નવીનનું નવીન - 4 bharat chaklashiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નવીનનું નવીન - 4


''આ કાકા તમને બવ સારી શિખામણ આપતા'તા હો. તમારા બાપુજી હતાં કે?" નવીનની બાજુમાં બેઠેલા ત્રીસેક વર્ષના એ યુવાને પૂછ્યું.

"હા, મારા બાપા હતા. એમને એવી ટેવ જ છે, ગામ અખાને શિખામણ આપ્યા કરે છે તો મને શું કામ નો આપે. પાછો હું એકનો એક દીકરો છું એટલે વહાલો હોઉં ને! પાછી ચિંતાય થાતી હોય એમને !'' કહી નવીન હસી પડ્યો.

"હા વળી માબાપને ચિંતા તો થાય જ ને ! તમારે સુરતમાં ક્યાં રે'વાનું ?''

"આપડે તો હજી રે'વાનું ગોતવાનું છે. હું હજી પેલ્લીવાર જ સુરત જાઉં છું. મેં તો કોય દિ સુરત જ નથી જોયું. અમારા ગામનો રમણ ન્યા ક્યાંક રેય છે. મને ઈ લેવા આવવાનો છે." નવીને કહ્યું.

"પણ એ ભાઈ તમને લેવા ક્યાં અવવાનો છે?"

"આ બસ જ્યાં ઉભી રે ન્યાં!"

"અલ્યા ભાઈ આ બસ તો સત્તર ઠેકાણે ઉભી રેશે. તમારે ક્યાં ઉતરવાનું છે ઈ તો ખબર્ય છે ને?''

"હેં? સત્તર ઠેકાણે ઊભી રેશે? તો તો ઈ રમણ મને કયા ઠેકાણે લેવા આવશે ઈ તો પૂછવાનું ભુલાઈ જયું છે, હવે?"

  નવીન મુંજાયો. 'ક્યાં ઉતરવાનું છે એ તો પૂછયું જ નો'તું.બાપાએ શિખામણ તો બવ દીધી પણ ઠેકાણું નો દીધું. અને હુંય મુરખનો સરદાર, સુરત આવવાના હરખમાં એડ્રેસ લેવાનું તો સાવ ભૂલી જ જીયો! હંસાને ખબર પડશે તો મને કેવો ગણશે? ભારે કરી..!'

એને મુંજાયેલો જોઈ પેલો મનોમન હસ્યો.

"દોસ્ત મુંજાતો નહિ.હું તને ઠેકાણે પાડી દશ. સુરતમાં તારી જેવા ઘણાને આપડે ઠેકાણે પાડ્યા છે. ચાલ હવે નિરાંતે ઊંઘી જા સુરત આવે એટલે હું તને જગાડીશ, બસ જે ઠેકાણે ઉભી રે ન્યાં આપડે તપાસ કરશું. છેલ્લે જો મેળ નહિ પડે તો મારી હાર્યે આવતો રે'જે. કદાચ ભગવાને મને ઈ હાટુ જ તારો હંગાથ કરાવ્યો હશે.'' કહી પેલાએ નવીનના ખભે હાથ મુક્યો.

  નવીનને થોડી નિરાંત થઈ. થોડીવારે બસનો ક્લીનર નવીનની સીટ પાસે આવીને બોલ્યો,

"હાલો ભઈ, ટિકટ દેખાડજો..!''

નવીને તરત જ ખિસ્સામાંથી ટીકીટ કાઢીને પેલાને આપી. બાપાએ ચાલતી વેળાએ, બુક કરાવેલી ટીકીટ નવીનને આપી હતી. પાકિટમાં ટીકીટ સાથે મુકેલા છ હજાર બસ્સો રૂપિયા બાજુમાં બેઠેલા પેલા યુવાને જોયા.

'બધા રૂપિયા એક ખિસ્સામાં નો મુકવા...' નવીનના બાપાએ આપેલી શિખામણ એણે પણ સાંભળી હતી, એ એને યાદ આવ્યું.

