નારદ પુરાણ - ભાગ 46 Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નારદ પુરાણ - ભાગ 46

સનત્કુમાર બોલ્યા, “હવે હું જીવોના પાશસમુદાયનો ઉચ્છેદ કરવા માટે અભીષ્ટ સિદ્ધિપ્રદાન કરનારી દીક્ષાવિધિનું વર્ણન કરીશ કે જે મંત્રોને શક્તિ પ્રદાન કરનારી છે. દીક્ષા દિવ્યત્વ આપે છે અને પાપોનો ક્ષય કરે છે, એટલા માટે જ સર્વ આગમોના વિદ્વાનોએ તેને દીક્ષા કહેલ છે. મનન એટલે સર્વજ્ઞતા અને ત્રાણ એટલે સંસારી જીવ ઉપર અનુગ્રહ કરવો. આ મનન અને ત્રાણ ધર્મથી યુક્ત હોવાને લીધે મંત્રનું ‘મંત્ર’ નામ સાર્થક થાય છે.

        મંત્ર ત્રણ પ્રકારના હોય છે-સ્ત્રી, પુરુષ અને નપુંસક. જેના અંતમાં બે ‘ઠ’ અર્થાત ‘સ્વાહા’ લાગેલ હોય તે સ્ત્રીમંત્રો છે. જેના અંતમાં ‘હુમ્’ અને ‘ફટ્’ હોય છે તેને પુરુષ મંત્ર કહે છે. જેના અંતમાં ‘નમ:’ લાગેલ હોય છે, તે મંત્રો નપુંસક છે.

        બધા જ મંત્રોના દેવતા પુરુષ છે અને બધી જ વિદ્યાઓની દેવતા સ્ત્રી છે. આ ત્રિવિધ મંત્રો છે કર્મો (શાંતિ, વશ્ય, સ્તંભન, દ્વેષ, ઉચ્ચાટન અને મારણ) માં યોજાય છે. જેમાં પ્રણવાંત રેફ (રાં) અને સ્વાહાનો પ્રયોગ હોય, તે મંત્રો આગ્નેય કહેવાયા છે. હે મુને! જે મંત્રો ભૃગુબીજ (સં) અને પીયુષ બીજ (વં) થી યુક્ત છે, તે સૌમ્ય (સોમ સંબંધી) કહેવામાં આવ્યા છે. આ પ્રમાણે મનીષી પુરુષોએ બધા જ મંત્રો અગ્નિશોમાત્મક જાણવા જોઈએ.

        જયારે શ્વાસ પિંગલા નાડીમાં રહેલો હોય અર્થાત જયારે જમણો શ્વાસ ચાલતો હોય ત્યારે આગ્નેય મંત્રો જાગ્રત હોય છે. જયારે શ્વાસ ઈડા નાડીમાં રહેલો હોય અર્થાત ડાબો શ્વાસ ચાલતો હોય ત્યારે સોમ સંબંધી મંત્ર જાગરૂક હોય છે અને જયારે ઈડા અને પિંગલા બંને નાડીમાં શ્વાસ ચાલતો હોય અર્થાત ડાબો અને જમણો બાને સ્વર સમાન ભાવથી જાગ્રત હોય ત્યારે બધા જ મંત્ર જાગ્રત હોય છે. જો મંત્ર સૂતો હોય તે સમયે તેનો જપ કરવામાં આવે ત્યારે તે અનર્થરૂપ ફળ આપનારો થાય છે. પ્રત્યેક મંત્રનું ઉચ્ચારણ કરતી વખતે શ્વાસ રોકીને તેમનું ઉચ્ચારણ ન કરવું. અનુલોમ ક્રમમાં બિંદુયુક્ત અને વિલોમ ક્રમમાં વિસર્ગસંયુક્ત મંત્રોનું ઉચ્ચારણ કરવું. જપ કરવામાં આવેલો મંત્ર જો દેવતાને જાગ્રત કરી શકે તો તે શીઘ્ર સિદ્ધિ આપનારો થાય છે અને તે માળાથી જપવામાં આવેલો દૃષ્ટ મંત્ર પણ સિદ્ધ થાય છે. ક્રૂર કર્મમાં આગ્નેય મંત્રનો ઉપયોગ થાય છે. સોમ સંબંધી મંત્રો સૌમ્ય ફળ આપનારા હોય છે. શાંત, જ્ઞાન અને અત્યંત રૌદ્ર-આ મંત્રોની ત્રણ જાતિઓ છે. શાંતિ અને જાતિથી યુક્ત શાંત મંત્ર પણ ‘હું ફટ’ આ પલ્લવ જોડવાથી રૌદ્રભાવ ધારણ કરી લે છે.

