નારદ પુરાણ - ભાગ 37 Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નારદ પુરાણ - ભાગ 37

જડભરત સૌવીરનરેશને એક પ્રાચીન ઈતિહાસ જણાવી રહ્યા હતા. તેમણે કહ્યું, “જે સમયે મહર્ષિ ઋભુ નગરમાં આવ્યા તે સમયે તેમણે નિદાઘને નગરની બહાર ઊભો દીઠો. ત્યાંનો રાજા વિશાળ સેના સાથે દમામથી નગરમાં પ્રવેશી રહ્યો હતો અને નિદાઘ મનુષ્યોની ભીડથી દૂર જઈને ઊભા હતા. નીદાઘને જોઇને ઋભુ તેમની પાસે ગયા અને અભિવાદન કરીને બોલ્યા “અહો! તમે અહીં એકાંતમાં શાથી ઊભા છો?”

        નિદાઘ બોલ્યા, “વિપ્રવર, આજે આ રમણીય નગરમાં અહીંના રાજા પ્રવેશ કરવા ઈચ્છે છે, તેથી અહીં મનુષ્યોની ભારે ઠઠ જામી છે, એટલે હું અહીં ઊભો છું.”

        ઋભુ બોલ્યા, “દ્વિજશ્રેષ્ઠ, આપ અહીંની વાતો જાણો છો તો મને કહો કે એમાં રાજા કયો છે અને અન્ય મનુષ્યો કોણ છે?”

        નિદાઘ બોલ્યા, “આ જે પર્વતના શિખરના જેવા ઊંચા અને મતવાલા ગજરાજ પર ચઢેલો છે, તે જ રાજા છે ને અન્ય તેના પરિજન છે.”

        ઋભુ બોલ્યા, “મહાભાગ, મેં હાથી તથા રાજાને એકસાથે જોયા છે. આપે વિશેષરૂપથી એમનાં પૃથક પૃથક ચિહ્ન જણાવ્યાં નહિ; તેથી હું ઓળખી શક્યો નહિ માટે એમની વિશેષતા જણાવો. હું જાણવા ઈચ્છું છું કે એમાં રાજા કોણ છે ને હાથી કોણ છે?”

        નિદાઘ બોલ્યા, “એમાં આ જે નીચે ઊભો છે, તે હાથી છે ને એના ઉપર આ રાજા બેઠેલો છે, એ બંનેમાં એક વાહન છે ને બીજો સવાર છે. વાહ્ય-વાહક સંબંધને ભલા કોણ જાણતું નથી?”

        ઋભુ બોલ્યા, “બ્રહ્મન, હું સારી રીતે સમજી શકું તે રીતે સમજાવો. ‘નીચે’ અને ‘ઉપર’ એ બંનેથી આપનો શો અભિપ્રાય છે.”

        ઋભુએ આ પ્રમાણે પૂછવાથી નિદાઘ તેમની ઉપટ ચઢી ગયા અને કહ્યું, “સાંભળો. આપ મને જે પૂછી રહ્યા છો તે હવે સમજાવીને કહું છું. આ સમયે હું રાજા સમાન ઉપર છું, ને આપ ગજરાજની જેમ નીચે છો. હે વિપ્રવર, આપને સમજાવવા માટે જ આ દ્રષ્ટાંત આપ્યું છે.”

        ઋભુ બોલ્યા, “દ્વિજશ્રેષ્ઠ, જો આપ રાજા સમાન છો ને હું હાથીના સમાન છું તો મને કહો કે આપ કોણ છો ને હું કોણ છું?”

        ઋભુએ આ પ્રમાણે પૂછતાં જ નિદાઘે તરત તેમનાં ચરણોમાં મસ્તક નમાવ્યું અને કહ્યું, “ભગવન, આપ નિશ્ચય જ મારા આચાર્યપાદ મહર્ષિ ઋભુ છો; કારણ કે મારા આચાર્ય સિવાય અન્ય કોઈનું હૃદય આ પ્રમાણે અદ્વૈત સંસ્કારથી સંપન્ન નથી. તેથી મને વિશ્વાસ છે કે, આપ મારા ગુરૂજી જ અહીં પધાર્યા છો.”

        ઋભુ બોલ્યા, “નિદાઘ, પહેલાં તમને મારી ઘણી સેવા શુશ્રુષા કરી છે તેથી અત્યંત સ્નેહને લીધે હું તમને ઉપદેશ આપવા માટે તમારો આચાર્ય ઋભુ જ અહીં આવ્યો છું. મહામતે, સમસ્ત પદાર્થોમાં અદ્વૈત આત્મબુદ્ધિ થવી એ જ પરમાર્થનો સાર છે.”

        બ્રાહ્મણ જડભરત બોલ્યા, “મહર્ષિ ઋભુના ચાલ્યા ગયા બાદ, નિદાઘ તેમના ઉપદેશથી અદ્વૈતપરાયણ થઇ સર્વ પ્રાણીઓને પોતાથી અભિન્ન જોવા લાગ્યા. બ્રહ્મર્ષિ નિદાઘે આ પ્રમાણે બ્રહ્મપરાયણ થઈને પરમમોક્ષ પ્રાપ્ત કરી લીધો. હે ધર્મજ્ઞ રાજા, આ જ પ્રમાણે તમારે પણ આત્માને સર્વમાં વ્યાપ્ત જાણીને પોતાનામાં તથા શત્રુમાં અને મિત્રમાં સમાન ભાવ રાખવો.”

        સનંદન બોલ્યા, “બ્રાહ્મણ જડભરતે આમ કહ્યું એથી સૌવીરનરેશે પરમાર્થ ભણી દૃષ્ટિ રાખી ભેદબુદ્ધિનો ત્યાગ કરી દીધો અને બ્રાહ્મણ પણ પૂર્વજન્મની વાતોનું સ્મરણ કરીને બોધયુક્ત થઇ તે જ જન્મમાં મુક્ત થઇ ગયા. નારદ, આ પ્રમાણે મેં તમને પરમાર્થરૂપ આ અધ્યાત્મજ્ઞાન આપ્યું છે જે સાંભળનારા સર્વ કોઈને પણ મુક્તિપ્રદાન કરનારું છે. બીજું હું તમને શું કહું?”

        સૂત બોલ્યા, “સનંદનનું આવું વચન સાંભળીને નારદ અતૃપ્ત જ રહ્યા. તેઓ વળી વધુ શ્રવણ કરવા માટે ઉત્સુક થઈને સનંદનને કહેવા લાગ્યા.”

        નારદ બોલ્યા, “ભગવાન, મેં આપણે જે કંઈ પૂછ્યું, તે બધું આપે જણાવ્યું; તોપણ મારું મન તૃપ્ત થયું નથી. વધારે ને વધારે સાંભળવા માટે ઉત્કંઠિત થઇ રહ્યું છે. એવું સાંભળવામાં આવે છે કે. પરમ ધર્મજ્ઞ વ્યાસપુત્ર શુકદેવજીએ આંતરિક અને બાહ્ય-બધા ભોગોથી પૂર્ણ રીતે વિરક્ત થઈને ભારે સિદ્ધિ પ્રાપ્ત કરી છે. બ્રહ્મન, મહાત્માઓની સેવા (સત્સંગ) કર્યા વિના વિજ્ઞાન (તત્ત્વજ્ઞાન) પ્રાપ્ત થતું નથી, પરંતુ શુકદેવે બાલ્યાવસ્થામાં જ જ્ઞાન મેળવી લીધું. આ કેવી રીતે બન્યું? આપ મોક્ષશાસ્ત્રના તત્ત્વને જાણનારા છો તો આપ મને તેમના રહસ્યમય જન્મ અને કર્મ વિષે કહો.”

        સનંદન બોલ્યા, “નારદ, સાંભળો. હું તમને શુકદેવજીનું વૃતાંત સંક્ષેપથી કહીશ. મોટી ઉંમરને લીધે, કેશ શ્વેત થવાથી, ધનથી અથવા ભાઈભાંડુઓને લીધે કોઈ મોટું ગણાતું નથી, પરંતુ ઋષિ-મુનિઓએ ધર્મપૂર્વક એવો નિશ્ચય કર્યો છે કે, અમારામાં જે ‘અનૂચાન’ હોય, તે જ મહાન છે.”

        નારદ બોલ્યા, સર્વને માન આપનારા હે વિપ્રવર, પુરુષ ‘અનૂચાન’ કેવી રીતે બને છે? તે ઉપાય મને જણાવો.”

        સનંદને કહ્યું, “નારદ, હું તમને અનૂચાનનું લક્ષણ જણાવું છું, જે જાણવાથી મનુષ્ય અંગો સહિત વેદોનો જ્ઞાતા થાય છે. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુકત, જ્યોતિષ તથા છંદશસ્ત્ર-આ છને વિદ્વાન પુરુષો વેદાંગ કહે છે. ધર્મનું પ્રતિપાદન કરવામાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ-આ ચાર વેદો જ પ્રમાણ છે. જે શ્રેષ્ઠ દ્વિજ ગુરુ પાસેથી છયે અંગો સાહિત વેદોનું સારી પેઠે અધ્યયન કરે છે, તે ‘અનૂચાન’ થાય છે; એ સિવાય અગણિત ગ્રંથો વાંચી લેવાથી પણ કોઈને ‘અનૂચાન’ કહી શકાય નહિ.”

        નારદે કહ્યું, “હે સનંદન, આપ અંગો અને વેદોનાં લક્ષણ વિસ્તારપૂર્વક જણાવો.”

        સનંદન બોલ્યા, “બ્રહ્મન, તમે મારા ઉપર પ્રશ્નનો અનુપમ ભાર મૂકી દીધો. હું સંક્ષેપથી આ સર્વના સુનિશ્ચિત સારસિદ્ધાંતનું વર્ણન કરીશ. વેદ્વેત્તા બ્રહ્મર્ષિઓએ વેદોની શિક્ષામાં સ્વરને પ્રધાન કહેલ છે; તેથી સ્વરનું વર્ણન કરું છું. સ્વરશાસ્ત્રોના નિશ્ચય અનુસાર વિશેષરૂપથી આર્ચિક (ઋક સંબંધી), ગાથિક (ગાથા સંબંધી) અને સામિક (સામ સંબંધી) સ્વર-વ્યવધાનનો પ્રયોગ કરવો જોઈએ. ઋચાઓમાં એકના વ્યવધાનથી સ્વર થાય છે. ગાથાઓમાં બેના વ્યવધાનથી અને સામમંત્રોમાં ત્રણના વ્યવધાનથી સ્વર થાય છે; સ્વરોનું આટલું જ વ્યવધાન સર્વત્ર જાણવું જોઈએ. ઋક, સામ અને યજુર્વેદના અંગભૂત જે યાજ્ય, સ્તોત્ર, કરણ અને મંત્ર આદિ યાજ્ઞિકો દ્વારા પ્રયુક્ત થાય છે, તેમાં શિક્ષા-શાસ્ત્રનું જ્ઞાન ન હોવાથી વિસ્વર થઇ જાય છે. મંત્ર જો યથાર્થ સ્વર અને વર્ણથી હીન હોય તો મિથ્યા પ્રયુક્ત થવાથી તે અભીષ્ટ અર્થનો બોધ કરાવતો નથી; એટલું જ નહીં પણ તે વાકરૂપી વજ્ર યજમાનને હણી નાખે છે.

        સંપૂર્ણ વાંગમયના ઉચ્ચારણ માટે વક્ષ:સ્થલ, કંઠ અને શિર આ ત્રણ સ્થાન છે. આ ત્રણેયને સવન કહેવામાં આવે છે, અર્થાત વક્ષ:સ્થાનમાં નિમ્નસ્વરથી જે શબ્દોચ્ચાર થાય છે, તે પ્રાત:સવન કહેવાય છે; કંઠ સ્થાનમાં મધ્યમસ્વરથી કરવામાં આવેલું શબ્દોચ્ચારણ માધ્યન્દિનસવન છે તથા મસ્તકરૂપ સ્થાનમાં ઉચ્ચ સ્વરથી જે શબ્દોચ્ચાર થાય છે, તેને તૃતીયસવન કહે છે.

        અધરોત્તભેદના કારણથી સપ્તસ્વરાત્મક સામનાં પણ પૂર્વોક્ત ત્રણ જ સ્થાન છે: ઉરોભાગ, કંઠ તથા મસ્તક-આ સાતેય સ્વરોનાં વિચરણ સ્થાન છે; પરંતુ ઉરસ્થલમાં મંદ અને અતિસવારની અભિવ્યક્તિ યોગ્ય રીતે ન થવાથી તેને સાતેય સ્વરોનું વિચરણ સ્થલ કહી શકાય નહીં; તો પણ અધ્યયન-અધ્યાપન માટે તેવું વિધાન કરવામાં આવ્યું છે.

        કાંઠ, કલાપ, તૈત્તિરીય તથા આહ્વરક શાખાઓમાં અને ઋગ્વેદ તથા સામવેદમાં પ્રથમ સ્વરનું ઉચ્ચારણ કરવું જોઈએ. ઋગ્વેદની પ્રવૃત્તિ બીજા અને ત્રીજા સ્વર દ્વારા થાય છે. લૌકિક વ્યવહારમાં ઉચ્ચ અને મધ્યમનો સંઘાત સ્વર થાય છે. આહ્વરક શાખાવાળા તૃતીય અને પ્રથમમાં ઉચ્ચારિત સ્વરોનો પ્રયોગ કરે છે; તૈત્તિરીય શાખાવાળા દ્વિતીયથી લઈને પંચમ સુધી ચાર સ્વરોનું ઉચ્ચારણ કરે છે.

