નિતુ - પ્રકરણ 41 Rupesh Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિતુ - પ્રકરણ 41

નિતુ : ૪૧ (ભાવ) 


નિતુ આગાસીમાં આવી હિંચકા પર બેઠક જમાવીને એકાંતમાં વિચાર મગ્ન બની બેઠેલી. અનંત ત્યાં આવ્યો અને હિંચકાના પાતળા સ્તંભે પોતાનો ખભો ટેકવી તેની સામે જોવા લાગ્યો. તેના તરફ તેનું ધ્યાન જ નહોતું.


અનંતે એક હાથની મુઠ્ઠી વાળી અને મોં પાસે રાખતા ખોંખારો ખાધો. તે સભાન થઈ અને જોયું તો અનંત ઉભેલો.

"અનંત?"

"તું એવા તે કેવા વિચારમાં પડી ગઈ કે આજુ બાજુનું કશું ધ્યાન જ ના રહ્યું?"

"તું ક્યારે આવ્યો?"

"મારું છોડ નિતુ... હું તો આવતો જતો રહીશ. પણ સવારથી હું જે જોઈ રહ્યો છું, એ પહેલીવાર છે."

"શેની વાત કરે છે અનંત?"

"ખબર નહિ પણ કેમ મને એવું લાગે છે કે મારી આ બહેનને આજે કંઈક સતાવી રહ્યું છે..." અનંત તેની સામે જોતો હિંચકો ઉભો રાખી તેની બાજુમાં બેસી ગયો. તેની એક સ્થિર નજર સતત નિતુની આંખોમાં જોઈ રહી હતી. નિતુ તેની એ નજરનો સામનો ના કરી શકી અને એક બાજુ જોઈ ગઈ.

"... કે, કોઈ ભરમાવી રહ્યું છે?" અનંતે તેની વાત આગળ વધારતા કહ્યું.

"મને તે શું ભરમાવે કે સતાવે?"

"તો પછી બધાની વચ્ચેથી ઉભી થઈને આમ અચાનક અહીં શું કામ આવી ગઈ?"

"બધાનો કકળાટ સાંભળીને. જો તું પણ બધાની જેમ અહીં તારો કકળાટ કરવા આવ્યો હોય, તો પ્લીઝ ના કરતો."

"કમાલ છે નહિ? હવે તને તારા ઘરના લોકોની વાતો પણ કકળાટ લાગવા લાગી?"

"તો શું કરું? સવારથી મમ્મી કૃતિના નામનું રટણ કરે છે. મેં એને કેટલીવાર કહ્યું કે ભૈ એટલી બધી યાદ આવતી હોય તો ફોન કરી લે. પણ ના, એ તો આ સ્માર્ટ ફોનના યુગમાં પણ પહેલાની જેમ વર્તે છે."

"અને તું?"

"હું?"

"હા... તું કેમ વર્તે છે?"

"હું સમજી નહિ."

"નિતુ તારું પેટ દુખે છે અને તું કુટે છે માથું."

"હહ..." એક લુચ્ચું હાસ્ય આપતા તેણે અનંતની વાતને નકારી દીધી.

"કમોન નિતુ, હું સવારથી તારા આ વર્તનને જોઈ રહ્યો છું."

"તો શું દેખાયું તને?"

"નિતુ એ જે નહોતું દેખાવું જોઈતું."

"અને એવું તે શું છે જે તને મારામાં નહોતું દેખાવું જોઈતું?"

"વિચારોની માયાજાળ."

"શું?"

"હા નિતુ, મને લાગે છે કે તું કોઈ વિચારોમાં ચડી છે. મને તારી દરેક કરતૂત યાદ છે. હવે તું રહી ગુસ્સાથી દૂર રહેવાવાળી. તને ખબર છે? જ્યારે કોઈ માણસ પોતાના મનનો ગુસ્સો સમયસર ના કાઢી શકેને, ત્યારે તે તેની વાતોમાં આડકતરી રીતે બહાર આવતો હોય છે."

"મને કોઈ દિવસ ગુસ્સો આવતો જ નથી તો બહાર નીકળવાનો સવાલ જ ક્યાંથી આવ્યો? હૂહ... આડકતરી રીતે!" તે થોડા અભિમાન સાથે બોલી.

અનંતે તેની આ અણસમજને દૂર કરતા એક સ્મિત આપી કહ્યું, "ઈશ્વરે બધા જ મનુષ્યને એક સરખાં બનાવ્યા છે. બસ તેની પ્રકૃતિ અલગ છે, ભાવ નહિ. પ્રેમ, ગુસ્સો, ઈર્ષ્યા, મોહ, લાલચ અને કપટ, આ બધું તો દરેક માણસની અંદર હોય છે. ખાલી બહાર નથી આવતા. નહિતર પતિથી નારાજ પત્ની રસોડામાં વાસણ શું કામ ખખડાવે? એ એનો ગુસ્સો છે."

"ફરી તે તારા ખુદના ખીસ્સામાંથી જ્ઞાન કાઢવાનું  શરુ કર્યું. નહિ?"

"હા, કારણ કે તને સવારની વાત યાદ આવે છે, હેને?"

તેનો આ સવાલ સાંભળી નિતુએ મંદ હાસ્ય વેર્યું, અનંત ફરી કહેવા લાગ્યો, "જો, મને તારા કોઈ ટેંશનમાં ઇન્ટરેસ્ટ નથી. તું નાની હતીને ત્યારે તારો સ્વભાવ દરેક માટે એક સરખો હતો. એટલે આજ સુધી તું હારી નથી. કારણ કે તને દરેક જગ્યાએ ગમે તેવા લોકો મળ્યા હોય, સારા જ લાગ્યા છે. પણ હવે તું બદલાય જાય એ હું જોઈ નહિ શકું. બસ તારી આ પ્રકૃતિને તું સાંચવી રાખજે નિતુ. બાકી તારે મને કોઈ વાત ના કરવી હોય તો તારી ઈચ્છા."

થોડી ગંભીર થતાં તે બોલી, "જો એવું થાય કે ક્યારેક પરિસ્થિતિ આવીને ઉભી રહે અને મારે મારી પ્રકૃતિ છોડવી પડે તો?"

"તો હું કહીશ કે દોષ તારો હશે, પરિસ્થિતિનો નહિ. જીવન એક જેવું ક્યારેય નથી જવાનું. પરિસ્થિતિ દરેક પ્રકારની આવશે. પણ જે પોતાની વાસ્તવિકતા અને ગુણ ત્યજી દે એ સારું ના કહેવાય."

"તો શું દરેક પરિસ્થિતિ સ્વીકારી લેવાની?"

"ના, સમય સંજોગે જે ચાલતા શીખે છે એ આવી ભૂલ ક્યારેય નથી કરતા. જિંદગી ક્યારે કેવો રંગ બતાવે કોને ખબર? જીવન મરણના પ્રશ્ન હોય ત્યારે સારું થવા ના બેસાય. હું તો વાત વાતમાં ગુણ બદલનારાની વાત કરું છું. જે અત્યારે મને તારામાં દેખાય છે."

"તો શું લાગે છે તને? મારે શું કરવું જોઈએ?"

"તું કઈ વાતથી અટવાય છે એની મને જાણ નથી. પરંતુ ચોક્કસપણે હું એટલું કહીશ કે એકવાર શાંત ચિતે વિચાર કરીને આગળ ચાલવાનું પસંદ કરજે. આજ કાલ તારા મનની વ્યગ્રતા બધાને દેખાય રહી છે."

"એક વાત કરું તને અનંત?"

"બોલી દે. હું તો એ માટે જ અહીં આવ્યો છું."

"થેન્ક્સ. તે વાત કરવા માટે..."

તેની વાત પુરી થાય એ પહેલા અનંત બોલ્યો, "અરે હવે એવી ફોર્માલિટીની જરૂર નથી. મેઈન પોઇન્ટ પર આવ."

ઊંડો શ્વાસ લઈને  તે બોલી, "નીચે ઋષભની વાત સાંભળી મને એક વિચાર આવ્યો. તેણે કૃતિની વાત કરતા કરતા કહયું કે તે નાની હતી ત્યારે તોફાની હતી અને અત્યારે સાવ બદલાય ગઈ છે. શું આવો બદલાવ દરેકની અંદર આવતો હશે?"

"માણસ બીજાને જાણવા માટે મથેને, ત્યારે તેનો સ્વભાવ જ બદલાય જાય છે નિતુ."

નિતુએ ફરી પૂછ્યું, "તો તે કઠોર શું કામ બની જાય છે?"

"સિમ્પલ છે, તને ગુસ્સો આવવાનું કારણ શું? કારણ કે તને જે જોઈએ એ તને નથી મળતું. તને ખબર છે ઈચ્છા માણસમાં જન્મથી હોય છે. એ પુરી ના થાય એટલે માણસ કઠોર થઈ જાય."

"એ તે કેવી ઈચ્છાઓ હોય છે, કે જન્મથી માણસમાં આવી જાય?"

"ઘણી બધી, ખાવાની ઈચ્છા એટલે પેટ માટે કે પછી સ્વાદ માટે. જોને, એક માસનું બાળક પણ ખાવાની ઈચ્છા થાય કે ઉઆ ઉઆ કરીને રડવા લાગે છે. કામની ઈચ્છા એટલે એ પછી અલ્પ પ્રમાણમાં હોય કે તીવ્ર પ્રમાણમાં, પોતાનાઓ પ્રત્યે કે પછી બહારના વ્યક્તિ પ્રત્યે. પ્રેમની ઈચ્છા થાય, જ્યારે તે એકલો પડી જાય કે થાકી જાય. ઉત્સર્જનની ઈચ્છા એટલે મનમાં રહેલી ઘણી ભાવનાઓને ઠાલવવામાં માટે તેને કંઈક જોઈએ. તને ખબર છે આ ઈચ્છાઓ ક્યાંથી આવે છે?"

"ક્યાંથી?" ઉત્સાહિત સ્વરે નિતુએ પૂછ્યું.

"આ દરેક મનીષા છે, એટલે કે માણસના મનની ઈચ્છા. સંચળ મન કદી શાંત નથી રહી શકતું. એટલે તે વિવિધ પ્રકારની ઈચ્છાઓ વ્યક્ત કરે છે. જે વ્યક્તિએ પોતાના મનને માર્યું, એ ક્યારેય કશું કરી શકતો નથી. કારણ કે મન મારીને ચાલવું એટલે પોતાની તમામ ઈચ્છાઓને સૂળીએ ચડાવી દેવી."

"પણ જો પોતાની ઈચ્છા પૂરી કરવા જતા કોઈ બીજાનું નુકસાન થાય તો?"

"તો હું તને ફરી કહીશ, કે એક વાર શાંત ચિતે વિચાર કરજે."

"આઈ હોપ કે હું એવું કરી શકું અનંત."

"વેલ, મને તારા પર વિશ્વાસ છે. આઈ હોપ કે મેં કરેલા ફિલોસોફીના ક્લાસ તારા કામમાં આવશે."

"હવે મને સમજાય છે કે મારે કઈ દિશામાં આગળ વધવું જોઈએ."

"મને લાગે છે કે તારા મનમાં મારી ધારણા કરતા પણ વધારે તીવ્ર વિચારો દોડી રહ્યા છે. નિતુ, તે મને તારો પ્રોબ્લેમ તો નથી કહ્યો, પણ ક્યારેય જો જરૂર હોય તો અચકાયા વિના તારા આ ભાઈને યાદ કરી લેજે."

"જરૂર. તારી વાતોએ મને દિશા સુચન કર્યું છે. ક્યારેક જો જરૂર જણાશે તો હું તને બધું કહી દઈશ."

"ઓલ રાઈટ, તું નિરાંતે બેસીને ઝૂલા પર ઝૂલતી રહે, મને તો મારા ઘરના લોકોની વાતો કકળાટ નથી લગતી એટલે હું વાતો કરીશ."

તે ઉભો થયો અને નિતુ સામે સ્મિત આપી દાદર તરફ ચાલતો થયો. નિતુએ તેને વળતું સ્મિત આપ્યું અને દૂર જતા એકીટશે જોઈ રહી જાણે તેની વાતોથી તેના મનમાં વિચારોએ નવો વેગ પકડ્યો.