કંઈ કેટલાંય વર્ષોથી
ડાયરીમાં છુપાવેલું
એક ગુલાબ
આજ ફરી
છાનું છાનું
મારી ભીતર મહેક્યું !
~ ખ્યાતિ શાહ
યાદગીરી રૂપે સાચવી રાખેલ
ગુલાબ કે કોઈ પણ પ્રકારની વસ્તુ જ્યારે નજર સામે આવે છે ત્યારે દિલ ના કોઈ ખૂણા ફરી એ યાદો તાજી થઈ જાય છે અને ફરી એ ક્ષણ જીવી લઈએ છીએ. અને હૈયું ખુશી થી ઝુમી ઊઠે છે. પ્યારી અને ગમતી વ્યક્તિ આપેલ ભેટ એ ક્યાંક છુપાયેલી રાખવી જોઈએ અને જિંદગી ના આખરી પડાવ માં આ યાદગીરી જીવન જીવવા માટે આધાર બની જાય છે.
કવિ એ ડાયરી માં છુપાયેલા ગુલાબ વિશે વાત કરી છે એ ડાયરી જ્યારે વર્ષો પછી હાથ માં આવે અને એની અંદર છુપાયેલું ગુલાબ જોઈ ભીતર આનંદ વિભોર બની હૈયા ને મહેકાવી દે છે ત્યારે એ પળ જિંદગી ની સૌથી ખૂબસૂરત પળ બની જાય છે.
એનું આંસુ મેં એમાં લૂછયું છે,
કેટલો કીમતી રૂમાલ થયો!
સંદીપ પૂજારા
કેટલાક હેમખેમ જીવે છે,
બાકીના જેમતેમ જીવે છે.
મુકુલ ચોકસી
જીવન કેવું મળ્યું છે તે અગત્યનું નથી તે કેવી રીતે જીવવું તે અગત્યનું છે. ઘણાં ને જીવન ખૂબ જ સરળ મળે છે અને ઘણાં ને ખૂબ ખૂબ કઠિન. કઠિનતા માં સરળતા ઉભી કરે એ જ માનવી કહેવાય છે. જીવન સીધે સીધુ બહુ ઓછા લોકો નું પસાર થાય છે બાકી લોકો ના જીવન માં અપાર મુશ્કેલીઓ હોય છે અને જીવન આમ જ પસાર થઈ જાય છે.
આ શેર માં કવિ એ ૬ શબ્દો માં જીવન ની વાત કરી છે. હેમખેમ અને જેમતેમ માં જીવન સમાયેલું છે. જ્યાં સુધી જિંદગી હેમખેમ હોય ત્યાં સુધી સંપૂર્ણ રીતે જીવી લેવી અને માણી લેવી જોઈએ પછી તો જેમતેમ પસાર થઈ જાય છે. તન અને મનથી હેમખેમ રહેવા ની કોશિશ કરવી જોઈએ.
લાગતું જે હોય એ હોતું નથી,
સત્ય એ સમજાય છે? પાછા વળો.
નીતા સોજીત્રા
જે દેખાય એ હોતું નથી હમેશાં સિક્કા ની બે બાજુ હોય છે.
ઘણીવાર આંખે જોયેલું અને કાને સાંભળેલું ખોટું હોય છે. આથી જે લાગતું હોય તે હોતું નથી. અનુભવેલું જ સાચું અને એ સત્ય ઘણું મોડું સમજાય છે. સત્ય ને સામે આવતાં વાર લાગે છે પણ સામે જરૂર આવે છે. અને જ્યારે સત્ય સમજાય ત્યારે પાછાં વળી જવું જોઈએ.
કવિયત્રી એ આ શેર માં સચોટ વાત કરી છે. કે જે લાગતું હોત તે સત્ય હોતું નથી અને એ સત્ય સમજાઈ જાય ત્યારે ચેતી જાઓ અને એ રસ્તે થી પાછા વળો કારણકે રોડ પર જ્યારે મુસાફરી કરતાં હોઈએ ત્યારે "આગળ ખતરો સાવધાન " ત્યારે આપણે સાવધાન થઈ જઈએ છીએ અને રસ્તો બદલી લઈએ છીએ. તેવી રીતે સત્ય સમજાય ત્યારે સમજી ને પાછા વળી જવામાં માં જ ભલાઈ છે. સત્ય નો સ્વીકાર ખૂબ જરૂરી છે અને સત્ય પચાવું સહેલું નથી પરંતુ પોતાની ભલાઈ માટે જેટલું જલ્દી સ્વીકારી અને પચાવી લેવામાં સમય સૂચકતા જરૂરી છે નહિતર અકસ્માત નું દુઃખ સહન કરવાની તૈયારી હોવી જોઈએ.
ચાહવું એ જ પામવું માની,
ખુદને રાધા નહીં મીરા કરશું!
સંદીપ પૂજારા
ચાહવા માં જે મઝા છે તે પામવા માં નથી ઘણીવાર એવું લાગે છે પામી લીધા બાદ કઈ ખૂટી રહ્યું છે. ખરેખરી ચાહત મળતી હોય ત્યારે પામવું જરૂરી નથી હોતું અને જ્યારે વાત ઇશ્ક એ હકીકી ની હોય ત્યારે ચાહત ઉચ્ચ કક્ષા પહોંચેલી હોય ત્યાં ત્યાં પામવા અને ખોવાનું હોતું નથી ત્યાં ફક્ત પવિત્ર અને નિર્મળ પ્રેમ હોય છે. રાધા અને
મીરા નો કૃષ્ણ માટે નો પ્રેમ અદ્દભુત છે. એક પ્રેમ દીવાની છે અને બીજી દર્શન ની દીવાની છે તેઓ ના પ્રેમ માં પામવાનું નથી કેવળ આધ્યાત્મિક પ્રેમ છે. બસ નિઃસ્વાર્થ ભાવે ચાહતા રહેવું.
આ શેર માં કવિ બે લીટી માં પ્રેમ ની પરાકાષ્ઠા વર્ણવી છે. પ્રેમ તો પ્રેમ જ હોય જેમાં પામવું નહીં ફકત બિન શરતી ચાહતા રહેવું હોય છે. ખુદ ને રાધા નહીં પણ મીરા બનશે તેમ કહે છે બસ પ્રિયતમ ના દર્શન માત્ર થી જિંદગી ના પરમ સુખ ના આનંદ મળશે.
વિસ્ફોટ થઈ ને નીકળે, બોલી જો નાખું તો એ,
ભીતર નાં એ રહસ્યો, ઉદગાર પર ઊભા છે.
મીતા ગોર મેવાડા
લોકો ભીતર માં કેટલાય રહસ્યો ધરબાઈ રાખ્યાં હોય છે કેટલાક પોતાના તો કેટલાક બીજાના. આ અંદર ના રહસ્યો અંદર જ સારા નહિતર કેટલાય લોકો ના જીવન માં વિસ્ફોટ લાવી જીવન તહસ નહસ કરી નાખે, ઘણીવાર આ રહસ્યો હોઠો સુધી આવી જાય છે પણ ન બોલવામાં જ નવગુણ. રહસ્યો ને વાચા હોતી નથી તે ભીતર છુપાઈ રહેવા માટે જ હોય છે તેનો વિસ્ફોટ જિંદગી માં બરબાદી લાવે તેના કરતાં તે રહસ્ય બની રહે એ જ સારું. જ્યારે બીજી વ્યકિત ના રહસ્યો જાણતા હોઈએ ત્યારે તેને છૂપા રાખવા જોઈએ અને તેની ગરિમા રાખવી. ભલે તે પછી ઉદગાર બની ઉભા હોય.
આ શેર મને એટલે ગમે છે કે કવિ એ બહુ સરસ કહ્યું છે કે રાઝ ને રાઝ રાખવા અને જે રહસ્યો નો ઉદગાર વિસ્ફોટ સર્જે તેને વાચા ન અપાય. પોતાની અને બીજા લોકો ની પ્રતિષ્ઠા અને ગરિમા ને માન આપવું.
બધાંથી અલગ ચાલવામાં મજા છે,
ચીલા આપણાં પાડવામાં મજા છે.
તળેટી સુધી જઈ ફુલાઈ જશો માં,
ઉભા ડુંગરા ખેડવામાં મજા છે.
મૂક્યું છે જીવન ત્રાજવે તો એ જાણો,
વજનને સહી તોલવામાં મજા છે.
જૂની છે ને પાનાં ઘણાં જર્જરિત છે,
કિતાબો નહિ ખોલવામાં મજા છે.
ખખડધજ થયેલી ઇમારતની આગળ,
અદબથી ઝૂકી ચાલવામાં મજા છે.
શિખરબંધ મંદિર જોયાં ઘણાં પણ,
હરિને મહીં માણવામાં મજા છે.
બની શું ગયો છે? એ જાણી ગયો તો,
ફરી પાછો માણસ થવામાં મજા છે.
~
એકલા ચાલવું અઘરું તો છે પણ નવો રસ્તો કે નવો ચીલો પાડવો હોય તો એકલા જ ચાલવું પડે છે. એકલતા માં માનવી હોશિયાર અને હિમ્મત વાળો થઈ જાય છે. એકલતા માં નવા વિચારો અને નવી દિશાઓ ખૂલે છે. ભીડ માં તો ખોવાઈ જવાનો ડર રહે છે. ભીડ માં ઘણીવાર દિશા વિહીન બની જવાય છે.
ઈતિહાસ ગવાહ છે કે આપણાં મોટાં મોટાં નેતાઓ એ કારાવાસ દરમ્યાન સારા માં સારા પુસ્તકો લખ્યાં અને પ્રગતિ ના રસ્તાઓ શોધ્યા. માનવી એ અંતર આત્મા નો અવાજ સાંભળવો હોય તો એકાંતવાસ માં ચાલ્યાં જવું જોઈએ.
ઋષિ મુનિઓ હિમાલય માં જઈ તપ કરી આત્મ સિદ્ધી તરફ પ્રયાણ કર્યું.
ભીડ સાથે ચાલવું એમાં કોઈ મોટી વાત નથી પરંતુ ભીડ થી અલગ નવા રસ્તે, નવી કેડી ઓ કંડારી શકાય છે. નવો ચીલો પાડવા માં જે આનંદ, ઉત્સાહ, ઉમંગ, ઉલ્લાસ, મઝા અને આત્મ સંતોષ છે તેની મોજ માણવાની મજા જ ઓર હોય છે.
આ શેર માં કવિ એ
અલગ ચીલો ચીતરવાની વાત કરવી છે અને બધાથી અલગ ચાલી એકલતા નો આનંદ માણવાની વાત છે.
અદ્વૈત (Himanshu પટેલ)
વાવાઝોડું અને વંટોળ આવીને જતુ રહ્યું.
પણ, ભીતરના વંટોળ ને વાવાઝોડાનું શું ?
© કલ્પેશ સોલંકી "કલ્પ"
વાવાઝોડું દિલ, દિમાગ, ધરતી, સમુદ્ર કે આકાશ ગમે ત્યાં આવે ધણી બધી તારાજી સર્જી શકે છે. વાવાઝોડા ના નામ, પ્રકાર તેની તીવ્રતા જુદી જુદી હોય શકે પરંતુ નુકસાન અપાર કરી જાય છે એ નુકસાન નારી આંખે દેખાઇ પણ શકે અને ના પણ દેખાય. નુકસાની નો અંદાજ ક્યારેય કાઢી શકાતો નથી.
વાતાવરણ કે હવામાન માં તે ક્યારે આવે તેનો સમય ચોક્કસ કે નિશ્ચિત હોતો નથી કે પૂર્વ તૈયારી કરી શકાય. આજ થી ૩૦ -૪૦ વર્ષ પહેલાં તેની જાણકારી પણ નહોતી મેળવી શકાતી કે આગાહી પણ નહોતી કરી શકાતી આથી જાન માલ નું ઘણું નુકશાન થાતું. અત્યારે આધુનિક ઉપકરણો અને સેટેલાઈટ ની મદદ થી તોફાન અને વાવાઝોડા ની પળે પળ ની માહિતી પ્રસારણ માધ્યમો દ્વારા અને સોશિયલ મીડિયા દ્વારા દર સેકન્ડ દુનિયા ના કોઈપણ ખૂણામાં પહોંચાડી શકાય છે અને જાન અને માલ નું નુકસાન ઓછામાં ઓછું થાય તેવા પ્રયાસો કરવા આવે છે.
સેટેલાઈટ ની મદદ થી વાવાઝોડા ની દિશા અને તીવ્રતા નો અંદાજો મેળવી લોકો ને સુરક્ષિત સ્થાનો પર જવની તાકીદ કરવામાં આવે છે તથા માછીમારો ને દરિયો ખેડવાની મનાઈ ફરમાવામાં આવે છે. વાવાઝોડા ના અસર ગ્રસ્ત વિસ્તારમાં તરતા જ સહાય પહોંચે તેવા પગલાં લેવામાં આવે છે.
વાવાઝોડા થી શારીરિક, માનસિક, નાણાંકીય, સામાજિક અને આર્થિક રીતે રાષ્ટ્ર ને ખૂબ નુકસાન થાય છે. આર્થિક નુકસાન તો પહોંચી વળાય પરંતુ માણસો ના જાન નું નુકસાન ન પોષાય . ઘણા તો પોતાના બધા જ પરિવાર જન ગુમાવી દે છે કેટલા લોકો કાયમ માટે અપંગ પણ બની જાય છે. કેટલાય લોકો ઘર બાર વગર ના થઈ જાય છે.
હાલમાં બિપોરજોય વાવાઝોડા ની આગાહી કરવામાં આવી છે તે આ ક્ષણે પોરબંદર થી ૪૩૦ કિલોમીટર દૂર છે. સાવચેતી ના સંગ્રહ પગલાં લેવામાં આવી રહ્યા છે. ગુજરાત નો દરિયા માં મોજા ઉછળી રહ્યા છે દરિયામાં કરંટ આવી રહ્યો છે કિનારા પર ના લોકો ને સુરક્ષિત સ્થાન પર પહોંચી ગયા છે. સાવચેતી ના બધા જ પગલાં ભર્યા છે. દ્વારિકાધીશ ભગવાન ને પ્રાર્થના કે આ વાવાઝોડું કોઈપણ નુકસાન કર્યા વગર પોતાનું તોફાન સમાવી દે. કુદરત ની કૃપા સદા ધરતી પર રહે.
કવિ કહે છે વાવાઝોડું અને વંટોળ તો આવી જતો રહે છે પરંતુ ભીતર માં આવેલ યાદોનું, એકલતા ના વાવાઝોડા નું શું કરવાનું. જે ક્યારે પણ સમવા નું નથી કારણકે યાદો નું વાવાઝોડું અને વંટોળ ભારે તબાહી સર્જે છે. આ વાવાઝોડું વ્યકિત ને અંદર થી તોડીફોડી નાખે છે દિલ અને દિમાગ ની પરિસ્થિતિ વ્યકિત ને વેન્ટિલેટર પર મૂકી દે છે.
સખી
દર્શિતા બાબુભાઇ શાહ