Featured Books
શ્રેણી
શેયર કરો

ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 3

નંદા : હંમેશા ગુમનામ જ રહી

જ્યારે પણ હિન્દી સિનેમાની અભિનેત્રીઓની વાત આવે ત્યારે દેવિકારાણીથી માંડીને વહીદા રહેમાન, મીના કુમારી, આશા પારેખ કે સાધના કે અત્યારની એશ્વર્યા રાય કે કેટરિનાની વાત થાય પણ ક્યારેય નંદાના હિન્દી ફિલ્મોના યોગદાન અંગે કોઇ સમીક્ષક વાત કરતો હોય તેવું સંભળાયું નથી આમ તો આ અભિનેત્રી તેમના સમયના મરાઠી ફિલ્મોના લોકપ્રિય અભિનેતા માસ્ટર વિનાયકની પુત્રી હતી અને જેને હિન્દી ફિલ્મોના સીમાચિહ્ન ફિલ્મકાર માનવામાં આવે છે તે વી.શાંતારામની ભત્રીજી હતી પણ તેને પોતાની કારકિર્દી જમાવવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો અને ઘણી હિટ ફિલ્મોમાં કામ કરવા છતાં પણ જે લોકપ્રિયતા તેની સમકાલીન મનાતી વહીદા રહેમાન, આશા પારેખ, માલાસિંહા કે સાધનાને મળી તેવી લોકપ્રિયતા ક્યારેય નંદાને મળી નથી.૮ જાન્યુઆરી ૧૯૩૯માં મહારાષ્ટ્રમાં જન્મેલ નંદા જ્યારે નાની હતી ત્યારે જ તેના પિતાનું અવસાન થયું અને તેમના સંઘર્ષના દિવસોનો આરંભ થયો હતો.પરિવારને મદદરૂપ થવા માટે નંદાએ પોતાના અભ્યાસની સાથોસાથ ફિલ્મોમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરવાનું ચાલુ કર્યુ હતું.તેણે ૧૯૫૦માં આવેલી જગ્ગુ દ્વારા કારકિર્દીનો આરંભ કર્યો હતો.તેને ત્યારે બેબી નંદા તરીકે પ્રખ્યાતિ મળી હતી પણ તેની અસર તેના અભ્યાસ પર પડતી હોવાને કારણે ત્યારે જાણીતા શિક્ષક ગોકુલદાસ વી.માખી તેમના ઘેર આવીને તેમને અભ્યાસ કરાવતા હતા. ત્યારે નંદાએ મંદિર,અંગારે, જાગૃતિ અને જગત ગુરૂ શંકરાચાર્યમાં બાળ કલાકાર તરીકે અભિનય આપ્યો હતો. ૧૯૫૬માં વી.શાંતારામે તેને તુફાન અને દીયામાં તક આપી હતી અને આ ફિલ્મ ખાસ્સી સફળ રહી હતી.તેને ભાભી  ફિલ્મમાં સપોર્ટિંગ એકટ્રેસ તરીકે ફિલ્મફેરનું નામાંકન મળ્યું હતું.જો કે તે આ પુરસ્કાર જીતી શકી ન હતી પણ તેમનો દાવો હતો કે ત્યારે લોબી સક્રિય હોવાને કારણે તે પુરસ્કારથી વંચિત રહી હતી.ત્યારબાદ કાલા બજારમાં તેણે દેવ આનંદ સાથે સહાયક ભૂમિકા કરી હતી અને ધુલ કા ફુલમાં તેને આ જ પ્રકારની ભૂમિકા મળી હતી.પણ ૧૯૫૯માં એલ.વી.પ્રસાદની છોટી બહેનમાં તેને મુખ્ય ભૂમિકા મળી હતી અને આ ફિલ્મ તેની સુપરહીટ ફિલ્મ બની રહી હતી અને તે સ્ટાર બની ગઇ હતી.તેના કારણે જ હમદોનોમાં તેને દેવ આનંદ સાથે મુખ્ય ભૂમિકા પ્રાપ્ત થઇ હતી.ત્યારબાદ આવેલી તીન દેવિયા પણ દેવ સાથે હીટ નિવડી હતી.૧૯૬૦માં બી.આર.ચોપરાની ગીતો વગરની ફિલ્મ કાનુનમાં પણ તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી.જો કે આંચલમાં તેણે સહાયક અભિનેત્રીનો ફિલ્મફેર પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો.નંદાને તેના સંઘર્ષના દિવસો યાદ હોવાને કારણે તે હંમેશા નવા અભિનેતાઓ સાથે કામ કરવા તત્પર રહેતી હતી અને શશી કપુર સાથે તેણે એક સાથે આઠ ફિલ્મો સાઇન કરી હતી. ચાર દિવારી અને મહેંદી લગી મેરે હાથ ફ્લોપ ગઇ હતી પણ અન્ય ફિલ્મોને સારો પ્રતિસાદ સાંપડ્યો હતો.ખાસ કરીને જબ જબ ફુલ ખિલે સુપરહીટ નિવડી હતી.આ ફિલ્મમાં તેણે આધુનિક યુવતીની ભૂમિકા ભજવી હતી આ ફિલ્મના મોટાભાગના ગીતો ત્યારે સુપરહીટ નિવડ્યા હતા અને તેમાંય નંદા પર ફિલ્માવાયેલું યે શમા ત્યારે  ભારે વખણાયું હતુ.શશિએ જો કે ત્યારબાદ જાહેર કર્યુ હતું કે નંદા તેની ફેવરિટ હીરોઇન હતી.સિત્તેરના દાયકાના આરંભે નંદાએ ટ્રેનનાં કો.પ્રોડ્યુસર રાજેન્દ્ર કુમારને આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે રાજેશ ખન્નાને લેવાની ભલામણ કરી હતી.૧૯૬૫માં તેણે ગુમનામ આપી જે આજે પણ હોરર ફિલ્મોમાં ક્લાસિક ગણાય છે.મનોજ કુમાર સાથે તેણે મેરા કસુર ક્યા હૈમાં કામ કરવાનું નક્કી કર્યુ હતું પણ વાત જામી ન હતી.કાનુનની જેમ તેણે અન્ય એક ગીત વગરની ફિલ્મ ઇત્તેફાક કરી હતી જેમાં રાજેશ ખન્નાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.જેમાં તેને બેસ્ટ એકટ્રેસ તરીકે ફિલ્મફેરનું નોમિનેશન મળ્યું હતું જ્યારે રાજેશ સુપરસ્ટાર બની ગયો ત્યારે ટ્રેન અને જોરૂ કા ગુલામ જેવી ફિલ્મો કરી હતી.આ ઉપરાંત નંદાએ જીતેન્દ્ર સાથે પણ કેટલીક હીટ ફિલ્મો આપી હતી.જેમાં  પરિવાર,ધરતી કહે પુકારકેનો સમાવેશ થાય છે તો સંજય ખાન સાથે તેણે બેટી અને અભિલાષામાં કામ કર્યુ હતું.મનોજ કુમાર સાથે તેણે શોરમાં નાનકડી ભૂમિકા ભજવી હતી.જો કે ત્યારબાદ તેની પડતીનો આરંભ થયો હતો અને તેણે છલિયા તથા નયા નશા જેવી ફિલ્મો ફ્લોપ થયા બાદ અભિનય બંધ કરી દીધો હતો.પણ ૧૯૮૨માં તેણે ચરિત્ર ભૂમિકાઓ કરવી શરૂ કરી હતી અને આહિસ્તા આહિસ્તા, મજદુર અને રાજકપુરની પ્રેમરોગ કરી હતી જે તેની અંતિમ ફિલ્મ બની રહી હતી.

કાલા બઝારમાં તેણે દેવ અને વહીદા સાથે કામ કર્યુ હતું ત્યારથી જ વહીદા સાથે તેની ગાઢ મિત્રતા બંધાઇ હતી.જબ જબ ફુલ ખિલેના દિગ્દર્શક સુરજ પ્રકાશને નંદા ગમી ગઇ હતી અને તેમણે લગ્નની ઇચ્છા પ્રગટ કરી હતી પણ ત્યારે વાત જામી ન હતી અને ત્યારબાદ તો નંદાએ લગ્ન જ કર્યા ન હતા.તેમના ભાઇએ પણ તેમના લગ્ન માટે અનેક મુરતિયા પસંદ કર્યા હતા પણ નંદાને કોઇનામાં રસ પડ્યો ન હતો.જો કે તેમને મનમોહન દેસાઇ સાથે આત્મીયતા બંધાઇ હતી અને તેમણે સગાઇ પણ કરી હતી મનમોહન દેશાઇના અચાનક મૃત્યુએ નંદાને ભારે આઘાત આપ્યો હતો અને ફરી તેઓ એકલવાયા થઇ ગયા હતા છેલ્લે તો તેઓ બહાર ખાસ નિકળતા જ ન હતા.જો કે વહીદા અને આશા સાથે તેમની મુલાકાત થતી રહેતી હતી તો હેલન અને સાયરાબાનું પણ તેમને નિયમિત મળતા રહેતા હતા.છેલ્લે ૨૦૧૦માં તેઓ વહીદા રહેમાન સાથે મરાઠી ફિલ્મ નટરંગના સ્ક્રીનિંગ સમયે દેખાયા હતા.હાલમાં ૨૫મી માર્ચે વર્સોવા ખાતેના તેમના નિવાસસ્થાને હૃદયરોગના હુમલામાં તેમનું નિધન થયું હતું ત્યારે તેમના અંગત મિત્રો અને કેટલાક કલાકારો જ તેમની અંતિમક્રિયામાં હાજર રહ્યાં હતા.

