા. ફિલ્મી બેકગ્રાઉન્ડ હોવાથી રેખાને ફિલ્મો મેળવવામાં વધારે સમસ્યાનો સામનો નહોતો કરવો પડયો, પણ પોતાને સાબિત કરવા સખત મહેનત કરવી પડી હતી. બાળ કલાકાર તરીકે રેખાએ તમિલની ’રંગુલા રત્નમ્‌’ ફિલ્મમાં અભિનયનો સ્વાદ ચાખી લીધો અને અભિનેત્રી બનવાનું નક્કી કરી લીધું. તમિલ ફિલ્મોમાં તક ન જણાતાં હિન્દી ફિલ્મોમાં કામ કરવા રેખાએ મુંબઈ નગરીને કાયમ માટે ઘર બનાવી લીધું. ૧૯૭૦માં મોહન સેહગલની ’સાવન ભાદો’ ફિલ્મમાં નવીન નિશ્ચલ સામે હિરોઇન તરીકે પ્રથમ ફિલ્મ કરી, જેમાં તેની નોંધ લેવાઈ. જોકે, ઊંચાઈ, સ્કિનનો રંગ અને નબળા હિન્દીને કારણે રેખા માટે બોલિવૂડમાં કામ કરવું કઠિન હતું, પરંતુ તેણે યોગ, ડાન્સિંગ અને હિન્દી પર પકડ જમાવીને બોલિવૂડમાં પગ જમાવ્યાં. ’સાવન ભાદો’ પછીની મોટાભાગની ફિલ્મો રેખા માટે ખાસ સફળ ન રહી, પણ ૧૯૭૩માં ઋષિકેશ મુખર્જીની ’નમક હરામ’ ફિલ્મે રેખાને રેખા તરીકે જાણીતી બનાવી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન હતા પણ જોડી તેની સાથે નહોતી. દુલાલ ગુહાની ’દો અનજાને’ ફિલ્મમાં રેખા-અમિતાભ બચ્ચનની જોડી જામી. આ ફિલ્મ પછી એ બંનેની દોસ્તી અને જુગલબંધી વધારી દીધી હતી. અમિતાભ સાથે રેખાએ ’ઇમામ ધરમ’, ’ખૂન પસીના’, ’કસમેં વાદે’, ’મુકદ્દર કા સિકંદર’, ’મિ. નટવરલાલ’, ’સુહાગ’, ’રામ બલરામ’ અને ’સિલસિલા’માં એકસાથે કામ કર્યું હતું. જેમાંથી ’સિલસિલા’ને બાદ કરતાં તમામ ફિલ્મો સુપરહિટ રહી હતી. ’સિલસિલા’ એ તેમની અંતિમ ફિલ્મ હતી, જે પછી ક્યારેય તેઓ એકબીજાની સામસામે નથી આવ્યાં. ૧૯૯૭માં રેખાએ કહ્યું હતું કે દર્શકો મારી અને અમિતાભની મેમરીનો ભાગ છે. તેઓ ઇચ્છે છે કે અમે બંને ફરીથી સાથે ફિલ્મ કરીએ પણ તે કોણ જાણે છે... આ વાત કાલના સમાચાર પત્રોની હેડલાઇન હશે. રેખાએ પુરુષપ્રધાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ’નાગિન’, ’ઉમરાવજાન’, ’ખૂબસૂૂરત’ અને ’ખૂન ભરી માંગ’ જેવી ફિલ્મો કરીને તેના નામનો ડંકો વગાડી દીધો હતો. રેખા એ સફળ નારીપ્રધાન ફિલ્મોની ક્વીન છે. અમિતાભની સાથે રેખાને મેગાસ્ટાર કહીને બોલાવવામાં આવતાં હતાં. જે ઇન્ડસ્ટ્રીઝ જેને ફૈરી સ્કિન ગણતી હતી તે દેશના મીડિયાએ તેને સિનેમાની સેક્સ સિમ્બોલ ગણાવી છે. ૧૭૭થી વધુ ફિલ્મોમાં સફળ ગાથા લખાવનાર રેખાનું સંસારી જીવન શરૂઆતથી જ અસ્ત થઈ ગયું હતું. રેખાએ ૧૯૭૩માં વિનોદ મહેરા સાથે લગ્ન કર્યાં હતાં, વિનોદ મહેરાના અવસાન બાદ રેખાએ ૧૯૯૦માં દિલ્હીના બિઝનેસમેન મૂકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યાં હતાં, પણ લગ્નના એક જ વર્ષમાં મૂકેશે આત્મહત્યા કરી લીધી હતી. રેખાએ ૧૯૯૮માં કહ્યું હતું કે જલદીથી હું બેસ્ટ મેન સાથે લગ્ન કરી લઈશ, પરંતુ પછી રેખાએ કોઈની સાથે લગ્ન કરવાનું માંડી વાળ્યું. આજે ભારતની ગ્રેટેસ્ટ એક્ટ્રેસ મુંબઈમાં બધાની વચ્ચે એકલી રહે છે. રેખાનો પ્રેમ અને તેની એકલતાનો અહેસાસ આખી દુનિયા જાણે છે, છતાં કોઈ જાણતું નથી!
