વરદાન કે અભિશાપ - ભાગ 39 Payal Chavda Palodara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વરદાન કે અભિશાપ - ભાગ 39

વરદાન કે અભિશાપ (ભાગ-૩૯)

                (અકસ્માતના સ્થળે પોલીસ દ્વારા જરૂરી તપાસની કાર્યવાહી પૂરી કરી, સુરેશના પર્સમાંથી જે મોબાઇલ મળ્યો હતો તેમાં છેલ્લે ફોન કોલ કરેલ નંબર પર તેવો કોલ કરે છે. તે નંબર નરેશનો હતો. નરેશનો ફોન નીચે રૂમમાં હતો અને તે પરિવાર સાથે ધાબા પર સૂઇ ગયો હતો. તે એટલો ભર ઉંઘમાં હતો કે તેને ચાર-પાંચ વખત ફોન વાગ્યો તે તેને સંભળાયો જ નહિ. આખરે તે ઉંઘમાંથી બહાર આવે છે અને તેને આભાસ થાય છે કે તેનો ફોન વાગે છે. નરેશ ઝડપથી ધાબા પરથી નીચે ઉતરી રૂમનો દરવાજો ખોલે છે. તો સાચે જ તેનો ફોન વાગતો હોય છે. તેની નજર તરત જ ઘડીયાળ તરફ પડે છે. ત્યારે ઘડીયાળમાં અઢી વાગ્યા હતા. તે ચિંતામાં આવી જાય છે કે, આટલી મોડી રાતે તેને કોણ ફોન કરતું હશે.!!!!!!! તેણે ફોન જોયો તો નંબર તો તેના ભાઇ સુરેશનો હતો. સામે છેડે પોલીસ ઓફિસર તેને તેના ભાઇ-ભાભીના અકસ્માતમાં મૃત્યુના સમાચાર આપે છે. હવે આગળ.................)  

 

            ફોન મૂકયા પછી નરેશ સતત રડયા જ કરે છે. સુશીલા ગભરાઇ જાય છે. તેને વારંવાર રડવાનું કારણ પૂછે છે.  

સુશીલા : શું થયું તમને ? અને કેમ આટલું રડો છો? આટલા વાગ્યે કોનો ફોન આવ્યો  હતો ?   

નરેશ : (રડતાં-રડતાં) સુરેશનો ફોન હતો.

સુશીલા : શું કહેતા હતા? ને આટલી રાતે મોડા ફોન કર્યો બધું ઠીક તો છે ને?  

નરેશ : કંઇ જ ઠીક નથી. ભાઇ અને ભાભીનો અકસ્માત થયો છે. રાજકોટથી મારા પર ફોન આવ્યો હતો

સુશીલા : ઓ બાપરે.......... તો વધારે તો નથી વાગ્યું ને?    

નરેશ : (પોક મૂકીને રડવા લાગે છે) ભાઇ અને ભાભી આપણને મૂકીને જતા રહ્યા.

સુશીલા : શું ? ના હોય આ તમે શું બોલો છો? કાલે તો હજી આપણને લગ્નમાં મળ્યા છે.     

નરેશ : હું સાચું કહું છું.

સુશીલા : ના આમ તો ના બને. જરુર ભૂલથી કોઇ બીજાનો ફોન નંબર હશે.

નરેશ : (બે હાથથી સુશીલાના ખભાને પકડે છે) હું સાચું કહું છું. પોલીસનો ફોન હતો તેઓ બંને અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે અને મારે કોઇને સાથે લઇને રાજકોટ જવાનું છે.

            એ પછી તો નરેશ અને સુશીલા બંને બહુ જ રડે છે. થોડી વાર બાદ સ્વસ્થ થયા પછી નરેશ કોને પોતાની સાથે લઇ જવું તે વિચારે છે. આખરે તે તેના નાના ભાઇ ભાનુપ્રસાદને યાદ કરે છે અને તેને જ સાથે લઇ જવાનું નકકી કરે છે. કેમ કે તે ગાડી ચલાવવામાં પ્રવિણ હોય છે. નરેશ પછી ભાનુપ્રસાદને ફોન કરે છે.

ભાનુપ્રસાદ : હા, ભાઇ. બોલો. કેમ આટલી રાતે ફોન ? બધું બરાબર તો છે ને?

નરેશ : બરાબર નથી, ભાઇ. સુરેશ અને ભાભીને અકસ્માત થયો છે રાજકોટમાં. આપણે ત્યાં જવાનું છે.

ભાનુપ્રસાદ : (પલંગ પરથી બેઠો થઇ જાય છે) હું વાત કરે છે? ભાઇ-ભાભીને બહુ વાગ્યું તો નથી ને?

નરેશ : (બોલતાં અટકાઇ જાય છે અને પછી વિચારે છે કે ભાનુપ્રસાદને હાલ કઇશ તો એ પાછો ગાડી નઇ ચલાવી શકે ભાંગી પડશે. એટલે હાલ એને ના કહું એ જ સારું છે.)

ભાનુપ્રસાદ : શું થયું ? બોલ. વધારે વાગ્યું છે ભાઇ-ભાભીને ?

નરેશ : હા થોડું વધારે વાગ્યું છે. દવાખાનામાં દાખલ કર્યા છે. સગા કોઇ છે નઇ એટલે આપણને બોલાવ્યા છે.

ભાનુપ્રસાદ : ઓહ... હા તો ચલ હું દસ-પંદર મિનિટમાં આવું છું.  

નરેશ : હા તો આવ. હું તૈયાર રહું છું.

ભાનુપ્રસાદ : સારું.

            ફોન મૂકતાં જ સુશીલા તો નરેશની સામે જોઇ રહે છે. તેના મનમાં એ જ સવાલ હોય છે અને તે પૂછે એ પહેલા જ નરેશ તેને જણાવી દે છે કે તેણે ભાનુપ્રસાદને શા માટે પૂરી હકીકત ના કહી. કેમ કે, તેને દૂર રાજકોટ જવાનું છે. સુશીલા સમજી જાય છે અને પછી નરેશ જવાની તૈયારી કરે છે.

 

(ભાનુપ્રસાદને જયારે ભાઇ-ભાભીના મૃત્યુના સમાચાર રાજકોટ પહોંચીને મળશે ત્યારે શું થશે? કઇ રીતે નરેશ બધી પરિસ્થિતિનો સામનો કરશે ?)

 

 (વધુ આવતા પ્રકરણે ભાગ-૪૦ માં)

 

-  પાયલ ચાવડા પાલોદરા