ઝિન્નત અમાનને સેક્સ સિમ્બોલના ટેગનો જરાય છોછ નહોતો

ઝિન્નત શરીર વડે વ્યકત થતાં પ્રેમને જેટલો સારી રીતે દર્શાવી શકે તેટલો મન વડે વ્યક્ત થતા ન દર્શાવી શકે. હિરોઇન તરીકેની તેની સફળતામાં બોડી અને સ્ટાઇલનો ફાળો ૬૦ ટકા છે. પણ રાજ કપૂરની હિરોઇન બનવા સુધી તેણે ગતિ કરી તે જ તેનાં ઍચિવમેન્ટને સૂચવે છે.ત્યારના મોટાભાગના ટોચના કલાકારો સાથે તેણે જોડી બનાવી હતી અને તેની ફિલ્મોને ખાસ્સી સફળતા પણ સાંપડી હતી.ત્યારે અમિતાભનો દૌર ચાલ્યો હતો અને તેણે અમિતાભ સાથે પણ ખાસ્સી એવી ફિલ્મો કરી હતી.તેને તેની સાથે કોણ અભિનેતા છે તેનો કોઇ ફરક પડતો ન હતો કારણકે તેને તેને અનુરૂપ જ ભૂમિકાઓ મળતી હતી જેમાં તે સફળ રહેતી હતી.