હેમા માલિની સ્વપ્નોની હકીકત
ભારતનાટયમ્‌ અને અભિનયના બંધનથી જોડાયેલી હેમાએ સાઉથની ૧૯૬૫માં આવેલી ’પાંડવ વંશમ્‌’ ફિલ્મમાં ડાન્સર ગર્લ તરીકે એન્ટ્રી મારી હતી. હેમાએ ૧૯૬૧માં તમિલ દિગ્દર્શક શ્રીધરની ફિલ્મ સાઇન કરી હતી, જોકે, હેમામાં સ્ટાર અપીલ ન હોવાના બહાને તેને ફિલ્મમાંથી કાઢવામાં આવી હતી. હેમા પાસે તો રસ્તા ખૂલતા પહેલાં જ બંધ થઈ ગયા. સાઉથની ફિલ્મોમાં જેને કોઈ સૂંઘતું ન હોય તેને હિન્દી ફિલ્મ મળે એવી આશા ક્યાંથી રાખી શકાય? પણ, કહેવાય છેને કામ કરવાની લગન હોય તો તમને તમારી કિસ્મત મુકામ સુધી લઈ જાય છે. ૧૯૬૪માં મહેશ કૌલ બોલિવૂડ લેજેન્ડ એક્ટર રાજ કપૂરને લઈને ’સપનોં કા સૌદાગર’ ફિલ્મ બનાવવાની તૈયારીમાં લાગ્યા હતા. તેમને ફિલ્મ માટે હિરોઇન તરીકે નવા ચહેરાની જરૂર હતી. ટીમના ધ્યાનમાં ચાર્મિગ બ્યુટી હેમા આવી અને તેના નામ પર મહોર મારી. પછી હેમાએ ડ્રીમગર્લ બનવાના સ્વપ્નને સાર્થક કરવા તરફ પગરણ માંડયા. કોણ જાણતું હતું કે ’સપનોં કા સૌદાગર’ની આ માહી બોલિવૂડ સ્ટારોની ડ્રીમગર્લ બની જશે? આ જ ફિલ્મથી હેમાને ડ્રીમગર્લનું ઉપનામ મળ્યું હતું. હેમાને રાજ કપૂર સાથે ફિલ્મ મળવાથી સારી એવી લાઇમલાઇટ મળી. જેના લીધે તેને સુપરસ્ટાર દેવ આનંદ સામે વિજય આનંદની ’જ્હોની મેરા નામ’ ફિલ્મ મળી ગઈ. આ ફિલ્મ પછી હેમાની ગણના ભારતીય ફિલ્મ જગતમાં ટોપ હિરોઇનમાં થવા લાગી. ૧૯૭૨માં આવેલી રમેશ સિપ્પીની ’સીતા ઔર ગીતા’ હેમાની કરિયર સાથે સંસારનો માર્ગ પણ મોકળો કરતી ગઈ. ફિલ્મમાં બે હીરો હતા સંજીવકુમાર અને ધર્મેન્દ્ર, તેમાંથી સંજીવકુમારે હેમા સામે લગ્ન કરવા માટે પ્રસ્તાવ મૂક્યો. હેમાએ ત્યારે શાનમાં સમજીને સંજીવકુમારને કહી દીધું કે હું મારી માતાને પૂછીને કહીશ અને લગ્ન કરવા માટે હજી મેં વિચાર્યું નથી. એ જ વર્ષે મનમોહન દેસાઈની ’ભાઈ હો તો ઐસા’માં જિતેન્દ્ર સાથે ફિલ્મ આવી. ફિલ્મ દરમિયાન જિતેન્દ્ર હેમાના પ્રેમમાં પડયા અને લગ્ન માટે પૂછી લીધું.
