નિતુ - પ્રકરણ 9 Rupesh Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

નિતુ - પ્રકરણ 9

પ્રકરણ ૯ : પરિવાર






નિતુ ઘરમાં પરિવારના આગમનથી બહુ જ ખુશ હતી. બંને બહેનોએ સાથે મળીને તમામ સામાન ગોઠવી દીધેલો અને સાંજ ઢળતા સુધીમાં તો ઘરને એવું બનાવી દીધું, જાણે તેઓ વર્ષોથી રહેતા હોય. નિતુના કહેલા એક એક શબ્દને કૃતિ માન્ય ગણતી. તે અલગ હતી પણ નાદાન નહિ કે વડીલોની વાતને માનવાથી જ ઈંન્કાર કરે. આમેય કૃતિ અને નિતુ વચ્ચેનો પ્રેમ પણ એટલો ગાઢ હતો કે જો કોઈને એકબીજાની વાતનું ખોટું લાગે તો વધારે ધ્યાન ના આપે.

"કૃતિ! એ... કૃતિ." નિતુએ રસોડામાંથી તેને સાદ કર્યો.

તે દોડતી આવી અને પૂછવા લાગી, "હા, શું થયું દીદી?"

"કામમાં ને કામમાં હું તો ભૂલી જ ગયેલી કે કાકાને બે વાર ચા પીવાની ટેવ છે. અત્યારે યાદ આવ્યું અને ચા બનાવવા આવી તો જોયું કે ખાંડ જ ખતમ થઈ ગઈ છે! તું બાજુમાં છગનકાકાને ઘેર જઈને થોડીક ખાંડ લઈ આવ ને."

"પેલા ચીપકુના ઘેર?"

"હા"

"શું દીદી તમેય! એના કરતા હું આજુબાજુમાં કોઈ કરિયાણાવાળો હોય તો ત્યાંથી લઈ આવું છું."

"કરીયાણાની દુકાન દૂર છે. તું લઈને આવીશ ત્યાં સુધીમાં મોડું થઈ જશે. એના કરતા બાજુવાળા કાકાને ઘેર જઈને લઈ આવ, હા..."

"ઠીક છે." કહેતા તેણે એક હાથમાં વાટકો લીધો અને મોઢું લટકાવીને ચાલતી થઈ.

બહાર હોલની અંદર ધીરુકાકા અને શારદા બંને બેસીને વાતો કરતા હતા. તેઓની નજર કૃતિ પર પડી એટલે તેણે પૂછ્યું, "અરે બેટા! આ હાથમાં વાટકો લઈને ક્યાં જાય છે?"

"ખાંડ ખલાસ થઈ ગઈ છે. તમારે માટે ચા મુકવાની છે એટલે બાજુવાળા કાકાને ત્યાંથી ખાંડ લેવા જાઉં છું."

"હા હા..."

એટલું કહી કૃતિ ઘરની બહાર નીકળી ગઈ. શારદાએ ફરી પાછો સવારનો મુદ્દો ઉઠાવતા કહ્યું; "જોયું, મારી દીકરી હવે કાંય નાની નથી રય. હમજણી થઈ ગઈ છે. તોયે થોડી ઘણી કચાસ હશેને, તે રેતા રેતા શીખી જાહે."

"હું હમજું છું, ભાભી. તમારી ઈચ્છા પરમાણે કરવું ઈ મારુ કામ છે. મેં બાબુ હારે ફોનમાં વાત કરી દીધી છે અને હમણાં રૂબરૂ મળવા જાવ છું. એકવાર એના હુધી પોગી જવાય એટલે બધી વાત મેળવી લઉં."

શારદા બોલી, "હા, બસ એકવાર તમી બધું પાકું જાણો એટલે વાત આગળ હાલે."

પોતાની ધૂનમાં ચાલતી કૃતિ હાથમાં વાટકો લઈને છગનકાકાને ઘેર પહોંચી. દરવાજો ખુલ્લો હતો. તે ત્યાં ઉભી રહી અને આમ તેમ જોયું પણ કોઈ દેખાયું નહિ. થોડીવાર અંદર જવું કે ન જવું એવો વિચાર કરીને અંતે તેણે પ્રવેશ કર્યો. ઘરના મુખ્ય દરવાજાની સામે મોટો હોલ હતો અને તેમાં એકબાજુ રસોડું અને તેની સામેની બાજુ ઉપરના માળે જવા માટેના પગથિયાં. જ્યાં પગથિયાં પુરા થતા ત્યાંથી હરેશની રૂમ સુધીની કાચની પાળી વાળી બનાવેલો રવેશ. ઘર બહુ મોટું ના હતું પણ જેટલું ઘર નિતુનું હતું એટલું જ છગનકાકાનું હતું.

અંદર હોલમાં આવી તેણે ચારેય બાજુ નજર કરી તો કોઈ દેખાયું નહિ. તે ત્યાં બેસિલિકામાં જ ઊભી ઊભી વિચાર કરવા લાગી, "કમાલ છે! ઘરનો દરવાજો ખુલ્લો છે અને અંદર કોઈ દેખાતું નથી. બધા એક સાથે ક્યાં ગાયબ થઈ ગયા? કમસે કમ મને પેલા ખાંડ તો આપી દીધી હોત..."

