Featured Books
શ્રેણી
શેયર કરો

ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 4

શંકરસિંહ શૈલેન્દ્રનું યોગદાન

બોલીવુડના શોમેન રાજ કપૂરને તેમના અભિનયની સાથે તેમણે આપેલા યાદગાર ગીતો માટે પણ યાદ કરવામાં આવે છે. એ ગીતો મોટે ભાગે જેમણે લખ્યા છે એવા ગીતકાર શૈલેન્દ્રની શોધ કરનાર પણ રાજ કપૂર જ છે. મૂળ પાકિસ્તાનના રાવલપીંડી ખાતે તા.૩૦ ઓગષ્ટ ૧૯ર૩ના રોજ જન્મ લેનાર ગીતકાર શૈલેન્દ્રનું મૂળ નામ શંકરદાસ કેસરીલાલ શૈલેન્દ્ર હતું. તેમના બાળપણના સમયમાં માતા-પિતા મથુરા રહેવા આવી ગયા. અહીંયા માતાના આકસ્મિક અવસાનથી તેમના જીવન પર ગંભીર અસર થઈ અને શાયરી લખવા તરફ તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું. ઉંમર વધવાની સાથે એક કાયમી અને સ્થાયી નોકરી માટેના પ્રયાસમાં ભારતીય રેલવેમાં વેલ્ડર તરીકે જોબ મળી. રેલવેમાં મળેલી આ જોબ સાથે તેમનું પોસ્ટિંગ મુંબઈ ખાતે થયું. જ્યાં તેમણે મુશાયરાઓમાં ભાગ લેવાનું શરૃ કર્યું. આવા એક કવિ સમ્મેલનમાં રાજ કપૂર પણ આવ્યા હતા અને તેમણે શૈલેન્દ્રને સાંભળ્યા. આ સમયે તેમણે શૈલેન્દ્રને આગ ફિલ્મ માટે ગીતો લખવાનું કહ્યું. પણ શૈલેન્દ્ર એ રાજ કપૂરની ઓફરને ઠુકરાવી (ટાળી દીધી). તે પછી શૈલેન્દ્રના પત્ની ગર્ભવતી થયા અને નાણાંની જરૃરિયાત વધતા શૈલેન્દ્ર એ રાજ કપૂરને મળવાનું નક્કી કર્યું અને આ સમયે રાજ કપૂર બરસાત ફિલ્મનું નિર્માણ કરી રહ્યા હતા અને તેમણે નવા સંગીતકાર તરીકે શંકર-જયકિશનને તક આપી હતી. આ સાથે તેમણે ગીતકાર તરીકે શૈલેન્દ્રને પણ તક આપી. એ રીતે બોલીવુડ માટે તેમણે લખેલી પ્રથમ ગીત બરસાત મે તુમસે મીલે હમ સજન...ગીત લખ્યું. આમ પ્રથમ ફિલ્મથી જ રાજ કપૂર, શંકર જયકિશન અને શૈલેન્દ્રની જોડીએ ધૂમ મચાવી દીધી. તે રીતે આ જોડી બોલીવુડની સફળ ત્રિમૂર્તી સાબિત થઈ છે. બોલીવુડમાં સફળ એન્ટ્રી રાજ કપૂર જેવા દિગ્ગજ સાથે મળી હોય એટલે ફિલ્મ કેરિયર પણ પૂરપાટ ઝડપે આગળ વધતી ગઈ. પણ ૨ દાયકાની ગીતકાર શૈલેન્દ્રની આ ફિલ્મ કેરિયરનો અંત ખૂબ કરુણ આવ્યો છે. ગીતકાર શૈલેન્દ્રને પ્રથમ ફિલ્મથી જ ભવ્ય સફળતા મળી અને તે સમયે રૃ.પ૦૦ પ્રથમ ફિલ્મ માટે જ મળ્યા તે ખૂબ મોટી વાત હતી. વર્ષ ૧૯૪૯માં બરસાત ફિલ્મસાથે બોલીવુડમાં સફળ પ્રવેશ થયા બાદ ફિલ્મફેર એવોર્ડ સન્માન મળવામાં દસ વર્ષનો લાંબો સમય નીકળી ગયો.શૈલેન્દ્રનું પ્રથમ ગીત રાજ કપૂરની ફિલ્મ ‘બરસાત’ (૧૯૪૯)માં હતું અને અંતિમગત ‘જીના યહાં, મરના યહાં, ઈસકે સિવા જાના કહાં...’ તેમણે ફિલ્મ ‘મેરા નામ જોકર’ માટે લખ્યું હતું. આઝાદીની લડતમાં તેઓ જેલમાં પણ ગયા હતા. રાજ કપૂરે તેમને વર્ષ ૧૯૪૭માં ચોપાટી પર યોજાયેલા એક કવિ સંમેલનમાં સાંભળ્યા હતા. કદાચ ફિલ્મ ‘બરસાત’ સાથે પોતાના જીવનમાં આવેલા પરિવર્તનને લીધે તેમણે પોતાના બંગલાનું કામ ‘રિમઝિમ’ રાખ્યું હતું. તેમના એક ગીતની પંક્તિ હતી ‘રિમઝિમ કે તરાને લેકર આયી બરસાત...’ સિનેમા સાથે જોડાતાં પૂર્વે તેમણે લખેલી કવિતાઓનો સંગ્રહ ‘ન્યૌતા ઔર ચુનૌતી’ વર્ષ ૧૯૫૫માં પ્રગટ થયો હતો. 