હેમા સામે ફિલ્મો ઓછી અને સુપરસ્ટારોના લગ્ન માટે પ્રસ્તાવ આવવા લાગ્યા. હેમાને તેમાંથી કોઈ પસંદ નહોતું, કેમ કે તેમનું દિલ તો હીમેન ધર્મેન્દ્ર માટે ધક ધક કરવા લાગ્યું હતું. ધર્મેન્દ્ર સાથે તેમની જોડી દર્શકોને પસંદ પડવા લાગી અને સિલ્વર સ્ક્રીન પર હિટ થઈ ગયાં. ’બ્લેકમેલ’, ’શોલે’ અને ’ડ્રીમગર્લ’ ફિલ્મોએ બંનેને એકદમ નજીક લાવી દીધાં અને અંતે ૧૯૭૯માં હીમેને ડ્રીમગર્લને લગ્ન માટે કહી જ દીધું. બંનેએ ઇસ્લામ ધર્મ અંગીકાર કરીને લગ્ન કરી લીધાં. હેમાએ પોતાનું નામ ઐસા બીર અને ધર્મેન્દ્રએ દિલાવાર ખાન નામ રાખ્યું હતું. હેમાએ લગ્ન પછી પણ ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ જ રાખ્યું. આજે ગુલાબનાં ફૂલ જેવો સતત ખીલતો ચહેરો, હિરની જેવી મોટી મોટી આંખો અને મૃદું હાસ્યનો પર્યાય બનેલી ડ્રીમગર્લ હેમાએ ’બાબુલ’ ને ’બાગબાન’ જેવી ફિલ્મોમાં નવી ભૂમિકામાં દમદાર અભિનયની સાથે રાજકારણી તરીકે પણ છવાયાં છે. હેમા રાજ્ય સભાના સાંસદ રહી ચૂક્યાં છે.
શર્મિલા ટાગોર બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ
સત્યજિત રે જેવા મહાન દિગ્દર્શકે શોધેલું હીરાજડિત ઘરેણું એટલે શર્મિલા ટાગોર. બંગાળી સુંદરતાએ ભારતીય ફિલ્મો પર રાજ કર્યું છે. શર્મિલાનો પરિવાર બંગાળી હતો, પણ તેનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. શર્મિલાની પ્રથમ ફિલ્મ બંગાળી હતી, પણ વિશ્વભરમાં નોંધ લેવી પડે તેવી હતી. સત્યજિત રેની ’ધ વર્લ્ડ ઓફ અપુ’માં પ્રથમ બ્રેક મેળવીને હિન્દી ફિલ્મો તરફ ડગ માંડવા લાગી. શક્તિ સામંત ’કશ્મીર કી કલી’ માટે શમ્મી કપૂર સામે જોડી જામે તેવી કલી શોધી રહ્યા હતા. શર્મિલા ત્યારે ખરેખર ફૂલની કળી જ હતી, કેમ કે જ્યારે તેણે આ ફિલ્મ સાઇન કરી ત્યારે તે માત્ર ચૌદ વર્ષની હતી. ’કશ્મીર કી કલી’એ શક્તિ સામંતને આગલી હરોળના દિગ્દર્શક બનાવ્યા અને ભારતીય સિનેમાને રોમેન્ટિક ફિલ્મીજોડી આપી. શક્તિ સામંતે શમ્મી અને શર્મિલાને લઈને ફરીથી ’એન ઇવનિંગ ઇન પેરિસ’ જેવી ફિલ્મ બનાવી. આ તેની પહેલી એવી ફિલ્મ હતી જેમાં કોઈ હિરોઇને બિકીની પહેરી હોય. તેણે ફિલ્મફેર મેગેઝિન માટે બિકીનીમાં