Featured Books
શ્રેણી
શેયર કરો

૧૦ દિવસ કેમ્પનાં - પ્રકરણ ૨ (ઠેકાણે પહોંચ્યા)

ઠેકાણે પહોંચ્યા 

કેમ્પને ઠેકાણે ભેગું થવાનો સમય બપોરે બાર વાગ્યાં સુધી છે. બધા પોતાની રીતે મિત્ર મંડળ સાથે જવાના છે. અમારે પાંચ મિત્રોનું ગ્રુપ હતું. એક વ્યક્તિ જુનિયર માંથી લઇ લીધો. બીજા જુનિયરને રીક્ષાનું સેટિંગ કરી દીધું. બે રીક્ષામાં છ અને છ એમ બાર જણા સાથે એક-એક થેલા લઇ ખડકાય ગયા. 

બંને રીક્ષા લઇ સાથે ઉપડી ગયા. રસ્તામાં બધા પોતાના વિચારો રજુ કરતાં હતા. બધાને તે જાણવાની ઉતાવળ હતી. રહેવાનું કેવું આપશે? બીજાને પૂછી તે જાણી લીધું હતું, ત્યાં કેવું છે? ત્યાં થોડું સારું અને થોડું નબળું બંને છે. ત્યાં જાય પછી વધું ખબર પડે. 

કેમ્પ કરતાં લોકોમાં કોલેજનાં બીજા અને ત્રીજા વર્ષનાં વિદ્યાર્થી છે. બધા વિદ્યાર્થી સિનિયર - જુનિયર બધું ભૂલી હળીમળીને સાથે રહેવું. એક-બીજાને મદદરૂપ થવું. કોલેજનું નામ ખરાબ થાય તેવા કોઈ કામ કરવા નહીં. ત્યાં બધા ‘બી.એ. અગ્રી’ નામ પરથી ઓળખે છે. સિનિયર સાથે બધા જુનિયર ખુલીને વાત કરે, મિત્ર બની રહે. સિનિયર બધા જુનિયરને પોતાનો નાનો ભાઈ સમજે, હેરાન કરે નહી. ત્યાં આવેલ લોકો સામે આપણી કોલેજના કોઈ એક વિદ્યાર્થીનો ડખો થાય તો પણ આપણા બધા સામે વાળાની માથે ચડી જશે અને બધા ભેગા સાથમાં ઉભા રહેશે. કારણ કે, આપણાં જેટલાં વિદ્યાર્થી બીજી કોલેજમાં હોતા નથી. આપણે કોઈની નીચે રહેવાનું કે બીવાનું નથી. આવી વાતો એક બીજા સાથે કરી. 

આગળ ચાલતી ખચો ખચ ભરેલ રીક્ષાને લોકલ પોલિસે રસ્તામાં ઉભા રાખ્યા. અમારી રીક્ષા તેની પાછળ હતી. તેને ઉભા રાખતા હતા ત્યારે અમે બાજુમાંથી પોલીસ સામે નજર કર્યા વગર રીક્ષાની ટોપ સ્પીડે નીકળી ગયા. થોડી વાર પછી મે તેમાં બેઠેલ જુનિયરને ફોન કરી પૂછી જોયું. ‘શું થયું? કેટલાનો ચાંદલો કરીયો?’ તેણે કહ્યું ‘રીક્ષાવાળા ભાઈને ઉતારી તેની ગાડી પાસે બોલાવી ગયા. પછી તેણે NCC વાળા છોકરાઓને કેમ્પ સુધી મુકવા જાવ છું તેવું કહેતા તેને છોડી દીધા.’ મને થયું સારું થયું રીક્ષાવાળા ભાઈ બચી ગયા. અમારું નામ તેને ક્યાંક તો કામ આવ્યું. નૈતર તેને સો-બસોનો કારણ વગર ડામ લાગત. 

જ્યારે હું રીક્ષાનું નક્કી કરવા ગયો. ત્યારે તે રીક્ષાવાળા ભાઈ ફાંકા ઠોકતા હતા. ‘મે જોયું કેમ્પનું ઠેકાણું ક્યાં છે. કેમ્પ ગામથી ત્રણ કિલોમીટર આગળ થાય છે હું ત્યાં મૂકી જઈશ’. જ્યારે તે ગામ પોહોંચિ ગયા ત્યારે રીક્ષાવાળાને ફાંફા પડી ગયા. ક્યાં કેમ્પનું ઠેકાણું છે, તેને ખબર ન હતી. તે ગામના લોકો ખુબ સારા કહેવાય. તમે તેને કઈ પૂછો તે પહેલા તે ઈસારો કરી બતાવે. કઈ બાજુ અમારે જવાનુ છે. તે ખાલી છોકરાઓ ભરેલ રીક્ષા જોઈને સમજી જતા આ ટોળકીને ક્યાં જવું છે? રીક્ષા એક બાજુથી ગામમાં ઘૂસી એટલે અમે જોતા ગયા. ક્યાં શું આવેલ છે? નાસ્તાની દુકાન ક્યાં છે? બીજી કોઈ વસ્તુ ક્યાં મડે છે? આવો સર્વે કરી લીધો.

ગામ બહાર નીકળતા સાથે આર્મીના ખટારા અને અમારા જેવી પબ્લિક દેખાણી. તે મેઈન રસ્તાથી એક દોઢ કિલોમીટર થયું હશે. રીક્ષા માંથી ઉતરતી વખતે મને થયું થોડી લાલચ આપું રીક્ષાવાળા ભાઈને દસ દિવસ પછી પાછા જવાના સમયે તેડી જાય. તેણે તરત કહી દીધું ‘ભાઈ, અહીંથી એસ.ટી. બસ આવતી હશે. તે પકડી લેજો. તેમાં તમારે સારું પડશે.’ એ પોલિસની બીકે કીધું કે આ ફેરામાં ભાળું પોસાય તેમ ન હતું એટલે કીધું ખબર ન પડી. તેમ છતાં મોબાઈલ નંબર આપી કહેતા ગયા. ‘જરૂર લાગે તો ફોન કરજો, હું તેડી જઈશ’. 

રીક્ષા માંથી બિસ્ત્રા પોટલાં ઉતારી આજુબાજુ ક્યાં જવાનું જોતા હતા. બધી બાજુ સરકારી જગ્યા લાગતી હતી. સરકારી જગ્યા એટલે જૂનું ખળભળી ગયેલું અને જુના થયેલ કલર વાળું મકાન કે બાંધકામ. એટલે અંદરથી એવું થયું થોડું વ્યવસ્થિત હોય તો સારું રહેશે. પણ તેનો કોઈ મતલબ ન હતો. 

કોઈ મુશ્કેલી આવવાની છે તે ખબર હોવા છતાં અત્યારથી તેની ચિંતા કરી હાલનો સમય હું બગળવામાં માનતો નથી. ચિંતા કરવાથી તે મુશ્કેલી નહીં આવે તેવું પણ નહીં થાય અને મુશ્કેલી આવશે તો તે ઓછી થઇ જશે તેવું પણ નહીં થાય. તેથી વર્તમાનમાં જીવી મોજ મજા કરી લો.