પ્રોમિસ Priyanka દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રોમિસ

મેઘાએ નોટીસ કર્યું કે આરુષીનો ચહેરો આજે રોજની જેમ ખીલાયેલો નથી. બંને એકજ ડીપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી ઓછા સમયગાળામાં બંને એકબીજાની ખાસ સહેલીઓ બની ગયા હતા. આમતો મેઘા ઉમરમાં આરુષી કરતા ૮ વર્ષ મોટી હતી છતાં બંને પાકી સહેલીઓ હતી. મેઘા સ્વભાવે શાંત જયારે આરુષી એકદમ વાતોડી પણ જયારે કોઈ આસપાસના હોઈ તો આરુષી ફક્ત શ્રોતાજ રહેતી.

ક્યારેક એવું બનતું કે મેઘા ગુસ્સામાં હોઈ ઘરના લોકોથી અને બધો ગુસ્સો એ આરુષી પર ઠાલવતી અને આરુષી શાંત ચિતે મેઘાને સંભાળતી. એવું નહોતુ કે આરુષીના જીવનમાં કોઈ પ્રોબ્લેમ્સ જ નહોતા કે એ મેઘા સાથે શેર કરવા નહોતી માગતી પણ એને એવું થતું કે એના જીવનમાં હવે એને કોઈ માટે એવી આશા-અપેક્ષા જ નથી રાખી કે આટલો ગુસ્સો કોઈ માટે આવે. એ એવું માનતી કે તમે ગુસ્સો એના પર જ કરો જેને તમે ખુબ પ્રેમ કરતા હોવ. એના લગ્નતો થઇ ગયા હતા અને ખુબ સુખી સંસાર પણ હતો છતાં પ્રેમ નામની લાગણીને અવિરત વહેતા એને રોકી લીધી હતી. ‘ચાલ્યા કરે સંસાર છે’ આ એનું સતત બોલાયેલું વાક્ય હતું જે પોતે એને જીવનમાં ઉતારેલું હતું.

રોજ સવારે એકદમ ખીલાયેલા અવાજે બોલાયેલું ગુડ મોર્નિંગ મેઘાના આખા દિવસના પેટ્રોલ બરાબર હતું. આજે પણ આરુષીએ મેઘાને ગુડ મોર્નિંગતો કહ્યું પણ કાઈક બરાબર નથી એવું એને નોટીસ કર્યું. એક-બે વાર પૂછીને પણ જોયું પણ આરુષી બધું ઠીક છે એમ કહીને પોતાના કામમાં વ્યસ્ત થઇ જતી. મેઘા એ સતત નોટીસ કરતી હતી કે આરુષી ફક્ત કોમ્પુટર સામે બેઠી છે પણ એ પોતેતો ક્યાંક બીજેજ છે. લંચમાં આરુષિને બેસાડીને બધું જાણી લેશે એવું નક્કી કરીને એ પણ પોતાના કામમાં લાગી ગઈ.

લંચનો ટાઇમ થયો. આ સમયમાં જ એ લોકોને ૩૦ મિનીટ માટે ફોન વાપરવાની પરવાનગી મળતી. આજે આરુષી લંચને પણ સ્કિપ કરીને સીધી ફોન લેવા માટે જતી રહી. રોજ જમવાના સમયને પુરેપુરો ઉપયોગ કરી લેતી આરુષી આજે ફોન માટે જમી નથી એટલે મેઘાને એની થોડી ચિંતા થઇ એટલે ફટાફટ જમીને એ પણ સીધી આરુષી જ્યાં બેઠી હતી એ બાંકડે ચુપચાપ બાજુમાં બેસી ગઈ. આરુષી જાણે આજુબાજુની દુનિયાથી તદ્દન અજાણ હોઈ એમ સતત ફોનમાં કાઈક ટાઇપ કરી રહી હતી. થોડીવારમાં મેઘાએ નોંધ્યુંકે આરુષિની આંખોમાંથી આંસુનું એક બુંદ ફોનની સ્ક્રિન પર પડ્યું. હવે મેઘાથી એ સહન ના થતા એને આરુષિને પૂછી જ લીધું,

મેઘા- ‘અરે આરુષી આજે કેમ આમ ઉદાસ થઈને ફરે છે? શું થયું? ઘરમાં ઝઘડો થયો કે શું?’

આરુષીતો મેઘાનો અવાજ સાંભળીને ચોકી કઈ. પોતાના ફોનને ફટાફટ સાઈડમાં કરીને ‘ના કશું નઈ થયું, હમણાં આવું’ એમ કહીને થોડે દુર જઈને બેસી ગઈ.

આજે અચનાકથી આવેલા અથર્વના મેસેજને આરુષી વાંચી રહી હતી. સવારે ઉઠીને એને પોતાનો ફોન જોયોતો અથર્વનો મેસેજ હતો. ૨-૩ વાર તો એપ્લીકેશનમાં જઈને નમ્બર ચેક કરી જોયો કે હકીકતમાં અથર્વ જ છે ને. એ બધી ખાતરી કરી લીધા પછી આરુષીએ એ મેસેજને એટલી વાર વાંચી લીધો જાણે કોઈ પરીક્ષામાં પણ પૂછાય તો પણ અક્ષરશઃ એ લખી શકે.  એ સતત એનાજ વિચારોમાં ખોવાયેલી હતી. પેહલી વાર એને મંદિરે મળ્યાથી લઈને છેલ્લી વાર એરપોર્ટ પર મુકવા ગઈ ત્યાં સુધીનું બધું જાણે ફ્લેશબેક થઈને એની નજરો સામે આવતું હતું. કઈ કેટલી ફરિયાદો અને એને છેલ્લી વખત મળ્યા પછીના ૬ મહિનામાં એની સાથે શું શું થયું બધુજ જાણે અથર્વ સામે હોઈ એમ મનમાં કહેવાતું ગયું. પણ કહેવાય છેને કે તમે જયારે કોઈ વ્યક્તિને પ્રેમ કરો છો ત્યારે એની સામે આવતાજ બધું છુમંતર થઇ જાય છે એમ એ મેસેજ ટાઈપ કરતી પણ એને સેન્ડ કરવાની એની હિંમત નહોતી. એ લખે પણ તો શું? અથર્વએ મેસેજ જ એવો કર્યો હતોકે આરુષિના પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી.

હેય આરુષી,

આમ તો તને કવ કે ના કવ એનાથી હવેતો કોઈ ફેર પડવાનો નથી છતાં પણ મને એવું લાગે છે કે મારા જીવનની મહત્વની વાત તને કહેવી જોઈએ. મને સારામાં સારી મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી ગઈ છે અને પગાર પણ ઘણો સારો છે. કહેવાયને કે ખરાબ સમયમાં આપડો સાથ આપે તે આપડા પણ તે તો આપડા પ્રેમના સારા સમયમાં જ મારો સાથ છોડી દીધો. તે લગ્ન કરી લીધા, મને બીજા દ્વારા જાણવા મળ્યું. છતાં પણ હું તને ફરિયાદ નથી કરતો કેમકે હું છું જ કોણ ફરિયાદ કરવા વાળો! ખેર, બીજું એ પણ કહેવું છે કે આવતા મહીને મારા લગ્ન છે. તું તો આગળ વધી ગઈ હવે મારે પણ આગળ વધવું પડશેને જીવનમાં. તારા રીપ્લાયની મને સહેજ પણ આશા નથી. આશાતો મેં ત્યારે જ છોડી દીધી હતી જયારે મારા કોલ્સ રીસીવ નહોતા થતા અને મેસેજીસ પણ નો રીપ્લાય થતા હતા. બ્લોકલીસ્ટમાં મારો નંબર અચાનક જતો રહ્યોતો. ખેર! તારે બીજા છોકરા જોડે પ્રેમલગ્ન જ કરવા હતા તો પહેલા કહેવું હતું ને હું આટલા સમય સુધી તારી પાછળ ના પડ્યો હોત. છતાં આજે પણ હું એવું માનું છું કે મારું અહિયાં સુધી પહોચવામાં તારો પણ સપોર્ટ રહ્યો છે અને એ નાતે જ તને મેં મેસેજ કર્યો છે. બાય, તારા મેસેજની મને કોઈ આશા નથી એટલે નઈ કરે તો પણ ચાલશે.

આરુષિને શું લખવું એ ખબરજ ના પડી. ઘણું બધું કહેવાની ઈચ્છા થઇ ગઈ. ફોન કરીને આટલા વર્ષોમાં વીતેલા એના વગરના દિવસો અને રાત્રીઓ બધાનો હિસાબ આપવાની ઈચ્છાય થઇ ગઈ પણ એ કશું જ કઈ ના શકી. અને કહે પણ શું? અવિરત પ્રેમ કરતી આરુષી એક દિવસ અચાનક અથર્વને મુકીને ૬ જ મહિનામાં કોઈ અજાણ્યા યુવક સાથે લગ્ન કરી લે એ પણ પરિવારની મરજી વિરુધ્ધ જઈને!  

અત્યારે પણ એ ઘણું બધું ટાઈપ કરતી અને ઇરેઝ કરતી, પણ મેસેજ સેન્ડ કરવાની એનામાં હિમત નહોતી. મેઘાને દુરથી આવતી જોઈ, આરુષીએ ફટાફટ આંખનો ખૂણો લુંછી અને સ્મિતનો નકાબ પહેરી લીધો કેમકે એ જાણતી હતી કે હવે મેઘા બધું જાણ્યા વગર નહિ રહે. આરુષિને પણ કશું છુપાવવું નહોતું, પણ, કહીને પણ શું ફાયદો એમ વિચારી અને ઘરનું આડા અવળું કોઈ બહાનું બતાવીને ફરીથી પોતાના કામે જવા બંનેએ પ્રયાણ કર્યું.

આરુષીએ મનોમન નક્કી કરી લીધું હતું કે હવે જયારે સમય હાથમાંથી જતોજ રહ્યો છે તો એને મુક્ત કરી દેવો. એ અથર્વને કશું જ નહિ જણાવે. એને પણ ઘણી બધી ફરિયાદો હતી અથર્વથી. એને ઘણી બધી ફરિયાદો પણ મનમાં કરી લીધી. આટલા બધા ફોન્સ કર્યા અને મેં જવાબ ના આપ્યો એનું એને દુખ છે તો પછી જયારે પહેલી વાર આવ્યા હશે જુનાગઢ જવા ત્યારે મને મળવા આવવું જોઈતું હતુંને. અથર્વને ખબર જ હતી કે હું ક્યાં રહું છું. એક વાર પણ જો આવ્યા હોત તો આજે હું આ સ્થિતિમાં ના જ હોત. ખેર હવે આ બધું વિચારવાનો સમયજ નથી એમ વિચારીને અથર્વને કશું જ જણાવવું નહિ એવું નક્કી કરીને એ બસમાં બેસીને રીપ્લાય આપશે એવું નક્કી કરીને કામમાં મન લગાવ્યું.

બસમાં બેસતાની સાથે જ આરુષિને હાશ થઇ. એક તો આજે એનું કામમાં સહેજ પણ ધ્યાન નહોતું એને જલ્દીથી અથર્વ ને મેસેજ કરવો હતો અને બીજું કે આજે એની બાજુની સીટ ખાલી હતી એટલે એ શાંતિથી અથર્વને મેસેજ કરી શકશે. આમ તો જાજુ લખવાનું જ નહોતું કેમકે હવે લખવા માટે કશું બાકી પણ નહોતું. છતાં પણ સભાન થઇ અને લાગણીઓને કાબુ માં રાખીને આરુષીએ મેસેજ ટાઈપ કર્યો,

“હેય અથર્વ!,

પહેલા તો ખુબ ખુબ અભિનંદન! તમારી મહેનતથી આજે તમે તમારું સ્વપ્ન પામી શક્યાં છો. હું તો બસ તમારી આ મહેનતની એક સાક્ષીમાત્ર છું. તમારા મેસેજથી તમને એવું લાગ્યું હોઈકે મને ખોટું લાગ્યું હશે તો એવું ના રાખતા. મારા માટે તમારી ખુશી આજે પણ એટલીજ મહત્વની છે. તમે જે પણ કહ્યું મને ખબર છે કે ગુસ્સામાં કહ્યું. તમારી લાગણીઓ અને આપડા સંબંધને મેં ઠેસ પહોચાડી છે. ફક્ત સોરી કેવુ તો ખોટું ગણાશે પણ એટલું ચોક્કસ કહીશ કે ઘણું બધું આપડા હાથમાં નથી હોતું. જયારે જે સંજોગો ઉભા થાય છે માણસે એમ એમ વર્તવું પડે છે. તમારા મતે મેં જે કર્યું ખોટું કર્યું છે, જયારે મારા મતે મેં બસ એ પરિસ્થિતિમાં યોગ્ય હોઈ એમ જ કર્યું છે. હું એમ સાબિત કરવા નથી માંગતી કે મેં જે કર્યું એ સાચું અથવા મેં મોટું બલિદાન આપ્યું છે પણ મેં જે યોગ્ય લાગ્યુ એ જ કર્યું છે. છતાં પણ આજે મોકો મળ્યો છે તો તમારી માફી માંગવા ઈચ્છું છું. મારી દિલથી એ જ ઈશ્વરને પ્રાર્થના રહેશે કે તમે તમારા જીવનમાં સુખી થાવ અને આગળ વધો.” આટલું લખી અને આરુષી અથર્વ ના મેસેજની રાહ જોતી બારીની બહાર જોવા લાગી.

        ચેન્નાઈમાં ઓફિસમાં બેસેલા અથર્વ માટે પણ આજનો દિવસ કપરો હતો. ૪-૫ દિવસથી એ પણ સતત વિચાર કરતો હતો કે આરુષિને જણાવવું કે નહિ. લગ્નનો નિર્ણય એને સમજી વિચારીને જ લીધો હતો. એ આરુષિને કહી બતાવવા નહિ કે તું જીવનમાં આગળ વધી ગઈ છે તો હું પણ તારા કરતા ઘણો આગળ નીકળી ગયો છું પણ એ હવે આરુષિના લગ્નની વાતને પચાવી ચુક્યો હતો. એ પહેલા માની જ શક્યો નહોતો કે એની આરુષી બીજા કોઈ છોકરા સાથે ભાગીને લગ્ન કરી શકે! એને મન તો એવું જ હતું કે એને ઘરના લોકોના પ્રેશરમાં અને મારું ભણવાનું ના બગડે એ હેતુથી જ મારી સાથે સંબંધો તોડી નાખ્યા હશે! જયારે એના મિત્રનો ફોન આવ્યો આ સમાચાર કહેવા ત્યારે તેનો મિત્ર ખુદ આ વાત સ્વીકારી શક્યો નહોતો તો અથર્વતો કેમ નો સ્વીકારે!

        કહેવાયને કે સંઘરી રાખેલો ગુસ્સો તમે વાગોળતા રહોતો એ આગની જ્વાળા બને છે એમ ૪-૫ દિવસના સતત વિચારોએ અથર્વને આજે આવો મેસેજ કરવા મજબુર કરી દીધો હતો. મેસેજતો ગુસ્સામાં સેન્ડ થઇ ગયો હતો પણ પછી એ પારાવાર દુખી થયો હતો કે મેં મારી આરુષિને આવું કહ્યું! બીજો કોઈ મેસેજ એ કરી શકવાની હિંમત જ નહોતો કરતો કેમકે એને મહેનત કરીને આરુષિનો નવો નંબર મેળવ્યો હતો. એ જાણતો પણ નહોતો કે આરુષી ક્યાં છે અને એના હસબંડનો સ્વભાવ કેવો છે! એ જાણતો પણ હશે મારા વિષે! કદાચ એને મારો મેસેજ વાચ્યો હશે તો! એને સવારથી આ જ વિચારો કોરી ખાતા હતા કે મારે બધું ચેક કર્યા પછીજ કોન્ટેક્ટ કરવો જોઈતો હતો.

        આરુષિના મેસેજની રાહમાં એને પોતાના ફોનને સતત ચેક કર્યા કરતો હતો. એનાથી આજે બપોરે સરખું જમાણુ પણ નહોતું. એ સતત આરુષિના મેસેજની રાહ જ જોતો હતો. અચાનક ફોનમાં બીપ બીપ અવાજ આવ્યો. ઉતાવળે એને મેસેજ ચેક કર્યો અને સામે આરુષિનો મેસેજ હતો એ વાંચીને એ રીતસરનો રડમસ થઇ ગયો. આજે પણ આરુષી એના ગુસ્સાને સમજી ગઈ હતી. એને ખબર હતી કે અથર્વ આરુષી પર ગુસ્સે થઈને પોતે જ પસ્તાતો હશે! ‘આ છોકરી હજુ પણ મને એટલું જ ઓળખે છે. ક્યાંક મેં જ એને સમજવામાં ભૂલ નથી કરી ને?’ મનમાં અથર્વ બબડ્યો. ‘ના, જો મને એટલુજ સમજતી હોત તો આમ કીધા વગર ના જાત. જો એને એના સમાજમાં જ કોઈ સાથે લગ્ન કર્યા હોત તો એમ માનત કે એની કોઈ મજબૂરી હશે પણ આમ ભાગીને લગ્ન કરવા!’.

છતાં પણ આરુષિનો મેસેજ વાંચીને અથર્વ ને આજે હ્રદયમાં ઠંડક મળી હતી. એને એમ થતું હતું કે  અત્યારે ને અત્યારે એ ફરીથી આરુષિને પોતાની કરી લે!. પોતાના મનને કાબુ માં રાખી અને અથર્વએ આરુષિને મેસેજ કર્યો,

‘સોરી તને અચનાકથી મેસેજ કર્યો. તે તો બધા સાથે સંબંધો તોડી નાખ્યા છે. તારો નંબર તારી એકપણ બહેનપણી પાસે નહોતો. આ નંબર પણ મેં ઘણી મહેનત કરીને લીધો છે. તે પ્રેમલગ્ન કર્યા એ જાણીને આંચકો જરૂર લાગ્યોતો મને, પણ મારે તારા ‘સુખી લગ્નજીવન’ વચ્ચે નથી આવવું, પણ ફક્ત એવું પૂછવા માંગું છું કે તું બરાબર તો છે ને?’

        અથર્વ ના આમ ભાર દઈને લખાયેલા ‘સુખી લગ્નજીવન’ વાંચીને આરુષિને હસવું આવી ગયું. એ વિચારી રહી હતી કે દિવસો માણસોને કેવા બદલાવી નાખે છે. એક સમયે આવા ટોન્ટ મારવા એ આરુષિની ટેવ હતી જયારે આમ જ્ઞાનીની જેમ ભાષણ આપવું અથર્વની. આજે એ મને ટોન્ટ મારે છે અને હું એને લેકચર આપુ છું એમ વિચારી અને અથર્વને મેસેજ ટાઈપ કર્યો,

‘અરે મેસેજ કરવામાં સોરી શું! મને ગમ્યું તમે મને મેસેજ કર્યો. હા હું ખુશ છું મારા ‘સુખી લગ્નજીવન’માં. નોકરી કરું છું, ઠીક ઠાક પગાર પણ છે અને ઘરે બધાને સાચવું છું અલબત બધા મને સાચવે છે. તમે મને નોકરીના અને તમે લગ્ન કરવાના છો એવા ગુડ ન્યુઝ આપ્યા તો હું પણ એક ગુડ ન્યુઝ આપી દવ. આજે મારો આ કંપનીમાં છેલ્લો દિવસ છે. હું આજથી મેટરનિટી લીવ પર ઉતરું છું. આજે પણ હું એવુજ ઇચ્છુ છું કે બધું ભૂલીને તમે તમારા જીવનમાં આગળ વધો. મેં પ્રેમ લગ્ન કર્યા એ વાતથી તમે નારાજ છો એ હું સમજી શકું છું પણ મારો પ્રેમતો મેં ભગવાનને ત્યારે જ સોપી દિધો હતો જયારે હું એરપોર્ટ પર તમને મુકવા આવી હતી. આજે ‘સુખી લગ્નજીવન’ તો છે જ પણ આ લગ્ન પ્રેમલગ્ન છે એવું તમેં ના કહી શકો કેમકે પ્રેમ એ બે આત્માનું જોડાણ છે જયારે લગ્ન એ બે વ્યક્તિનું. હું સુખી છું, ખુશ છું, કેમકે મેં જીંદગીને ફરિયાદો કરવા કરતા જેવી છે એવી અપનાવી લીધી છે. મેં બધાથી ભાગી ને દુર થઇ જવાના પ્રયત્નો જરૂર કર્યા પણ તમારા નસીબમાં જે લખેલું છે એ ક્યારેય બદલી નથી શકાતું. મેં તમને ભૂલવાના બધા પ્રયત્નો કરી જોયા અને એના ઘણા ખરાબ પરિણામો પણ ભોગવવા પડ્યા. છેવટે થાકીને મેં સ્વીકાર કરવાનો માર્ગ અપનાવ્યો છે. હવે હું પરિસ્થિતિને તોલતી નથી, એને જેવી છે એવી અપનાવી લવ છું અને એનાથી હું ઓછી દુખી થાવ છું. તમેં લગ્ન કરવા જઈ રહ્યા છો તો એટલું ચોક્કસ કઈસ કે જીવનનો આ નવો સફર છે. તમારી સાથે કોઈ વ્યક્તિ જોડાઈ રહી છે. આપડા ભૂતકાળને તમારા વર્તમાન પર હાવી થવા ના દેતા. મેં ભૂલ કરી હતી આવું કરીને, પણ મારી પાસે મને સમજનાર પાત્ર છે જે મારી બધી પરિસ્થિતિથી વાકેફ છે. એ મને સમજે છે અને જેવી છું એવી સ્વીકારે છે. એટલે જ આજે મને કોઈ ફરિયાદ નથી ઈશ્વર પાસે કે તમારી પાસે. બસ ખુશ રહો અને તમારું લગ્નજીવન સુખી રહે. ઘરે પહોચીને તમને હું મેસેજ નહિ કરી શકું અને આશા રાખીશ કે તમે પણ મને મેસેજ નહિ કરો. તમારા આજના મેસેજની પણ મારા હસબંડને ખબર જ છે અને તમને હું આટલું શાંતિથી મેસેજ કરી શકી એ એમને જ આભારી છે એટલે એવું ના માની લેતા કે ઘરે ખબર નથી પાડવી એટલે ના પાડું છું. ના પડવાનું ફક્ત એકજ કારણ છે કે હવે આપડા સંબંધને જે પડદો લાગેલો છે એને આમ ઢંકાયેલો જ રાખીએ. ધ્યાન રાખજો.’

        આટલું બધું લખીને આરુષીએ મેસેજ સેન્ડ કર્યો અને એને ખબર હતી કે હવે અથર્વ એને મેસેજ નહિ કરે એટલે ફોન ને પર્સમાં મૂકી અને પોતાના વધેલા પેટ સામે જોઈ અને થોડું સ્મિત કર્યું અને મનમાં બોલી, ‘તારી મમ્મી તને ક્યારેય તારા પ્રેમથી જુદા નહિ પડવા દે એ પ્રોમિસ.’ અને બારીની બહાર જોઇને આવનારા બાળકના વિચારોમાં ખોવાઈ ગઈ.