1
શબ્દપુષ્પ અર્પણ....
'તું બધી ફરિયાદ મૂકી દે હવે,
જિંદગી સ્વીકારવાની હોય છે.'
હિતેન આનંદપરા
કવિ એ આ શેર માં જીવન નું હાર્દ લખી દીધું છે. આપણે સૌ કોઇ કમ્પ્લેઇન બોક્સ બની ગયાં છીએ. જે કોઈ એ પણ કોઈ ને બદલવા ની કોશિશ કરી તે હારી ગયા છે જેણે પોતાની જાતને બદલી દીધી તે જીતી ગયાં અને સાચા અર્થમાં જીંદગી ને જીવી ગયાં. પરિસ્થિતિ, વ્યકિત અને સંજોગો બદલાવા ના નથી. આપણે જ તેનામાં ઢળવું પડે છે. ફરિયાદ કરી ને કઇ મળવાનું નથી કે નથી કોઈ બદલવાં
નું. પોતાની દુનિયા માં મશગૂલ થઈ જીવન જીવવું એ માં જ આનંદ અને પરમસુખ છે.
જિંદગી માં જે દિવસો સામે આવે તે હસી ખુશી જીવી લેવું એમાં શાણપણ રહેલું છે. કવિ નો આ શેર સંપૂર્ણ કવિતા ની ગરજ સારે છે.
2
વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,
તું ઈશ્વરનાં નવાં મંદિર, નવાં આવાસ રહેવા દે.
હિતેન આનંદપરા
કવિશ્રી હિતેન આનંદપરા સર એ આ શેર માં સરસ વ્યંગ કર્યો છે હાલ માં સમાજ માં જે પરિસ્થિતિ ચાલી રહી છે તે નું સુંદર અને અદ્ભુત રીતે નિરૂપણ કર્યું છે. માણસ પાસે રૂપિયા વધતા જાય છે પરંતુ તેની વિચારસરણી હજુ જુનવાણી રહી છે.
મંદિર ઉભા કરવા કે નવા આવાસ ઉભા થાય તેમાં કોઈ વાંધો નથી પરંતુ માણસો ઉભા કરવાની તાતી જરૂર છે. હાલ ના જમાનામાં મોંઘવારી, બેરોજગારી અને શિક્ષણ નો અભાવ એ સળગતા પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા મહત્વ નો મુદ્દો છે. હજુ પણ સમાજમાં ઓછું ભણેલા વ્યક્તિઓ છે અને ધંધો રોજગાર પણ ઓછા છે કૌશલ્ય ધરાવતા વ્યક્તિઓ નું પ્રમાણ ઓછું છે બધા ને સ્માર્ટ જોબ અને ઓનલાઈન જોબ જોઈએ છે કોઈને પરિશ્રમ કરવો નથી ત્યારે સમાજ માં માણસો ઉભા કરવા માટે સ્કૂલો અને કોલેજો ઉભી કરવી જોઈએ ભણતર ભાર વગરનું હોવું જોઈએ ભણતર માટે નવા નવા અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવા જોઈએ અને બાળકો ને ભણવામાં રૂચિ ઉભી થાય તેવું વાતાવરણ ઊભું કરવું જોઈએ. ભણતર ને અનુરૂપ ધંધો રોજગાર મળી રહે તે માટે સામુહિક પ્રયત્નો કરવા જોઈએ. માણસો ના સર્વાંગી વિકાસ જરૂરી છે આ માટે યુધ્ધ ના ધોરણે પ્રયાસ કરવો જોઈએ. મંદિર અને ધર્મ ત્યારે સાર્થકતા સાબિત થશે જ્યારે માણસો સમૃદ્ધ બની દેશ ના વિકાસમાં સહભાગી બની રહશે.
3
વિસ્તરવું રોડને છે, તરુવર બહુ નડે છે,
ઊગવું છે તૃણને પણ ડામર બહુ નડે છે.
રઈશ મનીઆર
કવિ શ્રી રઈશ મનીઆર સાહેબ બહુ સચોટ શેર લખ્યો છે.
આ એક શેર માં સમાજની માનસિકતા નું વર્ણન કર્યું છે નડવું એ આપણી ગળથૂથી માં વરણાઈ ગયું છે. એક ની સવલત એ બીજાને નડતર રૂપ થાય છે. અને આ સવલતો ઉભી કરવા માણસ પોતાની જાતે જ પોતાના પગ પર કુહાડી મારી રહ્યો છે. અને હવે જો માણસ નહીં સુધરે તો જીવન ના અસ્તિત્વ પર જોખમો ઉભા થશે.
શહેરી કરણ એટલી હદે વધી રહ્યું છે કે જગ્યા ખૂટી રહી છે. લોકો એ ગામડાંઓ છોડી શહેરો તરફ દોટ મૂકી છે તે આંધળી દોડ છે. જ્યાં જુઓ ત્યાં ઊંચા ને ઊંચા બિલ્ડીંગો ની હારમાળા સર્જાઈ છે. દૂર દૂર સુધી ડામર ના રોડ વિસ્તરેલા છે. અને રોડ બનાવવા માટે નડતર રૂપ તરુવર ને કાપવાં લાગ્યાં છે. આથી ગરમી વધવા લાગી છે.
બીજી બાજુ તૃણ ને ઊગવું છે ત્યાં ડામર રોડ નડતર રૂપ છે. ચારે બાજુ જમીન ને બ્લોક કરી દેવામાં આવી છે આથી ક્યાં કશું ઉગવા માટે જગ્યા જ નથી રહી.
કવિ એ અત્યાર ની પરિસ્થિતિ નો ચિતાર આપ્યો છે. નડતર રૂપ થયાં વગર એક બીજાના ખભે ખભા મિલાવીને આગળ વધીને સૌનો સાથ સૌનો વિકાસ કરવો જોઈએ એમાં જ માનવતા અને માણસાઈ સમાયેલી છે.
4
ચંદ્ર, સૂરજ, રેત, દરિયો, ઝાડ, પંખી, મુગ્ધતા પણ,
હું ગુમાવું છું ઘણું, હદથી વધારે, પુખ્ત થઈને.
હિતેન આનંદપરા
કવિ શ્રી હિતેન આનંદપરાની એક સુંદર ગઝલનો આ શેર છે જેમાં તેમણે કુદરતના સૌંદર્યનું વર્ણન કર્યું છે. દુનિયા નૈસગિક અજાયબીઓથી ભરેલી છે. આકાર, રંગ, રૂપ વગેરે માં જે વિવિધરંગી અને આકર્ષક છે તે મંત્રમુગ્ધ કરી દે તેવું છે. આવી કારીગરી કરનારનો કારીગર મનમોહક અને સોહામણો હશે તેનામાં બાળક એટલું ભોળપણ અને નિર્દોષ હશે.
ચંદ્ર, સૂરજ, રેત, દરિયો, ઝાડ, પંખી કેટકેટલી કુદરતી રચનાઓ છે આ રચનાઓ માં સૌદર્ય, મોહકતા, રમણીય અને રંગીન મિજાજી છે. આમાં બાળક જેટલી મુગ્ધતા, સુંદરતા અને મનમોહક્તા ભરેલી છે.
ઊર્મિ
કવિ લખે છે કે જ્યારે હું બાળક હતો ત્યારે ચંદ્ર, સૂરજ, રેત, દરિયો, ઝાડ, પંખીઓ આ બધા સૌદર્યને મનભરીને ભરપૂર માણી શકતો. તેનો આનંદ લુંટી શકતો. જીવનને ભરપૂર માણી શકતો. સમય વીતતો ગયો અને પુખ્ત થતા જીંદગી જીવવાની ખુશી અને મુગ્ધતા છીનવાઈ જાય છે કુદરતી સૌંદર્ય અને તેની રમણીયતાનો આનંદ પણ માણી શકતો નથી. પુખ્ત થઈ ને જીંદગી જીવવા નો આનંદ ગુમાવી ચૂક્યો છે જવાબદારી અને પૈસા કમાવવા ની ભાગદોડમાં. તેને આ બધું ગુમાવ્યા નો ઘણો રંજ અને દુઃખ છે.
છંદ
રમલ
ગાલગાગા *4
કવિ ની ભાવના મુગ્ધ
બાળકની જેમ જીવન જીવવાની છે.
5
મારી દીકરી નો વાન બદલી નાખ
કા જગત નું ઈમાન બદલી નાખ
ભાવેશ ભટ્ટ
શેર શ્રી ભાવેશ ભટ્ટ દ્વારા લખાયેલ છે. આ શેર માં કવિ એ એક પિતાની વેદના ને વાચા આપી છે. દીકરીનો પિતા પોતાની દીકરી માટે હમેશાં ચિંતાતુર રહે છે. આજ ના આધુનિક અને કહેવાતાં ભણેલા ગણેલા લોકોના યુગમાં કોઈ બહેન કે દીકરી સુરક્ષિત નથી. દીકરી નો પિતા નું હૃદય કાયમ થી ફફડતું હોય છે. ઘરની બહાર ગયેલ દીકરી જ્યારે પોતાનું કામ કે શિક્ષણ પતાવી ઘરે પાછી ફરે ત્યારે જ દીકરી ના માતાપિતા રાહત ના શ્વાસો લઈ શકે છે. દરેક માતાપિતા એ પોતાના દિકરા ને સમજ આપવાની જરૂર છે જે દિકરી ને પીડિત કરો છો તે બીજા કોઈ માતાપિતા ની દિકરી, ભાઈ ની બહેન કે કોઈની પત્ની છે. સ્માર્ટ ફોન ના આવ્યાં પછી આ દૂષણ સમાજ માં ભરડો લઈ રહ્યો છે. દરેક નાની કે મોટી વ્યક્તિ બધું જાણતી અને સમજતી થઈ ગઈ છે. આજ થી દસ વર્ષ પહેલાં લોકો માં આટલી બધી જાણકારી નહોતી. સ્માર્ટ ફોન જેવી સૌથી ઉપયોગી વસ્તુનો દુરઉપયોગ થઈ રહ્યો છે. યોગ્ય સમયે અને યોગ્ય ઉમરે જ બાળકોને સ્માર્ટ ફોન આપવો જોઈએ. કવિ એ પિતા લાગણી વ્યક્ત કરી છે. કે લોકો નું ઈમાન બદલતા તો વાર લાગશે કારણકે આ એક વ્યક્તિ નું ઈમાન નથી બદલવાનું આખાં સમાજ નું ઈમાન બદલવાનું છે એક પિતા માં એટલી ધીરજ નથી તેથી તે દિકરી ના વાન બદલવાનું કહે છે કે જે તેમનાં હાથ માં છે સમાજ નું ઈમાન બદલવાનું તેમના માટે શક્ય નથી અને હાથમાં પણ નથી. સમાજ ની આ વાસ્તવિકતા અને માતાપિતા ની ચિતાં નો વિચાર કરવો જોઈએ. ભગવાન ને પ્રાર્થના કરે છે કે દરેક ની દીકરી સુરક્ષિત રીતે જીવન પસાર કરે.
૩૧-૮-૨૦૨૪
6
રોજ તકલીફો ઘણી માણસ કરે તો શું કરે ?
સૂર્યથી નાનો ઘણો, ફાનસ કરે તો શું કરે ?
ચોતરફ તો લાંગરેલા વેદનાના વહાણ છે,
વાંક કોનો શોધવો,દરિયો કરે તો શું કરે ?
© કલ્પેશ સોલંકી " કલ્પ"
કવિ કલ્પેશ સોલંકી દ્વારા લખાયેલ ગઝલ ના બે અર્થ સભર શેર માં કવિ એ આજ ના યુગમાં માણસો ની પરિસ્થિતિ નો ચિતાર રજૂ કર્યો છે. આજ નો માણસ દરરોજ નવી નવી તકલીફો અને વેદના ઓ થી ચારેબાજુએ થી ઘેરાયેલો છે. રોજ નવી તકલીફ સામે આવતાં જુની તકલીફ નાની લાગે. નવો દિવસ અઘરો અને જુનો દિવસ સહેલો લાગે. આવા સંજોગોમાં માણસ કરે તો શું કરે? જિંદગી ની માયાજાળ માં એવો ફસાયો છે કે બહાર નીકળવા માટે તરફડિયાં મારે છે પણ પોતાની જવાબદારી અને ધરેડમાંથી બહાર નીકળી શકતો નથી. આમ જ અવઢવ માં જીંદગી જીવે જાય છે.
જિંદગી નો દરિયો વેદના ના વાહણો થી ઉભરાય છે. વાંક શોધવાં છતાં મળતો નથી. ન તો દરિયો પાર કરી કિનારે જઈ શકાય છે ન તો દરિયા ની અંદર જીવી શકાતું. જિંદગી ના દરિયા ની વેદના નો ઈલાજ નથી જેમાં કોઈનો પણ વાંક કાઢયા વગર હસતાં હસતાં જીંદગી નું વાહણ આગળ વધારવાનું છે.
સાર
જે પરિસ્થિતિ છે તેને સ્વીકારી ને જીવન જીવવું એમાં જ માણસની હોશિયારી અને બહાદુરી ગણાય છે.
૯-૯-૨૦૨૪