        છિન્નતા આદિ દોષોથી યુક્ત મંત્રો સાધકની રક્ષા કરતા નથી. છિન્ન, રુદ્ધ, શક્તિહીન, પરાઙમુખ, કર્ણહીન, નેત્રહીન, કીલિત, સ્તંભિત, દગ્ધ, ત્રસ્ત, ભીત, મલીન, તિરસ્કૃત, ભેદિત, સુષુપ્ત, મદોન્મત્ત, મૂર્છિત, હતવીર્ય, ભ્રાંત, પ્રધ્વસ્ત, બાળક, કુમાર, યુવા, પ્રૌઢ, વૃદ્ધ, નિસ્ત્રિંશક, નિર્બીજ, સિદ્ધિહીન, મંદ, કૂટ, નીરંશક, સત્વહીન, કેકર, બીજહીન, ધૂમિત, આલિંગિત, મોહિત, ક્ષુધાર્ત, અતિદિપ્ત, અંગહીન, અતિક્રુદ્ધ, અતિક્રૂર, વ્રીડિત, પ્રશાંતમાનસ, સ્થાનભ્રષ્ટ, વિકલ, અતિવૃદ્ધ, અતિનિ:સ્નેહ તથા પીડિત-આ બધા મંત્રના દોષ કહેવામાં આવ્યા છે. હવે એમનાં લક્ષણ કહું છું.

        જે મંત્રના આદિ, મધ્ય અને અંતમાં સંયુક્ત, વિયુક્ત કે સ્વર સહિત ત્રણ-ચાર અથવા પાંચ વાર અગ્નિબીજ (રં) નો પ્રયોગ થયેલો હોય તે મંત્ર ‘છિન્ન’ કહેવાય છે. જેના આદિ, મધ્ય અને અંતમાં બે વાર ભૂમિબીજ (લં) નું ઉચ્ચારણ થતું હોય તે મંત્રને રુદ્ધ જાણવો જોઈએ. તે અતિ ક્લેશથી સિદ્ધ થાય છે. પ્રણવ અને કવચ (હું) આ ત્રણ વાર જે મંત્રમાં આવ્યા હોય તે મંત્રને શક્તિહીન જાણવો. તે લાંબા સમય પછી ફળ આપે છે. જ્યાં આદિમાં કામબીજ (કલીં), મધ્યમાં માયાબીજ (હ્રીં) અને અંતમાં અંકુશબીજ (ક્રોં) હોય તે મંત્રને ‘પરાઙમુખ’ જાણવો જોઈએ. તે સાધકોને ચિરકાલે સિદ્ધિ આપનારો હોય છે. જો આદિ, મધ્ય અને અંતમાં સાકાર જોવામાં આવે, તો તે મંત્ર ‘બધિર (કર્ણહીન)’ કહેવાય છે. તે ઘણા કષ્ટ પછી અલ્પફળ આપે છે. મંત્ર પંચાક્ષર હોય પણ તેમાં રેફ, મકાર અને અનુસ્વાર ન હોય તો તેને ‘નેત્રહીન’ જાણવો. ગમે તેટલું કષ્ટ ઉઠાવવામાં આવે તો પણ તે સિદ્ધિ આપનારો થતો નથી.

        આદિ, મધ્ય ને અંતમાં હંસ (સં), પ્રાસાદ તથા વાગબીજ (ઐં) હોય અથવા હંસ અને ચંદ્રબિંદુ કે સાકાર, ફકાર અથવા હું હોય તથા જેમાં મા, પ્રા અને નમામી પદ ન હોય તે મંત્રને ‘કીલિત’ માનેલ છે. આ જ પ્રમાણે મધ્યમાં ને અંતમાં પણ તે બંને પદ ન હોય તથા જેમાં ફટ્ અને લકાર ન હોય તે મંત્રને ‘સ્તંભિત’ માનવામાં આવ્યો છે, સિદ્ધિમાં તે વિઘ્ન કરનારો છે. જે મંત્રના અંતમાં અગ્નિ (રં) બીજ વાયુ (યં) બીજની સાથે હોય તથા જે સાત અક્ષરોથી યુક્ત જણાતો હોય તે ‘દગ્ધ’ સંજ્ઞક મંત્ર છે. જેમાં બે, ત્રણ, છ કે આઠ અક્ષરોની સાથે અસ્ત્ર (ફટ્) જણાય તે મંત્રને ત્રસ્ત જાણવો જોઈએ. જેના મુખભાગમાં પ્રણવરહિત હકાર અથવા શક્તિ હોય તે મંત્ર ‘ભીત’ કહેવાય છે. જેના આદિ, મધ્ય અને અંતમાં ચાર મ હોય તે મંત્ર ‘મલીન’ મનાયો છે. તે અત્યંત કલેશથી સિદ્ધિ આપનારો થાય છે. જે મંત્રના મધ્યભાગમાં દ અક્ષર અને અંતમાં બે ક્રોધ ( હું હું) બીજ હોય ને તેની સાથે અસ્ત્ર (ફટ્) પણ હોય તો તે મંત્ર ‘તિરસ્કૃત’ કહેવાય છે. જેના અંતમાં ‘મ’ અને ‘ય’ તથા ‘હૃદય’ હોય અને મધ્યમાં વષટ્ તેમ જ વૌષટ્ હોય તે મંત્રને ‘ભેદિત’ કહેવામાં આવેલ છે, તેને છોડી દેવો જોઈએ; કારણ કે તે ઘણા ક્લેશથી ફળ આપનાર હોય છે.

        જે મંત્ર ત્રણ અક્ષરથી યુક્ત તથા હંસહીન હોય તેને ‘સુષુપ્ત’ કહેવામાં આવેલ છે. જે વિદ્યા અથવા મંત્ર સત્તર અક્ષરોથી યુક્ત હોય તથા જેના આદિમાં પાંચ વાર ફટ્નો પ્રયોગ થતો હોય તેને મદોન્મત્ત માનવામાં આવેલ છે. જેના મધ્યભાગમાં ફટ્નો પ્રયોગ હોય તે મંત્રને ‘મૂર્છિત’ કહેલ છે. જેના વિરામસ્થાનમાં અસ્ત્ર (ફટ્)નો પ્રયોગ હોય તે ‘હતવીર્ય’ કહેવાય છે. મંત્રના આદિ, મધ્ય અને અંતમાં ચાર અસ્ત્ર (ફટ્) નો પ્રયોગ હોય તો તેને ‘ભ્રાંત’ જાણવો જોઈએ.

        જે મંત્ર અઢાર અથવા વીસ અક્ષરવાળો થઈને કામબીજ (કલીં)થી યુક્ત થઈને સાથે જ તેમાં હૃદય, લેખ અને અંકુશનાં પણ બીજ હોય તો તેને ‘પ્રધ્વસ્ત’ કહેલ છે. સાત અક્ષરવાળો મંત્ર ‘બાળક’, આઠ અક્ષરવાળો ‘કુમાર’, સોળ અક્ષરવાળો ‘યુવા’, ચોવીસ અક્ષરવાળો ‘પ્રૌઢ’ તથા ચોસઠ, સો અને ચારસો અક્ષરોનો મંત્ર ‘વૃદ્ધ’ કહેવાય છે. પ્રણવ સહિત નવાર્ણ મંત્રને ‘નિસ્ત્રિંશ’ કહે છે. જેના અંતમાં હૃદય (નમ: કહેવામાં આવેલ હોય, મધ્યમાં શિરોમંત્ર (સ્વાહા) નું ઉચ્ચારણ થતું હોય ને અંતમાં શિખા (વષટ્), વર્મ (હું), નેત્ર (વૌષટ્) અને અસ્ત્ર (ફટ્) જોવામાં આવતાં હોય તથા જે શિવ તેમ જ શક્તિ અક્ષરોથી હીન હોય, તે મંત્રને ‘નિર્બીજ’ માનવામાં આવેલ છે. જેના આદિ, મધ્ય અને અંતમાં છ વાત ફટ્નો પ્રયોગ જોવામાં આવતો હોય તો તે મંત્ર ‘સિદ્ધિહીન’ હોય છે. પાંચ અક્ષરના મંત્રને ‘મંદ’ અને એકાક્ષર મંત્રને ‘કૂટ’ કહે છે. તેને જ ‘નીરંશક’ પણ કહ્યો છે. બે અક્ષરનો મંત્ર ‘સત્વહીન’, ચાર અક્ષરનો મંત્ર ‘કેકર’ અને છ અથવા સાડાસાત અક્ષરનો મંત્ર ‘બીજહીન’ કહ્યો છે. સાડા બાર અક્ષરના મંત્રને ‘ધૂમિત’ માન્યો છે, તે નિન્દિત છે.

        સાડાત્રણ બીજથી યુક્ત વીસ, ત્રીસ તથા એકવીસ અક્ષરના મંત્રને ‘આલિંગિત’ કહેલ છે. જેમાં દંતસ્થાનીય અક્ષર હોય તે મંત્રને ‘માહિત’ કહ્યો છે. ચોવીસ અથવા સત્તાવીસ અક્ષરના મંતને ‘ક્ષુધાર્ત’ જાણવો જોઈએ. આ મંત્ર સિદ્ધિથી રહિત હોય છે. અગિયાર, પચીસ અથવા તેવીસ અક્ષરનો મંત્ર ‘દપ્ત’ કહેવાય છે. છવીસ, છત્રીસ તથા ઓગણત્રીસ અક્ષરના મંત્રને ‘હીનાગ’ માનવામાં આવ્યો છે. અઠ્ઠાવીસ અને એકત્રીસ અક્ષરના મંત્રને ‘અતિક્રુદ્ધ’ જાણવો જોઈએ; તે સર્વ કર્મોમાં નિન્દિત માન્યો છે. ચાલીસ અક્ષરોથી લઈને ત્રેસઠ અક્ષરો સુધીના મંત્રને ‘વ્રીડિત’ સમજવો જોઈએ. તે સર્વ કાર્યોની સિદ્ધિમાં સમર્થ થતો નથી. પાંસઠ અક્ષરના મંત્રોને ‘શાંતમાનસ’ જાણવા જોઈએ. પાંસઠ અક્ષરોથી લઈને નવ્વાણું અક્ષરો સુધીના મંત્રોને ‘સ્થાનભ્રષ્ટ’ જાણવા જોઈએ. તેર કે પંદર અક્ષરોના મંત્રોને ‘વિકલ’ કહ્યા છે.

        સો, દોઢસો, બસો, બસો એકાણું અથવા ત્રણસો અક્ષરોના મંત્રોને ‘નિ:સ્નેહ’ કહેવામાં આવ્યા છે. બ્રહ્મન, ચારસોથી લઈને એક હજાર અક્ષર સુધીના મંત્રોને પ્રયોગમાં ‘અત્યંત વૃદ્ધ’ માનવામાં આવ્યા છે. જેમાં એક હજારથી પણ વધુ અક્ષરો હોય, તે મંત્રોને ‘પીડિત’ કહ્યા છે. તેનાથી વધારે અક્ષરવાળા મંત્રોને સ્ત્રોત્રરૂપ માનવામાં આવ્યા છે. આ પ્રકારના મંત્રો દોષયુક્ત કહેવાયા છે.

        હે બ્રહ્મન, હવે હું આપને ‘છિન્ન’ આદિ દોષોથી દૂષિત મંત્રોનું સાધન બતાવું છું. યોનિમુદ્રાના આસને બેસીને એકાગ્ર ચિત્તે થઇ ગમે તે મંત્રનો જપ કરવામાં આવે તો સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ડાબા પગની એડીને ગુદાના આધારે ટેકવી જમણા પગની એડીને ધ્વજ (લિંગ)ના ઉપર રાખવામાં આવતાં યોનિમુદ્રાબંધ નામક ઉત્તમ આસન થાય છે.”

ક્રમશ: