નારદ પુરાણ - ભાગ 48 Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નારદ પુરાણ - ભાગ 48

સનત્કુમારે આગળ કહ્યું, “વિદ્વાન પુરુષે બ્રાહ્મમુહૂર્તમાં ઊઠી નિત્યકર્મથી પરવારી પોતાના ગુરુદેવને નમસ્કાર કરવા-ત્યારપછી પાદુકામંત્રનો દસવાર જપ અને સમર્પણ કરી ગુરુદેવને ફરીથી પ્રણામ કરી તેમનું સ્તવન કરવું.

        પછી મૂલાધારથી બ્રહ્મરંધ્ર સુધી મૂલવિદ્યાનું ચિંતન કરવું. મૂલાધારથી નિમ્ન ભાગમાં ગોળાકાર વાયુમંડળ છે, તેમાં વાયુનું બીજ ‘ય’ કાર સ્થિત છે, તે બીજથી વાયુ વહી રહ્યો છે. તેનાથી ઉપર અગ્નિનું ત્રિકોણમંડળ છે, તેમાં રહેલા અગ્નિના બીજ ‘ર’ કારમાંથી અગ્નિ પ્રકટી રહ્યો છે. ઉક્ત વાયુ અને અગ્નિની સાથે મૂલાધારમાં સ્થિત શરીરવાળી કૂલકુંડલીનીનું ધ્યાન કરવું. એ સૂતેલા સર્પ સમાન આકારવાળી છે. તે પોતે ભૂલિંગને વીંટળાઈને સૂતેલી છે. જોવામાં તે કમળની નાલ જેવી જણાય છે. તે અત્યંત પાતળી છે અને તેના અંગમાંથી કરોડો વિદ્યુતો જેવી પ્રભા ફેલાઈ રહી છે. આ પ્રમાણે કૂલકુંડલીનીનું ધ્યાન કરીને ભાવનાત્મક સંકેત દ્વારા જગાડીને ઉત્થાન કરવું અને સુષુમ્ણા નાડીના માર્ગથી ક્રમશ: છ ચક્રોનું ભેદન કરનારી તે કુંડલીનીને ગુરુએ બતાવેલી વિધિ અનુસાર વિદ્વાન પુરુષે બ્રહ્મરંધ્ર સુધી લઈ જવી અને ત્યાંના અમૃતમાં નિમગ્ન કરી આત્માનું ચિંતન કરવું.

        આત્મા તેના પ્રભાપુંજથી વ્યાપ્ત છે. તે નિર્મળ, ચિન્મય તથા દેહ આદિથી પરે છે. પછી તે કુંડલીનીને પોતાના સ્થાન પર પહોંચાડી દઈ હૃદયમાં ઇષ્ટદેવનું ચિંતન કરવું અને માનસિક ઉપચારોથી તેમનું પૂજન કરીને નીચે જણાવેલા મંત્રથી પ્રાર્થના કરવી.

त्रैलोक्यचैतन्यमयादिदेव 

      श्रीनाथ् विष्णो भवदाज्ञयैव। 

प्रात: समुत्थाय तव प्रियार्थं

       संसारयात्रामनुवर्तयिष्ये।। 

 

        ‘આદિદેવ! લક્ષ્મીકાંત! વિષ્ણો! ત્રૈલોક્યનું ચૈતન્ય આપનું સ્વરૂપ છે. આપની આજ્ઞાથી જ પ્રાત:કામ ઊઠીને આપનું પ્રિય કરવા માટે હું સંસારયાત્રાનું અનુસરણ કરીશ.

        હે બ્રહ્મન, જો ઇષ્ટદેવ કોઈ બીજા દેવતા હોય તો ઉપરના મંત્રમાં ‘विष्णो’ આદિના સ્થાને ઊહા (કલ્પના) દ્વારા તેના વાચક શબ્દ કે નામનો પ્રયોગ કરવો. ત્યારબાદ સંપૂર્ણ સિદ્ધિ માટે અજપાજપની નિવેદન કરવું. એક અહોરાત્રમાં જવી ‘એકવીસ હજાર છસો’ વાર સદા અજપાનામક ગાયત્રીનો જપ કરે છે. આ અજપા મંત્રના ઋષિ હંસ છે, અવ્યક્ત ગાયત્રી છંદ છે. પરમહંસ દેવતા છે. આદિ (હં) બીજ અને અંત (સ:) શક્તિ છે. તે પછી ષડંગન્યાસ કરવા. સૂર્ય, સોમ, નિરંજન, નિરાભાસ, ધર્મ અને જ્ઞાન- આ છ અંગ છે. ક્રમશ: આમની આગળ ‘હંસ:’ અને પાછળ ‘આત્મને’ પદ ઉમેરીને સાધકે આમનો છ અંગોમાં ન્યાસ કરવો. (હંસ: સૂર્યાત્મને હૃદયાય નમ:, હંસ સોમાત્મને શિરસે સ્વાહા. હંસો નિરંજનાત્મને શિખાયૈ વષટ. હંસો નિરાભાસાત્મને કવચાય હુમ, હંસો ધર્માત્મને નેત્રાભ્યાં વૌષટ. હંસો જ્ઞાનાત્મને અસ્ત્રાય ફટ).

        હકાર સૂર્ય સમાન તેજસ્વી થઈને શરીરમાંથી બહાર નીકળે છે અને સકાર તેવા જ તેજસ્વી રૂપથી શરીરમાં પ્રવેશ કરે છે. આ પ્રકાને હકાર અને સકારનું ધ્યાન કરીને બુદ્ધિમાન પુરુષે વહ્ની અને અર્કમંડળમાં વિભાગપૂર્વક જપ અર્પણ કરવો.

        મૂલાધાર ચક્રમાં કમળ છે. એ બંધૂક પુષ્પના સમાન લાલ છે. તેનાં ચારેય દલોમાં ક્રમશ: ‘વ, શ, ષ, સ’ – આ અક્ષરો અંકિત છે. તેમાં પોતાની શક્તિની સાથે ગણેશ વિરાજમાન છે. તેઓ પોતાના ચારેય હાથોમાં ક્રમશ: પાશ, અંકુશ, સુધાપાત્ર તથા મોદક લઈને ઉલ્લાસિત છે. આવા વાકપતિ ગણેશને છસો જપ અર્પણ કરવા. સ્વાધિષ્ઠાન ચક્રમાં છ દલોનું કમળ છે. તે ચક્ર પરવાળા જેવા રંગનું છે. તેનાં છ દલોમાં ક્રમશ: ‘બ, ભ, મ, ય, ર, લ’ – આ અક્ષરો અંકિત છે. તેમાં કમળમાંથી જન્મેલા બ્રહ્મા હંસ પર આરૂઢ થઈને વિરાજમાન છે. તેમના વામાંગે તેમની બ્રાહ્મી શક્તિ સુશોભિત છે. તેઓ વિદ્યાના અધિપતિ છે. સ્રુવ અને અક્ષમાળા તેમના હાથોની શોભા વધારે છે. આવા બ્રાહ્મણે છ હજાર જપ નિવેદન કરવા. મણીપુર ચક્રમાં દશદલ કમળ વિદ્યમાન છે. તેના પ્રત્યેક દલ પર ક્રમશ: ‘ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ’ -આ અક્ષરો અંકિત છે. તેની પ્રભા વિદ્યુતથી વિલસિત મેઘના જેવી છે. તેમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરનાર ભગવાન વિષ્ણુ લક્ષ્મી સહિત વિરાજમાન છે. તેમને છ હજાર જપ અર્પણ કરવા.

        અનાહત ચક્રમાં દ્વાદશ કમળ વિદ્યમાન છે. તેના પ્રત્યેક દળ પર ‘ક, ખ, ગ, ઘ, ઙ, ચ, છ, જ, ઝ, ઞ, ટ, ઠ’- આ અક્ષરો અંકિત છે. તેનો વર્ણ શુક્લ છે. તેમાં શૂળ, અભય, વર અને અમૃતકળશ ધારણ કરનારા વૃષભ પર આરૂઢ થયેલા ભગવાન રુદ્ર વિરાજી રહ્યા છે. તેમના વામાંગે તેમની શક્તિ પાર્વતીદેવી વિદ્યમાન છે. તેઓ વિદ્યાના અધિપતિ છે. વિદ્વાન પુરુષે તેમને છ હજાર જપ નિવેદિત કરવા. વિશુદ્ધ ચક્ર ષોડશદળ કમળથી યુક્ત છે. તેના પ્રત્યેક દળ પર ક્રમશ: ‘અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ઋ, ઋ, લૃ, લ્ર્રુ, એ, ઐ, ઓ, ઔ, અં, અ:’ અંકિત છે. તે ચક્ર શુક્લ વર્ણનું છે. તેમાં મહાજ્યોતિથી પ્રકાશિત થનારા ઇન્દ્રિયાધિપતિ ઈશ્વર વિરાજમાન છે, જેઓ પ્રાણશક્તિથી યુક્ત છે. તેમને એક હજાર જપ અર્પણ કરવા. આજ્ઞા ચક્રમાં બે દળવાળું કમળ છે. તેનાં દળોમાં ક્રમશ: ‘હ અને ક્ષ’ અંકિત છે; તેમાં પરાશક્તિથી યુક્ત જગદગુરુ સદાશિવ વિદ્યમાન છે; તેમને એક સહસ્ર જપ અર્પણ કરવા.

        સહસ્રાર ચક્રમાં સહસ્ર દલોથી યુક્ત મહાકમળ વિદ્યમાન છે, તેમાં નાદબિંદુ સહિત સમસ્ત માતૃકાવર્ણ વિરાજમાન છે. તેમાં રહેલા વર અને અભયયુક્ત હાથોવાળા પરમ આદિ ગુરુને એક સહસ્ર જપ નિવેદન કરવા. પછી હથેળીમાં જળ લઈને આ પ્રમાણે બોલવું ‘સ્વભાવથી જ થતા રહેનારા એકવીસ હજાર છસો અજપાજપનો પૂર્વોક્તરૂપથી વિભાગપૂર્વક સંકલ્પ કરવાને લીધે મોક્ષદાતા વિષ્ણુ મારા પર પ્રસન્ન થાઓ.’

        આ અજપા ગાયત્રીના સંકલ્પ માત્રથી મનુષ્ય મોટાં મોટાં પાપોથી મુક્ત થઇ જાય છે. ‘હું બ્રહ્મ જ છું, સંસારી જીવ નથી. નિત્યમુક્ત છું, શોક મારો સ્પર્શ કરી શકતો નથી. હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું.’ આ પ્રમાણે પોતાના વિષે ચિંતન કરવું, તે પછી દૈહિક કૃત્ય અને દેવાર્ચન કરવું. તેનું વિધાન અને સદાચારનું લક્ષણ હું હવે જણાવીશ.”

 

ક્રમશ: