Featured Books
શ્રેણી
શેયર કરો

૧૦ દિવસ કેમ્પનાં - પ્રકરણ ૪ (કાર્પેટની માથાકૂટ)


કાર્પેટની માથાકૂટ 
 
હોલ અંદર જઈને જ્યા લીલી કાર્પેટ પર જગ્યા દેખાય ત્યાં બે-ત્રણના ગ્રુપમાં ફિટ થવા લાગ્યા. ત્યારે જે કોલેજના વિદ્યાર્થી લીલી કાર્પેટ લાવ્યા હતા તે બધા અમને કાઢવા લાગ્યા 'અમારી જગ્યા છે' એવું કહીને. અમે હોલ વચ્ચે આવેલ કાર્પેટ વગરની જગ્યાએ ભારે ભરખમ થેલા હાલના સમય માટે ત્યાં મૂકી દીધા. મને લાગ્યું “આપડે આવવામાં મોડું થયું એટલે આપડા ભાગમાં કાર્પેટ આવી નહીં.” 

થેલા પડતા મૂકી. મેસ માંથી રેક્ટરની ઢગલા બંધ ગાળો ખાઈને કેમ્પમાં વાપરવા લીધેલ થાળી વાટકા લઇ બપોરે બે-અઢી વાગ્યે પેટનો ખાડો પુરવા નીકળ્યા. સવારે નાસ્તા કર્યા વગર સમાન પેક કર્યો. કેમ્પમાં આવતા બધા છોકરાઓને થાળી વાટકા આપવામાં રેક્ટર સાથે મે અને મારાં મિત્રએ ઘણી માથાકૂટ કરી, ગાળો ખાધી, ત્રણ-ચાર ઓફિસે ધક્કા ખાધા તેથી બોવ થાક અને ભૂખ લાગી હતી. રોજ બપોરે બાર વાગ્યે જમવા જોતું હોય તેને બે વાગ્યાં સુધી સહન કરવું થોડુંક કઠણ પડે. 

જમવાનું મેરેજ હોલમાં હતું. જમવામાં પુરી, પનીરનું અને કઠોડનું એમ બે શાક, દાળ-ભાત, તરેલ ભૂંગળા, એક કોથળી અમુલ છાસ અને એક કેળું આટલુ મળ્યું. જમવાનું અમને એકદમ સારુ લાગ્યું. બીજાને કેવું લાગ્યું એતો રામ જાણે. અમારી મેસ કરતાં દસ ગણું સારું હતું, એટલે અમે પેટ ભરી ખાધું. અમારી હોસ્ટેલમાં તેને ખાતર પાડવું કહેતા. જે વધારે ખાય તેને ખાતરયો કહી ખીજવતા. 

મને ખબર ન હતી, કે જમીને બહાર નીકળતા સમયે થાળીમાં જમવાનું વધેલુ તો નથીને તેવું ચેક કરે છે. મે કેળાની છાલ, છાશની કોથરી અને કેરીના અથાણાંનો જે ખાઈ ન શકાય તેવો ભાગ અને થોડો શાકનો રસો બધું ભેગું કરી દીધું. હું બહાર નીકળવા ગયો, ત્યાં કહ્યું “આ બધું ખાઈને આવો.” તે કોઈ પણ સંજોગોમાં ખાઈ શકાય તેમ હતું નહીં. 

મારી આગળની હોસ્ટેલમાં પણ થાળીમાં જમવાનું વધારેલ નથીને તેનું રોજ ચેકીંગ થતું. ત્યાં અમને શીખવતા “જેટલું જમવું હોય, એટલું જ લેવાનું. અન્નનો બગાડ કરવાનો નહીં. આપણાને જે જમવા મળ્યું છે તેના માટે આપણે નસીબદાર છીએ. ઘણા લોકોને એક કોળિયો જમવાનું પણ નસીબ થતું નથી. અન્નનો હંમેશા આદર કરવો.” જેનાથી હું ક્યારેય થાળીમાં આવેલ ભોજનનો બગાડ કરતો નથી. 

અહીંયા પણ મારે હોસ્ટેલમાં ઉપયોગ થતી એવી તરકીબ અપનાવી પડી. મને પૂરો વિશ્વાસ હતો, કે હું તેમાં સફળ થઈશ. મે થાળીમાં વધેલ સામાન હાથમાં લઈને, તે હાથે થાળી પકડી લીધી. સામાન થાળી નીચે હાથમાં દેખાય નહીં તેમ થાળી સેટ કરી લીધી. આ રીતે હું ચેક કરવા વાળા સામેથી નીકળી ગયો. બહાર નીકળી ફરી વધારાનો કચરો થાળીમાં રાખી પછી તેને ડબામાં ફેંકી દીધો.

જમીને થાળી ધોવામાં લાંબી લાઈનો લાગેલ હતી. લોકો ઘણા સમય સુધી થાળી એવી રીતે ધોતા હતા કે, થાળીનો ઉપયોગ અરીસા તરીકે કરવો હોય. લાઈનમાં ઉભા રહી વારો તો આવ્યો, પણ એવું લાગ્યું રોજ આવી રીતે લાઈનમાં ઉભું રહેવું પોસાય તેમ નથી. જેથી થોડા મોડા જમવા જવાનો નિર્ણય લીધો. 

હવે કાર્પેટ ગોતવાનો સમય હતો. બીજા લોકોએ કિધું “કાર્પેટ ક્યુ.એમ.સ્ટોર માંથી કોલેજ પ્રમાણે ઇસ્યુ કરવાની હોય.” અમારા ૩૭ લોકો માટે કાર્પેટ લેવા છ-સાત લોકો ક્યુ.એમ.સ્ટોર ગોતવા નીકળ્યા. ઘણું રખળી બીજાને પૂછી પૂછીને ક્યુ.એમ.સ્ટોર તો મળી ગયો, પણ ત્યાં તાળું મારેલ હતું. પછી તે સ્ટોર સંભાળતા કોટર માસ્ટરને ગોતવા નીકળ્યા. 

એક આર્મીના સાહેબને પૂછતાં તેણે ઘણું બધું ભાષણ સંભળાવી દીધું. તેની વાત તો સાચી હતી, પણ અમારા માટે એટલી જરૂરી ન હતી. અમે સુવા માટે નીચે પાથરવા કાર્પેટ માંગવા ગયા હતા. તેણે એવું કીધું “ આપણે કોઈ પણ જગ્યાએ જઈ ત્યાં આપણને જે સુવિધા જોતી હોય તે સાથે લઈને જવું જોઈએ. આપણે જ્યા જઈએ ત્યાં આપણને બધી સુવિધા મળશે તેવી આશા ન રાખવી જોઈએ. જો ન મળે તો આપણી પાસે પાતળું ગાદલું પાથરવા, પંખો ન હોય તો તેના માટે નાનો પંખો, બોર્ડ નજીક ન હોય તો સાથે એક્સટેન્શન બોર્ડ જેનાથી પંખો પણ ચાલી શકે અને મોબાઈલ પણ ચાર્જ થઇ શકે. આટલુ સાથે લઈને ચાલવું જોઈએ.” આ બધું મને તેના માટે ઠીક લાગ્યું. કારણ કે તેને ઘણી એવી જગ્યાએ જઈ રહેવાનું હોય ત્યાં કઈ પણ વ્યવસ્થા ન હોય. મારે વર્ષે એક વખત ક્યાંક જવાનો વારો આવે. પછી આખુ વર્ષ આવી વસ્તુ ધૂળ ખાતી રખડે. 

જ્યારે ક્યુ.એમ.સ્ટોર ખુલીયો ત્યારે અમારી પહેલા કોઈને એક કાર્પેટ લઈને જતા જોયું. અમે સાત લોકો જયારે કાર્પેટ લેવા ગયા. ત્યારે કોઈ બે જણાને અંદર ઉભા રહેવા કીધું. બીજા બધાને કાઢી મૂકિયાં. ત્યાં હવે એક જ કાર્પેટ પડી હતી. બધી કાર્પેટ બીજી કોલેજ વાળાને આપી દીધી હતી. અમારી સંખ્યા સૌથી વધું હતી. તેથી ત્રણની ઓછામાં ઓછી જરૂર હતી. અમારે કોઈ પણ સંજોગોમાં એક કાર્પેટમાં ભેગું થાય તેમ ન હતું. પછી તો શું થાય? અમે એક કાર્પેટ અને બે નાહવાની ડોલ લઈને સાંઈ હોલ પહોંચી ગયા. થોડા કાર્પેટ પર, થોડા નીચે અને જેને બીજી જગ્યાએ મેડ થશે ત્યાં સુઈ જશે.