નિતુ - પ્રકરણ 42 Rupesh Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિતુ - પ્રકરણ 42

નિતુ : ૪૨ (ભાવ) 


નિતુની મનઃસ્થિતિ અનંતની વાતોથી અલગ થઈ. તેના મનમાં ઉદ્ભવતા વિચારોને શાંત કરવા મથતી નિતુ હવે વિચારોના ઘોડા દોડાવવા લાગેલી. તેના વિચારોએ નવો વેગ પકડ્યો. અગાસીના હિંચકા પર બેઠેલી નિતુ એક ચિતે વિચાર કરી રહી હતી. તે અનંતની વાતોને પોતાના વિચારોથી સરખાવી તાળો મેળવવાની કોશિશ કરી રહી હતી.


"અનંતની વાત એકદમ સાચી છે. આખરે એક જ વ્યક્તિના અલગ અલગ બે રૂપ કઈ રીતે હોય શકે? લગ્નમાં વિદ્યા મેડમ સાવ અલગ જ લાગી રહ્યા હતા. તેનું આવું રૂપ મેં ક્યારેય નથી જોયું. શાંત, પ્રેમાળ અને કોમળતાની મૂર્તિ. શું આટલા સમયથી હું જેને જોઈ રહી હતી એ મેડમ હતા? કે પછી કાલે જેને મેં જોયા એ?

મેડમ તો એટલા બધા કઠોર અને પારાવાર ગુસ્સામાં રહેવાવાળા, તો પછી એ આવો દેખાવ કરતા હતા? પરંતુ દેખાવ કરતા હોય તો ક્યારેક તો એના દેખાવમાં ફેર પડે. આખરે ઢોંગી માણસ કેટલો સમય ઢોંગ કરી શકે? એના નાટકમાં ક્યારેક તો ખલેલ પડે જ, પણ મેડમ તો કાલે આખો દિવસ મારી આંખો સામે રહ્યા. એના ચેહરા પર લેશમાત્ર ફરક ના પડ્યો. તો શું મેડમ...?

હોય શકે મેં એના ચેહરા પર બદલાતા ભાવ ના જોયા હોય! છેલ્લા ચાર મહિનાથી હું સતત જેનું મુખ રોષથી ભરેલું જોઈ રહી છું, શું એનામાં સાચે આટલો રોષ છે? અને તે શાંતિથી વાતો કરવાનો ડોળ કરી રહ્યા છે? કે પછી એના મનમાં પ્રેમ છે અને ગુસ્સે હોવાનો ડોળ કરી રહ્યા છે? સાચું શું છે એ મારુ જાણવું રહ્યું. આમેય એને મારાથી હાલ એટલી નારાજગી નથી રહેતી. એની ઓફર પછી આજ કાલ એ મારી સાથે જે રીતે વર્તી રહ્યા છે, મારા આ સવાલોના જવાબ મેળવવાનું વધારે મુશ્કેલ નહિ લાગે. હું એને વાતોમાં ફસાવી એના મૂળ સ્વભવનો અને વ્યક્તિત્વનો તાગ મેળવી ને જંપીશ."

તેણે આજુબાજુ જોયું તો આભમાં દેખાતા અર્ધ ચંદ્ર સિવાય કોઈ નહોતું. તેણે પાક્કું કર્યું કે ઘણું મોડું થઈ ગયું છે. તે ઉભી થઈ અને અંદર આવતા નીચે નજર કરી તો કોઈ દેખાતું નહોતું. બધા ચાલ્યા ગયા છે એમ સમજી તે તેની રૂમમાં ગઈ. દરવાજો અંદરથી બંધ કરી તે આમ તેમ ચક્કર મારતી એ વિચારવા લાગી કે વિદ્યા અંગેની માહિતી કઈ રીતે મેળવી શકાય?

"સામેના માણસને સમજવા શું કરવું જોઈએ? નિરીક્ષણ? પણ નિરીક્ષણ માત્રથી કઈ રીતે સમજાય કે તે સાચું જ બોલે છે અને આપણે જે જોઈએ છીએ એ બધું સત્ય છે. હોય શકે જે આંખો જોઈ રહી છે તે વહેમ હોય! તો બીજો રસ્તો શું?"

"મારે એના ભૂતકાળને તપાસવો જોઈએ? હોય શકે કે તે એના ભૂતકાળને છોડી તેણે નવી રાહ પકડી હોય અને મારે હાથ કશું ના લાગે. વેલ, જવા દે નિતુ, હાલ તેની સાથે તે જેમ કહે છે એમ વર્તીશ. ધીમે ધીમે એ વાતનો પણ ખ્યાલ આવી જશે કે આખરે મેડમના મનમાં ચાલી શું રહ્યું છે."

તેણે પોતે જ પોતાના વિચારોને શાંત પાડવા મનને સમજાવી લીધું અને સુઈ ગઈ.

બીજા દિવસે તેની એ જ ટાઈમ્સ માર્કેટિંગની દોડધામ શરૂ થઈ ગઈ. રાત્રે કરેલા વિચારોને કોઈ આકાર આપી શકાય એમ જાણી, તેણે આવતાની સાથે જ અનુરાધાને વિદ્યા અંગે પૂછપરછ કરી. અનુરાધાએ વિદ્યાનું કેબિનમાં હોવાનું સ્પષ્ટ કર્યું એટલે થોડો સમય પોતાના ટેબલ પર બેસીને તેણે વિદ્યાને મળવા જવાનું નક્કી કર્યું. આજે પણ તે પોતાના ઓફિસના સમય કરતા મોડી હતી. સૌથી છેલ્લે વિદ્યા આવતી, જેને આવ્યે અડધો કલાક જેવો સમય વીતી ગયો હતો.

તેણે ઉભા થવા માટે ખુરશી પાછળ ફેરવી કે તેને ઓફિસમાં એક નવું ટેબલ એડજસ્ટ કરેલું દેખાયું.

"આ શું નવા જૂની થઈ રહી છે?" કુતુહલથી તેણે અનુરાધાને પૂછ્યું.

અનુરાધા બોલી, "તે જ્યારે લગ્ન માટે લીવ લીધી અને તે દિવસે સાંજે તું વહેલા જતી રહેલી ને, એના બીજા જ દિવસે મેડમે અહીં આ ટેબલ સેટ કરાવ્યું છે."

"કેમ?"

"શું ખબર? હજુ સુધી તો કોઈ ટેબલ પર બેસવાવાળું આવ્યું નથી. ના મેડમે કોઈ અપડેટ આપી છે."

"તો કોઈએ મેડમને પૂછ્યું નહિ કે આ શેના માટે છે?"

"એટલી હિમ્મત કોઈનામાં છે?"

એક નાનકડી હસી આપતા તે ઉભી થઈ. તે આગળ ચાલે એ પહેલા જ અનુરાધાએ પૂછ્યું, "ક્યાં જાય છે?"

તે બોલી, "મેડમ પાસે."

"અરે પણ... " અનુરાધા વધારે બોલે તે પહેલા તે નીકળી ગઈ. અનુરાધા વાત બદલતા આગળ બોલી, "આને કહેવાય, પગ પર કુહાડી ના પડે તો કુહાડી પર પગ મારવો. એક તો આટલી લેટ આવી છે અને સામે ચાલીને મેડમને મળવા જતી રહી."

તેણે દરવાજે પહોંચી ટકોર કરી, "મે આઈ કમ ઈન?"

ફાઈલો ચેક કરી રહેલી વિદ્યાએ નજર ઊંચી કરી તેની સામે જોયું અને સહર્ષ કહ્યું, "નિતુ, કમ..."

તે અંદર આવી અને કશું કહ્યા વિના બેધડક રીતે તેની સામે ખુરશી પર બેસી ગઈ. આમ તો આજ સુધી આ રીતે કોઈએ ઓફિસમાં આવું વર્તન નહોતું કર્યું. નિતુની પણ આજ સુધી હિમ્મત નહોતી થતી. અનાયાસ કોઈથી જો મેડમની પરમિશન વિના તેની સામે બેસી જવાય, તો મેનેજર શાહ પણ કેમ ના હોય, વિદ્યા એની આ કરતૂત માટે સંભળાવ્યા વિના ના રહેતી. વિદ્યાના તાગ મેળવવા તેણે પોતાના સ્વભાવમાં આ રીતે બદલાવ કર્યો. તેને અંદરથી ડર હતો, જોકે વિદ્યાના સ્વભાવની પુષ્ટિ કરવાનો કોઈ મોકો તે છોડવા નહોતી માંગતી.

કોઈ મહારાણીની જેમ બંને હાથ ખુરશીનાં આર્મરેસ્ટ કુશન પર મૂકી, પોતાનું શરીર ટેકવી તે બેસી ગઈ. પણ વિદ્યાએ તેની કોઈ ક્રિયા જોવાની તસ્દી ના લીધી. તેની ધારણા વિરુદ્ધ, કોઈ બે સહેલી વાતો કરતી હોય એવા ભાવે તે નિતુને કહેવા લાગી, "મને થયું તું આજે પણ રેસ્ટ કરીશ."

તેની સામે નિતુએ પણ એવા જ ભાવે પ્રત્યુત્તર આપ્યો, "કોઈ કામ નહોતું, ઘરમાં ખાલી ખોટું બેસવા કરતા થયું ઓફિસ આવી જાવ. સોરી થોડું લેટ થઈ ગયું."

"હમ... મને ખબર છે તું લેટ છે. કૃતિને કેમ છે?"

કોઈ સ્નેહી પૂછે એવો પ્રશ્ન વિદ્યાના મુખમાંથી નીકળતા સાંભળી આશ્વર્ય સાથે તે બોલી, "જી?!"

"આઈ મીન, નવા ઘરમાં ગમે તો છેને તેને?" નાનકડી હસી સાથે તેણે પૂછ્યું.

"હા. મમ્મીને તેની બહુ યાદ આવે છે એટલે સવારે જ કોલ કર્યો હતો. તેને કોઈ પ્રોબ્લેમ નથી. ખુશ છે તે." એકાદ સેકન્ડના અંતરે તેણે પ્રશ્ન કર્યો, "મેડમ પેલું નવું ટેબલ મૂક્યું છે તે શું છે? કોઈ ફેરબદલ થઈ રહી છે?" જે પૂછવા માટે ઓફિસમાં કોઈની હિંમત નહોતી ચાલતી એ પ્રશ્ન નિતુએ નાની બહેન પોતાનાથી મોટી બહેનને પૂછતી હોય એમ ખચકાયા વિના પૂછી લીધો. આ બધા પાછળનું કારણ હતું કે કોઈ એવી વાત થઈ જાય જેનાથી વિદ્યાને ગુસ્સો આવે.

વિદ્યાને સુપેરે જાણ હતી કે ઓફિસમાં આવી બેધડક અદા તેની સામે બતાવવાની હિમ્મત કોઈ કરી શકે એમ નથી. જ્યારથી નિતુ કેબીનમાં પ્રવેશી હતી ત્યારથી તે ફાઈલ ચેક કરવામાં જ વ્યસ્ત હતી. પણ એનો અર્થ એવો નહોતો કે તે નિતુની ચલાવવામાં આવી રહેલી મનમાનીથી અજાણ હતી. તે દરેક વસ્તુ નોટિસ કરી રહી હતી. ઉપરથી તેનું આ રીતે પ્રશ્ન પૂછવું વિદ્યાને બહુ ગમ્યું. તે પોતાની ખુશી ભીતર છુપાવી રહી. તેના હોઠોએ એક ક્ષણ માટે આકાર મોટો કર્યો પણ તુરંત બિડાઈ ગયા અને ફાઈલ બંધ કરી ટેબલ પર મૂકતા બોલી, "તું ભૂલી ગઈ? મેં તને કહેલું કે કૃતિના લગ્ન પછી તારું કામ બદલાઈ જશે."

વિદ્યાના મનમાં ગુસ્સો ભરાય એ માટેના પુરતા પ્રયત્ન તે કરી રહી હતી. છતાં તેના પ્રયત્ન ઉલ્ટા પડી રહ્યા હતા. સામે બેઠેલી સ્ત્રી વિદ્યા હોય જ ના શકે, નહિતર અત્યાર સુધીમાં કેટલોય રોષ ઠાલવી દીધો હોત. નિતુને આશ્વર્ય થતું જતું હતું. આ કેવી રીતે શક્ય છે?

તેના ચેહરા પર તરી રહેલા આશ્વર્યના ભાવ વિદ્યાને દેખાતા હતા. તે ફરી બોલી, "તું એક કામ કર, કેન્ટીનમાં જા. હું મારું વધેલું કામ શાહને સમજાવીને આવું છું. આપણે સાથે કોફી લેતાં વાત કરીયે. હમ..." તે પોતાની જગ્યા પરથી ઉભી થઈ અને શાહની કેબિનમાં જવા નીકળી ગઈ. નિતુ પણ તેની સાથે ઉભી થઈ અને કેન્ટીન તરફ ગઈ. તેના આશ્વર્યમાં એક વધુ વધારો થયો. "પોતાની ઓફિસની કેન્ટીનમાં કોઈ દિવસ પાણી નથી પીધું અને આજે કોફી પીવા માટે તૈય્યાર થઈ ગયા... એ પણ સાથે બેસીને!..."