નવીનનું નવીન - 1 bharat chaklashiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નવીનનું નવીન - 1

પ્રકરણ (1)

નવીનને તો એમ જ હતું કે હું બુદ્ધિનું આખું બટકું જ છું.વાને સાવ કાળો તો ન કહેવાય પણ સહેજ શ્યામ ખરો.વળી ખરબચડા સપાટ ચહેરામાં જાડા નેણ નીચે પહોળાઈમાં વધુ અને લંબાઈમાં ઓછી આંખો વડે એ દુનિયા જોતો રહેતો.પહોળા અને ચપટા નાકને સવાર બપોર ને સાંજ ખેંચીને લાબું કરવાની મિથ્યા કોશિશમાં એનો જમણો હાથ ઘણું કરીને રોકાયેલો રહેતો.ડાબા હાથને બીજી ઘણી કામગીરી સોંપેલી હોવાથી નાકની આસપાસ આવવાની ડાબા હાથને નવીને મનાઈ પણ ફરમાવી હતી.

   નાકની તરત નીચે ઉપરના હોઠની ફળદ્રુપ જમીનમાં નવીને નસકોરાના થડમાં જ મૂછનું વાવેતર કરેલું.ખેતરના શેઢે ઉગેલું ઘાસ ખેતરના પાકમાં ભળી જાય એમ નસકોરામાંથી વગર વાવ્યે ઉગેલો પાક આ મૂછોમાં ભળી ગયેલો. હાઈવે પર પસાર થતા વાહનો પાસેથી ફરજીયાત લઈ લેવાતા ટોલટેક્ષની જેમ ઉપરના હોઠ પરની કિનાર વટાવીને આડેધડ ઉગેલી મૂછ ખોરાકના કોળિયામાંથી માલ પડાવી લેતી.

નવીન ચા પીવાનું શરૂ કરે એ પહેલાં આ મૂછો ચાનો સ્વાદ ચાખી લેતી.નવીન વળી લસ્સી પીવાનો શોખીન હોઈ ભરયુવાનીમાં એની મૂછો સફેદ રંગ ધારણ કરવાનો અવસર પામતી.

  ખાવા પીવાની પ્રક્રિયા પછી નવીનનો જમણો હાથ,ખેતરમાં ઘુસી ગયેલા ઢોરને ખેડૂત હાંકી કાઢે એમ મૂછોને હોઠ પરથી તગડી મુકતો.આડી અવળી મૂછોને આડી પાડીને મૂછોએ મેળવેલો માલ જપ્ત કરી લેવામાં આવતો.પણ એ માલ મોંમાં પધરાવવા યોગ્ય ન લાગવાથી બુશર્ટની ડાબા હાથની બાંય પર લૂછીને જમણો હાથ એક બે વાર નાકને ખેંચી લેતો.વગર કારણે અને મનફાવે ત્યારે આ જમણો હાથ નાકને ખેંચી જતો હોવાથી બાવીસ વર્ષના નવીન ઘુઘાનું નાક લાલઘૂમ થઈ જતું પણ બૂમ પાડી શકતું નહિ.

   માણસ કોઈ દ્રશ્ય છાનામાના જોવા દીવાલ પાછળથી ડોકું કાઢે એમ નવીનના કાન, નાકની આ અવદશા જોવા માટે, આગળ તરફ ઝુકેલા રહેતા.માથાથી આમ દોઢ ઈંચ દૂર રહેતા કાનને કારણે કેટલાક ખાટસવાદિયા નવીનને કાનફ્ટીયો પણ કહેતા.

જોકે નવીનને એમાં કંઈ નવીન લાગતું નહોતું.એના પરમ પૂજ્ય પિતાશ્રીનો એકનો એક હોવાથી નવીન તો ઉભે ગળે ખાઈ ખાઈને ભાદરવામાં ભીંડો વધે એમ વધ્યે જતો હતો.આડોને ઉભો વધેલો નવીન જીવનમાં કોઈ નવીન કામ કરી શક્યો નહોતો.ઘણા વળી એને ઢેન્કબગલા જેવો પણ કહેતું.

 

   માણસ ગમે તેવો હોય પણ નસીબ લખાવીને આવ્યો હોય તો બગાસું ખાતાં પતાસું મળી જ જતું હોય છે.નવીનમાં કશું નવીન ન હોવા છતાં એના પિતાની ધોમધખતી આવકને કારણે હંસલી જેવી હંસા આ ઢેન્કબગલાને પ્રાપ્ત થઈ હતી.

હંસા પાછી ઠસ્સાદાર હતી.

એની ચાલ હંસલી જેવી હોવાથી નવીનને પોતે માલામાલ થઈ ગયો હોવાનું લાગતું.હંસા છીંક ખાય તો નવીન તરત રૂમાલ લઈને દોડતો.

"લે તને શરદી તો નથી થઈ ને ?" એમ કહી પોતાનો હેન્ડકર્ચીફ હંસા આગળ ધરતો.હંસા મીઠું મીઠું હસીને નાક લૂછતી. એ રૂમાલિયો અને નવીનિયો બેઉં ધન્ય ધન્ય થઈ જતા.

  હંસા હળવે હળવે જાણી ગઈ કે નવીનમાં કંઈ નવીન નથી.ગોળના ગાંગડા ફરતે ફર્યા કરતા મકોડાની જેમ નવીન એની ફરતે ફર્યા કરતો.

"હું શું કવ છું ? મને આંય બહુ ગમતું નથી, હાલોને આપણે સુરત વયા જાવી. તમારા ભાઈબંધ બધા કેવા જલસા કરે છે.શે'રમાં તો કે છે કે બહુ મજા આવે. સોપાટીમાં ફરવા જવાય,પિક્સર જોવા જવાય ને બાગ બગીસામાં ફરવાય જવાય. આંય તો ઉઠીન તરત તમારા મોઢા સિવાય બીજું કાંય જોવાય મળતું નથી." હંસાએ એક રાતે પડખામાં પડખાં ઘસતાં નવીનને હળવેથી કોણી મારીને કહ્યું.હંસાને 'ચ' સાથે  ગમે તે વાંધો પડ્યો હશે એટલે એ હંમેશા 'ચ' આવતો હોય ત્યાં 'સ' જ બોલતી.અને વાક્યની શરૂઆત 'હું શું કવ છું ?' થી કરતી.

નવીનને તો હંસાહુકમ એટલે બસ થઈ રહ્યું.હંસા હસી હોવા છતાં એને ભસી હોવાનું લાગેલું. પણ એને તો ભસીને કદાચ બટકું ભરી લે તોય ક્યાં વાંધો હતો. હંસીચ્છા બળવાન હતી ને !

  " હા તે કાલ્ય બાપાને પૂછી જોશું.બાપા હા પાડે તો જાશું !" નવીને હંસાના ગાલ તરફ હોઠ લઈ જતા કહ્યું.

"આમ આઘા ખસો.હું શું કવ છું ? બાપા હા પાડે કે ના પાડે આપડે સુરત જાવાનું છે એટલે જાવાનું છે.મારી હંધિય બેનપણિયુ સુરત જ છે.મને આંય નથી ગમતું." કહીને હંસાએ આંખમાં આંસુ આણી દીધા.

"હા પણ બાપાને પૂછવું તો પડે ને !

બાપા ના પાડે તો પછી...."

"હું શું કવ છું ? બાપા ના પાડે કે હા પાડે આપડે જાવાનું જ છે !"

હંસાએ આંસુનો બીજો ઘળકો રિલીઝ કરીને ગાલ પર અશ્રુબિંદુ વ્હાવ્યા.

હંસાને રડતી જોઈ નવીને ચડતી ઊંઘમાં પડતી આવી. હંસાના આંસુ લૂછવા હાથ લાંબો કર્યો પણ હંસાએ તો તરત કોણી મારીને કહ્યું, "આમ આઘા ખસો, હવે તો સુરત જઈને જ મને અડજો.બધું બાપાને પૂછીને જ કરવાનું.બળ્યો તમારો અવતાર !" કહી હંસા હિબકું ભરીને અવળું ફરી ગઈ.

  નવીને ઘડિયાળમાં જોયું.હજી તો દસ વાગ્યા હતાં. "હજી બાપા દુકાનેથી આવીને જમતા હોય,કંઈ સુઈ ન ગયા હોય, લે હું પૂછતો આવું પણ તું આમ રોવા શું મંડી !

આમ મારા હામુ જો, આપડે હવે સુરત જ જાશું.બાપા ના નઈ પાડે.

લે હવે તો દાંત કાઢ્ય ?" કહી નવીને હંસાના ખભે હાથ મુક્યો.

ફરી કોણીનો ઘા કરીને હંસાએ ખભો ઉછાળ્યો, "હું શું કવ છું ?

બાપાને પૂછવાનું નથી,કઈ દેવાનું છે.જાવ અતારે ને આતરે કયને પાસા આવો તો જ મારા આંહુડાં હું તમને લૂછવા દશ ! અને તો જ હું દાંત કાઢીશ." કહી હંસાએ ઝીણો રાગ કાઢીને રડવાનું ચાલુ કર્યું.

  સાપ જોઈ ગયેલું ઢોર ભડકીને ભાગે એમ નવીન ભાગ્યો.બારણું ખોલીને એ બહાર નીકળ્યો.એના પૂજ્ય પિતાશ્રી પુત્રના સુખ ખાતર દસ વાગ્યા સુધી દુકાને ઓવરટાઈમ કરતાં. એ હજી આવીને હાથ મોં ધોતા હતા.અને નવીનમાત એમની થાળી તૈયાર કરતાં હતાં.

રૂમમાંથી સાવ પડી ગયેલું મોં લઈને બહાર આવેલા નવીનને જોઈ માતા ગભરાઈ ગઈ.હાથપગ ધોતા બાપા પણ નવીનને જોઈ  રહ્યાં.

"બાપા, હંસા કે છે કે આંય એને નથી ગમતું.સુરત રૂમ લઈને જાવું છે.તમે ના નો પાડતાં ઈ રોવે છે..!''

એમ કહીને સાપ જોઈને ઉંદર દરમાં પેસી જાય એમ નવીન પાછો રૂમમાં ઘુસી ગયો.બાપાનો જવાબ પણ સાંભળવા ઉભો ન રહ્યો.કારણ કે હંસાએ પૂછવાનું નહોતું કીધું, બાપાને કહી દેવાનું કીધું હતું એટલે કહી દીધું.

"લે હવે દાંત કાઢ્ય,મેં બાપાને સોખ્ખું જ કય દીધું કે આપડે સુરત રૂમ લઈને જાવાનું છે."કહી નવીન હંસા આગળ બેઠો.

"હું તમને શું કવ છું ? બાપા કંઈ બોલ્યા ? બાએ કંઈ કીધું ? હેં તમને કવ, બાપા હા-ના તો નઈ કરે ને ? બાપા ના પાડશે તો તમે શું કરશો ?" હંસાએ અશ્રુધોધ ખાળીને નવીન સામે નજર માંડી.

"ઈ તું કશ ઈ પરમાણે જ કરશું. લે હવે તો દાંત કાઢ્ય, તું આમ રોવા નો માંડતી વળી, મને નથી ગમતું. હું તને બોવ પરેમ કરું સવ."

" હું તમને શું કવ છું ? તમારી પાંહે બીજું કંઈ કરવાનું છેય ક્યાં ? પરેમ તો હુંય બોવ કરું છું,પણ આંય મારી કીધે પરેમ નય થાય. હવે તો સુરત આપડી રૂમમાં જ પરેમ થાશે મારી કીધે.હવે હાલો ઓલપા ફરીન તમે સુઈ જાવ." કહી હંસાએ પથારીનો કેટલોક પ્રદેશ નવીન માટે ખાલી કરી આપ્યો.

નવીન મુઠીયું વાળીને 'ઓલપા' અવળું ફરીને સુઈ ગયો.હંસાએ હસવું દબાવીને નવીનનો નીરખ્યો.

કહ્યાગરા કંથની એને જરીક દયા આવી.

"હું તમને શું કવ છું ? ઈમ સાવ આઘા નો સુવો તો સાલશે. મારી બાજુ મોઢું રાખો પણ પરેમ તો હું સુરત જઈને જ કરીશ."

"પણ એકવાર તું દાંત તો કાઢ્ય.તું રોવે છે અટલે મનેય રોવું આવે છે.

પરેમ પછી કરજે પણ દાંત તો કાઢ્ય વળી..સાવ આમ નો કરવાનું હોય વળી.તું મને બવ વાલી છો, લે ને એકવાર દાંત તો કાઢ્ય." નવીને હંસા સામે હસીને કહ્યું.

"હું તમને શું કવ છું ? મને દાંત'ય હવે ઠેઠ સુરત જાશું પછી જ આવશે." કહીને પગથી માથા સુધી ધૂંસો ઓઢીને સુઈ ગઈ. ધૂંસામાં ઘૂસીને એણે દાંત કાઢ્યા પણ નવીનને તો ન જ બતાવ્યા !

*

  "જોયું, હવે આને સુરત જાવું છે.શેકેલો પાપડ પણ ભાંગી હકે ઈમ નથી.બાપની કમાણી ઉપર તાગડધિન્ના કરવા છે.ન્યાં ઈમનીમ રૂમ હાલશે? ઈને સવારે ચોખ્ખું કહી દેજે.સુરત નથી જાવાનું,રે'વુ હોય તો રિયો નકર ડાંડે પડો.જો ઈને સુરત જાવું હોય તો ગાડીભાડાના રૂપિયા'ય હું નય દવ કહી દવ છું અત્યારે જ !'' દુકાનેથી થાકી પાકીને આવેલા નવીનતાતે જમવા બેસતા કહ્યું.

"બચાડો ઈ તો હંધુય હમજે છે.પણ ઓલી વિસનો'રી આવી છે ને રૂપાળી,ઈને જ હવે આંય ગમતું નથી.ન્યાં જઈને જલસા કરવા છે ને ફિલમું જોવા જાવું છે.સોપાટીમાં ભેળ ને પાણીપુરી ઝાપટવી છે ઈ રૂપાળીને ! તે કવ છું કે મન જાતાં. કેટલી વિહે સો થાય છે ઈ તો ખબર્ય પડશે ને. આંય ને આંય આ હાટડી તો ચ્યાં લગી પુરું પાડશે. સુરત જાય તો કાંક ધંધો તો શીખશે.અને નહિ શીખે તો હીરા ઘંહશે. મન જાતા હું તો કવ સુ..!" નવીનમાતે સાપ મરી જાય પણ લાઠી ન તૂટે એવી રીતે વાત મૂકી.

  બાપા કંઈ બોલ્યા વગર બાજરાના રોટલાને બટકાવવા મંડ્યા.એકનો એક દીકરો એમને વ્હાલો હતો.એની ખુશી માટે જ તો આ બધો ઢસરડો કરતાં હતાં.

"તું કેછ તો ભલે જાતા.પણ ઈને કય દેજે,રૂમ હંકાવવાનો ખરચ તો ઈણે જ કાઢવો જોશે. રૂમની ડિપોઝીટ હું ભરી દશ.પણ ભાડું તો ઈણે જ ભરવું જોશે." કહીને બાપાએ દૂધની તાંસળી મોઢે માંડી.

*

હવે નવીન સુરત જઈને કંઈ નવીન કરશે ? હંસા દાંત કાઢશે ? જાણવા માટે વાંચતા રહો, આ  નવી વાર્તા... ''નવીનનું નવીન !''

(ક્રમશ:)