બીજે દિવસે સવારથી હંસા મોં ફુલાવીને ફરતી હતી.મૂંગી મૂંગી ઘરનું કામ તો કરતી હતી પણ સાસુ સાથે વાત કરતાં ડરતી હતી.
"વહુ બેટા, તમારે સુરત જાવું હોય તો અમારી કંઈ ના નથી. મેં નવીનના બાપાને કીધું છે અને ઈમણે હા પાડી છે. પણ ત્યાં જઈને કંઈક કામધંધો તો કરવો પડશે ને? રૂમ પણ રાખવી પડે ને? કંઈ મામાનું ઘર થોડું છે તે તરત હાલતું થવાય? આમ સવારની મોઢું ચડાવીને ફરે છે તે!"
સાસુમાની વાત સાંભળીને હંસાના હૈયામાં,અંધારા ઓરડામાં દીવો સળગાવતા ફેલાય એવો પ્રકાશ ફેલાયો! એસીડીટીના દર્દીને ઠંડા દૂધથી પેટમાં ટાઢો શેરડો પડે એમ ટાઢાશ ફરી વળી.
"હું શું કવ છું બા? ઈતો નવીન જ ઈમ કેતા'તા કે ઈમને હવે સુરત જઈને હીરાનો ધંધો કરવો છે. ક્યાં લગી પછી બાપાના આશરે પડ્યા રહેવું? કાંય હું નથી કે'તી સુરત જવાનું. તમારા દીકરાએ અમથું અમથું જ મારું નામ દીધું એટલે મને રીસ ચડી'તી..!" કહી હંસા હસી પડી.
નવીનની બા વહુની વાત સાંભળીને વિચારમાં પડી ગયા.
"મારી બેટી ભારે જબરી છે! હું મારા દીકરાને નો ઓળખું? બધા વાના તારા જ છે, પણ હશે ઈ બહાને નવીન કાંઈક ધંધો તો કરશે જ ને!"
બપોરે બાપા સાથે ચર્ચા કરીને નવીને પહેલા એકલા જ સુરત જવું અને રૂમ ભાડે રાખીને પાછું આવવું એવું નક્કી થયું. ગામના બીજા ઘણા છોકરાઓની રૂમ સુરતમાં ચાલતી હતી,બાપાએ પૂછપરછ કરીને રૂમનું નક્કી પણ કરી લીધું હતું.
સાંજે નવીન વાળું કરીને સુરત જવા તૈયાર થયો.
"હું શું કવ છું? સાવ ભોંયતળિયે રૂમ નો રાખતા, બહુ ઊંચે'ય નો રાખતા.પેલે કે બીજે માળે હોય, હવાઉજાસ વાળી હોય, સંડાસ-બાથરૂમ પાછા રૂમની અંદર જ હોય એવી સારી રૂમ રાખજો.રસોડું અલગ હોવું જોવે અને આપડા બેયનો સુવાનો રૂમ પણ નોંખો હોવો જોવે." હંસાએ 'આપડો સુવાનો રૂમ' પર ભાર દઈને ઉમેર્યું, "મેં'માન આવે તો ઈમને સુવા બેસવા એક બીજો રૂમ સાથે હોય એવું પણ જોજો. હેં..એં.. હું શું કવ છું? તમને રૂમ રાખતા તો અવડશે ને? જો જો હો ચોથામાળે તો રાખતા જ નઈ નકર, મને નઈ ગમે તો મારી કીધે પછી પરેમ નઈ થાય." હંસાએ સુરત જવાની ખુશી હોઠ પર ન આવી જાય એનું ધ્યાન રાખીને જરાક કડક અવાજે નવીનને કહ્યું.
"હા હા તું તારે તેં કીધું એવી જ રૂમ રાખશું આપડે. લે હવે એકવાર દાંત કાઢ્ય એટલે હું ઉપડું. બસનો ટાઈમ થઈ ગયો છે. હજી મારે બાપા પાંહે પૈસા લેવા જાવાનું છે."
