આશાબા Priyanka દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આશાબા

સુરજ આજે અસ્તાચળ પર હતો છતાં પણ કાઈક અલગજ રોશની ફેકી રહ્યો હતો. સોનેરી આકાશ પણ જાણે કોઈની રાહ જોઇને ઉભું હતું. આજની સાંજ પણ કાઈક જુદી જ વર્તાતી હતી આશાભવનમાં. રોજ તો આ સમયે આશાબા અનોખી સાથે બેસીને એને ભણાવવામાં મદદ કરતા. અનોખી આમ તો સાત વર્ષની છે અને એના હોમવર્કમાં આશાબાને એટલી ખબર ના પડતી છતાય પાસઠ વર્ષની ઉમરે પણ આશાબાને નવું નવું જાણવાનો શોખ રહેતો. સ્કુલનું પગથીયું પણ ના ચડેલા આશાબાના નસીબ સારા હતા કે એમને આરુષી જેવી વહુ મળી હતી. આરુષી એના ખાલી સમયમાં આશાબાને ભણાવતી, એમ કરતા કરતા આજે આશાબા મોટા મોટા વાક્યો વાંચી પણ શકતા અને લખી પણ શકતા. પહેલા આરુષી આશાબા ને ભણાવતી, અને હવે અનોખી.

હજુ ગઈ કાલની સાંજે આશાબા અનોખીની સાથે બેસીને મેથ્સના કોયડા ઉકેલતા હતા. એક સરવાળામાં અનોખીએ ભૂલ કરી પણ આશાબાના બધા દાખલાઓ સાચા નીકળ્યા. થોડી ઈર્ષા સાથે અનોખીએ આશાબાને કહ્યું,

અનોખી- બા, તમે જો ભણવા મારી સ્કુલે આવો તો હું તો બીજા જ નંબરે આવું હો!

આશાબા- (હસીને) બેટા, હવે મારી એ ઉમર થોડી છે જ્યાં હું આવી રીતે સ્કુલે આવું અને ભણું! આ તો તારા મમ્મીએ મને સાથ આપ્યો અને મને આટલું શીખવાડ્યું બાકી અમારા સમયમાં આવી રીતે દીકરીઓને ભણાવવાની પ્રથા જ ક્યાં હતી!

અનોખી- (વિસ્મય સાથે) તો બા, તમે શું કરતા નાના હતા ત્યારે? મારે તો હું સ્કુલથી આવું એટલે જમી લવ અને જમીને સુઈ જાવ, પછી રમું અને સ્કુલનું હોમવર્ક કરું એટલે જમીને સુવાનો ટાઇમ થાય અને દિવસ પૂરો!! તમારો ટાઈમ કઈ રીતે જતો?

આ સાંભળીને આશાબાની આંખો થોડી ભીની થઇ ગઈ. દેશને આઝાદ થયે તો વર્ષો વીતી ગયા પણ આપડા દેશમાં દીકરીઓ ક્યાં એટલી આઝાદ હતી એ સમયે! એનો જન્મજ જાણે એક અભિશાપ હતો ઘરના લોકો માટે કે દીકરી જીવે તો ઘરના લોકો દુખી થતા. આજના સમયમાં હજુ છાનેખુણે ગર્ભપાત થાય છે અને આવું કરાવવા વાળી ખુદ એક મહિલા હોઈ છે!

આશાબાનો જન્મ પણ આવી રીતે જ ઘરના સદસ્યોના દુઃખ જોઇને થયો હતો. ઘરનું પ્રથમ સંતાન હોવા છતાં પણ એના જન્મથી ના કોઈને ખુશી થઇ કે ના કોઈ પેંડા વહેચાયા. ઘરનું કામ કરીને અને પોતાના નાના ભાઈ-બહેનોને સાચવવામાં જ એ ક્યારે મોટા થયા એ ખબર જ ના પડી! એક દિવસ અચાનકથી સવારે ફ્રોક અને ઓઢણી પહેરાવી અને બાજુના ગામના પ્રવીણ જોડે એના લગ્ન લેવાય ગયા. એ સમયને મનોમન યાદ કરતા આશાબા વિચારતા હતા કે એ સમયે મારી ઉમર બસ આ અનોખી જેવડી હશે! એ સમય અને અત્યારના સમયમાં કેટલો ફેર છે બસ એ જ બધું એ વિચારી રહ્યા હતા.