આપણા પુરુષ પ્રેક્ષકોને એવી જ હિરોઇન વધુ ગમી છે જેનું સૌંદર્ય મારક હોય પણ આખર અત્યંત વિનમ્રતાથી પુરુષની છાતીને વળગી પડે અને પુરુષને જ જાણે આખરી આધાર રૂપે સ્વીકારે. ઝિન્નત અમાનની બોડી લેંગ્વેજ વેર્સ્ટનાઇજડ હતી. ખરેખર તો તેની આ મર્યાદા હતી પરંતુ  કલાકારમાં રહેલા નોખાપણાને શોધી યોગ્ય તક આપો તો ચમત્કારની જેમ વાત બદલાઇ જાય છે. શમ્મી કપૂર (દિલ દે કે દેખો) રાજેશ ખન્ના (આરાધના), અમિતાભ બચ્ચન (ઝંઝીર), માધુરી દિક્ષીત (તેજાબ) જેવા સ્ટાર્સ માટે એ જ બનેલું. ઓ. પી. રાલ્હનની ‘હલચલ’ ફિલ્મમાં આવી ત્યારે તે કોઇ હલચલ મચાવી શકી નહોતી પણ ‘હરે રામા હરે કૃષ્ણા’ ફિલ્મમાં હિરોઇન મુમતાઝ હતી અને તેણે સારી ભૂમિકા કરી હતી અને છતાં લોકોને ઝિન્નત યાદ રહી ગઇ. હિન્દી ફિલ્મોમાં હિરોઇનને બદલે હીરોની બહેન બનનારી અભિનેત્રીને આટલી સરાહના ક્યારેક જ મળી છે. પરંતુ ઝિન્નતની એ બોડી લેંગ્વેજ કોઇ અભિનય શૈલી યા કેરેકટરને પકડવાની મહેનતમાંથી ઊભી નહોતી થઇ. તેના પિતા ‘મુગલ-એ-આઝમ’ ફિલ્મના ચાર પટકથાકારો પૈકીના એક હતાં. તેમનું નામ અમાન. આ અમાન હિન્દુ સ્ત્રીને પરણેલા. પણ તે ઝિન્નતની મા બની ત્યાં સુધીમાં બેઉના લગ્ન સંબંધ બગડી ચૂકેલા. મા તેને પંચગનીની સેન્ટ જોસેફ સ્કૂલમાં ભણાવી પછી સ્કોલરશીપ મળતાં ૧૭ વર્ષની ઉંમરે લોસ એન્જેલ્સ ભણવા ચાલી ગયેલી. ભારત પાછી વળી ત્યારે મિસ એશિયાનું ટાઇટલ લઇને આવી. તેના આ આખાય ઘડતરકાળે તેનામાં બેફિકરાઇભરી સ્વતંત્રતા અને સ્વમાનની ભાવના ભરી દીધી હતી. તે ચાલે ત્યારે એવું લાગતું હતું કે કોઇની સાડાબારી નથી. પહેલા પંચગનીની સ્કૂલ અને પછી અમેરિકામાં અભ્યાસને કારણે તે બૌદ્ધિક રીતે પણ એકદમ સજ્જ બની ચૂકી હતી. ૧૯૬૫-૧૯૭૦નો સમયગાળો નવી, આધુનિક સ્ત્રીના પ્રવેશનો હતો અને ફિલ્મોમાં તેનો અનુભવ પ્રથમ ઝિન્નતે અને પછી આપણી કાઠિયાવાડી પરવીનબાબીએ કરાવેલો. મુસ્લિમ સ્ત્રી આધુનિક જીવનશૈલીનું પ્રતિનિધિત્વ કરે?... જેમને આ પ્રશ્ન હોય તેમણે આ બેઉનું નામ ધ્યાન ધરવું. એક જરા આડવાત તે એવી છે કે જે છોકરીને મા ઉછેરે તે ઘણીવાર વધારે મોડર્ન અને સામાજિક ડર વિનાની હોય છે. ‘હરે રામા હરે ક્રિષ્ના’ ફિલ્મની જેનિશ હિપ્પી હતી. ‘દમ મારો દમ’ કરતી અને બીજાને ય દમ મરાવતી. ગળે મોટી માળા, ખૂલ્લા વાળ અને સમાજ જેવું કોઇ હોય જ નહીં તેવી વ્યકિતગત વર્તણૂક આર. ડી. બર્મનના મ્યુઝિકમાં તેના માટે આશા ભોંસલેએ જે ગીત ગાયેલું તે પણ એવું જ નશાખોર હતું. આ ફિલ્મે તેને બી. આર. ચોપરાની ‘ધૂન્દ’ અપાવી. એ ફિલ્મમાં તેણે એવી ભૂમિકા ભજવી કે જેનો પતિ (ડેની) અત્યંત ક્રૂર મિજાજનો એકલપટો છે અને તે બીજા પુરુષ (સંજય ખાન) તરફ વળે છે. ઝિન્નતે આ ભૂમિકા પણ દાદુ રીતે કરેલી. સંજયની પ્રેમિકા બને છે ત્યારે પણ તેના ચહેરા પર પતિનો આતંક સતત વર્તાયા કરે છે. એ વર્ષે જ નાસીર હુસેનની ‘યાદોં કી બારાત’ ફિલ્મ આવી. તે ફિલ્મમાં તે વિજય અરોરાની હિરોઇન હતી અને આખી ફિલ્મનાં કેન્દ્રમાં ધર્મેન્દ્ર અને મ્યુઝિક હતું. આમ છતાં ઝિન્નતનું ‘ચુરા લીયા હૈ તુમને જો દિલકો...’ ગીત ખૂબ ચાલેલું પણ આ બધી જ ફિલ્મોમાં તે મુખ્ય હિરોઇન સમી ન હતી. વિષયો જ એવા હતા કે જેમાં ઝિન્નતની મર્યાદા આવી જાય ને છતાં ઝિન્નત જણાયા વિના ન રહી શકી. તે વખતે દેવઆનંદે તેને ‘હીરા પન્ના’ની નાયિકા બનાવી અને તે બંને નવી જોડી તરીકે સેટ થવા માંડયા. તે બંનેની ઇશ્ક ઇશ્ક ઇશ્ક, ‘પ્રેમશાસ્ત્ર’, ‘વોરન્ટ’ વગેરેની સમાંતરે ઝિન્નતે બીજો રસ્તો પણ શોધ્યો. મનોજ કુમારે ‘રોટી કપડા ઔર મકાન’માં તેને સાડી પહેરાવી ‘હાય હાય યે મજબૂરી’ માં નચાવી અને ‘મેં ના ભૂલુંગા, મૈ ના ભૂલુંગી’ ગીતમાં તે અગાઉ નહોતી દેખાયેલી એવી પ્રેમિકા દેખાયેલી. આ બધી ફિલ્મો પછી તે શક્તિ સામંત, રાજ ખોસલા, નાસીર હુસેન જ નહીં. મનમોહન દેસાઇ જેવા ત્યારના બોક્સ ઓફિસ જાદુગરની નજરે ન ચડે તો જ નવાઇ! ધર્મેન્દ્ર સામે તેણે ‘ધરમ-વીર’માં એ ભૂમિકા ભજવી જે મહેબૂબ ખાનની ‘આન’માં નાદિરાએ ભજવેલી.

ઝિન્નતે પોતાના નામે એક પૂરો દાયકો કરાવી લીધો હતો. રાજેશ ખન્ના જ નહી પછી અમિતાભ બચ્ચન સાથે પણ તેની ‘દોસ્તાના’, ‘રામ બલરામ’, ‘લાવારિસ’, ‘મહાન’ જેવી ફિલ્મો આવી. ઝિન્નતમાં પોતાની ભૂમિકા વડે સામાજિક આઘાત આપવાની જે ક્ષમતા હતી તે આ દરમિયાન ‘ઇન્સાફ કા તરાજુ’માં બહુ તીખી રીતે પ્રગટી હતી. બળાત્કારની સમસ્યાને બી. આર. ચોપરાએ બહુ અસરકારક રીતે ચર્ચી હતી. અને ઝિન્નતે તેમાં ઉમદા ભૂમિકા કરેલી. ઝિન્નત એક રીતે બહુ બિનધાસ્ત હતી. તેણે તેની સેકસ અપીલનો ભરપૂર ઉપયોગ થવા દીધેલો અને ત્યાર બાદ બીજી હિરોઇન કહે તેવું કહેલું નહીં કે મારે આવી ભૂમિકા નહોતી કરવી હતી પરંતુ... ઝિન્નતમાં આ પ્રકારનો દંભ ન હતો. કદાચ આ કારણે જ તેને રાજ કપૂરે ‘સત્યમ શિવમ સુંદરમ’ માટે પસંદ કરેલી. મૂળ તેમાં ડિમ્પલ કાપડિયા કામ કરવાની હતી પણ તે ત્યારે જ શક્ય હતું. જો રાજેશ ખન્નાને હીરો લેવામાં આવે. છેવટે ઝિન્નત અને શશી કપૂરની જોડી બની. એ ભૂમિકામાં ખાસ્સું અંગપ્રદર્શન હતું અને શરીર-મનનાં પ્રેમની ફિલસૂફી પણ હતી. ઝિન્નત શરીર વડે વ્યકત થતા પ્રેમને જેટલો સારી રીતે દર્શાવી શકી તેટલો મન વડે વ્યકત થતા ન દર્શાવી શકી. જો કે તેણે પોતાની મર્યાદાને પોતાની ખાસિયતમાં પલટી નાંખીને એક ઇતિહાસ રચ્યો હતો માત્ર સેક્સ સિમ્બોલના જોરે તેણે ખાસ્સી સફળતા હાંસલ કરી જે તેના બાદ કોઇ અભિનેત્રી હાંસલ કરી શકી નથી.ઝિન્નતે સેક્સ વિશેની માન્યતાઓ તોડવામાં ચોક્કસ ભૂૂમિકા ભજવી છે. શમ્મી કપૂરે જયારે ‘મનોરંજન’ બનાવી ત્યારે તેમા ઝિન્નતને જોઇ ઘણા છળી મરેલા. રાજેશ ખન્નાની ‘અજનબી’ માં પણ તે કારકિર્દી બાબતે મહત્ત્વાકાંક્ષી સ્ત્રી હતી. મહત્ત્વાકાંક્ષાની આગમાં જે સમાધાન કરે છે તેનેે ઝિન્નતે લાચારી તળે મથી મૂકયા બલકે સ્વમાનને વાસ્તવિકતા સાથે જોડયું છે. આ બધું કરવામાં તેણે અંગત રીતે થોડી ભૂલ પણ કરી. ‘ધૂન્દ’ પછી ‘અબ્દુલ્લા’ માં તે સંજય ખાનની હિરોઇન હતી. આ બીજી ફિલ્મે તે સંજયની એટલી નજીક આવી ગઇ ચૂપચાપ નિકાહ પઢી લીધા. ઝરીન ખાન જેવી પત્ની અને બે- ત્રણ સંતાનોના પિતા સંજય ખાન જો કે તેને બીવી તરીકે સાચવી ન શકયો. ખૂબ મારતો- ઝૂડતો- લોકોને તે બે બચ્ચાના લગ્નની ખબર પડી ત્યાં સુધીમાં તલાકની ય ખબર પડી ગઇ.બસ, ત્યારથી જ જરા ગરબડ શરૂ થઇ. જો કે ફિરોઝ ખાનની ‘કુરબાની’, ઉપરાંત અમિતાભ સાથેની ‘દોસ્તાના’ અને ‘લાવારિસ’ માં તે એવી જ સફળ રહી. ૧૯૫૧માં જન્મેલી ઝિન્નતે દેવઆનંદ, રાજેશ ખન્ના, અમિતાભ સુધીની ત્રણ પેઢીના હીરો સાથે રહી સફળતા મેળવી તેના કારણમાં તેનું સરેરાશથી અલગ હોવું હતું. તે સમયે તેણે અને પરવીન બાબીએ ખરેખર ધાક જમાવેલી. જે નિર્માતા ઝિન્નતને લઇ શકે તે પરવીન બાબીને લેતા.