"હાલો મોટાભાઈ તમારી ટીકીટ જરાક બતાડી દિયો અટલે કામ પતે.." ક્લીનરે પેલાને કહ્યું.

  પેલાએ તરત જ બધા ખિસ્સા ફંફોસ્યા.પણ દરેક ખિસ્સામાંથી હાથ નિરાશ થઈને પાછો આવ્યો.

"અલ્યા મારુ પાકીટ પડી જીયું લાગે છે. ઈમાં પૈસાય હતા ને ટીકીટય હતી....ભારે કરી... મેં ટીકીટ લીધેલી છે દોસ." જરાય ગભરાયા વગર એણે કહ્યું.

"ટીકીટ લીધી હોય તો બતાડો ભયબન.નકર હમણે બસ ઉભી રે અટલે ઉતરી જાવ હમજયા? અમેં મફતમાં કોઈને લય જાવાનો ઠેકો નથ રાયખો.હાલો ઉભા થયને  મોર્ય વ્યા જાવ ભયબન..!" ક્લીનર કડક થયો.

   ''પણ મારું પાકીટ પડી જયું છે અલ્યા તું એટલું તો હમજ. હું આંય ઉતરીન ચ્યાં જવ? મારી પાંહે ઠામકા પૈસા નથી..!''  પેલાએ એકદમ ટાઢો જવાબ આપતા કહ્યું.

''પાકીટ હાચવવાની તેવડ નો હોય તો શું હાલી નીકળતા હશો. હાલો ઉભા થઈ જાવ, કીધુને એકવાર? બાવડું પકડીન હેઠે ઉતારી મેલવો પડશે હમજ્યો?" ક્લીનર હવે એકવચન ઉપર આવી ગયો હતો.

"હું એમ હેઠો નઈ ઉતરું. સુરત પોગીને તને પૈસા આપી દશ. તું જા હવે, નકામો.."

"ઈમ નો હાલે..તારા બાપની બસ નથી, હાલ્ય આમ ઉભો થા નકર હમણે...!'' કહી ક્લીનરે પેલાનો હાથ પકડ્યો.

   "અલ્યા ભાઈ એમ કોઈને ઉતારી દેવાનો નો હોય? કેટલા રૂપિયા ટીકીટ થાય છે ઈ બોલ્ય, હાલ હું આપી દવ છું, તું આ ભાઈનો હાથ મૂકી દે." નવીને પડોશી ધર્મ બજાવતા કહ્યું.

  "બસ્સો રૂપિયા.. લાવો હાલો.."

ક્લીનરે નવીન તરફ હાથ લાંબો કર્યો.નવીને ફરીવાર પાકીટ કાઢ્યું. નોટોની થપ્પીમાંથી બસ્સો રૂપિયા કાઢીને ક્લીનરને આપ્યા.પેલા જુવાનની આંખો નવીનનું પાકીટ જોઈ ફરીવાર ચમકી.

ક્લીનરે પેલાને કહ્યું, "ગુરુ મળી જ્યાં હો ભયબન.નકર હેઠો તો ઉતારી જ મેલવાનો હતો હમજ્યો ?"

"હવે જાને હેઠે ઉતારવા વાળીનો થિયા વગર. તારી જેવા તો ચેટલાય જોયા." પેલાએ જરા જોરથી કહ્યું.

  "ઈ તો આ ભયબને ટીકીટ લઈ દીધી.બાકી આજ તને નવું જોવા મળત..હાલો ભયબન ટીકીટ બતાડજો..." કહી ક્લીનર પાછળ ચાલ્યો ગયો.

"તમે મારું કામ કરી દીધું હો. શું નામ તમારું ?" પેલાએ નવીનના ખભે હાથ મૂકીને આભાર માન્યો.

"મારું નામ નવીન. તમારું ?"