ફોટો શૂટ કરાવ્યો હતો. ફોટોશૂટ અને બિકીની અવતારમાં આવવાથી તેને સેક્સ સિમ્બોલનું બિરુદ આપી દેવામાં આવ્યું. શર્મિલાએ ત્યારે કહ્યું હતું કે, સેક્સ સિમ્બોલના બહુમાનથી નથી હું ખુશ કે નથી મને તેનું દુઃખ. જો લોકોને તેવું લાગતું હોય તો તેની સામે મને કોઈ વાંધો નથી. સેક્સ સિમ્બોલથી હટીને તેણે રાજેશ ખન્ના સાથે ’આરાધના’ જેવી ઓલટાઇમ હિટ ફિલ્મ આપી અને તે માટે તેને બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. શર્મિલા શક્તિ સામંત (’કશ્મીર કી કલી, ’એન ઇવનિંગ ઇન પેરિસ’, ’આરાધના’, ’અમર પ્રેમ’ અને ’અમાનુશ’) અને સત્યજીત રે (’ધ વર્લ્ડ ઓફ અપુ’, ’દેવી’, ’નાયક’ અને ’સીમાબદ્ધ’)ની માનીતી હિરોઇન હતી. યશ ચોપરાની ’વક્ત’ અને ’દાગ’, અસિત સેનની ’સફર’, ગુલઝારની ’મૌસમ’ જેવી શાનદાર ફિલ્મોમાં તેણે અભિનય પાથર્યો છે. લાસ્ટમાં તેણે ૨૦૧૦માં ’બ્રેક કે બાદ’ ફિલ્મમાં કામ કર્યું હતું.
રાજ કપૂરની ’શ્રી ૪૨૦’ જોઈ છે? સવાલ એ થાય કે ’શ્રી ૪૨૦’ને અને સાધનાને શું લેવા દેવા? તેમાં તો હિરોઇન તરીકે નરગિસ હતી તો સાધના તેમાં ક્યાંથી આવી? ફિલ્મમાં તે હિરોઇન નથી, પણ ફિલ્મનું સુપરહિટ ગીત ’ઇચક દાના બિચક દાના’ ગીતમાં કોરસમાં ગાતી છોકરીઓમાં નજર કરજો, તમને માસૂમ સાધના જોવા મળશે. સાધનાને આર. કે. નૈયરે ’લવ ઇન શિમલા’ ફિલ્મ માટે જોય મુખર્જીની સામે પેશ કરી અને આર. કે. નૈયર લવ ઇન સાધનામાં મશગૂલ થઈ ગયા. ફિલ્મ દરમિયાન થયેલ પ્રેમ લગ્નગ્રંથિમાં પરિણમ્યો. દેવ આનંદ સાથે ’હમ દોનોં’ ફિલ્મથી તેને વધુ લાઇમલાઇટ મળી.
૧૯૬૪માં સાધનાને મનોજકુમારની સામે રાજ ખોસલાએ ’વો કૌન થી’માં રજૂ કરીને ફિલ્મોમાં સપાટો બોલાવી દીધો. ફિલ્મ તેના દમ પર બોક્સઓફિસ હિટ થઈ. રાજ ખોસલા સાથે ’એક મુસાફિર એક હસીના’, ’મેરા સાયા’ અને ’અનિતા’ જેવી ફિલ્મો આપી છે. સામાન્ય હિરોઇનમાંથી ભારતીય ફિલ્મોની રાજકુમારી એ શમ્મી કપૂરની ’રાજકુમાર’ ફિલ્મથી બની ગઈ. ૧૯૬૫માં યશ ચોપરાની ’વક્ત’ ફિલ્મ ટંકશાળ સાબિત થઈ. સાધના બહુ ઓછી અને પસંદગીની ફિલ્મો જ કરતી. ફિલ્મોમાં તેના રૂઆબ પર દર્શકો ફિદા થઈ ગયા. સાધના વગર ફિલ્મોમાં ગ્લેમર ડિફાઇન કરવું અશક્ય છે.
