Featured Books
શ્રેણી
શેયર કરો

૧૦ દિવસ કેમ્પનાં - પ્રકરણ ૩ (સાંઈ હોલ)

સાંઈ હોલ 

અમારા કેમ્પ માટે કોલેજ સિનિયર મારો મિત્ર હતો. તે એમના છ લોકોના ગ્રુપ સાથે અમારી આગળ થોડા સમય પહેલા નીકળ્યા હતા. તે પહોંચી અમારી રિપોર્ટિંગ માટે રાહ જોતા હતા. તેમ છતાં અમારી પબ્લિક ઘટતી હતી. અમારે ૩૭ લોકોને એક સાથે રિપોર્ટિંગ કરાવા કહ્યું હતું. 

રીક્ષામાંથી ઉતરી જોયું, જે કેમ્પનું ઠેકાણું તે ગામનો મેરેજ હોલ હતો. અંદર અમારા સિનિયર ઉભા હતા. તેણે ઇસારા દ્વારા અંદર આવવા કહ્યું. બધા અંદર જઈ સમાન એક બાજુમાં મૂકી ગેલ્વેનાઈઝ પાઇપના બનેલ, આર્મીના ખાશ પ્રકારના કાપડથી, બે બાજુ ઢાળ વાળી છત અને ત્રણ બાજુથી ખુલ્લા તંબુ નીચે વ્યવસ્થિત ઢબે મુકેલી ખુરસીમાં રાહ જોવા ગોઠવાણા. 

અમારા સિવાય બીજા નાના-મોટા છોકરાઓ પોતાની મોટી વીલ બેગો સાથે રિપોર્ટિંગ કરતાં અને પોતાને આપેલ રહેવાની જગ્યા પર જતા હતા. એ મોટી વીલ બેગો જોઈને એવું લાગતું હતું “આટલુ બધું શું લઈને આવતા હશે ?” અમારી પાસે સ્કુલ બેગથી થોડા મોટા થેલા હતા. તેમાં કેટલું બધું યાદ કરીને લાવવાની તમામ વસ્તુ નાખી હતી, તેમ છતાં એટલામાં બધું સમાય ગયું. તેની પાસે અમારાથી ત્રણ ગણો વધારે સમાન હતો. 

જલ્દી રિપોર્ટિંગ થાય તેવું બધા વિચારતા હતા. જેથી રહેવાની સારી જગ્યા મડી જાય. હંમેશા આપણે જેવું વિચારતા હોય, કે આમ થવું જોઈએ. તેવું કોઈક સમયે થતું નથી. થોડા સમયમાં બધા ભેગા થયા. કોલેજ સિનિયરે સાહેબ પાસે જઈ વાત કરી. અમને રિપોર્ટિંગ માટે બપોરના કાળા તળકામાં લાઈન કરી ઉભા રાખ્યા. એક પછી એક બધાના અંગુઠાની ફિંગરપ્રિન્ટ લીધી. ત્યારબાદ ઘણો સમય તળકે ઉભા રહી રાહ જોઈ પણ કોઈએ ક્યાં રહેવાનું છે? તેની જાણ કરી નહીં. જ્યા બીજી સ્કૂલના છોકરા જતા. ત્યાં સારું રહેવાનું હતું. કોઈના કીધા વગર અમે સમાન સાથે બધા ત્યાં ઘૂસી ગ્યા. બધાને ધક્કા દઈ બહાર કાઢીયા અને ફરી તળકે ઉભા રાખ્યા. 

કોઈક સાહેબે કીધું તમારે સાંઈ હોલમાં રહેવાનું છે. સાંઈ હોલ નામ સાંભળતા જે બીજી વાર કેમ્પમાં આવેલા બે-ત્રણ છોકરાઓ તેના મોઢા પર અલગ પ્રકારના હાવભાવ દેખાતા હતા. જે દુઃખી કે હતાશ ન હતા, જે સુખી કે ખુશ ન હતા. જે પરાણે હસતા હોય. તેવું મોઢું બનાવતા હતા. કોઈએ તેને પૂછવાની કોશિશ કરી, પણ તે કહેતા ન હતા. કદાચ તેને ખબર નહીં હોય. તેણે રસ્તો જોયો હોય તેમ તે આગળ અને બીજું લસ્કર તેની પાછળ પોતાના બિસ્ત્રા પોટલાં લઇ ચાલતું હતું. 

હું તેની નજીક હતો. મને થયું લાવ હું પૂછી જોવ, બીજાના પ્રસ્નોના જવાબ ન મળતા, પછી મે પણ માંડી વાયરું. ત્યાં જતા હતા તો તેને પૂછીને શું ફાયદો? ત્યાં જઈએ છીએ તો ત્યાં જઈને જ જોઈ લેશું. જેવું હોય તેવું. 

શ્રી સાંઈ બાબા સંસ્કૃતિક હોલ પહોંચી ગયા. જે હોલ ગામના લોકો માટે કાર્યક્રમ કરવા બનાવવાવમાં આવ્યો હોય તેવું લાગ્યું. ઘણા સમયથી તેમાં કોઈ કાર્યક્રમ ન થયા હોય તેમ ઉપર ધૂળ-જાળા લાગી ગયા હતા. ઉપર પતરા સાથે બેની જોળીમાં ઇન્ડસ્ટ્રીઅલ વેન્ટિલેશન ફેન લાઈન બધ્ધ ગોઠવ્યા હતા. જે દિવસ રાત થાક્યા વગર ફરતા જ રહેતા. કેટલા દિવસથી શુમશામ પડેલ હોલ અચાનક છોકરાઓના કલબલાટથી ગુંજી ઉઠિયો હતો. હોલના સ્ટેજ પર વચ્ચે ગણેશ ભગવાનનો ફોટોફ્રેમ અને ડાબી બાજુ દીવાલ પર સાંઈ બાબાની ફોટોફ્રેમ હતી. જેનો પવન નીચે સુધી પહોંચે નહીં તેવા જરૂરથી વધું ઉચા લટકતા પંખા હતા. 

અમે જે સમયે પહોંચીયા ત્યારે કદાચ બધા આવી અને પોતાને યોગ્ય લાગે તેવી બધી જગ્યા કબ્જે કરી લીધી હતી. દીવાલની બાજુમાં, ફોન ચાર્જિંગ થઇ શકે તેવી પ્લગ-બોર્ડ વાળી જગ્યા, સારી કન્ડિશન વાળા પંખા નીચે, બારી પાસે અને સ્ટેજ ઉપર બધી સારી જગ્યાએ ધામા નાખી ગોઢવાઈ ગયા હતા. ખાલી ભાગ હોલ વચારે હતો. જ્યા પાંખ તો હતા પણ ચાલુ કન્ડિશનમાં નહીં. કોઈ દીવાલનો ટેકો નહીં. કોઈ ચાર્જિંગ પ્લગ કે બોર્ડ નહી. કપડાં સુકવવા દોરી બાંધી શકાય તેવી જગ્યા નહીં. સામસામે દરવાજા હતા તેમાંથી ક્યારેક ધીમી પવનની લહેરખી આવતી. બધા પાસે નીચે પાથરીને સુવા માટે લીલી કાર્પેટ હતી. અમારી પાસે તે પણ ન હતી. બીજાને પૂછતાં જાણ થઇ કે તે કોલેજ પ્રમાણે સ્ટોર માંથી ઇસ્યુ કરવાની અને પછી કેમ્પ પૂરો થાય ત્યારે જમા કરવાની હોય. 

બધા એક બીજાને પૂછતાં હતા, “આવી પરિસ્થિતિમાં દસ દિવસ કેવી રીતે નીકળશે ?”