આ પ્રકારનો ટ્રેન્ડ સેટ કરવો કોઇ નાની વાત ન કહેવાય. બાકી ઝિન્નત એવી હિરોઇન જ નહોતી કે જે હિન્દી ફિલ્મોમાં ચાલી શકે. તે જો થોડા વર્ષ પહેલા આવી હોત તો કદાચ ખલનાયિકાની ભૂમિકા જ મેળવી શકી હોત. તેણે ભારતીય મર્દોની સોચને બદલી અને ટ્રેડિશનલ હિરોઇનનો ટ્રેન્ડ બદલ્યો. તેના પહેલાં પણ હિરોઇનોએ ઓછા વસ્ત્રે કામ કર્યું છે. પરંતુ તે સહજ જણાતી ન હતી. જેમ તે વખતે નૅગેટિવ પાત્રોને લોકપ્રિય કર્યા તેમ ઝિન્નતે કર્યા કહેવાય. બાકી હિન્દી ફિલ્મોમાં તો મેલોડ્રામાવાળી હિરોઇન જ ચાલે કે જે દુઃખો વેઠે, રડે અને તોય પતિ અને પ્રેમી માટે સમર્પણભાવ ન છોડે.

આ ઝિન્નતને જો કે લાઇફમાં મેલોડ્રામેટિક થવાના મોકા તેને બંને લગ્નએ આપ્યા. સંજય ખાનથી ઘવાયેલી ઝિન્નતે મઝહરખાન જેવા સાવ ઓછા જાણીતા અભિનેતા સાથે લગ્ન કર્યા. લોકો ચોંકી ગયેલા કે આ પ્રકારની જરૂરિયાત અને લાચારી ઝિન્નતને હોય?... ઝિન્નતે આ બીજા લગ્ન નિભાવવા પણ ખૂબ પ્રયત્ન કર્યા પરંતુ મઝહરનું જ અચાનક અવસાન થઇ ગયું. એ થયું ત્યારે તે પ્રૌઢાવસ્થામાં પ્રવેશી ચૂકી હતી. ફિલ્મોમાં કામ મળવા ઓછા થઇ ચૂક્યા હતા. પણ તેવું તો ઘણાને બને છે. ઝિન્નત જો કે ઘણી અસ્વસ્થ થઇ ગયેલી અને તેનું શરીર પણ વધી ગયેલું. હજુ આજે પણ તેના પ્રયત્ન છે કે ફિલ્મ નહીં તો ટી. વી. પર કામ મળે.હવે તો તેના બે દીકરા પણ મોટા થયા છે. અને ઝિન્નત સલવાર- કમીઝમાં દેખાય છે. 

સેકસ સિમ્બોલ તો ત્યાં સુધી જ હોય જ્યાં સુધી શરીરમાં સેકસ હોય અને તેને યૌવન સાથે લેવાદેવા છે.ઝિન્નત પણ એક સમયે તે હતી તે જોવા તો ‘હરે રામા હરે કૃષ્ણા’ ‘ધૂ્‌ન્દ’, ‘યાદોં કી બારાત’ ‘રોટી કપડા ઔર મકાન’થી માંડી ‘ઇન્સાફ કા તરાજુ’, ‘સત્યમ શિવમ સુંદરમ’, ‘લાવારિસ’ વગેરે જોવી.