"દાંત તો મારી કીધે નહિ નીકળે પણ લ્યો હવે તમે બવ કયો છો તો જરીક ઓરા આવો..!" કહી હંસાએ નવીનના ગાલે ચુંબન કર્યું.
"તું મને બવ વાલી લાગે છે. લે હાલ્ય ત્યારે!" કહી નવીને પણ હંસાને હૈયે વળગાડી.
"ઝટ રૂમ રાખીન પાસા આવજો. મને તમારી વગર તો આંય સાવ નહિ ગમે.અને ઊંઘય નહિ આવે.
સારી રૂમ રાખજો હોને? લ્યો જાવ હવે ઝટ..!" કહી હંસાએ નવીનને ઓરડાની બહાર હડસેલ્યો.
નવીન બાને પગે લાગીને એનો થેલો લઈ દુકાને ઉપડ્યો, બાપા પાસેથી ભાડાના અને ડિપોઝીટના રૂપિયા લેવા.
"જો બટા નવીન, તું સુરત જઈને કાંક ધંધો કરવા માંગે છે ઈ તો બવ સારી વાત કહેવાય.ગામમાં સાવ રખડાય કાંઈ? પણ હમણે આપડે કરકસર કરવી. માધાભાઈનો રમણ સિંગલ રૂમ રાખીને રહે છે. હમણે તમારે એવડી રૂમ તો બવ થઈ પડે. રમણ કહેતો હતો કે ઈ રહે છે ઈ મકાનમાં જ ચોથા માળે એક રૂમ ખાલી છે. રૂમના એક ખૂણામાં ચોકડી પણ છે ઈમાં ન્હાવા ધોવાનું થઈ રે. બધી રૂમ સિયારું એક સંડાસ પણ ઈ માળે જ છે એટલે ઈય કાંય વાંધો નય. પાંચ હજાર ડિપોઝીટ અને એક હજાર ભાડું છે, લે આ પાંચ હજાર ડિપોજીટના ને આ હજાર તારે આવવા જવાનું ભાડું. અને થોડાઘણા વાપરવા હોય તો લે આ બીજા બસ્સો." કહી બાપાએ નવીનના હાથમાં છ હજાર બસ્સો રૂપિયા મુક્યાં અને દુકાન બહાર નીકળીને ઉમેર્યું, "લે હાલ બેટા હું તને બસ સુધી મુકવા આવું. મેં આપડા ગામના ઓધવજીને વાત કરી છે, હીરાનો ધંધો ઈ ઓધો તને શીખવાડી દેશે. પેલા ઘંહતા શીખી જા પછી તને બજારનો ધંધો પણ શીખવાડી દેશે. આપડે આંય ઈના બાપાનું ઘણું ધ્યાન રાખવી છઈ, જો બટા વહુ કે ઈમ બધું નો કરાય. થોડું આપડે પણ વિચારતા શીખવું. આવક હોય ઈ પરમાણે રહેવું. સો રૂપિયા કમાવી તો નેવું સુધી ખરચ થાય તાં લગણ વાંધો નહિ પણ એકસો દસનો ખરચ નો થઈ જાય ઈનું ધિયાન રાખવું. વહુને તો શોખ હોય પણ આપડે ઈ બધો મોખ નો હોય, વહુને'ય સમજાવતા આવડતું જોવે. દાંત નો કાઢે તો કાંઈ નહિ પણ ઈને દાંત કઢાવવા જતા આપણે બોખા નો થઈ જઈએ એનું ધિયાન રાખતા શીખવું..!" બાપાએ બસસ્ટેન્ડ સુધીમાં નવીનને શિખામણ આપી. છેલ્લુ વાક્ય સાંભળીને નવીનની નવાઈનો પાર રહ્યો નહિ.
'બાપાને કેમ ખબર પડી હશે કે હું હંસાને દાંત કાઢવાનું કહું છું ?"
એક બાપ તરીકે બાપાએ નવીનને ક્યાંય તકલીફ ન પડે એવો રસ્તો તૈયાર કરી આપ્યો હતો. ગામમાં લોકો સાથે એમનો વ્યવહાર હંમેશા સારો રહ્યો હતો એટલે એમના દીકરાને સુરતમાં પણ જોઈતી મદદ મળી રહે એમ હતું. દીકરો અને વહુ રાજી રહેતા હોય તો એનાથી વધુ સુખની અપેક્ષા, માબાપ ક્યાં રાખતા હોય છે !
નવીનને બસમાં બેસાડીને બારી પાસે તેઓ ઉભા રહ્યાં.
"બાપા હવે તમે જાવ, હમણે બસ ઉપડશે." નવીને કહ્યું.
"બસ ઉપડે ત્યાં લગી હું ઉભો છું બેટા. બસ, રસ્તામાં કોઈ હોટલ ઉપર ઉભી રહે ને તું નીચે ઉતર તો બસનો નંબર અને નામ વાંચી લેવું.
ઘણીવાર એક સરખી ઘણી બસો ઉભી હોય એટલે ધ્યાન નો રહે.
હોટલ પર ચા પાણી પીવા કે નાસ્તો કરવા ઉતર તો સમયસર પાછું બસમાં બેસી જવું. ક્યારેક ધ્યાન ન રહે તો બસ ઉપડી જાય તો આપણે હેરાન થઈ જવાય. બીજું કે આજુબાજુવાળા લોકો સાથે ખપ પૂરતી જ વાત કરવી. કોઈ વાતવાતમાં આપણી હકીકત જાણી જાય અને કોઈની દાનત બગડે તો આપણને નાહકનું હેરાન કરે. અજાણ્યાને જરૂર હોય તો ખવડાવવું, પણ કોઈ અજાણ્યો ગમે તેટલી ભીંહ કરે તો પણ એનો નાસ્તો ક્યારેય ખાવો નહિ કે ઈ કાંક પીવડાવે તો પીવું નહિ. અજાણ્યાનું પાણી પણ ગમે એટલી તરસ લાગી હોય તોય પીવું નહિ. પૈસાનું પાકીટ સાચવવું, બધા પૈસા પાકિટમાં ન રાખવા. જેથી વખતે, ન કરે નારાયણ ને કોક ખિસ્સા કાતરું પાકિટ કાઢી જાય તો પણ આપણે સાવ ઠન ઠન ગોપાળ થઈ ન જાવી.બીજું કે સુરતમાં રોડ પર નીકળ ત્યારે સાઈડમાં જ ચાલવું. રસ્તો ઓળંગતી વખતે બેય બાજુ જોઈને ચાલવું. ઈ આપડું ગામ નથી,ન્યા તો બેય બાજુથી વાહન આવતા હોય. કોક નકામું વગાડી દે તો હેરાન થઈ જવાય. બીજું કે શે'રમાં તો ઘણીવાર અકસ્માત થાતા હોય, ન્યાં માણહ એકબીજાને ઓળખતા નો હોય એટલે વાતવાતમાં બાધી પણ પડે. નવરા લોકો ટોળે વળીને તમાશો જોવા ઉભા રે'તા હોય, ઈ વખતે પોલીસ પણ આવે. જો બેટા પોલીસ કાંય હમજયા કર્યા વગર લાકડીઓ લઈને ટોળા ઉપર તૂટી પણ પડતી હોય છે. આપણે એવા ટોળામાં ક્યારેય ઉભું નો રે'વુ. મફતનો તમાશો ક્યારેય જોવાનો રસ રાખવો નહિ. આપણા કામથી કામ રાખવું. કારખાને કામે બેસ ત્યારે હીરાનું ધ્યાન રાખવું. ક્યારેય બીજાની ચડામણીમાં આવીને ચોરી કરવી નહિ અને ક્યારેય ખોટું નો બોલવું. કારણ કે દીકરા, એક જુઠાણું સંતાડવા બીજા સો જુઠાણા આપડે બોલવા પડે. પછી આપડી છાપ બગડી જાય તો કોઈ કારખાને બેસાડે નહિ...!" બાપા સમજણનો ડોઝ નવીનને પીવડાવી રહ્યાં હતાં.પણ નવીનને કંટાળો આવી રહ્યો હતો.
જો કે એમાં નવીનનો કોઈ વાંક પણ નહોતો. જુવાન દીકરાને ક્યારેય બાપની શિખામણ સારી લાગતી નથી હોતી. પણ જેમણે બાપાની શિખામણ જીવનમાં ઉતારી હોય એ ક્યારેય દુઃખી થતા નથી હોતા...! પણ જુવાનીના ઉંબરે ઉભેલા દીકરાઓ પોતાને બાપ કરતા વધુ બુદ્ધિશાળી સમજતા હોય છે..!
"અલ્યા ભાઈ હવે આ બસ ક્યારે ઉપાડવાની છે..? અડધી કલાકથી બેસાડી દીધા છે હવે ઉપાડો કે નઈ !" નવીને ડ્રાઈવરને બૂમ પાડી.
જો કે નવીને ન કહ્યું હોત તો પણ બસ ઉપડવાની જ હતી.
"સારું ત્યારે સાચવીને જજે. પહોંચીને તરત જ ફોન કરી દેજે. આંય તારી બાને ચિંતા થતી હોય.
જો, રમણને મેં ફોન કરી દીધો છે અટલે સવારમાં તું પહોંચીશ ત્યારે તને લેવા આવી જીયો હશે. તું બસમાંથી ઉતરીને ચાલવા નો માંડતો. રમણની વાટ જોજે.કદાચ ઈને આવતા વે'લુમોડું થયું હોય તો ચિંતા નો કરીશ. લે હાલ્ય ત્યારે બેટા,મેં કીધું ઈ હંધુય યાદ રાખજે. અને ઝટ પાછો આવજે!''
બસ ઉપડી ગઈ એટલે બાપાએ હાથ ઊંચો કરીને નવીનને વિદાય આપી. ચિંતા તો એમને'ય થતી જ હતી છતાં નવીનની બાનું બહાનું જ બતાવ્યું હતું. નવીને પણ હાશકારો અનુભવીને હાથ ઊંચો કર્યો. બસ દેખાતી બંધ થઈ પછી બાપાએ ભારે હૈયે ગામ તરફ કદમ ઉપાડ્યા. એકનો એક દીકરો હોય એટલે માણસનો જીવ એ દિકરાથી જલ્દી છૂટો પડતો નથી.
દીકરો કોઈ વાતે દુઃખી ન થાય એની સતત એને ચિંતા હોય છે. પણ પાંખો આવે એટલે ઉડી જતાં આ બચ્ચાઓ એમની ચાંચમાં ચાંચ પરોવીને જેમણે ખબડાવ્યું હોય એ માબાપની લાગણી સમજતા હોય છે ખરા?
"મારા બાપા હતા, ઈમને બવ ચિંતા થતી'તી. હું પહેલીવાર જ સુરત જાઉં છું ને એટલે ! પાછો હું એકનો એક જ છું, સારૂ થયું બસ ઉપડી ગઈ નકર હજી કેટલીય શિખામણ દેત..! હે હે હે..." કહી નવીને બાજુમાં બેઠેલા એક વ્યક્તિ સામે જોઈ હસ્યો. એ વખતે નવીને બાપાએ આપેલી,
'આજુબાજુવાળા સાથે ખપ પૂરતું જ બોલવું....' એ શિખામણ કાને ધરી નહોતી એનો ખ્યાલ એ વ્યક્તિને આવી ગયો.
'બાપની સમજણનો છાંટો પણ આ ડોબામાં નથી..ચાલો આપણું કામ થઈ ગયું.વગર મહેનતે શિકાર મળી ગયો !'' એમ વિચારીને એ મૂછમાં હસ્યો.
(ક્રમશ:)