તે વિચારતી હતી કે અચાનક હરેશે બાજુમાં આવીને પ્રશ્ન કર્યો. "તમે?"

તે ડરી ગઈ અને તેની ચિંસ નીકળી ગઈ. હાથમાં રહેલ વાટકો નીચે જમીન પર પડી ગયો અને ટીન... ટીન... ટીનનન્ન... અવાજ કરતો ગોળ ગોળ ફરવા લાગ્યો. હરેશ સામે જોઈને તેના જીવમાં જીવ આવ્યો. તેને આ રીતે ડરતા જોઈ તે પણ મોટી આંખો કરતા જાણે તેનાંથી કોઈ ભૂલ થઈ ગઈ હોય એ રીતે તેની સામે જોવા લાગ્યો.

તે થોડા કઠોર અવાજે કહેવા લાગી, "આ રીતે ડરાવાય? તમારા ઘરમાં આવો નિયમ છે?"

"ના અમારા ઘરમાં કોઈ આવીને આ રીતે ડરતું નથી. આ હતી પેલી વાત અને બીજી વાત, અમારા ઘરમાં ડોરબેલ વગાડ્યા સિવાય કોઈ અંદર આવતું પણ નથી."

"એના માટે દરવાજો બંધ રાખવો પડે અને ઘરમાં હાજર રહેવું પડે."

"અચ્છા."

"હા, મને કોઈ દેખાયું નહિ. બહાર કેટલી ઘડી રાહ જોઈને ઉભા રહેવાનું?"

"ઓહ... સોરી. મમ્મી માર્કેટમાં ગયા છે, શાકભાજી લેવા માટે અને પપ્પા બહાર ગયા છે, ટહેલવા માટે. હું મારા કામમાં હતો એટલે ધ્યાન ના રહ્યું."

"છોડો એ બધું, અમારા ઘરમાં ખાંડ ખલાસ થઈ ગઈ છે. એક વાટકો ખાંડ આપો." કહેતા તેણે નીચે પડેલો વાટકો ઉઠાવ્યો અને એક હાથની અદપ વળતા બીજા હાથે તેની સામે ધર્યો.

"બસ? એક વાટકો? હું મમ્મીને ફોન કરી દઉં છું. તમારે માટે આખું પેકેટ લઈને આવે."

"એની જરૂર નથી. અત્યારે એક વાટકો જ જોઈએ છે, એટલી જ આપો."

"ઠીક છે, જેવી તમારી મરજી. બાકી મારે શું? કાલે સવારમાં આવજો ફરી પાછા, ખાંડ લેવા." કહેતા તેણે તેના હાથમાંથી વાટકો લઈ લીધો અને અંદર રસોડામાં જઈને ખાંડ ભરી પાછો આવ્યો. તે એક જગ્યા પર ઉભા ઉભા તેઓના ઘરને જોવા લાગી.

"લ્યો, એક વાટકો ખાંડ."

"થેન્ક યુ હા..." કહેતા તે મોં મરડતી ચાલતી થઈ અને તેના ગયા પછી હરેશ પણ પોતાના કામમાં લાગી ગયો.

પોતાના ઘેર આવી તેણે એ રીતે વાટકો પછાડ્યો જાણે કેટલોય ભાર ઊંચકાવી ઘેર આવી હોય. નિતુએ તેનું આવું વલણ જોતા પૂછ્યું; "કેમ શું થયું? આટલું બળ કેમ પડે છે?"

"મેં તમને પહેલા કહેલુંને, કે હું બહારથી ખાંડ લઈ આવું છું."

"ફરીથી ચીપકુને મળીને આવી?" નિતુએ હસતા કહ્યું.

"તો શું? માથું ખાઈ ગયો મારું."

એટલામાં બહારથી ધીરૂભાઇએ સાદ કર્યો, "અરે નિતુ બેટા."

"હા કાકા..." તેણે ત્યાંથી જ ઊંચા અવાજે જવાબ આપ્યો.

"જરા બહાર આવ જો, કામ છે તારું."

કાકાના અવાજે તેણે ગેસનો ચૂલો કૃતિના હવાલે કર્યો અને પોતે બહાર ગઈ. જોયું તો ધીરુભાઈ પોતાની એક બેગ લઈને તેમાંથી કશુંક બહાર કાઢી રહ્યા હતા.

"શું થયું કાકા?" તેણે ત્યાં આવીને પૂછ્યું.

પેપેરમાં વીંટેલ કશુંક તેણે તેના હાથમાં આપતા કહ્યું; "લે બેટા. આ લે."

"શું છે આમાં?"

"તું જો તો ખરા."

આશ્વર્ય સાથે તે તેના પર રહેલા પેપર હટાવવા લાગી અને જોયું તો એક મોટો ફોટોફ્રેમ હતો. તેણે ઊંધો ખોલેલો અને ખોલ્યા પછી પાછળ ફેરવી જોયું તો તેના પપ્પાનો ફોટો હતો. તે જોઈને નિતુની આંખ ભીની થઈ ગઈ અને મન ભાવવિભોર બની ગયું. આ દ્રશ્ય જોઈને શારદાની આંખમાં પણ આંસુ આવી ગયા. નિતુના માથામાં હાથ ફેરવતા તે બોલ્યા; "તને બૌ યાદ આવતું હશેને! પણ ચિન્તયા નો કરતી. હું છુંને. ભાભીએ મને કીધું કે આંયાં એકેય ફોટો નથી. એટલે તારી હાટુ થઈને એક લેતો આઇવો. જા અને આને આ બેસિલિકામાં વચ્ચો વચ્ચ ટાંગી દે. એટલે બધી જગ્યાએથી એ દેખાય."

નિતુએ ફોટો સાઈડમાં મુક્યો અને સ્ટોર રૂમમાં જઈને એક ટેબલ લઈ આવી. ટેબલને હોલમાં વચ્ચે રહેલા અમુક ફોટાઓ પાસે મૂક્યું અને તેના પર ચડી તેણે પોતાના પાલનહાર પિતાનો ફોટો ત્યાં લગાવ્યો. કાકા દ્વારા અપાયેલા હારને તેનાં પર લગાવ્યો અને નીચે ઉતરી વંદન કર્યા.

ફરી એના માથા પર હાથ ફેરવતા ધીરૂભાઇએ કહ્યું, " બેટા એકવાર મે માણહ પારખવામાં ભૂલ ખાધી છે. હું જાણું છું તને કેવું લાગતું હશે! કદાચ તને તારો આ કાકો નય ગમે. પણ બે હાથ જોડીને તને કઉ છું, કે તારી હારે જે થયું એનો દોષી હું છું. મને માફ કરજે દીકરા."

તેણે નિતુ સામે બંને હાથ જોડીને માફી માંગી અને નિતુએ તેના બંને હાથને પાછાવાળી કહ્યું; "નહિ કાકા, દોષ તમારો નથી. ભૂલ તો મેં જ કરેલી અને હું જ મારા નસીબની દોષી છું. સમજવાનું તો મારે હતું. તમે મને ટકોર કરેલી પણ હું જ ના સમજી."

તેઓની વાતમાં વચ્ચે પડતા શારદા બોલી; "બસ, હવે જે થયું એને ભૂલી જાવ. વારે વારે યાદ કરીને હુલેવાને હેરાન થાવું? ગયુ એને જાતું કરો અને છે એનું ગાવ. આમ આંહૂડાં વહાવે કાંય નય વળે."

"વાત તમારી હાચી છે ભાભી." કહેતા ધીરૂ ફરી પાછો ત્યાં જઈને સોફા પર બેસી ગયો. આ તમામ વાત કૃતિ અંદર રસોડામાં ચા બનાવતી બનાવતી સાંભળતી હતી. તે ચાનાં બે કપ લઈને બહાર આવી અને પોતાના કાકા તથા મા શારદાને કપ આપી ફરી અંદર રસોડામાં જતી રહી.

ચા પીયને ધીરુકાકાએ કપ નીચે મુકવાની તૈય્યારી કરી કે નિતુ આવી અને તેના હાથમાંથી ચાનાં ખાલી કપ લઈ લીધા. સંસ્કાર અને આદર્શભાવના બંને બહેનના ડગલેને પગલે ઝળકતાં હતા. કોઈએ પરિચય આપવાની જરૂર નહોતી. બસ જુઓ ત્યાંજ સમજાય જાય કે તેનો ઉછેર કઈ રીતે થયો હશે!

ધીરુભાઈ આ જોઈને ખુશ થયા અને બાબુ સાથે વાત કરવા નીકળી ગયા. જતા જતા એ પાછું ફરી રસોડા તરફ જતી નિતુ સામે નજર કરતા ગયા. એના હૈયામાં નિતુના છૂટાછેડાનો જે દાઝ લાગેલો તે સમજવો અઘરો હતો. કારણ કે તેના લગ્ન કરાવનાર પણ ધીરુભાઈ હતા અને છૂટાછેડા કરાવનાર પણ તે જ હતા. ફરી આજે કૃતિના લગ્નની વાત લઈને જનાર પણ તે જ છે.




શું નિતુના જીવનને એકાંતમાં મુકનાર ધીરુભાઈ પર નિતુ ફરી વિશ્વાસ કરશે ખરી? બંને બહેનના ગાઢ પ્રેમને ઓળંગી કૃતિ કાકાના શબ્દોને માન્ય રાખશે? કે પોતાની મનમાની કરતી અલગ સ્વભાવની કૃતિ, પોતાના વલણથી નીતુનો પણ પાડોશ પ્રેમ ખતમ કરશે! નિતુના જીવનમાં હજુ અનેક વળાંક બાકી છે અને સૌથી મોટો પ્રશ્ન છે કે શું પોતાના પરિવારને સંભાળવા માટે તે વિદ્યાની રાખેલી ઓફરનો સ્વીકાર કરી તેની સામે જુકશે ખરી?