આશાબાને વિચારોમાં ખોવાયેલા જોઇને અનોખીએ એમને બોલાવવાની કોશિશ કરી પણ ભૂતકાળના એ સમયમાં એટલા તો આશાબા ખોવાઈ ગયા હતા કે અનોખી નો અવાજ પણ એમના કાને પડતો નહોતો કેમકે એતો જિંદગી પાસેથી અત્યાર સુધીની ઉમરનો હિસાબ લઇ રહ્યા હતા.

એ લગ્નનો દિવસ જયારે એમને તો એ પણ નહોતી ખબર કે લગ્ન જેવું કાઈક અસ્તિત્વમાં છે. એમના ગામ સિવાય પણ બીજું ગામ છે, અને હવે મારે ત્યાં જઈને આ જ બધા કામ કરવાના છે. એ જ મહેણાં-ટોણા સંભાળવાના છે. પ્રવીણ આમ તો સમજદાર છોકરો હતો. આશાથી લગભગ ૬-૭ વર્ષ મોટો. એને પણ આશાને પેલા ક્યારેય જોઈ નહોતી અને પોતાના મિત્રો પાસેથી મળતી વિગતો મુજબ હવે એનું ધ્યાન રાખવાની જવાબદારી હવે એની હતી બસ આટલી જ એને લગ્ન વિષે અને આશા વિષે ખબર હતી.

આશા લગ્ન કરી અને સાસરે આવી. પ્રવીણને ભણતો જોઇને એને પણ ભણવાની ઈચ્છા થતી પણ ઘરના અને ખેતરના કામમાંથી કંટાળીને એ પડખું ફરી અને સુઈ જતી. જેમ-જેમ સમય વીતતો ગયો એમ આશા અને પ્રવીણ પણ બે માંથી ચાર થયા અને ઘરની જવાબદારીમાં પ્રવીણનું ભણતર પણ છૂટી ગયું અને બસ ખેતી જ એમનું જીવન બનતી ગઈ. પ્રવીણ આશાની ભણવાની ઈચ્છા જાણતો હતો પણ એ ક્યારેય એને ભણાવી ના શક્યો પણ એને નક્કી કરી લીધું હતું કે મારે દીકરી આવે કે દીકરો હું એને ભણાવીશ અને મોટો અફસર બનાવીશ. એક દીકરા પછી બીજો દીકરો જન્મતા દીકરીની ઈચ્છા તો પૂરી ના થઇ પણ એ બંનેએ પેટે પાટા બાંધીને પણ બંને દીકરાઓને ભણાવ્યા. બંને દીકરાઓના સુખી ઘર જોઇને એક રાતે પ્રવીણભાઈ આશાબહેનને મુકીને અનંતની મુસાફરીએ ચાલતા થયા.

આશાબાને એ દિવસ યાદ આવી ગયો જયારે આરુષીએ આ ઘરમાં પહેલીવાર પગ મુક્યો. એમના માટે તો જાણે એમની દીકરી આવી! આશાબા અને આરુષિને જોઇને કોઈ એમ જ કહે જાણે બંને માં-દીકરી છે. આશાબા સાથે રહેતા આરુષિને ખબર પડી ગઈ હતી કે આશાબાને ભણવાનો ખુબ જ શોખ છે એટલે એ પણ હોશે હોશે એમને ભણાવતી. બસ પછી આશાબાએ પાછું વાળીને જોયું જ નથી. એક પછી એક એમ ચોપડીઓ આવતી ગઈ અને એ ભણતા થયા.

બાના આંખમાંથી આંસુ આવેલા જોઈ અને અનોખી ગભરાઈ ગઈ અને મમ્મીને બોલાવવા અંદર ઘરમાં ગઈ. આરુષી પણ ફટાફટ દોડતી આવી અને બાને હચમચાવીને ભૂતકાળમાંથી ખેચવાનો પ્રયત્ન કર્યો. બા હકીકતમાં પાછા તો આવ્યા પણ એમની જૂની સ્મૃતિ હજુ પણ આમ ઉઘડેલી જ પડી હતી. આશાબાની તબિયત ઠીક ના લાગતા આરુષી ફટાફટ બાને અંદર રૂમમાં લઇ ગઈ. બાને પાણી આપી, સુવાડી અને ફટાફટ ડોક્ટરને ફોન કર્યો.

આજે આશાબા તેના જીવનના આ દશકામાં પોતાના અતીત અને વર્તમાનની વચ્ચે ઉભા હતા. એક દીકરી તરીકે એમને મનમાં ઘુટાતું જતું હતું કે કેમ એક દીકરી જ સહન કરે? પહેલા કે પછી પણ એમના આ પ્રશ્નો નિરુત્તર રહેતા હતા. એમને એમની આજુ-બાજુ રહેતી મહિલાઓને સ્વાવલંબી થવા માટેની પ્રેરણાઓ આપતા. આજે એમના વિસ્તારની ઘણી મહિલાઓ નાનું-મોટું કામ કરીને પોતાના ખર્ચા પુરા કરે છે. આરુષિને પણ નોકરી માટે આશાબાએ જ પ્રોત્સાહિત કરી હતી. અનોખીના જન્મ પછી જયારે આરુષી જોબ મુકવાનું વિચારતી હતી ત્યારે આશાબાએ જ આરુષિને કહ્યું હતું કે, ‘અનોખી હજુ નાની છે એટલે એને સતત તારી જરૂર રેશે. તારી લીવ પૂરી થશે ત્યાં સુધીમાં તો એ ઉપરનો ખોરાક પણ લઇ શકશે. ત્યારે હું એને સાચવી લઈશ. તું શાંતિથી નોકરી કરજે. કેમકે પછી એની પણ પોતાની જિંદગી થવા લાગશે અને તારી જરૂરિયાત એના માટે ધીમે ધીમે ઓછી થઇ જશે ત્યારે તું શું કરીશ ઘરમાં એકલા બેસીને?’ આરુષીએ પણ એમની વાત માની હતી અને નોકરી ફરી શરુ કરી હતી. આજે એ જે સ્થાને પહોંચી છે એમાં આશાબાનો બહુ મોટો ફાળો છે એ બધું મનોમન વિચારતી હતી ત્યાં અચનાકથી આશાબાનો શ્વાસ ફૂલવા માંડ્યો. ડોકટરે આવીને બાને ઇન્જેક્શન આપ્યું અને બીજા દિવસે બતાવવા આવાનું કહી અને વિદાય લીધી. એમને એક નર્સને બા પાસે રાખી જેથી રાતે કાઈપણ જરૂર પડે તો તરત ઉપચાર થઇ શકે.

આખી રાત ઘરના સભ્યો બાના રૂમમાં જ રહ્યા. અનોખીને તો સમજણ નહોતી પડતી કે આ બધું શું થઇ રહ્યું છે કેમકે થોડા કલાકો પહેલાતો બા એની સાથે ભણતા હતા અને અત્યારે બા આંખો બંધ કરી અને સુતા છે.  

બાની તબિયત વધારે કફોળી લાગતા બાને અડધી રાતે તાત્કાલિક હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા પણ બા એ ડોક્ટરને સ્પષ્ટ જણાવી દીધું કે પોતે હવે જિંદગીના દરવાજે આવીને ઉભા છે અને એમનો આખિરી સમય પોતાના ઘરે રહીને જ વિતાવશે. આમ પણ બાની તબિયતમાં કશો સુધાર નઈ આવે એ તપાસ પરથી નક્કી કરી અને બાને ઘરે લઇ જવામાં આવ્યા.

આશાબા એમના ઘરમાં પોતાના રૂમમાં સુતા હતા. એમના બંને દીકરાઓ પોતાના પરિવાર સાથે બાની આજુબાજુ ગોઠવાયેલા હતા. બાએ બધા સાથે નજર મિલાવી અને પોતાની નજર આરુષી પર ટેકવી. આરુષિને પોતાની બાજુમાં બેસવા માટે આંગળીથી કહ્યું. ધીમા અને તુટતા સ્વરે એમને આરુષિને કહ્યું કે, ‘બેટા, જેવી રીતે હું ભણી એવી રીતે તું દરેક સ્ત્રીને ભણાવજે અને તારી જેમ સ્વાવલંબી બનાવજે.’ હજુ પણ પોતાના ભૂતકાળ અને વર્તમાન વચ્ચે અટવાયેલા આશાબાએ કોઈ નવી દુનિયા તરફ પગ માંડ્યા.