નારદ પુરાણ - ભાગ 49 Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નારદ પુરાણ - ભાગ 49

સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચાલતો હોય તે બાજુનો ડાબો અથવા જમણો પગ પૃથ્વી ઉપર મૂકી આ પ્રમાણે પ્રાર્થના કરવી

 

समुद्रवसने देवि पर्वतस्तनमण्डले ।
विष्णुपत्नि नमस्तुभ्यं पादस्पर्शं क्षमस्वमे ॥

‘હે પૃથ્વી દેવી, સમુદ્ર તમારી મેખલા અને પર્વતો સ્તનમંડળ છે. હે વિષ્ણુપત્ની, તમને નમસ્કાર છે. મારા પગથી મેં તમને સ્પર્શ કર્યો તેથી મારો આ અપરાધ ક્ષમા કરો.’

                આ પ્રમાણે પૃથ્વીને ક્ષમા પ્રાર્થના કરીને વિધિપૂર્વક વિચરણ કરવું. ત્યારબાદ ગામથી નૈઋત્ય ખૂણામાં જઈને આ પ્રમાણે મંત્રનું ઉચ્ચારણ કરવું.

गच्छन्तु ऋषयो देवा: पिशाचा ये च गुह्यका:।

पितृभूतगणा: सर्वे करिष्ये मलमोचनम्।।

‘અહીંયા હે ઋષીઓ, દેવતાઓ, પિશાચો, ગુહ્યકો, પિતૃઓ તથા ભૂતગણો હોય તેઓ અહીંથી ચાલ્યા જાય; હું અહીં મળત્યાગ કરીશ.’

        આમ કહીને ત્રણવાર તાલી વગાડવી અને માથું કપડાંથી ઢાંકીને મળત્યાગ કરવો. રાતનો સમય હોય તો દક્ષિણ દિશા તરફ મોઢું કરીને બેસવું અને દિવસ હોય તો ઉત્તર તરફ મુખ રાખીને મળત્યાગ કરવો. ત્યારબાદ માટી અને જળથી શુદ્ધિ કરવી. લિંગ ઉપર એકવાર, ગુદા ઉપર ત્રણવાર, ડાબા હાથ ઉપર દસવાર, પછી બંને હાથ ભેગા કરીને સાતવાર અને બંને પગ ઉપર ત્રણવાર માટી લગાડવી. આ પ્રમાણે શૌચક્રિયા કર્યા પછી બાર વખત કોગળા કરવા. તે પછી દાતણ માટે નીચે લખેલા મંત્રથી વનસ્પતિની પ્રાર્થના કરવી.

आयुर्बलं यशोवर्च: प्रजा: पशुवसूनि च। 

श्रियं प्रज्ञां च मेधां च त्वं नो देहि वनस्पते।।

‘હે વનસ્પતે, તમે અમને આયુ, બળ, યશ, તેજ, સંતાન, પશુ, ધન, લક્ષ્મી, પ્રજ્ઞા (જ્ઞાનશક્તિ) તથા મેધા (ધારણાશક્તિ) આપો.

                આ પ્રમાણે પ્રાર્થના કરીને મંત્રના સાધકે બાર આંગળનું દાતણ લઈને એકાગ્રચિત્ત થઇ તેનાથી દાંત અને મુખની શુદ્ધિ કરવી. ત્યારબાદ નદી વગેરે જળાશય પર નાહવા માટે જવું. તે સમયે દેવતાઓના ગુણોનું કીર્તન કરતાં રહેવું. ત્યાં ગયા પછી દેવતાઓને નમસ્કાર કરી સ્નાન માટે ઉપયોગી વસ્તુ-વસ્ત્ર વગેરે તટ પર મૂકી મૂલમંત્રથી અભિમંત્રિત માટી લઈને તેને કેડથી ઓઅગ સુધીનાં અંગોમાં લગાડવી ને પછી જળથી તેને ધોઈ નાખવી. ત્યારપછી પાંચવાર જળથી પગ ધોઈને જળમાં પ્રવેશ કરવો ને નાભિ સુધી જળમાં ઊભા રહી જળાશયની માટી ડાબા હાથના પોંચા પર. હથેળી પર અને તેના અગ્રભાગમાં લગાડવી અને આંગળીથી માટી લઈને અસ્ત્ર (ફટ)ના ઉચ્ચારણ દ્વારા તેને પોતાના માથા પર ફેરવી નાખી દેવી; પછી હથેળીને માટી છ અંગો પર મંત્રો દ્વારા લગાડવી. ત્યારબાદ ડૂબકી મારી સારી પેઠે સર્વ અંગો ધોઈ નાખવાં.

        આ જળસ્નાન કહેવામાં આવે છે. તે પછી સંપૂર્ણ જગતને પોતાના ઇષ્ટદેવનું સ્વરૂપ માનીને આંતરિક સ્નાન કરવું. અનંત સૂર્ય સમાન તેજસ્વી તથા પોતાનાં આભૂષણ અને આયુધોથી સંપન્ન મંત્રમૂર્તિ ભગવાનની ચિંતન કરીને એવી ભાવના કરવી કે તેમના ચરણોદકથી પ્રકટ થયેલી દિવ્યધારા બ્રહ્મરંધ્રથી શરીરમાં પ્રવેશી રહી છે. તે ધારાથી શરીરની અંદરનો તમામ મળ ભાવના દ્વારા જ ધોઈ નાખવો. આમ કરવાથી મંત્રનો સાધક તત્કાળ રજોગુણથી રહિત થઈને શુદ્ધ થઇ જાય છે. ત્યારબાદ સાધકે એકાગ્રચિત્ત થઈને મંત્રસ્નાન કરવું. પહેલાં દેશકાળનું નામ લઈને સંકલ્પ કરવો, પછી પ્રાણાયામ અને ષડંગ-ન્યાસ કરીને બંને હાથોથી મુષ્ટિની મુદ્રા બનાવી સૂર્યમંડળથી આવતાં તીર્થોનું આવાહન કરવું.

ब्रह्माण्डोदरतीर्थानि करै: सपृष्टानि ते रवे। 

तेन सत्येन मे देव देहि तीर्थ दिवाकर ।।

गङ्गे च यमुने चैव गोदावरी सरस्वती।  

नर्मदे सिन्धुकावेरी जलेस्मिन संनिधि कुरु ।। 

‘હે સૂર્યદેવ, બ્રહ્માંડમાં જેટલાં તીર્થો છે, તે સર્વને આપનાં કિરણો સ્પર્શ કરે છે. હે દિવાકર, તે સત્ય અનુસાર મારા માટે અહીં જ બધાં તીર્થો પ્રદાન કરો. ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી-હે બધી નદીઓ, આપ આ જળમાં નિવાસ કરો.’

        આ પ્રમાણે આવાહન કર્યા પછી ગો-મુદ્રાથી તેમનું અમૃતીકરણ કરીને તેમને કવચથી અવગુંઠિત કરવાં. પછી અસ્ત્ર મુદ્રા દ્વારા સંરક્ષણ કરીને ચક્રમુદ્રાનું પ્રદર્શન કરવું. ત્યારબાદ તે જળમાં અગ્નિ, સૂર્ય અને ચંદ્રનાં મંડળોનું ચિંતન કરવું, પછી સૂર્યમંત્ર અને અમૃતબીજ દ્વારા તે જળને અભિમંત્રિત કરવું. ત્યારબાદ મૂળમંત્રથી અગિયારવાર અભિમંત્રિત કરીને તેના મધ્યભાગમાં પૂજાયંત્રની ભાવના કરવી અને હૃદયથી દેવતાનું આવાહન કરી સ્નાન કરાવીને માનસિક ઉપચારથી તેની પૂજા કરવી. ઇષ્ટદેવ સિંહાસન પર વિરાજેલા છે આ ભાવનાથી તેમને નમસ્કાર કરી વિદ્વાન પુરુષે તે જળને પ્રણામ કરવા.

        ત્યારબાદ સાધકે પોતાના શરીરનાં સાત છિદ્રોને બંધ કરીને જળમાં ડૂબકી મારવી અને તેમાં મૂળ મંત્રનું ઇષ્ટદેવના સ્વરૂપમાં ધ્યાન કરવું. જળમાં ત્રણવાર ડૂબકી મારી ઉપર આવવું. ત્યારબાદ બંને હાથ ઘડાની મુદ્રામાં રાખીને તે દ્વારા પોતાના મસ્તક ઉપર અભિષેક કરવો.

        ત્યારબાદ મંત્રના સાધકે પોતાના ઇષ્ટદેવનું સૂર્યમંડળમાં વિસર્જન કરી ધોયેલાં વસ્ત્રો ધારણ કરવાં ને તે પછી સંધ્યા આદિ નિત્ય કર્મ કરવાં. માંદગીને લીધે જળથી સ્નાન કરી ન શકાય ત્યારે અઘમર્ષણ કરવું અથવા ભસ્મ કે ધૂલિસ્નાન કરવું. પછી શુભ આસન પર બેસીને સંધ્યા કરવી.

        ‘ૐ કેશવાય નમ:’ ‘ૐ નારાયણાય નમ:’ ‘ૐ માધવાય નમ:’ આ ત્રણ મંત્રોથી ત્રણ વાર જળનું આચમન કરવું. ‘ૐ ગોવિંદાય નમ:’ ‘ૐ વિષ્ણવે નમ:’ - આ મંત્રો બોલીને બંને હાથ ધોઈ નાખવા. પછી ‘ૐ મધુસૂદનાય નમ:’ ‘ ‘ૐ ત્રિવિક્રમાય નમ:’ થી બંને હોઠોનું માર્જન કરવું. તે પછી ‘ૐ વામનાય નમ:’ ‘ૐ શ્રીધરાય નમ:’થી મુખ અને બંને હાથોનો સ્પર્શ કરવો. ‘ૐ હૃષીકેશાય નમ:’ ‘ૐ પદ્મનાભાય નમ:’ થી બંને પગનો સ્પર્શ કરવો. ‘ૐ દામોદરાય નમ:’ થી મૂર્ધા (મસ્તકનો), ‘ૐ સંકર્ષણાય નમ:’ થી મુખનો, ‘ૐ વાસુદેવાય નમ:’ ‘ૐ પ્રધ્યુમ્નાય નમ:’ થી ક્રમશ: જમણા અને ડાબા નસકોરાને સ્પર્શ કરવો. ‘ૐ અનિરુદ્ધાય નમ:’ ‘ૐ પુરુષોત્તમાય નમ:’ થી પૂર્વવત બંને નેત્રોને તથા ‘ૐ અધોક્ષજાય નમ:’ ‘ૐ નૃસિંહાય નમ:’ થી બંને કાનોને સ્પર્શ કરવો. ‘ૐ અચ્યુતાય નમ:’ થી નાભિને, ‘ૐ જનાર્દનાય નમ:’ થી વક્ષ:સ્થળને તથા ‘ૐ હરયે નમ:’ ‘ૐ વિષ્ણવે નમ:’ થી બંને ખભાઓને સ્પર્શ કરવો. આ વૈષ્ણવ આચમનનો વિધિ છે.

        આદિમાં પ્રણવ અને અંતમાં ચતુર્થીનું એક વચન તથા નમ: પદ લગાડીને પૂર્વોક્ત કેશવ આદિ નામો દ્વારા કાનોને  મુખ આદિને સ્પર્શ કરવો જોઈએ. મુખ અને નાકને તર્જની આંગળીથી સ્પર્શ કરવો. નેત્રો તથા કાનોને અનામિકા આંગળીથી અને નાભિને કનિષ્ઠા આંગળીથી સ્પર્શ કરવો. અંગૂઠાનો સ્પર્શ બધાં જ અંગોમાં કરવો જોઈએ. ‘સ્વાહા’ પદ અંતમાં લગાડીને ચતુર્થી વિભક્તિ સાથે આત્મતત્વ, વિદ્યાતત્વ, શિવતત્વનું ઉચ્ચારણ કરીને કરવામાં આવતું આચમન શૈવ આચમન કહેવાય છે.

        આદિમાં ક્રમશ: ત્રણે દીર્ઘ, અનુસ્વાર અને હ અર્થાત હાં હીં હૂં લગાડી અંતમાં સ્વાહા પદવાળા આત્મતત્વ, વિદ્યાતત્વ અને શિવતત્વ શબ્દોના ઉચ્ચારણપૂર્વક કરવામાં આવેલા આચમનને શૈવ કહ્યું છે. (હાં આત્મતત્વાય સ્વાહા. હીં વિદ્યાતત્વાય સ્વાહા. હૂં શિવતત્વાય સ્વાહા. આ શૈવ આચમનના મંત્રો છે.)

        આદિમાં ક્રમશ: ‘ઐ હ્રીં શ્રીં’ આ બીજની સાથે સ્વહાંત ઉક્ત નામોનું ઉચ્ચારણ કરીને કરવામાં આવેલા આચમનને શાક્ત આચમન કહેવામાં આવેલ છે. (ઐ આત્મતત્વાય સ્વાહા. હ્રીં વિદ્યાતત્વાય સ્વાહા, શ્રીં શિવતત્વાય સ્વાહા-આ શાક્ત આચમન મંત્રો છે.) હે બ્રહ્મન, વાગ્બીજ (ઐ), લજ્જાબીજ (હ્રીં) અને શ્રીબીજ (શ્રીં) નો પ્રારંભમાં પ્રયોગ કરવાથી તે આચમન અભીષ્ટ અર્થને આપનારું થાય છે.

        ત્યારબાદ લલાટમાં સુંદર ગદાના જેવી આકૃતિવાળું તિલક કરવું. હૃદયમાં નંદક નામના ખડ્ગની અને બંને બાહુઓ પર ક્રમશ: ખડ્ગ અને ચક્રની આકૃતિ બનાવવી. શ્રેષ્ઠ બુદ્ધિવાળા વૈષ્ણવ પુરુષે ક્રમશ: મસ્તક, કર્ણમૂલ, પાર્શ્વભાગ, પીઠ, નાભિ તથા કકુદ (શિખા)માં પણ શાઙર્ગ નામક ધનુષ અને બાણનો ન્યાસ કરવો. આ પ્રમાણે વૈષ્ણવ પુરુષે તીર્થજનિત માટી (ગોપીચંદન) વગેરેથી તિલક કરવું. અથવા શૈવજને ‘ત્ર્યંબક’ મંત્રથી અગ્નિહોત્રની ભસ્મ લઈને ‘અગ્નિરિતિ ભસ્મ’ વગેરે મંત્રથી અભિમંત્રિત કરીને તત્પુરુષ, અઘોર, સદ્યોજાત, વામદેવ અને ઇશાન-આ નામોથી ક્રમશ: લલાટ, ખભા, ઉદર, ભુજા અને હૃદયમાં-પાંચ જગ્યાએ ત્રિપુંડ લગાડવું

        શક્તિના ઉપાસકે ત્રિકોણની આકૃતિનું અથવા ગોળ તિલક કરવું જોઈએ. વૈદિકી સંધ્યા કર્યા પછી મંત્રના સાધકે વિધિવત આચમન કરીને તાંત્રિકી સંધ્યા કરવી. પૂર્વવત જળમાં તીર્થોનું આવાહન કરી લેવું. ત્યારબાદ દર્ભથી ત્રણવાર પૃથ્વી પર જળ છાંટવું. પછી તે જ જળથી સાતવાર પોતાના મસ્તક પર અભિષેક કરવો. પછી પ્રાણાયામ અને ષડંગન્યાસ કરી ડાબા હાથમાં જળ લઇ તેને જમણા હાથથી ઢાંકવું અને મંત્રજ્ઞ પુરુષે આકાશ, વાયુ, અગ્નિ, જળ તથા પૃથ્વીના બીજમંત્રો (હં, યં, રં, વં, લં-આ ક્રમશ: આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીનાં બીજ છે.) દ્વારા તેને અભિમંત્રિત કરીને તત્વમુદ્રાપૂર્વક હાથમાંથી ટપકતાં જળબિંદુઓ વડે મૂળમંત્રથી પોતાના મસ્તકને સાતવાર માર્જીત કરવું; પછી શેષ જળને મંત્રના સાધકે બીજાક્ષરોથી અભિમંત્રિત કરીને નાક પાસે લાવવું. તે તેજોમય જળને ભાવના દ્વારા ઈડા નાડીથી અંદર ખેંચી અંતરના સર્વ મળો ધોઈ નાખવા. પછી ભાવનાથી કૃષ્ણવર્ણમાં પરિણત થયેલા તે જળને પિંગળા નાડીથી બહાર કાઢવું અને પોતાની આગળ વજ્રમય પથ્થરની કલ્પના કરીને અસ્ત્રમંત્ર (ફટ) નું ઉચ્ચારણ કરતા રહી તે જળ તેના પર નાખવું.

        આ ક્રિયાને સર્વ પાપોનો નાશ કરનાર અઘમર્ષણ કહેવામાં આવેલ છે. પછી મંત્રવેત્તા પુરુષે હાથપગ ધોઈ પૂર્વવત આચમન કરી ઊભા થવું; અને તાંબાના પાત્રમાં પુષ્પચંદન આદિ નાખી મૂળ મંત્રનું ઉચ્ચારણ કરી સૂર્યમંડળમાં વિરાજમાન ઇષ્ટદેવને અર્ઘ્ય આપવો.”

 

ક્રમશ: