નારદ પુરાણ - ભાગ 45 Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નારદ પુરાણ - ભાગ 45

સનત્કુમારે આગળ કહ્યું, “ત્યારબાદ કળા દૃઢ વજ્રલેપ સમાન રાગને ઉત્પન્ન કરે છે, જેથી તે વજ્રલેપ-રાગયુક્ત પુરુષમાં ભોગ્ય વસ્તુ માટે ક્રિયાની પ્રવૃત્તિ ઉત્પન્ન થાય છે, તેથી એનું નામ રાગ છે. આ સર્વ તત્વો દ્વારા જ્યારે આ આત્માને ભોકતૃત્વ દશે પહોંચાડવામાં આવે છે ત્યારે તે ‘પુરુષ’ આવું નામ ધારણ કરે છે. ત્યારબાદ કળા જ અવ્યક્ત પ્રકૃતિને જન્મ આપે છે, જે પુરુષ માટે ભોગ ઉપસ્થિત કરે છે. અવ્યક્ત જ ગુણમય સપ્તગ્રંથી (કલા, કાલ, નિયતિ, વિદ્યા, રાગ, પ્રકૃતિ અને ગુણ એ સાત ગ્રંથીઓ છે અને એમને જ આંતરિક ભોગ-સાધન કહેવામાં આવે છે.) વિધાનનું કારણ છે.

        ગુણ ત્રણ જ છે, અવ્યક્તમાંથી જ તેમનું પ્રાકટ્ય થાય છે. તેમનું નામ છે સત્વ, રજ અને તમ. ગુણોથી જ બુદ્ધિ ઇન્દ્રિયવ્યાપારનું નિયમન અને વિષયોનો નિશ્ચય કરે છે. ગુણોથી ત્રિવિધ કર્મો અનુસાર બુદ્ધિને પણ સાત્વિક, રાજસ અને તામસ ભેદથી ત્રણ પ્રકારની કહેવામાં આવી છે. મહત તત્વથી અહંકાર ઉત્પન્ન થાય છે, જે અહંભાવની વૃત્તિથી યુક્ત હોય છે. આ અહંકારના સંભેદથી વિષયો વ્યવહારમાં આવે છે. સત્ત્વાદિ ગુણોના ભેદથી અહંકાર ત્રણ પ્રકારનો હોય છે. તે ત્રણેનાં નામ છે-તૈજસ, રાજસ અને તામસ અહંકાર. તેમાંના તૈજસ અહંકારથી મન સહિત જ્ઞાનેન્દ્રિયો પ્રકટ થઇ છે, જે સત્વગુણના પ્રકાશથી યુક્ત થઈને વિષયોનો બોધ કરાવે છે. ક્રિયાના હેતુભૂત રાજસ અહંકારથી કર્મેન્દ્રિયો ઉત્પન્ન થાય છે અને તામસ અહંકારથી પાંચ તન્માત્રાઓ ઉત્પન્ન થાય છે, જે પાંચે ભૂતોની ઉત્પત્તિમાં કારણ છે.

આમાંનું મન ઈચ્છા અને સંકલ્પના વ્યાપારવાળું છે, તેથી તે બે વિકારોથી યુક્ત છે. તે બાહ્ય ઇન્દ્રિયોનું રૂપ ધારણ કરીને સદા ભોક્તાને માટે ભોગનો ઉત્પાદક થાય છે. મન પોતાના સંકલ્પથી હૃદયમાં સ્થિત રહીને ઇન્દ્રિયોમાં વિષયગ્રહણની શક્તિ ઉત્પન્ન કરે છે; તેથી તેને અંત:કરણ કહેવામાં આવે છે. મન, બુદ્ધિ અને અહંકાર આ અંત:કરણના ત્રણ ભેદ છે. ઈચ્છા, બોધ અને સંરંભ (ગર્વ અને અહંભાવ) આ ક્રમશ: એમની ત્રણ વૃત્તિઓ છે.

કાન, ત્વચા, નેત્ર, જિહ્વા અને નાસિકા આ જ્ઞાનેન્દ્રિયો છે. હે નારદ, શબ્દ આદિને એમના ગ્રાહ્ય વિષયો જાણવા જોઈએ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ-આ શબ્દાદિ વિષયો છે. વાણી, હાથ, પગ, ગુદા અને લિંગ-આ પાંચ કર્મેન્દ્રિયો છે. બોલવું, ગ્રહણ કરવું, ચાલવું, મલત્યાગ કરવો, મૈથુનજનિત આનંદની ઉપલબ્ધિરૂપ કર્મોની સિદ્ધિનાં આ કરણ છે; કારણ કે કોઈ પણ ક્રિયા કરણો વિના થઇ શક્તિ નથી. દસ પ્રકારનાં કરણોને કાર્યમાં લગાડીને એમના દ્વારા ચેષ્ટા કરવામાં આવે છે. વ્યાપક હોવાને લીધે કાર્યનો આશ્રય લઈને સર્વ ઇન્દ્રિયો ચેષ્ટા કરે છે, તેથી તેમનું નામ કરણ છે. આકાશ, વાયુ, તેજ, જલ અને પૃથ્વી-આ પાંચ તન્માત્રાઓ છે. આ તન્માત્રાઓથી જ આકાશ આદિ પાંચ ભૂત પ્રકટ થાય છે; જે એક વિશેષ ગુણના કારણથી પ્રસિદ્ધ છે.

શબ્દ આકાશનો મુખ્ય ગુણ છે. પરંતુ આ પાંચે ભૂતોમાં સામાન્ય રૂપથી ઉપલબ્ધ થાય છે. સ્પર્શ વાયુનો વિશેષ ગુણ છે, પણ તે વાયુ આદિ ચારેય ભૂતોમાં વિદ્યમાન છે. રૂપ તેજનો વિશેષ ગુણ છે, જે તેજ આદિ ત્રણે ભૂતોમાં ઉપલબ્ધ છે. રસ જળનો વિશેષ ગુણ છે, જે જળ અને પૃથ્વી બંનેમાં વિદ્યમાન છે તથા ગંધ નામક ગુણ કેવળ પૃથ્વીમાં જ ઉપલબ્ધ થાય છે. આ પાંચે ભૂતોનાં કાર્ય ક્રમશ: આ પ્રમાણે છે-અવકાશ, ચેષ્ટા, પાક, સંગ્રહ અને ધારણ. વાયુમાં નથી શીત સ્પર્શ કે નથી ઉષ્ણ; જળમાં શીતળ સ્પર્શ છે; તેજમાં ઉષ્ણ સ્પર્શ છે. અગ્નિમાં (તેજમાં) ભાસ્વર શુક્લરૂપ છે અને જળમાં અભાસ્વર શુક્લ. પૃથ્વીમાં શુક્લ આદિ અનેક વર્ણ છે. રૂપ કેવલ ત્રણ ભૂતોમાં છે. જળમાં કેવળ મધુર રસ છે અને પૃથ્વીમાં છ પ્રકારનો રસ છે. પૃથ્વીમાં બે પ્રકારના ગંધ છે-સુરભિ અને અસુરભિ. તન્માત્રાઓમાં તેમના ભૂતોના જ ગુણ છે. કરણ અને પોષણ આ ભૂતસમુદાયની વિશેષતા છે. પરમાત્મા તત્ત્વ નિર્વિશેષ છે.  

આ પાંચે ભૂત સર્વત્ર વ્યાપ્ત છે. સંપૂર્ણ ચરાચર જગત પંચભૂતમય છે. શરીરમાં આ પાંચે ભૂતોના સંનિવેશનું નિરૂપણ કરું છે, ધ્યાનથી સાંભળજો. શરીરમાંનાં હાડકાં, માંસ, કેશ, ત્વચા, નખ અને દાંત વગેરે પૃથ્વીના અંશ છે. મૂત્ર, રક્ત, કફ, સ્વેદ અને શુક્ર આદિમાં જળ રહેલું છે. હૃદયમાં, નેત્રોમાં અને પિત્તમાં તેજ સ્થિત છે, કારણ કે ત્યાં તેના ઉષ્ણત્વ અને પ્રકાશ આદિ પ્રવૃતિનાં દર્શન થાય છે. શરીરમાં પ્રાણ આદિ વૃત્તિઓના ભેદથી વાયુ માનવામાં આવ્યું છે. તમામ નાડીઓ અને ગર્ભાશયમાં આકાશતત્ત્વ વ્યાપ્ત છે.

કલાથી લઈને પૃથ્વી પર્યત આ તત્ત્વસમુદાય સંપૂર્ણ બ્રહ્માંડનું સાધન છે. પ્રત્યેક શરીરમાં પણ આ આપમેળે રહેલ છે. ભોગભેદથી એનો નિશ્ચય કરવામાં આવે છે. આ પ્રમાણે પ્રત્યેક પુરુષમાં નિયતિ-કલા આદિ તત્ત્વ કર્મવશ પ્રાપ્ત થયેલાં સર્વ શરીરોમાં વિચરે છે. આ ‘માયેય’ પાશ કહેવાય છે. જેનાથી આ સંપૂર્ણ જગત આવૃત છે. પૃથ્વીથી લઈને કલા પર્યંત સર્વ તત્ત્વસમુદાયને અશુદ્ધ માર્ગ માનવામાં આવેલ છે.

હવે હું ‘નિરોધ-શક્તિજ’ પાશનું વર્ણન કરું છું. ભૂમંડળમાં તે સ્થાવર-જંગમ રૂપથી વિદ્યમાન છે. પર્વત-વૃક્ષ આદિને સ્થાવર કહેવામાં આવે છે. જંગમના ત્રણ ભેદ છે-સ્વેદજ, અંડજ અને જરાયુજ. ચરાચર ભૂતોમાં ચોર્યાસી લાખ યોનિઓ છે. તે બધામાં ફરતો ફરતો જીવ ક્યારેક કર્મવશ મનુષ્ય શરીર પ્રાપ્ત કરી લે છે કે જે સર્વથી ઉત્તમ અને સંપૂર્ણ પુરુષાર્થોનું સાધક છે. આવો જન્મ અત્યંત દુર્લભ છે. જન્મ થવા માટે પ્રથમ સ્ત્રીપુરુષનો સંયોગ થાય છે. પછી રજ-વીર્યના યોગથી એક બિંદુ ગર્ભાશયમાં પ્રવેશ કરે છે. આ બિંદુ દ્વયાત્મક હોય છે-આમાં સ્ત્રી અને પુરુષ બંનેના રજ-વીર્યનું સંમિશ્રણ થાય છે. તે સમયે રજની અધિકતા હોવાથી કન્યાનો જન્મ થાય છે અને વીર્યની માત્રા અધિક હોવાથી પુત્રની ઉત્પત્તિ થાય છે.

તેમાં મલ, કર્મ આદિ પાશથી બંધાયેલો કોઈ આત્મા જીવભાવને પ્રાપ્ત થાય છે. તે (મલ, માયા અને કર્મ ત્રિવિધ પાશથી યુક્ત હોવાથી) ‘સકલ’ કહેવાય છે. માતાએ ખાધેલાં અન્ન-પાન આદિથી ગર્ભમાં પોષિત થઈને તેનું શરીર પક્ષ માસ આદિ કાળથી વધતું રહે છે. તેનું શરીર જરાયુથી ઢંકાયેલું હોય છે અને અનેક પ્રકારનાં દુઃખ આદિથી તેને પીડા થતી રહે છે. આ પ્રમાણે ગર્ભમાં રહેલો જીવ પોતાનાં પૂર્વજન્મનાં શુભાશુભ કર્મોનું સ્મરણ કરતો રહીને વારંવાર દુઃખમય થઈને પીડાતો રહે છે. પછી સમય થતાં તે બાળક પોતે પીડાતું રહી માતાને પણ પીડતું રહીને મોઢું નીચું રાખી યોનિયંત્રમાંથી બહાર નીકળે છે. બહાર આવ્યા પછી ક્ષણભર તે નિશ્ચેષ્ટ રહે છે; પછી રડવા ઈચ્છે છે. ત્યારબાદ ક્રમે ક્રમે વધતું રહી બાળ, પૌગંડ આદિ અવસ્થાઓને પાર કરી યુવાવસ્થામાં જઈ પહોંચે છે. આ લોકમાં દેહધારીઓના શરીરનો આ જ ક્રમથી પ્રાદુર્ભાવ થાય છે. સર્વ લોકોનો ઉપકાર કરનારા દુર્લભ માનવ જીવનને પામ્યા પછી જે પોતાના આત્માનો ઉદ્ધાર કરતો નથી, તેનાથી વધારે પાપી અહીં કોણ છે? આહાર, નિદ્રા, ભય અને મૈથુન-આ તો પશુઓમાં અને મનુષ્યોમાં સમાન જ છે. જે મનુષ્ય આ ચાર બાબતોમાં આસક્ત રહે છે, તે મૂર્ખ અને આત્મઘાતક છે. મનુષ્યનો વિશેષ ધર્મ તો આ ચારની આસક્તિના બંધનને છેદવામાં છે.

બંધનાશનો ઉપાય : પાશબંધનનો વિચ્છેદ દીક્ષાથી જ થાય છે, તેથી બંધનનો વિચ્છેદ કરવા માટે મંત્રદીક્ષા ગ્રહણ કરવી જોઈએ. દીક્ષા તેમ જ જ્ઞાનશક્તિથી પોતાના બંધનનો નાશ કરીને શુદ્ધ થયેલો પુરુષ નિર્વાણપદ (મોક્ષ) ને પ્રાપ્ત થાય છે, જે પોતાની શક્તિસ્વરૂપ દૃષ્ટિથી ભગવાન શિવનું ધ્યાન તેમ જ દર્શન કરે છે અને શિવમંત્રોથી તેમની આરાધનામાં તત્પર રહે છે, તે પોતાના તેમ જ બીજાંઓનો હિતકારી છે. શિવરૂપ સૂર્યની શક્તિરૂપ કિરણથી સમર્થ થયેલ પુરુષ, ચૈતન્ય દૃષ્ટિ દ્વારા આવરણને પોતાની અંદર લીન કરીને શક્તિ આદિની સાથે શિવનો સાક્ષાત્કાર કરે છે.

અંત:કરણની બોધ નામક વૃત્તિ પાશરૂપ હોવાથી મહેશ્વરને પ્રકાશિત કરવામાં સમર્થ થતી નથી; પરંતુ દીક્ષા જ પાશનો ઉચ્છેદ કરવામાં સવોત્તમ હેતુ છે, તેથી શાસ્ત્રોક્ત વિધિથી દીક્ષા લેવી. દીક્ષા લીધા પછી પોતાના વર્ણને અનુરૂપ સદાચારમાં તત્પર તહીને નિત્ય નૈમિત્તિક કર્મોનું અનુષ્ઠાન કરવું જોઈએ. પોતાના વર્ણ તથા આશ્રમ સંબંધી આચારોનું મનથી પણ ઉલ્લંઘન ન કરવું. મનુષ્ય જે આશ્રમનું દીક્ષા લે, તેણે તેમાં જ રહેવું અને તેના જ ધર્મોનું પાલન કરવું અને આ પ્રમાણે કરેલાં કર્મો બંધનકારક થતાં નથી. મન્ત્રાનુષ્ઠાનથી થયેલ એક જ કર્મ ફળદાયક થાય છે. દીક્ષિત પુરુષ જે જે લોકોના ભોગોની ઈચ્છા કરે છે તે સર્વનો મંત્રના આરાધનના સામર્થ્યથી ઉપભોગ કરીને મોક્ષ પ્રાપ્ત કરી લે છે. જે મનુષ્ય દીક્ષા ગ્રહણ કર્યા પછી નિત્ય અને નૈમિત્તિક કર્મોનું પાલન કરતો નથી, તેને થોડા સમય સુધી પિશાચ યોનિમાં રહેવું પડે છે.

દીક્ષા દ્વારા ગુરુના સ્વરૂપમાં સ્થિત થઈને ભગવાન શિવ બધાં પણ અનુગ્રહ કરે છે. જે માણસ લોક-પરલોકના સ્વાર્થમાં આસક્ત થઈને કૃત્રિમ ગુરુભક્તિનું પ્રદર્શન કરે છે, તે સર્વ કંઈ કરવા છતાં ય વિકલતાને જ પ્રાપ્ત થાય છે. જે મન, વાણી અને ક્રિયા દ્વારા ગુરુભક્તિમાં તત્પર છે, તેને પ્રાયશ્ચિત પ્રાપ્ત થતું નથી ને તેને દરેક પગલે સિદ્ધિ મળતી રહે છે. ગુરુભક્તિથી સંપન્ન અને સર્વસ્વ સમર્પણ કરનારા શિષ્ય પ્રત્યે મિથ્યા મંત્રનો પ્રયોગ કરનારો ગુરુ પ્રાયશ્ચિત્તનો ભાગીદાર થાય છે.

ક્રમશ: