નિતુ : ૨૮ (યાદ)
નિતુ અંગે મયંક સાથે વાત કરીને વર્ષા નીચે આવી એટલે તુરંત જગદીશભાઈએ પૂછ્યું, "શું તમાશો કરીને આવ્યા છો?"
"કેમ? હું હર વખતે તમને તમાશો કરતી જ દેખાવ છું?"
"હવે એ તો તારા સ્વભાવ પર નિર્ભર છે."
તેના જવાબથી દીપિકાને પણ રોષ આવ્યો અને તે તેને કહેવા લાગી, "પપ્પા, પ્લીઝ તમે દરેક સમયે મમ્મી સાથે આ રીતે વાત ના કરો."
"ઓકે ભૈ, બોલો! મયંક સાથે શું ડિસ્કસ કરીને આવ્યા છો?"
"એની પાસેથી તમે નીતિકાના ઘરનો નંબર તો લીધો જ હશે!"
"હા લીધો છેને."
"તો એના ઘરે ફોન કરીને વાત કરી લે. આપણે એને મળવા જઈશું."
"એટલે તું લગ્ન માટે રાજી થઈ ગઈ?"
"ના. મેં એમ કહ્યું કે આપણે એને મળવા જઈશું. પહેલા એના પરિવાર સાથે વાત કર અને એને કહે કે આપણે એને મળવા જઈએ છીએ. એ લોકો મયંકને જોઈ લે અને આપણે એની ગર્લ ફ્રેન્ડને."
અહીં મયંકે ફોન મુક્યો અને ઘરમાં નિતુ સાથે જાત જાતના સવાલો થતાં હતા, એવામાં શારદાના ફોનની રિંગ વાગી અને બધાનું ધ્યાન ફોન તરફ ગયું. અનંતે ફોન હાથમાં લીધો તો અજાણ્યો નંબર દેખાય રહ્યો હતો. તેણે નિતુને નંબર બતાવ્યો અને તેણે માથું ધુણાવી હા ભણી એટલે અનંતે ફોન ઊંચકાવી સ્પિકરમાં મુક્યો. શારદાએ જવાબ આપતા કહ્યું, "હલો.."
"શું હું નીતિકાના પરિવારમાંથી કોઈ સાથે વાત કરી રહ્યો છું?" જગદીશભાઈએ પૂછ્યું.
"હા... હું એની મા શારદા બોલું છું. તમી કોણ બોલો છો?"
"જી મારું નામ જગદીશ છે." નામ સાંભળતા જ દરેક લોકો નિતુ સામે જોવા લાગ્યા. તે આગળ બોલ્યો, "કદાચ તમારી નીતિકાએ તમને લોકોને વાત કરી હશે!"
"શેના અંગે?"
"તમારી નીતિકા જે કોલેજમાં ભણતી હતી એ જ કોલેજમાં મારો મયંક પણ અભ્યાસ કરતો. ફોર્ચ્યુન એવું કે બન્ને એકબીજાને પસંદ કરવા લાગ્યા છે. તમારી નીતિકાને મારો મયંક ગમી ગયો અને તેને તમારી નીતિકા. જો તમારી લોકોની જે ઈચ્છા હોય એ જણાવો. તો અમે એવો નિર્ણય લીધો છે કે અમે તમને મળવા માટે આવીયે."
"હા, એ ફોન આવી ગયો તમારા દીકરાનો અને અમે એની હારે વાતેય કરી લીધી છે."
"શું? મયંકે ફોન કરેલો?"
"હા, હમણાં જ, થોડીક વાર પેલા. પણ તમી ક્યો, હુ કરવાનું છે?"
"હવે એમાં મારે તો શું કહેવાનું હોય શારદાબેન? તમે જો હા કહો તો અમે કાલે અહીંથી નીકળીએ અને બંને પરિવાર ભેગા બેસીને નિર્ણય કરીયે કે શું કરવાનું છે?"
"હા ભલે. અમને કોઈ હરકત નથી. તમી બધા એકવાર આવી જાવ તો હારે મળીને કાંક નિર્ણય લેહું."
"થેન્ક યુ સો મછ. તો અમે કાલે અહીંથી નીકળીએ છીએ અને પરમ દિવસે સવારે તમારે ત્યાં પહોંચી જઈશું."
મુલાકાત કરવાનો નિર્ણય લઈને બંનેની વાત પુરી થઈ ગઈ, કે પછી એમ કહો કે નિતુ અને મયંકની વાત અહીંથી શરુ થઈ. નિતુના ઘરમાં તો જગદીશભાઈ સાથે વાત કરતા જ માહોલ હસી ખુશીનો બની ગયો અને નિતુ હરખાવા લાગી કે આખરે એના પ્રેમની ગાડી સીધા પાટે ચડી રહી છે. પણ મુલાકાત કરવાનો નિર્ણય લઈને બંનેની વાત પુરી થઈ કે વર્ષાએ પોતાની યુક્તિ જગદીશ સામે રાખી દીધી. ફોન મૂકી જગદીશભાઈએ કહ્યું, "ચાલો... એક કામ પત્યું. એ લોકો મિટિંગ માટે રેડી છે અને આપણે ત્યાં જઈને એમને મળી લેશું."
"માત્ર મળવાનું જ છે જગદીશ."
"શું?"
"હા. મયંક બે દિવસથી મારી સાથે સરખી રીતે વાત નથી કરતો અને આજે તો આખો દિવસ જમ્યો પણ નથી. એટલે મેં તેને નીતિકાના ઘેર જવાની હા કહી દીધી છે. મયંક સાથે સ્પષ્ટ કર્યું છે કે આપણને એની સાથે મુલાકાત કર્યા પછી જો એ છોકરી નહિ ગમે તો આપણે એને ના કહી દેશું."
"હું સમજી ગયો કે તારો પ્લાન શું છે. ત્યાં જવાનું અને મિટિંગ કરીને ના કહી પાછા આવતા રહેવાનું."
એક ખોટી મુસ્કાન આપી તેણે કહ્યું, "રાઈટ મિસ્ટર જગદીશ. હું માત્ર મારા દીકરાને મનાવવા માટે ત્યાં જવા રાજી થઈ છું."
નિઃસાસો નાખી ઉપર મયંકની રૂમ તરફ નજર કરી જગદીશ આગળ વધ્યો એટલે વર્ષાએ પૂછ્યું, "ક્યાં જઈ રહ્યા છો?"
"હું જઈને જોઈ આવું કે મયંકે ડિનર કર્યું છે કે નહિ."
"ઠીક છે."
તે ઉપર મયંકની રૂમમાં પહોંચ્યો તો મયંક આરામથી જમી રહ્યો હતો. તેને જોઈને તે બોલ્યો "અરે પપ્પા, આવો."
"શું આવો! અહીંયા તું આરામથી જમી રહ્યો છે અને મારુ જમવું હરામ કરી નાખ્યું તે. તારી મા તારી પાસે આવી તો મારું ધ્યાન જમવામાં ઓછું અને અહીં વધારે હતું. માંડ માંડ કરીને મેં ડિનર કર્યું, ખબર છે તને?"
"એ બધું જવા દો, તમારો આઈડિયા કામ કરી ગયો હો પપ્પા. હા, મારે થોડીકવાર ભૂખ્યા રહેવું પડ્યું પણ તમે સાચું કહેલું. મારુ ભૂખ્યા રહેવાનું કામ કરી ગયું. મમ્મી નિતુ પાસે જવા માટે તૈય્યાર થઈ ગઈ છે. બઉ સારો રસ્તો આપ્યો તમે."
"એમ તો હું તારી માને સારી રીતે ઓળખું છું. અત્યાર સુધી એને મનાવી - ચલાવીને એની રગ રગ જાણી લીધી છે. એ બધું છોડ અને એમ કે આ કન્ડિશન મુકવાની શી જરૂર હતી?"
"કઈ કન્ડિશન?"
"એ કે ત્યાં જઈને પહેલા જોઈ લ્યો, જો નીતિકા તમને ગમે તો જ લગ્ન માટે હા પાડજો."
"એ તો ..."
"તને લાગે છે કે તારી મા તને હા પાડશે?"
"એનો તો મેં વિચાર જ ના કર્યો. હવે શું કરીશું?"
"પસ્તાવો બીજું શું? મને કંઈક વિચારવા દે. તોડ તો પાડવો જ પડશેને!"
"હું પણ વિચારું છું."
"હવે વિચારવાનું નથી. હવે કંઈ પણ કરીને પહેલા આપણે ત્યાં પહોંચી જઈએ. પછી ભેગા મળીને વર્ષાને સમજાવી લઈશું."
"અને જો નહિ માને તો?"
"તો તારે નાટક કરવાનું."
"કેવું નાટક પપ્પા?"
"જો, તારી મમ્મી ત્યાં જઈને પણ ના જ કહેવાની છે એ આપણને ખબર છે. પણ તું જીદ્દ કરજે. હું તો તને કશું કહેવાનો નથી! જો એ ના કહેશે તો તારે હઠ પકડવાની કે તું એના સિવાય કોઈની સાથે લગ્ન નહિ કરે અને એ પણ નિતુના આખા પરિવાર સામે."
"શું? આખા પરિવાર સામે! ના પપ્પા ના. મારામાં એટલી હિંમત નથી."
"એ દોઢડાહ્યી, જેમ કહું છું એમ કરને."
"અચ્છા... એનાથી શું થશે?"
"એનાથી તારી મમ્મીના મનમાં એ વાત પાક્કી થઈ જશે, કે તું નીતિકાને કેટલો પ્રેમ કરે છે? અને ના છૂટકે એને તારી વાત માનવી જ પડશે. રહી વાત નીતિકાની તો એકવાર લગન થવા દે... પછી જો. ઘરમાં રોજે સાથે રહેશે એટલે તેને અપનાવી લેશે."
"થેન્ક્સ પપ્પા, તમે મને અને નિતુને મિલાવવા માટે અમારી આટલી હેલ્પ કરો છો." કહીને મયંક પોતાના પપ્પાને ભેટી ગયો. તેણે તેના ખભા પર ટાપલીઓ મારતા કહ્યું, "બસ બસ હવે, જમી લે અને તૈય્યાર થઈ જા, કાલે આપણે તારા લગ્નની વાત કરવા માટે જવાનું છે." એમ કહીને એ ચાલ્યો ગયો અને મયંક ફરી ડિનર પર લાગ્યો.
નિતુના ઘરે હજુ બધાએ મયંકના ફોન પછી નિતુ સાથે વાત પુરી ન્હોતી કરી એ પહેલા જગદીશભાઈનો ફોન આવી ગયેલો. એનો ફોન મૂકીને બધાએ નિતુ સાથે એની એ જ વાત આગળ વધારવાનું શરૂ કર્યું.
શારદા કહેવા લાગી, "નિતુ! અમને તો લગીરેય ખબર નો થાવા દીધી અને વાત અટલે હુધી આગળ વધી ગઈ?"
"મમ્મી... મમ્મી... એક્ચ્યુલી...એ..."
ધીરુભાઈએ વચ્ચે આવતા કહ્યું, "ભાભી એ બધું મુકો હવે. હવે તો આપણને બધાને ખબર પડી ગઈ છેને! હવે આગળ હુ કરવાનું એનું કરો."
અનંતે કહ્યું, "હવે કરવાનું શું હોય પપ્પા! એ લોકો તો કાલે અહીં આવવા માટે નીકળી જશે. એમની બધી વાતચીત સાંભળી અને જોઈશું, કે છોકરો કેમ છે? જો આપણને પસંદ પડે તો હા કહેવાની. બીજું શું હોય?"
"બરાબર છે. નિતુને તો ગમી જ ગયું છે, હવે આવે એટલે આપણે પણ જોઈ લઈએ." શારદાએ નિતુ સામે જોતા કહ્યું. એ સમયે તેના મનમાં પણ ઘરના બધા લોકોની વાત સાંભળી એમ લાગતું હશે કે આખરે બધું બરાબર રીતે પાર પડે તો સારું. કારણ કે તે મયંકની માનો સ્વભાવ સારી રીતે જાણતી હતી અને પોતાના પરિવાર સાથે એનો ભેટો થાય તો બધું સરખી રીતે પાર પડે તે માટે પણ કદાચ સાથે પ્રાર્થના કરી લીધી.