નિતુ - પ્રકરણ 29 Rupesh Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિતુ - પ્રકરણ 29

નિતુ : ૨૯ (યાદ) 

નિતુના ઘેર આવવા માટે મયંક પોતાના પરિવાર જનો સાથે નીકળી ગયો અને આ બાજુ તેઓના સ્વાગતની તૈય્યારીઓ થવા લાગી. નિતુથી બંધાયેલા બંધનો મુક્ત કરીને ઘરના લોકોએ તેના સ્વનિર્ણયને વધાવી લીધો. ઘરમાં આનંદ ઉલ્લાસ છવાઈ ગયો. મહેમાન આવવાના છે એવા હરખમાં ઘરમાં સાફ સફાઈ અને સુશોભન થવા લાગેલા. કોઈ કસર ના રહે એ માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું અને રાત થઈ કે સૂર્ય ઉગે અને મહેમાન આવી પહોંચશે એ વિચાર આવવા લાગેલા. નિતુ માટે તો આજે ઊંઘ દુશ્મન બની બેઠેલી તો બીજી બાજુ ડ્રાઈવરની બાજુમાં બેઠેલા મયંકને પણ નિતુને મળવાની ઉતાવળ જાગી. આજે તેની આંખો બંધ થાય એમ ન હતી. સવાર થયું કે જગદીશ જેવો ધનિક માણસ નિતુના નાનકડા ગામમાં આવી પહોંચ્યો અને તેના ઠાઠની ચર્ચા ચોમેર થવા લાગી. 

નિતુના ઘરમાં તેઓની આગતા સ્વાગતા થવા લાગી. એકબીજાના સમાચાર પુછી બંને પરિવાર એકબીજાનો પરિચય આપી ઓળખાણ કાઢવા લાગ્યા. પોતાના જીવનનો ઉત્તમ શણગાર સજીને આવેલી નિતુના મનમાં અનેરો આનંદ હતો. તેની સુંદરતા અને છલકતા ગુણો છુપાવ્યે છુપા રહે તેમ નહોતા. મહેમાનો સામે પહેલીવાર સાડી પહેરીને આવેલી નિતુના ડગ અને ગુંજતી ઝાંઝરીની ઝીણી ઝણકારી તેના ઓરડાની બહાર નીકળતા જ બધાનું ધ્યાન ખેંચી રહી હતી. હાથમાં પાણીના ગ્લાસથી ભરેલી ટ્રે લઈને તેના કુમળા સ્વરે મહેમાનો સામે બોલેલા શબ્દોથી પાણી આપ્યું, તો મયંકના પરિવાર પર તેણે એક જાદુ વિખેરી દીધું. જગદીશભાઈને પહેલી નજરે જોતાં જ તેના મયંકની પસંદગી ઉત્તમ છે એવી અનુભૂતિ થઈ ગઈ.

પહેલેથી જ મોં ફુલાવીને બેઠેલી વર્ષાને તેનામાં કોઈ રસ જાગ્યો નહિ અને તેનું કરેલું કોઈ કામ પણ ગમ્યું નહિ. બધાંની સામે હસતા મોઢે વાત કરતા જગદીશભાઈનું પૂરું ધ્યાન પોતાની પત્ની તરફ જ હતું. અંતે તેણે મયંકને સચેત કર્યો અને તેના કાનમાં કહ્યું, કે તે નાટક માટે તૈય્યાર થઈ જાય. એક ખોંખારો ખાતા પોતાનું ગળું સ્વચ્છ કરી તેણે શારદા સામે પોતાની વાત રાખી, "જુઓ શારદાબેન, અમારા માટે તો અમારા દીકરાની પસંદગી એટલે અમારી પસંદગી. અમને તમારી નીતિકા ..."

એ પોતાની વાત પુરી કરે તે પહેલા જ વર્ષાએ તેને રોકી એક બાજુ બોલાવ્યો, "જગદીશ, એક મિનિટ." તે ઉભી થઈ અને થોડે દૂર ચાલી ગઈ. જગદીશ પણ તેની પાછળ ગયો. વર્ષા તેને કહેવા લાગી, "આ તું શું કરે છે જગદીશ! મેં તને કાલે ચોખવટ કરીને કહેલું, કે આપણે અહીં માત્ર મયંક માટે આવેલા અને કશું બોલવાનું નથી. છતાં તું એને એ જ કહેવા માંગતો હતો ને કે નીતિકા તને ગમી છે."

"વર્ષા, એમાં ના ગમવા જેવું છે શું? તું જ કહે, તે સુંદર દેખાય છે. તેનો અવાજ તે ના સાંભળ્યો? કેટલો મધુર અવાજ છે અને તેની સામે જો તો ખરા, ભલે નાના ઘરની રહી, આપણા ઘરમાં આવશે તો એના લીધે આપડું કદ ઊંચું થશે! તને જેવું લાગે છેને એવું કંઈ નહિ થાય. રહી વાત ગમવાની તો મયંકને નીતિકા ગમે છે અને એનાથી બીજું શું જોઈએ?"

"હું એ કંઈ નથી જાણતી. મને ખબર છે તો એટલી કે આપણે અહીંથી ના કહીને ચાલ્યા જવાનું છે અને રવિભાઈની અનીશા સાથે તેની વાત આગળ વધારવાની છે."

"તું તારી જીદ્દ પર છે તો હું પણ મારી જીદ્દ પર છું મમ્મી." પાછળ ઉભેલો મયંક બોલ્યો.

વર્ષાએ આશ્વર્ય સાથે પાછળ ફરીને પૂછ્યું, "તું અમારી વાત સાંભળતો હતો?"

"ઓફકોર્સ મમ્મી! શું કામ નહિ? તમે જો તમારા એકના એક દીકરાની ખુશીની ઈચ્છા ના રાખી શકો તો હું શું કરું? પણ સાંભળ, હું લગ્ન કરીશ તો માત્ર નિતુ સાથે. અહીં સુધી આવ્યા છીએ તો એ ધ્યાનમાં રાખજે મમ્મી, કે જો તું નિતુ માટે હા નહિ કહે તો હું પણ તેની સિવાય કોઈ બીજા માટે હા નહિ કહું."

"મયંક? તું તારી માની વાત નહિ સાંભળે?"

"સહેજ પણ નહિ. આજ સુધી મેં તારી દરેક વાત માની છે મમ્મી. તે જેમ કહ્યું છે એમ મેં કર્યું અને મેં જે કર્યું એ તારી ખુશી માટે જ કર્યું. મારા મનમાં તારા માટે જે પ્રેમ છે એના કારણે હું તારી દરેક વાત માનતો રહ્યો છું, આજે તારું સહેજ પણ નહિ સાંભળું કે તું જેમ કહીશ એમ નહિ કરું. જો જરૂર પડશે તો હું અહીં જ રહીશ. બાકી તારે નિતુ માટે હા કહેવી જ પડશે."

"તું મને કહી રહ્યો છે કે ધમકી આપે છે?" વર્ષાએ મયંકનું કડવું થતું વલણ જોઈને પૂછ્યું.

"તું જે સમજે એ..." એટલું કહીને તે પાછો ચાલ્યો ગયો અને બધાની સાથે જઈને બેસી ગયો. બાજુમાં બેઠેલી બહેન દીપિકા બધું જાણતી હતી અને તેણે મયંકના હાથ પર હાથ મૂકીને તેને શાંત થવા કહ્યું.

જગદીશભાઈ વર્ષાને સમજાવવાના સતત પ્રયત્ન કરતા હતા. એ જોઈને શારદાએ બાજુમાં બેઠેલા ધીરુભાઈને પૂછ્યું, " આ હુ વાતું કરતા હશે?"

"શી ખબર ભાભી. એનું કાંયકે અંગદ હશે! આપડે તો હુ જાણવાના!"

"હાં...!"

વર્ષા પોતાની વાત પર મક્કમ હતી. "જગદીશ તને લાગે છે કે મયંક મારી વાત ટાળશે? આ બે કોડીની નિતુ કરતા તો અનીશા સારી છે."

"આ વખતે નથી લાગતું કે એ તારી વાત માને. વર્ષા! ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, તને શું લાગે છે કે મયંક અનીશા સાથે ખુશ રહી શકશે? હું જાણું છું કે તને અનીશા કેમ ગમે છે? એની મા તારી સાથે તારી દરેક પાર્ટીમાં હોય છે. નિતુ તો નાના ઘરની છે અને એની પાસે કશું છે પણ નહિ. વાત રહી અનીશાની તો એના પપ્પા એના એકના એક દીકરા સાથે ફોરેન જવાના છે અને અનીશા અહીં જ રહેવાની છે. તો એની જે પ્રોપર્ટી છે એનો યુજ આપડે કરી શકીશું એમ જ વિચારે છેને?"

"જગદીશ! હું તને એટલી લાલચી લાગુ છું?"

"મેં એ જ કહ્યું જે સત્ય છે અને એટલું માની લે જે કે મયંક જે જીદ્દ કરી રહ્યો છે એની સામે તારે અને મારે નમવું પડશે."

"હું એને મનાવી લઈશ."

"વર્ષા તને લાગે છે એ એટલી આસાનીથી માની જશે? નહિ માને. એટલે મારી વાત માન અને હસતા મોઢે નીતિકાનો સ્વીકાર કરી લે. પછી તું જે કહીશ એ હું તને આપીશ. હું તારી રાહ જોઉં છું. જે નિર્ણય લેવો હોય તે અત્યારે જ લે અને બધાને સંભળાવી દે. કારણ કે અમે બધા મયંકના લગ્ન નીતિકા સાથે કરવાનો નિર્ણંય લઈ લીધો છે અને તે પાક્કો છે. શું કહેવું એ હવે તારે વિચારવાનું છે." પોતાની વાત અંતિમ વખત કરી જગદીશ ત્યાંથી ચાલી બધા પાસે ગયો. તે આવીને બેઠો એટલે ધીરુભાઈએ પૂછ્યું, " કાં, હુ થયું જગદીશભાઈ? કોઈ એવી વાત હોય તો...!"

"ના ના ધીરુભાઈ, એવી કોઈ વાત નથી. બસ અમે થોડો નિર્ણય લઈ રહ્યા હતા."

વર્ષાએ પુરેપુરો વિચાર કરી લીધો, "આ લોકો મારુ ચાલવા નહિ દે. આમેય મયંકની જીદ્દ છે. જો અનીશા સાથે પરાણે લગ્ન કરાવીશ તો લગ્ન બાદ તેનું સરખું ધ્યાન પણ નહિ રાખે. મયંક કેટલો જીદ્દી છે હું જાણું છું અને તે પોતાની જીદ્દ કોઈ કાળે નહિ છોડે. જવા દે વર્ષા, તારે અત્યારે હામાં હા ભેળવવી જ પડશે. બાકી રહી નીતિકાની વાત તો સ્પષ્ટ છે કે લગ્ન કરીને આવશે તો મારા જ ઘરમાંને?" તે ગઈ અને બધાની સાથે બેસી ગઈ.

"શું વિચાર્યું તે વર્ષા?" જગદીશે પૂછ્યું.

"જગદીશ, મારે મયંક સાથે એક વાત કરવી છે."

"હા, બોલ મમ્મી."

તે તેની નજીક ગઈ અને માત્ર તે સાંભળે એ રીતે ધીમેથી તેને કહ્યું, "મયંક, ઠીક છે. તું જીત્યો અને હું હારી. હું તારી વાત માનવા માટે તૈય્યાર છું. પણ મારી એક શરત છે."

"શરત! કેવી શરત?"

"હું અત્યારે તારી વાત માનું છું. પણ લગ્ન પછી તારે સદાયને માટે માત્ર મારી વાત માનવી પડશે. બોલ, જો તારી હા હોય તો હું નિતુના અને તારા લગ્ન કરાવવા માટે તૈય્યાર છું."

"ઠીક છે. જો તારી ઈચ્છા એવી છે તો એવું જ સારું. મને તારી શરત મંજુર છે અને તારે મારા લગ્ન નિતુ સાથે કરાવવા પડશે."

"વેલ્ડન મયંક." તે શારદા પાસે જઈને બંને હાથ વડે નમસ્કારની મુદ્રા કરી ઊભી રહી. બધાની નજર વર્ષા પર હતી અને જેવી બધાની ઈચ્છા હતી તેવા જ તેના શબ્દો નીકળ્યા, "શારદાબેન, જો તમને લોકોને કોઈ વાંધો ના હોય તો અમને તમારી દીકરી ગમી ગઈ છે. અમે મયંક માટે એના જીવનસાથી રૂપે તમારી નીતિકાનો હાથ માંગીએ છીએ." આ સાંભળતાની સાથે જ બધાનાં ચેહરા પર ખુશીની લહેર વહેવા લાગી. મયંકને તો શારદા અને ધીરુભાઈના પરિવારે પહેલાથી જ પસંદ કરી લીધેલો અને નિતુની ઇચ્છાનો આદર કરતાં તેના લગ્ન મયંક સાથે મંજુર કરી દીધેલા. હવે સામે પક્ષેથી પણ હા આવતા મયંક અને નિતુને પોતાનો પ્રેમ સાકાર થતો દેખાવા લાગ્યો.