મીનાકુમારી અભિનયની સરતાજ
મધુબાલા, નરગિસ અને મીનાકુમારી પછી સિનેમાને મળેલી સર્વકાલીન શ્રેષ્ઠ અભિનેત્રીઓ ૧૯૬૧થી ૧૯૭૦ સમયની દેન છે. આ સમય મહાન દિગ્દર્શકોના નામે રહ્યો છે, તો તેની ગરિમા વધારનાર હતી આ સમયની સુંદરતા. બાગમાં જ્યારે એકસાથે રંગબેરંગી ફૂલોની મોસમ ખીલે ત્યારે તેની મજા જ કંઈક અનેરી હોય છે. એક એકથી ચડિયાતી સુંદરીઓ જાણે ઇન્દ્રના દરબારની અપ્સરાઓ જોઈ લો.
ભારતીય સિનેમાના ખૂબસૂરત હસીન ચહેરાઓને યાદ કરવાનું શરૂ કરો, તો એક નામ મીનાકુમારીનું આવે. ૭ વર્ષની ઉંમરથી જ તેણે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું, પણ મીનાકુમારી અન્ય બાળકોની જેમ સ્કૂલે જવા માંગતી હતી અને તેને ભણવું હતું. એક સમયે તો તેણે એવું કહેલું કે મારે ફિલ્મોમાં કામ નથી કરવું, મારે ભણવું છે. અભિનય એ પ્રેમરોગ જેવો નશો છે. ચડતા વાર લાગે, પણ જો ચડી ગયો તો તે બધું ભુલાવી દે. તેવું જ મીનાકુમારીનું થયું. તેના પિતા અલીબક્ષ ક્લાસિક સંગીતકાર હોવાથી તેમની ઓળખાણ ફિલ્મનિર્માતા સાથે સારી હતી. નાની હતી ત્યારે જ બાળકલાકાર તરીકે રોલ મળવા લાગ્યા. ૧ ઓગષ્ટ, ૧૯૩૨ના રોજ જન્મેલી આ સુંદરીનો સાચો પરિચય તેની મદમસ્ત યુવાનીના ૨૦ વર્ષે રિલીઝ થયેલી વિજય ભટ્ટની ’બૈજુ બાવરા’માં થયો. આ ફિલ્મથી તેને સ્ટારનું સ્ટેટસ મળ્યું. નરગિસ, મધુબાલા, સુરૈયા, ગીતા બાલીની વચ્ચે એક મીના નામનુંં કમળ ખીલ્યું. બિમલ રોયની ’પરિણીતા’માં મીનાનો અભિનય દંગ કરી દે તેવો હતો. ભારતીય સિનેમાની કલાને બિરદાવવા શરૂ કરવામાં આવેલ ફિલ્મફેર એવોર્ડની શરૂઆતની સાથે જ મીનાએ બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીતી લીધો. હજી તો શરૂઆત હતી. બાળપણમાં શીખેલા અભિનયના આ પાઠનો સૂર્ય હવે ચમકવાનો હતો. ૧૯૬૨માં ગુરુદત્ત સાથે ’સાહિબ બીવી ઔર ગુલામ’માં છોટી બહૂનો રોલ ભારતીય સિનેમામાં મોસ્ટ આઇકોનિક પર્ફોર્મન્સ તરીકે યાદ રાખવામાં આવે છે. ધર્મેન્દ્ર અને રાજકુમાર સાથે ’કાજલ’, અશોકકુમાર અને પ્રદીપ કુમાર સાથે ’ચિત્રલેખા’ અને ’આરતી’ જેવી હિટ ફિલ્મો આપી. મીનાકુમારીએ ધર્મેન્દ્ર અને રાજકુમાર સાથે સૌથી વધારે હિટ ફિલ્મો આપી હતી. દિલીપકુમાર ટ્રેજેડી કિંગ છે, તો મીનાકુમારી ટ્રેજેડી ક્વીન છે. એટલે જ તો કહેવાય છે ને અભિનય કરનાર અભિનય તો કરે જ છે, પણ મીનાકુમારી જેવા પડદા પર ઇમોશન તો મીના સીવાય કોઇ ન લાવી શકે. લાસ્ટમાં તે ’પાકિઝા’ જેવી અવિનાશી ફિલ્મ કરીને અમર બની ગઈ. ફિલ્મફેર મેગેઝિને તો તેને કરૂણામુર્તિ કહીને નવાજી હતી.