પોતાના અભાવભયૉ બાળપણથી લઈને ફિલ્મ ‘બરસાત’ સુધીનું તેમનું જીવન અત્યંત સંઘર્ષપૂર્ણ રહ્યું છે, પણ એ બાબતની કડવાશ તેમનાં ફિલ્મી ગીતોમાં જોવા મળતી નથી, એ સમયગાળાના દુકાળનાં કોઈ ચહ્નિો ‘બરસાત’ અને પછીની ફિલ્મો માટેની રચનાઓમાં જોવા મળતા નથી. તેમના આઠસોમાંથી મોટા ભાગનાં ગીતો સંગીતકારની તરજો પર ફિલ્મકારે દર્શાવેલી સ્થિતિ (સિચ્યુએશન)ની સીમાની ભીતર રચાયાં છે. પરંતુ એ સીમાઓમાં પણ તેમણે સરળ શબ્દોમાં ઊંડાણ રજુ કર્યું છે. દરેક ગીતકારએ સીમાઓમાં રહીને પોતાના જીવનના અનુભવો પરથી પ્રેરણા લઈને ગીતો રચે છે. સંગીતની સમજ વિના ફિલ્મોમાં ગીતો લખવા શકય નથી.

શૈલેન્દ્રે મહાત્મા ગાંધીના સમયની ‘ઇપ્ટા’ નાટણ્ સંસ્થામાં જોડાઈને કામ કર્યું એ વખતમાં ભારતનાં તમામ ક્ષેત્રોમાં ગજબના ઉત્સાહ, ચેતના અને ઊર્જા પ્રવાહિત હતાં. એ નૈતિકતાનું શિખર હતું. આઝાદીના પ્રભાત સાથે નૈતિકતાનો ઊભરો ઓસરવા માંડયોહતો. જો ભારત એક ફિલ્મ હોય તો ગાંધીજીનો સમયગાળો તેમાં સ્વપ્ન ર્દશ્ય એટલે કે ડ્રીમ સીકવન્સ જેવો ગણાય. શૈલેન્દ્રને તેમની બીજી ફિલ્મ ‘આવારા’માં એક સ્વપ્ન ર્દશ્યનું ગીત લખવાનો અવસર મળ્યો એ એક યોગાનુયોગ છે. એ ડ્રીમ સીકવન્સનો એક ભાગ નર્કની કલ્પનાનો છે અને બીજો ભાગ સ્વર્ગની કલ્પનાનો છે. શૈલેન્દ્રે લખ્યું ‘યહ નરક ન મુઝ કો ચાહિયે, મુઝ કો ચાહિયે બહાર...’ શૈલેન્દ્રે નૈતિકતાના પતનની વાત અન્ય એક ગીતની અંતિમ પંક્તિમાં કહી. ‘જયોત કે પ્યાસે મેરે નૈન બેચારે, ભોર ભી આસ કી કિરન ન લાયી...’ અન્યત્ર તેમણે લખ્યું છે ‘મત રહેના અંખિયન કે ભરૌસે.’ ખરેખર તો શૈલેન્દ્ર નહેરુ યુગનાં સ્વપ્નોના પ્રતિનિધિ કવિ હોવા છતાં નૈતિકતાના લોપ તરફ જાગ્રત હતા. શૈલેન્દ્ર, નહેરુ યુગમાં ગાંધી યુગની નૈતિકતા જાળવતા હતા. વર્ષ ૧૯પ૯માં પ્રથમ ફિલ્મફેર સન્માન યહુદી ફિલ્મના યે મેરા દિવાનાપન હૈ...ગીત માટે મળ્યું. તે પછીના સતત બીજા વર્ષે અનાડી ફિલ્મના સબ કુછ સીખા હમને, ના સીખી હોશિયારી...ગીત માટે પણ ફિલ્મફેર સન્માન મળ્યું. તે પછી ફરી દસ વર્ષનો સમયગાળો નીકળી ગયો અને બ્રહ્મચારી ફિલ્મના મૈં ગાઉં તુ સો જા...ગીત માટે ફિલ્મફેર સન્માન મળ્યુ ત્યારે ગીતકાર શૈલેન્દ્ર હયાત ન હતા. વર્ષ ૧૯૬૬માં તેમણે રાજ કપૂર અને વહીદા રહેમાનને લઈ બાસુ ચેટરજીના દિગ્દર્શનમાં તીસરી કસમ ફિલ્મનું નિર્માણ કર્યું. આ ફિલ્મના નિર્માણ દરમિયાન આ દિગ્ગજ ગીતકારને એવા આકરા અનુભવ થયા કે રાજ કપૂરના જન્મ દિવસ ૧૪ ડિસેમ્બર (૧૯૬૬)ના રોજ તેમનું દુખદ અવસાન થયું. ગીતકાર શૈલેન્દ્રની આ ફિલ્મ તીસરી કસમને શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે પણ આ ફિલ્મબોક્સઓફિસ પર સદંતર નિષ્ફળ જતા ગીતકાર શૈલેન્દ્ર એ આઘાત સહન કરી શક્યા નહિ અને સૌને રમૈયા વસ્તાવૈયા કહી ગયા. શૈલેન્દ્રના યાદગાર ગીતો બરસાતમે તુમસે મીલે હમસજન... (બરસાત) આવારા હૂં... (આવારા) ચાહે કોઈ મુજે જંગલી કહે... (જંગલી) મૈ આશિક હું બહારો કા... (આશિક) બોલ મેરી તકદીર મે ક્યા હે... (હરિયાલી ઓર રાસ્તા) રમૈયા વસ્તાવૈયા... (શ્રી ૪ર૦) મુડ મુડ કે ના દેખ... (શ્રી ૪ર૦) મેરા જૂતા હૈ જાપાની... (શ્રી ૪ર૦) આજ ફીર જીને કી... (ગાઈડ) ગાતા રહે મેરા દિલ... (ગાઈડ) હર દિલ જો પ્યાર કરેગા... (સંગમ) સબ કુછ સીખા... (અનાડી) કીસી કી મુસ્કુરાહટો પે... (અનાડી) દિલ કી નઝર સે... (અનાડી) ખોયા ખોયા ચાંદ... (કાલા બાઝાર) પ્યાર હુઆ ઈકરાર હુઆ... (શ્રી ૪ર૦) અજીબ દાસ્તાન હૈ યે... (દિલ અપના ઔર પ્રીત પરાયી) ગીતકાર શૈલેન્દ્રના ફિલ્મફેર એવોર્ડ માટે નામાંકિત ગીતો દીલ અપના ઓર પ્રિત પરાઈ... (ટાઈટલ) જીસ દેશમે ગંગા બહેતી હૈ... (ટાઈટલ) દોસ્ત દોસ્ત ના રહા... (સંગમ) સજન રે જુઠ મત બોલો... (તીસરી કસમ)

પોતાના જીવનમા ૧૦૦૦ હજાર ગીતો લખનાર અને લગભગ ૨૦૦ ફિલ્મોને પોતાના ગીત આપનાર શૈલન્દ્ર સાહેબે પોતાનુ જીવન સંધર્ષમય પસાર કર્યુ છે. ઘરમા કયારેક ચા હોય તો કયારેક દૂધ ના હોય તેવા દિવસો પણ તેમણે જીવનમા જોયા છે. પોતાના મિત્રો સાથ ેસિગરેટ પીતા પીતા જીવનની નાવ ચલાવતા રહ્યા. શૈલેન્દ્રના સાથી પ્રસિદ્ધ સાહિત્યકાર ભીષ્મ સાહનીએ પોતાના જીવનકાળ દરમ્યાન તેમણે શૈલેન્દ્ર સાથે કેટલીય પળો વિતાવી છે. તેમનુ કહેવુ છે કે ફિલ્મ જગતમા શૈલેન્દ્ર જેવા કવિરાજ બીજા કયારેય નહીં થાય. જેમણે સામાન્ય લોકોના દર્દને સમજીને પોતાના ગીતમા પંકિત બનાવી છે. કથાકાર કમલેશ્વર પણ ગીતકાર શૈલેન્દ્રના મિત્ર હતા. તેમણે કહ્યુ કે શૈલેન્દ્રના ગીત  સામાન્ય જનતા પર આધારિત હતા. શૈલેન્દ્રના ન્યોતા અને ચુનૌતી કાવ્ય સંગ્રહને વિકાસશીલ સાહિત્યનો એક દસ્તાવેજ માનવામા આવે છે. ગુલઝારનુ કહેવુ છે કે ફિલ્મ જગતમા શૈલેન્દ્રના ગીતો અદ્ધુત છે. તેમની જગ્યા કોઇ લઇ શકતુ નથી. 

 શૈલેન્દ્રના ગીતોમા લોક માનસ પક્ષ પ્રતિબિંબિત થાય છે તેથી શૈલેન્દ્ર મહાન ગીતકાર બની શકયા છે. શૈેલેન્દ્રના ગીતોેમા કબીર અને નજીર જેવી સાદગી અને જીવન દર્શન જોવા મળ્યા છે. ઓેછી ઉંમરમા વધારે ગીતો લખનાર શૈલેન્દ્ર હંમેશા પોતાના ગીતોના માધ્યમથી યાદ કરવામા આવે છે. એક કવિ સંમેલનમા શૈલેન્દ્રના ગીતોને સાંભળીને રાજકુપરે તેમને પોતાની ફિલ્મના અકે ગીત ગાવા માટે પસંદ કર્યા અને આમંત્રણ આપ્યુ હતુ. પરંતુ તે સમયે શૈલેન્દ્રએ આમંત્રણનો અસ્વીકાર કર્યો હતો. પરંતુ જીવનમા જયારે આર્થિક તંગી પડી ત્યારે તેમણે કામ માંગવા માટે રાજકપુર પાસે જવુ પડયુ. રાજકપુરે તે સમયે શૈલેન્દ્રને ગીત ગાવા માટે હા પાડી હતી. શેલૈન્દ્રએ ત્યાર પછી રાજકપુર સાહેબની કેટલીય ફિલ્મોેમા ગીત ગાયા છે. અને રાજકપુરે શૈલેન્દ્ર જયારે મૃત્યુ પામ્યા ત્યારે કહ્યુ હતુ કે હંમેશા તેમે તમારા ગીતોને કારણે અમર રહેશો. મહાન ગીતકાર શૈલેન્દ્રજીનુ નિધન ૧૪ ડિસેમ્બર ૧૯૬૬માં થયુ હતુ. 

દેવેન વર્મા : ન પુરાય તેવી ખોટ

જાણીતા અભિનેતા અને કોમેડિયાન દેવેન વર્મા હવે આપણી વચ્ચે નથી. ખાસ કરીને તેઓએ જે રીતે કુદરતી અભિનય દ્વારા પ્રેક્ષકોનું મનોરંજન કર્યુ છે તે કાબિલેદાદ છે. તેઓએ ક્યારેય કોઇ દ્વિઅર્થી સંવાદ કે હલકી કક્ષાના સંવાદ કહ્યાં નથી. તેઓ દ્વારા હંમેશાં સ્વચ્છ અને યોગ્ય મનોરંજન પીરસાયું છે અને જેની બોલીવુડે હંમેશાં નોૅંધ લીધી છે. ઉલ્લેખનીય છે કે તેમનું હ્યદયરોગના હુમલાથી મોત થયું હતું. તેઓએ કીડનીની પણ બિમારી હતી. તેઓની ઉંમર ૭૭ વર્ષની હતી.

રંગમંચ અને સિનેમા એ બાબતની સાક્ષી છે કે કોમેડી બે ધારાઓમાં સમાંતર રીતે વહેતી હતી. એક તો દ્વિઅર્થી સંવાદ અને તે જ પ્રકારની હરકતો દ્વારા થતી કોમેડી અને બીજી હતી પોતાના હાવભાવ, તથા બોડી લેંગ્વેજના આધારે કરાતી કોમેડી. ખાસ કરીને જે બીજા પ્રકારની કોમેડી હતી તે જે તે કલાકારની યોગ્યતા પર નિર્ભર કરતી હતી. તે પોતાની અભિવ્યક્તિ દ્વારા હાસ્ય પેદા કરતાં હતાં. એક સમય હતો કે જ્યારે હિન્દી ફિલ્મોમાં કોમેડી કલાકારની એક અલગ જગ્યા રહેતી હતી. બોલીવુડમાં હાસ્યકલાકારોની એક લાંબી પરંપરા છે. ગૌરી દિક્ષિત, ગોપયાકુબ, નૂર મહંમદ ચાર્લી, સુંદર, મુકરી, જોની વોકર, ઓમપ્રકાશ, કિશોરકુમાર,  મહેમુદ, અસરાની અને દેવેન વર્મા વગેરે કહી શકાય. સૌમાં દેવેન વર્માની ખાસિયત એ હતી કે તેઓએ ક્યારેય પોતાના પૂર્વવર્તી કોમેડિયનની નકલ કરી નથી. તે પોતાની અલગ મૌલિકતાને લીધે કોમેડિયનમાં ખાસ જગ્યા બનાવી શક્યા હતાં.

દેવેન વર્માની બોલીવુડમાં એન્ટ્રી ૧૯૬૧માં બી.આર. ચોપડાની ફિલ્મ ધર્મપુત્ર દ્વારા થઇ હતી. આ ફિલ્મનું નિર્દશન યશ ચોપડાએ કર્યુ હતું.આ ફિલ્મમાં તેઓનો ખૂબ નાનો રોલ હતો અને તેથી તેની કોઇ પણ નોંધ લેવાઇ ન હતી. વર્ષ ૧૯૬૪માં આવેલ ફિલ્મ સુહાગનમાં તેઓએ જબરજસ્ત અભિનય  કર્યો અને ત્યારથી તેઓ ફિલ્મ નિર્માતાઓના ધ્યાનમાં આવી ગયાં હતાં. તેઓએ નેગેટિવ ભૂમિકા પણ કરી હતી. દેવર નામની એક ફિલ્મમાં તેઓએ નકારાત્મક ભૂમિકા પણ કરી હતી.  ત્યાર બાદ આવેલ ફિલ્મ મહોબત જીંદગી હે માં તેઓએ કોમેડી ભૂમિકા કરી હતી. હવે દેવેન માટે પ્રશ્ન એ હતો કે તેઓ નકારાત્મક ભૂમિકાઓ સ્વીકારે કે કોમિક ભૂમિકા. દેવેને કોમેડી ફિલ્મો કરવાનું નક્કી કર્યું. દેવેન વર્માની ખાસિયત એ હતી કે તેઓ સરળતાથી કોઇ પણ પાત્ર કરી શકતા હતા. તેઓ જ્યારે કોઇ પણ ભૂમિકા કરે ત્યારે હંમેશાં એવુ જ લાગતું હોય છે કે આ પાત્ર તેમને ધ્યાનમાં રાખીને જ લખાયું છે પંરતુ તે તો દેવેનની વિશેષતા હતી.

દેવેન વર્મા માત્ર અભિનેતા બનીને રહેવા માંગતા ન હતાં. તેઓ નિર્દેશન પણ કરવા માંગતા હતાં તેથી તેઓએ ફિલ્મનિર્માણની શરૂઆત કરી. તેઓ દ્વારા નિર્મિત નિર્દેશીત પહેલી ફિલ્મ  નાદાન ૧૯૭૧ માં રીલીઝ થઇ હતી. આ ફિલ્મ ફ્લોપ રહી હતી. આ ફિલ્મ ન ચાલી તેનુ મહત્વનું કારણ એ હતું કે ફિલ્મની વાર્તા સારી ન હતી. ફિલ્મમાં તેઓએ નવીન નિશ્ચલને મુખ્ય રોલ આપ્યો હતો અને પોતે  કેમિયો કરી રહ્યાં હતાં. આ નાદાની જ ફિલ્મ ફ્લોપ થવામાં મહત્વનું કારણ બની હતી. ત્યાર બાદ દેવેનની ફિલ્મ આવી હતી બડા કબૂતર. આ ફિલ્મ ૧૯૭૩માં આવી હતી. 

આ ફિલ્મમાં મામા (અશોક કુમાર) અને ભાણા(દેવેન વર્મા) ની જોડી અંડરવલ્ડ ડોન  ધરમદાસના પુત્રનું અપહરણ કરવાનો પ્રયત્ન કરે છે. ત્યાર બાદ તેઓએ બશરમ નામની ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં તેઓએ અમિતાભ અને શર્મિલાની જોડી લીધી હતી. પરંપરાગત મેલોડ્રામા હોવાને લીધે આ ફિલ્મ પણ ફ્લોપ રહી હતી. ત્યાર બાદ સ્મિતા પાટિલને લઇને ચટપટી નામની ફિલ્મ બનાવી હતી. આ રીતે પોતાને નિર્માતા નિર્દેશક સ્થાપિત કરવામાં દેવેન એવા ફસાયા કે જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે ખૂબ મોડુ થઇ ગયુ હતું. જો કે તેઓ વચ્ચે કોમેડી ફિલ્મો કરતા રહ્યાં હતાં. દેવેન વર્માએ કેટલાક ચરિત્ર રોલ પણ કર્યા હતાં. જો કે તેઓએ બાદમાં મિથુન ચક્રવર્તી અને પદ્મીની કોલ્હાપુરીને લઇને દાના પાની નામની ફિલ્મ ૧૯૮૯ માં બનાવી હતી. આ ફિલ્મ પણ બોક્સ ઓફીસ પર સફળતા મેળવી શકી ન હતી.

દેવેન વર્માએ ઘણી યાદગાર ભૂમિકાઓ મોટા પડદે ભજવી છે.  ફિલ્મ ચોરી મેરા કામ(૧૯૭૫) મા પરવીન ભાઇ પબ્લિશર રૂપે પડદા પર આવે છે. એક પુસ્તકના પ્રકાશિત થવાથી તેઓ સૌના નજરે પડે છે. આ જ રોલને કેટલાક સમય બાદ  ઘરચોર (૧૯૭૮) ફિલ્મમાં આગળ લઇ જવાયો હતો. ઉલ્લેખનીય છે કે જે રીતે આજે સિક્વલ બનાવવામાં આવે છે તે વખતે પણ સિક્વલ બનાવવામાં આવતી હતી. તેઓના કેરિયરની યાદગાર ફિલ્મો તરફ નજર કરીએ તો  ગોલમાલ (૧૯૭૯), અંગુર(૧૯૮૨), રંગબિરંગી(૧૯૮૩)વગેરે કહી શકાય. બાસુ ચેટર્જી, ઋષિકેશ મુખર્જી અને ગુલઝાર જેવા સંવેદનશીલ સર્જકો સાથે કામ કરવાથી દેવેન વર્માને પ્રસિદ્ધિ અને પુરસ્કાર પણ ખૂબ મળ્યા હતાં. શેક્સપીયરના નાટક કોમેડી ઓફ એરર્સ પર ભારતમાં ઘણી ફિલ્મો બની છે પરંતુ તે સૌમાં અંગુરને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. સંજીવ કુમારે આ  અંગે એક ઇન્ટરવ્યુમાં સરસ ટીપ્પણી કરી હતી. તેઓએ કહ્યું હતું કે જ્યાર ફિલ્મ શરૂ થઇ ત્યારે ફિલ્મમાં હું હીરો હતો પરંતુ જ્યારે ફિલ્મ જોઇ ત્યારે લાગ્યુ કે ફિલ્મમાં હીરો જેવુ કામ તો દેવેન વર્માએ કર્યુ છે. સંજીવ કુમાર જેવો અભિનેતા જ્યારે દેવેન વર્મા વિશે આ પ્રકારની ટીપ્પણી કરે ત્યારે તેઓનો અભિનય કેવો હશે તે વિચારવું રહ્યું. આ ફિલ્મો સિવાય પણ દેવેન વર્માએ ઘણી મહત્વની ભૂમિકાઓ અન્ય ફિલ્મોમાં પણ ભજવી હતી. સૌથી મહત્વની બાબત એ હતી કે તેઓએ કોમેડી કરવા માટે ક્યારેય અશ્લીલતાની મદદ લીધી નથી. તેઓએ હંમેશા પોતાના સંવાદ, પોતાની બોડી લેંગ્વેજના માધ્યમથી પોતાના દર્શકોને હસાવ્યા હતાં. તેઓના પડદા પર આવવાની સાથે જ દર્શકો તેઓને જોઇ હસવાનું શરૂ કરી દેતાં હતાં.

દેવેન વર્માના બોલીવુડ પહેલાના જીવનની વાત કરીએ તો તેઓનો જન્મ ૨૩ ઓક્ટોબર ૧૯૩૭માં પુનામાં થયો હતો. તેઓએ નવરોઝજી વાડિયા કોલેજમાં પોતાનુ કોલેજનું શિક્ષણ પૂર્ણ કર્યુ હતું. ૧૯૫૯ માં તેઓ મુંબઇ આવ્યાં હતાં. પોતાનુ ફિલ્મી કેરિયર શરૂ કરવામાં તેઓને કાંઇ ખાસ મુશ્કેલી પડી ન હતી. તેઓએ  દાદા મુનિ અશોક કુમારની પુત્રી  રૂપા ગાંગુલી સાથે તેઓનો વિવાહ થયો હતો. તે સમયે લોકો કહેતાં કે બી.આર. ફિલ્મસ અને યશરાજ ફિલ્મસની બેનરની ફિલ્મોમાં તેઓને હંમેશા રોલ મળ્યા તેનુ એક કારણ એ હતું કે અશોક કુમાર સાથે  તેઓના સારા સબંધો હતાં. પરંતુ આ વાસ્તવિકતા ન હતી. દેવેન વર્મા પોતાના અભિનય દ્વારા નિર્દેશકને મંત્રમુગ્ધ કરી દેતા હતાં અને તેથી જ્યારે પણ  આ નિર્દેશક ફરી ફિલ્મ બનાવે ત્યારે દેવેન વર્માને અચુક યાદ કરે. નેવુના દાયકા સુધી દેવેને પોતાનો અભિનય ચાલુ રાખ્યો હતો. ત્યાર બાદ બોલીવુડમાં પરિવર્તનનો વાયરો ફૂંકાયો હતો. કેટલાક નવા નવા કોમેડિયનો ઇન્ડસ્ટ્રીમાં આવી ગયાં હતાં. અને વળી એવા પણ ઘણાં હીરો હતાં કે જેઓ જાતે જ કોમેડી કરી લેતા હતાં. આ સમયે બોલીવુડમાં કોમેડિયનો માટે રોલ લખાવા ઓછા થઇ ગયાં હતાં. ત્યાર બાદ તેઓ વર્ષ ૨૦૦૩માં કલકત્તા મેઇલમાં દેખાયા હતાં. ફિલ્મ દિલ તો પાગલ હે માં  પણ તેઓ દેખાયા હતાં. આ સિવાય તેઓ ઘણા નાના નાના રોલ કરતાં રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે તેઓને ત્રણ વખત ફિલ્મ ફેયર એવોર્ડ મળી ચૂક્યો હતો. તેઓને ચોરી મેરા કામ, ચોર કે ઘર ચોર અને અંગુર માટે ફિલ્મ ફેયર મળ્યા હતાં. તેઓએ પોતાનો અંતિમ સમય સંગીત સાંભળવામાં અને વાંચન લેખનમાં પસાર કર્યો હતો. તેઓનું માનવુ હતું કે વર્તમાન સમયની ફિલ્મોમાં કોમેડી કરવા માટે જે રીતે અશ્લીલતાનો સહારો લેવામાં આવે છે તે કોઇ પણ રીતે યોગ્ય નથી. તેઓના મતે બોલીવુડની કોમેડીનું સ્તર કથળ્યું છે. 

ઉલ્લેખનીય છે કે તેઓએ ક્યારેય પોતાના સિદ્ધાંતો સાથે સમજૂતિ કરી નથી. તેઓએ હંમેશાં એવી ભૂમિકા કરવા માટે ઇનકાર કર્યો છે કે જેમાં કોઇ વિકલાંગ કે શારીરીક રીતે નબળા વ્યક્તિઓની મઝાક ઉડાવાતી હોય. તેઓએ હંમેશાં પરિસ્થિતિ અને પોતાના હાવભાવથી દર્શકોને હસાવ્યાં છે. તેઓની મહત્વની ફિલ્મો પર નજર કરીએ તો : અનુપમા (૧૯૬૬),  ખામોશી(૧૯૭૦), ગુડ્ડી (૧૯૭૧), બુઢ્ઢા મીલ ગયા (૧૯૭૧), મેરે અપને (૧૯૭૧), અન્નદાતા (૧૯૭૨), ધૂંધ (૧૯૭૩), કોરા કાગઝ (૧૯૭૪), ચોરી મેરા કામ (૧૯૭૫) કભી કભી (૧૯૭૬), ચોર કે ઘર ચોર (૧૯૭૮), ગોલમાલ (૧૯૭૯), લોકપરલોક (૧૯૭૯),  સો દિન સાસ કે (૧૯૮૦), જુદાઇ (૧૯૮૦),  કુદરત(૧૯૮૧),  લેડિસ ટેલર(૧૯૮૧) , સિલસિલા (૧૯૮૧), અંગુર (૧૯૮૨), રંગબિરંગી (૧૯૮૩), જુઠી (૧૯૮૬), ચમત્કાર (૧૯૯૨), ક્યા કહના (૨૦૦૦) વગેરે.