નિતુ - પ્રકરણ 35 Rupesh Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિતુ - પ્રકરણ 35


નિતુ : ૩૫ (લગ્ન)


નિતુને એ વાતે શાંતિ થઈ ગઈ, કે એના ઘરમાં આવનાર પ્રસંગ માટે તે એકલી નથી. બધા તરફથી મળતા સહકાર માટે એને અલગ જ અનુભૂતિ થતી હતી. ઘણા સમય પછી દરેક લોકોએ એકસાથે આ રીતે વાતો કરતાં કરતાં શાંતિથી ભોજનનો લાહ્વો માણ્યો.

વિદ્યા બહાર આવી, તો જોયું કે માત્ર કરુણા બેઠેલી છે. તેણે તેને પ્રશ્ન કર્યો, "બસ તું એક જ છે? બીજા ક્યાં છે?"

"હું આવી ત્યારથી મને કોઈ દેખાતું નથી. પરહેપ્સ તેઓ લંચ પતાવીને આવ્યા નથી!"

એ સાંભળી વિદ્યા ત્યાં જ ઉભી રહી. વાતોમાં મશગુલ તેઓ અંદર આવ્યા, પરંતુ એ જોવાની તસ્દી કોણ ઉઠાવે કે સામે તોફાન ઉભું છે. વિદ્યા અદપ લગાવીને સામે ઊભેલી. તેઓની નજર હજુ તેના સુધી નથી પહોંચી એ જાણીને વિદ્યાના ક્રોધે બહાર આવતા સહેજ પણ સમય ના બગાડ્યો. "બહુ પેટ ભરીને જમ્યાને આજે કાંય."

ઉચ્ચ સ્તરે આવેલા અવાજથી તેઓની વાતોમાં ખલેલ પડી અને સામે જોયું તો વિદ્યા. તેની અદપ, કડક અવાજ અને લાલઘોમ મોં સાથે ઘૂરીને તેઓ સામે જોતી તેની આંખો. તે દરેક સમજી ગયા કે આજે ખરીખોટી સાંભળવી પડશે. છતાં એક નિરર્થક પ્રયત્ન કરતા સ્વાતિ બે ડગ આગળ ચાલીને કહેવા લાગી, "મેડમ એક્ચ્યુલી અમે બધા..."

તેની વાત પુરી થાય એ પહેલા વિદ્યાના ઉગ્ર વચન ફરી નીકળ્યા, "જો એક કલાકનો સમય તમને પૂરતો ના હોય તો આપણે લંચનો ટાઈમ વધારી દઈએ."

"જી!?"

"મને નહોતી ખબર કે હવે તમે લોકો એક એક કલાક સુધી લંચ લ્યો છો!"

"મેમ નીતિકાને કામ હતું એટલે અમે બધા..."

ભાર્ગવની વાત અધવચ્ચે પહોંચી કે તેને ઉધડો લેતા તે બોલી, "કામ નીતિકાને હતું. તમારે બધાને તો નહોતું ને?"

હવે તે કોઈનું નહિ સાંભળે એ નિતુ સમજી ગયેલી. વધારે વાત ચાલે એના કરતા અંત આવે એ માટે તે આગળ આવી અને કહ્યું, "તે બધાં મારી હેલ્પ કરી રહ્યા હતા."

"ઠીક છે ઠીક છે... તમે દરેક કામ પર લાગો અને નીતિકા, કામથી હું બહાર જઈ રહી છું. આવ કામ છે તારું."

તે બહાર ચાલવા લાગી અને નિતુ તેની સાથે. તે બહાર ગયા કે ભાર્ગવ બોલ્યો, "જોયું, મેં કહેલુંને! નક્કી ગડબડ છે."

વાતથી અજાણ કરુણા પૂછી બેઠી, "શું થયું? તમે બધા શેની વાત કરો છો?" સવારની બનેલી ઘટનાનું તેઓએ કરુણા સાથે વિવરણ કરી કહ્યું, "ગાડી તો ઠીક છે સમજાય, એકવાર આપડે નિતુની વાત માની શકીયે. પણ અત્યારે આટલા બધાં ગુસ્સામાં હોવા છતાં મેડમે નીતિકાને કશું ન કહ્યું અને પોતાની સાથે લઈને મેડમ બહાર જતા રહ્યા."

બહાર ગાડી સુધી પહોંચી નિતુએ મૌન તોડ્યું અને પૂછ્યું, "કોઈ કામ હતું મેડમ?"

મંદ હાસ્ય વેરી તેણે કહ્યું, "બસ તારું આ જ ભોળપણ મને ગમે છે. લગ્નને થોડા દિવસ બાકી છે. તું સાંજે વહેલા ઘરે જઈ શકે છે."

"પણ મેમ મારી લિવ તો કાલથી શરુ થાય છેને!"

"હા જાણું છું. છતાં તને જો યોગ્ય લાગે અને જરૂર હોય તો આજે સાંજે વહેલા નીકળી જજે. શર્માની મેગેજીન એડ લગભગ ખતમ થઈ ગઈ છે. તારી તમામ અપડેટ ફાઈલ અને વર્ક મારા ટેબલ પર મૂકીને તું વહેલા નીકળી જજે. હું એ બધું ચેક કરીને તારું કામ કરુણા અને અશોકભાઈને આપી દઈશ. હવેથી એનું મેગજીન એડ તે લોકો સંભાળશે. તું શાંતિથી મેરેજ પતાવ. એ પછી શર્માની શરુ થનાર વિડિઓ એડની કામગીરી તને આપી દઈશ." 

"જી મેમ."

"વીલ મીટ ઓન મેરેજ." કહી એક મુસ્કાન આપી અને પોતાની હથેળીથી એની જો લાઈને સ્પર્શી તે પોતાની ગાડીમાં બેસી ગઈ. એટલું વ્હાલ કે જેટલું કોઈ માં પોતાના સંતાનને કરે. એટલા પ્રેમથી વિદ્યાએ વાત કરી જેટલી કોઈને કામના હોય કે એના હેડ એનાથી કરે. એ તો માત્ર સપનું. પણ અહીં આ સપનું નહોતું, નિતુના જીવનની હકીકત હતી કે વિદ્યાના મનમાં એના પ્રત્યેની પરિભાષા બદલાવ લાગેલી. બોસનું વલણ પોતાના પ્રત્યે આટલું મધુર હોય તો કોને ના ગમે? પરંતુ નિતુની વાત અલગ હતી. એનામાં આવી રહેલો આ બદલાવ તે સારી રીતે જાણતી હતી અને એના પાછળનું કારણ પણ. ઘણાં સમય પછી તેને આ તક મળેલી, ભલે લગ્નના બહાને. એક્સ્ટ્રા વર્ક અને વિદ્યાના અસહ્ય તાપથી દૂર થવાનો તેને આ એક મોકો તો મળ્યો! થોડા દિવસ તો શાંતિ થશે અને નિરાંતનો શ્વાસ લેવાશે. તે પરત ફરી અને પોતાના કામની ફાઈલો અપડેટ કરી તે વિદ્યાના કહ્યા મુજબ એના ટેબલ પર મૂકી ઘર તરફ ચાલતી થઈ.

ઘરમાં સજાવટ થઈ રહી હતી અને કોઈ કચાશ ના રહી જાય એ માટે ધીરુભાઈ દ્વારા ચોક્કસ નજર રખાઈ રહી હતી. જો કે આ કામ તો ઋષભને સોંપવામાં આવેલું પરંતુ જૂની રૂઢીનો ઉત્પાતિયો જીવ, ધીરુભાઈ એના એકલાના આધારે કેમ બધું છોડી શકે? તે દરેક કામમાં નજર રાખીને બેઠા હતા. ઋષભ એટલી આસાનીથી બેસી જાય એમાંથી નહોતો. ભગવાને શારદાના ત્રણેય સંતાનને રૂપ અને ગુણ આપવામાં પાછી પાની નહોતી કરી. ઋષભ પણ એટલો જ હોંશિયાર અને સમજણવાળો. તેનું રૂપ પણ કંઈ ઓછું નહોતું. ઉપરથી કુદરતે વાક સૌંદર્ય તો એવું પીરસેલું કે એના મધુર શબ્દોથી એ કોઈની સામે વગ પાડી શકે.

"લે લે... કઉં છું આમ લેવાનું છે." ઘરના મુખ્ય દરવાજે ઉભેલા ધીરુભાઈ પોતાની ટોપી સંભાળતા સજાવટ કરનાર માણસ સામે બોલ્યા. વારે- વારે ટોકતા કાકાને જોઈ ટેબલ પર બેઠેલો તે માણસ ઋષભ સામે જોવા લાગ્યો. તેની દ્રષ્ટિનો ઈશારો સમજી ઋષભે કહ્યું, "કાકા તમે બેસો હું કરી લઈશ."

"અરે બેટા તું કરી તો લે, પણ બરાબર થાય છે કે નય એનું ધ્યાન મારું રાખવું તો ખરુંને?"

"કાકા!... એમાં શું મોટી વાત છે! આ લોકોનું રોજનું કામ છે. તેને તેનું કામ કરવા દો અને તમે શાંતિથી અંદર બેસો."

"હા હા ભૈ શાબ." કહી તેની વાતને નકારી તે ત્યાં જ ઉભા રહ્યા. ઊંડો શ્વાસ લઈને ઋષભ મનમાં બોલ્યો, "કાકા નહિ માને એટલે નહિ જ માને." કારીગર તેની સામે જોતા પાછો ઉભો થયો અને દરવાજે હાર લગાવવાનું કામ ફરી ચાલુ કર્યુ. 

પહેલાની જેમ ગોઠવણ કરતા જોઈને તેણે ફરી કહ્યું, "એલા ભૈ...! મેં તને કીધું, હાર થોડો આણિપા લે. ખાસકાવ ભાઈ આણિપા ખસકાવ."

થાકીને કારીગર બોલ્યો, "કાકા... એ બાજુ વેણી આવશે અને વચ્ચેનું માપ કાઢી હું ગુચ્છા મૂકી દઈશ."

"તો મૂઆ પે'લા બોલને. તુંય ક્યારનો હામ્ભળે છે રિયો રિયો."

તેઓની આ મથામણ ચાલી રહી હતી કે નિતુ આવી પહોંચી. તેમની કામગીરી જોતી તે કશુ બોલ્યા વિના અંદર જતી રહી અને હિંચકા પર જઈને બાજુમાંથી પર્સ ઉતારતા બેસી ગઈ. તેને મૌન મૂક જતા જોઈ ધીરુભાઈને આશ્વર્ય થયું. "લે! આને વળી પાછું હુ થયું?" કરતાં તે અંદર ગયા.

કારીગર અને ઋષભે હાંશકારો લીધો.

હીંચકાની બાજુના સોફા પર બેસતા તેની નજર નિતુ પર હતી. આશ્વર્યની દ્રષ્ટિએ જોતા તે બોલ્યા, "નિતુ બેટા!"

તે જાણે અચાનક જાગી, "... હા કાકા."

"હુ થયું તને?"

"કાકા..."

"હા બોલ."