"મારું નામ પરવીણ..આપણી જોડી હવે જામવાની દોસ. હવે તું સાવ ઉપાધિ નો કરતો. તારા ગામનો રમણ તને નો ભેગો થાય તોય કાંય વાંધો નય. હું તને મારી રૂમે લય જાશ.'' કહી  પ્રવીણ હસ્યો.

  બસની સિલિંગમાં બળતી લાઈટો થોડીવારે ઓફ થઈ જતા બસમાં અંધારું થઈ ગયું. ડ્રાઈવરની કેબિનમાં ટેપ રેકોર્ડર ગુજરાતી ગીતો વગાડી રહ્યું હતું.

ક્લીનરે ઘણા પેસેન્જરોને કેબિનમાં બેસાડીને રોકડી કરી લીધી હતી. ટુ બાય થ્રી સીટવાળી એ લકઝરી બસ હવે સુરત તરફ જઈ રહી હતી.

નવીન ઊંઘી ગયો પછી પ્રવીણ હળવેથી ઉઠ્યો. સીટો વચ્ચેના પેસેજમાં પણ મુસાફરો બેસી ગયા હતા.કોઈ કોઈએ બાળકોને પણ સુવડાવ્યા હતાં. બસની સિલિંગની વચ્ચોવચ સળગતી ડીમ લાઈટના અજવાળે પ્રવીણ સાચવીને ચાલતો ચાલતો કેબિન પાસે આવ્યો. કેબિન અને પેસેંજર

એરિયાને અલગ પડતા પાર્ટીશનમાં એક દરવાજો હતો એ ક્લીનરે બંધ કરી દીધો હતો.

  પ્રવીણે એ દરવાજો ખખડાવ્યો એટલે એ દરવાજા પાસેની નાનકડી બારીનો કાચ ખસેડીને ક્લીનરે અંદર જોયું. પ્રવિણને ઉભેલો જોઈ એણે ખિજાઈને કહ્યું,

''ઈમ ઘડીકે ને ઘડીકે બસ ઉભી નઈ રે. મુતરીને બેહતાં હો તો?''

"વાયડીનું થિયા વગર બસો રૂપિયા પાસા લાવ્ય. આ લે મારી ટીકીટ. મને મારુ પાકીટ જડી ગિયું છે.હું બેઠો'તો ઈ સીટ પાંહે જ પડ્યું'તું. મારે મુતરવા નથી ઉતરવું હમજ્યો ?" પ્રવીણે કહ્યું.

"તો પેલા ભંહાય ને.." કહી ક્લીનરે પ્રવીણને બસો રૂપિયા આપી દીધા. પ્રવીણ ખુશ થતો થતો પાછો આવીને સીટમાં બેસી ગયો. બારી સાથે માથું ટેકવીને સુતેલા નવીન તરફ એક નજર નાંખીને લુચ્ચું હસ્યો. સીટમાં બેસીને એણે આગળની સીટમાં એણે ગોઠણ ભરાવ્યાં.

*

  વહેલી સવારે બસ કામરેજ પહોંચી ત્યારે ક્લીનરે કેબિનનો દરવાજો ખોલીને કામરેજ આવ્યું હોવાની રાડ પાડી,

"હાલો..કામરેજ....કામરેજ...જેને ઉતરવાનું હોય એ આગળ આવી જાવ..કામરેજ...કામરેજ...!"

  બસમાં લાઈટો શરૂ થઈ ગઈ હતી. જે લોકોને ઉતરવાનું હતું એ લોકો પોતાનો સમાન ઊંચકીને કેબીન તરફ આગળ વધી રહ્યાં હતાં. નવીનની બાજુમાં બેઠેલો પ્રવીણ હજી ઊંઘતો હતો.નવીને કાચ ખોલીને બહાર જોયું. ઠંડી હવા બસની અંદર ધસી આવી. બસની બહાર ક્યાંક ક્યાંક ચાની કેબીનો ખુલી ગઈ હતી, નવીને ઘડિયાળમાં જોયું, સવારના પાંચ વાગ્યા હતા. જીવનમાં પહેલીવાર એ સુરત આવ્યો હતો. શહેરના રસ્તાઓ પર વાહનોનો ટ્રાફિક એ જોઈ રહ્યો હતો. એકાએક એને યાદ આવ્યું કે બાપા 'કાપોદ્રા ચાર રસ્તા' એવું કંઈક બોલ્યા હતા. બસના પેસેજમાં પોતાનું સ્થળ આવે એની રાહ જોઈને ઉભેલા એક પેસેન્જરને નવીને પૂછ્યું,

"કાપોદ્રા ચાર રસ્તા કયારે આવશે ?''

"તમારે કાપોદ્રા ઉતરવું છે? મારે પણ કાપોદ્રા જ ઉતરવાનું છે. કંઈ વાંધો નહિ હું કહું એટલે ઉતરી જજો. કઈ સોસાયટીમાં રહો છો ?" પેલાએ પૂછ્યું.

"હું તો પે'લીવાર જ આવ્યો છું મારા ગામનો એક ભાઈ અહીં રહે છે ઈ મને લેવા આવવાનો છે." નવીને કહ્યું.

"સારું, ઘડીક બેહી રો. હજી વાર છે.''  કહી પેલો આગળ જતો રહ્યોં.

  એ બંનેની વાતો સાંભળીને નવીનનો પડોશી જાગ્યો.એને આંખો ચોળીને નવીન સામે અને પછી બસની બહાર જોયું. બસ કામરેજથી સુરત તરફ દોડી રહી હતી. થોડીવારે સરથાણા જકાતનાકા આવતા બસ ત્યાં ઉભી રહી. પોલીસોએ બસની ડીકી ખોલાવીને ચેક કરવાની ફરજ બજાવી. બસ ત્યાંથી આગળ ચાલ્યા પછી થોડીવારે ક્લીનરે રાડ પાડી, "નાના વરાછા...ચાલો ભાઈ..નાના વરાછાવાળા આગળ આવી જાવ."

   બસ થોડીવાર ઉભી રહી. કેટલાક પેસેન્જર સામાન લઈને ઉતરવા લાગ્યા.ગોળના ભેલા ફરતે મંકોડા ફરી વળે એમ બસની ફરતે રીક્ષાઓ ફરી વળી.

   "પેલો ભાઈ લેવા ન આવે તો તમે મારી જોડે આવી જજો દોસ્ત, પણ મુંજાતા નહિ. આપણે તો ભાયું કહેવાવી." પ્રવીણે કહ્યું.

"તમે કીધું અટલે આવી ગયું.પણ મને યાદ આવી ગયું છે કે મારે ક્યાં ઉતરવાનું છે.અટલે હવે વાંધો નથી."

"પણ તમે બસ્સો રૂપિયા મને આપ્યા છે એટલે મારે તમને ઈ પાસા આપવા પડે ને!''

"તમારું પાકીટ પડી ગ્યું છે ને. હું હવે સુરતમાં જ રહેવાનો છું. ક્યાંક ભેગા થઈ જાશું ત્યારે આપી દેજો ભલામાણસ! નહિતર મારી જેમ કોઈ બીજાને ક્યારેક મદદ કરી દેજો બીજું શું હોય!" કહી નવીન હસ્યો.

  થોડીવારે ક્લીનરે 'કાપોદ્રાવાળા આવી જાવ...!' એમ રાડ પાડી એટલે નવીન ઉભો થયો. બસના માળિયામાંથી થેલો ખભે ભરાવીને એ બસમાંથી ઉતરી ગયો. પ્રવીણે બારી તરફ ખસીને બહાર જોયું.

નવીન એક જણની બાઈક પર બેસીને જતો હતો. એ જોઈ એણે  ખિસ્સામાંથી નવીનનું રૂપિયા ભરેલું પાકીટ કાઢ્યું. અંદર મુકેલી નોટો જોઈ એનો દિવસ આજે સુધરી ગયો હતો !

(ક્રમશ:)