નિતુ - પ્રકરણ 36 Rupesh Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિતુ - પ્રકરણ 36

નિતુ : ૩૬ (લગ્ન)



નિતુને કોઈ વિચારોમાં ખોવાયેલી જોઈ ધીરુભાઈને થોડું અજુગતું લાગ્યું. હીંચકાની બાજુમાં પડેલી ખુરસી પર બેસતા તેની નજર નિતુ પર હતી. આશ્વર્યની દ્રષ્ટિએ જોતા તે બોલ્યા, "નિતુ બેટા!"

તે જાણે અચાનક જાગી હોય એમ બોલી, "... હા કાકા."

એવામાં શારદા બહાર આવતા બોલી, "નિતુ તું વહેલી આવી ગઈ?"

"હા મમ્મી. લગ્નની બધી તૈય્યારી કરવાની છે એટલે મેડમે કહ્યું કે હું વહેલી જાઉં તો ચાલશે."

"તો પછી આમ આવીને સુનમુન કાં બેઠી?"

"કંઈ નહિ કાકા. બસ થોડો થાક લાગ્યો છે, એટલે."

એટલામાં બહારથી  હરેશ આવતા બોલ્યો, "અરે તો પછી તારા એ થાકને ટાટા બાય બાય કરી દે."

તેને જોતા ધીરૂભાઇએ કહ્યું, "લે! હરિયા તું અટાણે આવી ગીયો?"

"કાકા મેં જ તેને બોલાવ્યો છે." નિતુ બોલી.

"તે?"

"હા. કામમાં થોડી હેલ્પ કરવા માટે."

હરેશ બોલ્યો, "એ બધું છોડોને... કામ બોલો. ચાલો ફટાફટ એક પછી એક કરવા લાગીયે."

હરેશના આવતાની સાથે જ શાંત ઘરમાં તોફાનની જેમ અશાંતિ ફેલાણી. અવાજોથી ઘરની દીવાલો ગુંજી ઉઠી. સાગર જોડે મીઠી વાતો કરતી કૃતિને અચરજ મૂકાય અને ફોન મૂકી બહાર આવી તો ઘરનો માહોલ જ અલગ હતો. દાદરમાં ઉભેલી કૃતિની નજર ઘરમાં ચાલી રહેલા કાર્યો પર પડી તો તેની આંખો પહોળી થઈ ગઈ.

એકબાજુ આરામ ખુરસી પર શારદા તો બીજી બાજુ નિતુ, હરેશ, અને ધીરુકાકા એક સાથે બેઠા બેઠા વાતોએ વળગેલા. તડામાર તૈયારી થઈ રહી હતી. નિતુ બોલી, "કૅટ્રેસ વાળાનો ફોન તો આવેલો, છતાં હું એકવાર ફોન કરીને કન્ફ્રર્મ કરી લઉં છું." તો હરેશ કહે, "એ હું કરી લઉં છું. તું એક કામ કર. મહેમાનોનું લિસ્ટ ચેક કરી લે કે કોઈ બાકી તો નથી રહેતુને!"

બહારથી અંદર આવતા ઋષભ બોલ્યો, "દીદી એ હું કરી લઈશ. તમે બીજું કામ હોય તે બોલો."

"બીજું.... હા, હું બ્યુટી પાર્લરમાં ફોન કરીને કહી દઉં છું, કે સમયસર આવી જાય."

"ઘરમાંથી જે લઈ જાવાનું હોય તે બધું હમ્ભારીને કે'જે પાછી." શારદા પોતાના સ્થાનેથી બોલી.

"જી, મમ્મી. હું તને ચેક કરીને કહી દઉં છું."

"દીદી, પેલા પાર્ટી પ્લોટવાળા ના નંબર પણ મને આપી દેજે. મંડપ પછી હલ્દી ની રસમ માટે શું પ્લાનીંગ કર્યું છે એ હું જાણી લઈશ."

"ઋષભ હલ્દીની ચિન્તા તું ના કર. મેં ગ્રુપમાં મેસેજ કર્યો છે. મારા કલીગ ત્યાંની બધી વ્યવસ્થા સંભાળી લેશે."

એટલામાં હરેશની નજર ઉપર ગઈ તો કૃતિને ઉભેલી જોઈને હસતા તે બોલ્યો, "ઓહોહો... જુઓ તો જરા."

"દીદી, ત્યાં કેમ ઉભી છે?" ઋષભે તેને પૂછ્યું.

કૃતિ નીચે આવતા બોલી, "હું તો નીચે જ આવી રહી હતી." ઘરમાં પડેલા શણગારની સામગ્રી અને દરવાજા પર લગાવવામાં આવી રહેલા ફૂલો જોઈને તે બોલી, "આ બધું શું છે?"

હરેશ કહે, "લ્યો કરો રામાયણ. પોતાના લગ્ન છે તોયે એને એ નથી સમજાતું કે ઘરમાં સજાવટ ચાલી રહી છે."

"લગ્ન તો પાર્ટી પ્લોટમાં છે તો પછી ઘરમાં ડેકોરેશન?"

"અરે! કેવી વાત કરે છે? કાલે તારા લગ્ન લખાશે. તો ઘણા બધા લોકો આવશે અને લગ્ન પાર્ટી પ્લોટમાં છે, બાકીના બીજા ઘણાં કામ તો છેને. કેટલાયે મહેમાન આવશે, તો કંઈ ઘરને એમનેમ થોડી રખાશે!"

ઋષભે તરત જ હરેશને ઠોંસો મારતા કહ્યું, "જોયું? અમે લોકો છેલ્લા એક કલાકથી ઘરમાં ડેકોરેશન કરીયે છીએ અને આ દીદી અત્યારે નીચે આવીને પૂછે છે કે શું કરો છો?."

હરેશ કહે, "હા તો સાગરકુમારનો ફોન ચાલતો હોય એટલે એને બીજી ક્યાં ભાન રહેવાની?"

તેઓની મજાકથી ચિડાઈને કૃતિ તેની સાથે ઝઘડો કરતા કહેવા લાગી, "તમે લોકો હવે વધારે એનું નામ વચ્ચે નહિ લાવો હા, કહી દઉં છું." તેને સાગરનું ખરાબ રીતે નામ લઈને ચિડતા જોઈ તેઓએ વધારે ચીડવવા માટે સાગરનું નામ બગાડ્યું અને કૃતિ તેને ચૂપ કરાવવા મથામણ કરવા લાગી.

કેટલાય કાર્યોને વિંધીને નિતુએ આ અવસરનું આગમન કરાવ્યું હતું. મુશ્કેલીઓ, બાધાઓને પાર કરતી નિતુની આંખમાં હરખનું આંસુ આવ્યું અને ઘરમાં ચાલી રહેલી તેઓની આ હસી મજાકને અમી નજરે જોતી રહી. તેના કામોમાં ભાગ પાડવા માટે સૌ કોઈ હાજર હતા. કેમ થશે? શું કરીશ? કેવી રીતે કામ પાર પડશે? આવા સવાલોથી ઘેરાયેલી નિતુએ બધું સમય પર છોડી દીધેલું. આજે સમય આવ્યો તો એનું દરેક કામ એની આશાએ પાર પડવા લાગ્યું. કહેવાય છેને કે સમય પર વિશ્વાસ રાખીને પોતાના કર્યો કરતા રહો. સમય તમને જરૂર સાથ આપશે. સમયે નિતુને પણ એવો જ સાથ આપ્યો.

દિવસો પુરા થયા અને એક એક ઘડીયે લગ્ન નજીક હતા. બીજા દિવસે સવારે લગ્ન લખાયા અને લગ્નની વિધિઓ શરુ થઈ ગઈ. પોતાના કામમાં જ મસ્ત બનેલી નિતુ પર કૃતિની નજર હતી. તેને તેની પ્રણાલીમાં ભિન્નતા દેખાતી હતી પરંતુ તે તેને પારખી શકતી નહોતી.

વહેલી સવારે સૌ કોઈ લગ્ન સ્થળ પર પહોંચી ગયા. નિતુના દરેક કલીગ આવી પહોંચેલા અને તેઓએ નક્કી કર્યા મુજબ પોતે લીધેલી જવાબદારી પૂર્ણ કરવામાં લાગી ગયા. ચારેય બાજુ એવો શણગાર કરેલો કે તેના કરેલા આ આયોજનને લોકો જોતા જ રહ્યા. ફૂલો, લાઈટો અને રંગબેરંગી પડદાઓથી આબેહૂબ આયોજન. મંડપની વિધિ શરુ કરાઈ. ગામડેથી ધીરુભાઈનો અનંત અને તેનો આખો પરિવાર આવી પહોંચેલા. આગંતુક મહેમાનોને મળતી તે બધાના સમાચાર પૂછતી મંડપની બહાર નીકળી અને દરવાજા તરફ નજર કરતી ઉભી રહી ગઈ. તેને આ રીતે દરવાજા તરફ મોં રાખીને ઉભેલી તેના દરેક કલીગ અને કૃતિ જોતા હતા.

કૃતિને એનામાં રહેલા આ ભાવો, આ ફેરબદલ સમજાતા નહોતા. અશોક તો ભાર્ગવ અને સ્વાતિ પાસે જઈને પુછવા લાગ્યો, "કોઈ ખાસ આવવાનું છે?"

ભાર્ગવ કહે, "એ તો ખબર નથી. કેમ પૂછ્યું?"

"નીતિકાના ઘરમાં પ્રસંગ ચાલી રહ્યો છે અને તે દરવાજા તરફ મોં કરીને ઉભી છે."

સ્વાતિ કહેવા લાગી, "હા અશોકભાઈ. આજે સવારથી હું એને જોઈ રહી છું. એના મનના ઈમોશન્સ કંઈક અલગ જ ઈશારો કરી રહ્યા છે."

થોડીવાર ત્યાં ઉભા રહીને તે પાછી આવી અને કૃતિ અને શારદાની બાજુમાં બેસી ગઈ. ધીમે ધીમે એક પછી એક વિધી થવા લાગી અને મંડપનું કાર્ય પૂર્ણ થયું. વડીલો કૃતિને આશીર્વાદ આપી રહ્યા હતા. નિતુ મનમાં બોલી, "આ મંડપનું કામ પૂરું થઈ ગયું અને હમણાં હલ્દી શરુ થઈ જશે. પણ તે હજુ આવ્યા નહિ!"

બાજુમાં બેઠેલો ઋષભ સાંભળી ગયો. તેણે પૂછ્યું, "કોની વાત કરે છે?"

"ના કંઈ નહિ."

"દીદી! કોઈ આવવાનું બાકી છે?"

"લગભગ તો કોઈ નથી."

"તો પછી તું કોઈની રાહ જુએ છે?"

"ના ઋષભ, હું... મને તો કોની રાહ હોય?"

"તો પછી હમણાં તમારા ફ્રેન્ડ્સ મને કહેતા હતા કે તમે ગેટ પાસે કોઈની રાહ જોઈને ઉભેલા."

"અરે ના ઋષભ, હું તો બધું બરાબર ચાલે છે કે નહિ, એ ચેક કરતી હતી."

"અચ્છા."

"હલ્દીની જવાબદારી અનુરાધાએ લીધી છે. જા જઈને તેને પૂછી લે, બધું તૈય્યાર છેને? હમણાં કૃતિ ત્યાંથી ઉભી થશે એટલે એ રસમ શરુ થશે."

ઋષભે તેના કહ્યા પ્રમાણે અનુરાધા પાસે જઈને બધી પૂછપરછ શરુ કરી અને તેની તૈય્યારી શરુ થઈ. જો કે આ આખા પ્રસંગમાં સૌની નજર નિતુ પર સ્થિત હતી. તેના દરેક કલીગ એ વિચારમાં હતા કે બહેનના લગ્ન જેવો પ્રસંગ છે અને આવા પ્રસંગે તો સૌ કોઈ હરખમાં હોય. પણ તે કેમ નથી? તેના મમ્મી ખુશ છે, તેનો ભાઈ, તેનો પરિવાર બધા, પણ નિતુ નહિ. દરેક સ્ટાફ મેમ્બર તેને જોઈને આશ્વર્યમાં હતા. અનુરાધાએ ઋષભને સીધુ જ પૂછી લીધું, "ઋષભ નીતિકાને કોઈ ટેંશન છે?"

"ના"

"તો પછી સવારથી તેનું મન ક્યાંક બીજે ભટકતું હોય તેવું કેમ લાગે છે?"

"એ તો લગ્ન જેવો પ્રસંગ છે એટલે. મેં એને કહ્યું દીદી તું એટલું ટેંશન નહિ લે. અમે બધા સંભાળી લઈશું. પણ તોયે એને શાંતિ નથી થતી. બીજું કંઈ નથી. તમે ખુરસી મુકાવો હું કૃતિ દીદીને લઈને આવું છું." ઋષભ તેને સમજાવતો ત્યાંથી નીકળી ગયો. હલ્દીની રસમ માટે કૃતિ આગળ આવી અને તૈય્યાર કરેલા મંચ પર બેસી ગઈ. એક હાથ લંબાવી તેણે ઋષભ અને નિતુને પોતાની પાસે બોલાવ્યા. તેના ગાલ પર હલ્દી લગાવી ઋષભે રસમની શરૂઆત કરી અને એ પછી નિતુએ પણ તેના બંને ગાલ પર હલ્દી લગાવી. તેની સખીઓ તો રાહ જોઈને જ ઉભી હતી કે ક્યારે તેને મોકો મળે. તે બંને ભાઈ બહેન તેને શુભકામના પાઠવતા એકબાજુ હટયા કે શારદા, અનુરાધા, સ્વાતિ, કૃતિ વગેરે ત્યાં આવી તેને ઘેરી વળ્યાં.

નિતુ તેઓને જગ્યા આપી મંચ પરથી નીચે આવી. પરંતુ કૃતિને હજુ તેનો સાથ જોઈતો હતો. તેણે તેના તરફ નજર કરી તો તેનું ધ્યાન બીજે કશેક જ રમતું હતું. તેના કલીગ પણ તેની આ સ્થિતિ પર નજર રાખી ઉભા હતા. બધા હલ્દીની રસમમાં અને ચાલતા સંગીતમાં નાચ ગાન કરવામાં મગ્ન બની ગયા. એવામાં કૃતિએ ફરી પોતાની બહેનને સ્ટેજ પર આવવા સ્મિત આપી હાથ લંબાવ્યો. તેણે જતા પહેલા મેઈન ગેટ તરફ નજર કરી અને હાથ વડે હમણાં આવું છું, એવો ઈશારો કરીને ચાલી ગઈ. એને ગાડી પાસે જતા જોઈને દરેક લોકો આશ્વર્ય ચકિત થઈ ગયા. સવારથી હસતું મોઢું રાખીને ફરતી નિતુના મુખમંડળ પર હવે કહેવા પૂરતું નહિ, પણ સાચું હાસ્ય હતું. એનો આનંદ બહાર છલકાવા લાગ્યો છે એ બધાને સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું હતું. એવું તે કોણ આવ્યું છે કે નિતુ આટલી ખુશ થઈ ગઈ? બધા એ જાણવા આતુર બની ગયા.