સામગાન કરનારા વિદ્વાન પ્રથમ (ષડજ), દ્વિતીય (ઋષભ), તૃતીય (ગાંધાર), ચતુર્થ (મધ્યમ), મન્દ્ર (પંચમ), ક્રુષ્ટ (ધૈવત) તથા અતિસ્વાર (નિષાદ) આ સાત સ્વરોનો પ્રયોગ કરે છે. દ્વિતીય અને પ્રથમ એ તાંડી તથા ભાલ્લવી વિદ્વાનોના સ્વર છે. વળી શતપથ બ્રાહ્મણમાં આવેલા આ બંને સ્વર વાજસનેયી શાખાવાળાઓ દ્વારા પણ યોજાય છે.

હવે હું સામવેદના સ્વરસંચારનું વર્ણન કરીશ; અર્થાત છંદોગ વિદ્વાન સામગાનમાં તથા ઋક પાઠમાં જે સ્વરોનો ઉપયોગ કરે છે, તેમનું અહીં વિશેષરૂપથી નિરૂપણ કરવામાં આવે છે. નારદ, મેં તમને પહેલાં પણ ક્યારેક તાન, રાગ, સ્વર, ગ્રામ તથા મૂર્ચ્છનાઓનું લક્ષણ કહ્યું છે, જે પરમ પવિત્ર અને પુણ્યમય છે.

સાત સ્વર, ત્રણ ગ્રામ, એકવીસ મૂર્ચ્છના અને ઓગણપચાસ તાન, આ બધાંને સ્વરમંડળ કહેવામાં આવે છે.  ષડજ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, ધૈવત તથા સાતમો નિષાદ-આ સાત સ્વર છે. ષડજ, મધ્યમ અને ગાંધાર-આ ત્રણે ગ્રામ કહેવામાં આવે છે. ભૂર્લોકથી ષડજ ઉત્પન્ન થાય છે. ભુવર્લોકથી મધ્યમ પ્રકટ થાય છે ને સ્વર્ગ તેમ જ મેઘલોકથી ગાંધાર પ્રકટે છે. આ ત્રણ જ ગ્રામસ્થાન છે. સ્વરોના રાગવિશેષથી ગ્રામોના વિવિધ રાગ કહેવામાં આવ્યા છે. સામગાન કરનારા વિદ્વાન મધ્યમ ગ્રામમાં વીસ, ષડજગ્રામમાં ચૌદ તથા ગાંધાર ગ્રામમાં પંદર તાન સ્વીકારે છે.

નંદી, વિશાલા, સુમુખી, ચિત્રા, ચિત્રવતી, સુખા તથા બલા-દેવતાઓની આ સાત મૂર્ચ્છનાઓ જાણવી. આપ્યાયિની, વિશ્વભતા, ચંદ્રા, હેમા, કપદિની, મૈત્રી તથા બાર્હતી-આ પિતૃઓની સાત મૂર્ચ્છનાઓ છે. ષડજ સ્વરમાં ઉત્તર મન્દ્રા, ઋષભમાં અભીરૂઢતા તથા ગાંધારમાં અશ્વક્રાન્તા નામવાળી ત્રણ મૂર્ચ્છનાઓ માનવામાં આવી છે. મધ્યમ સ્વરમાં સૌવીરા, પંચમમાં હૃષિકા તથા ધૈવતમાં ઉત્તરાયિતા નામની મૂર્ચ્છના જાણવી.  નિષાદ સ્વરમાં રજની નામની મૂર્ચ્છના જાણવી. આ ઋષિઓની સાત મૂર્ચ્છનાઓ છે. ગંધર્વગણ દેવતાઓની સાત મૂર્ચ્છનાનો આશ્રય લે છે. યક્ષો પિતૃઓની સાત મૂર્ચ્છનાઓ અપનાવે છે. ઋષિઓની સાત મૂર્ચ્છનાઓ લૌકિક કહેવાય છે. તેમનું અનુસરણ મનુષ્યો કરે છે.

ષડજ સ્વર દેવતાઓને અને ઋષભ સ્વર ઋષિ-મુનિઓને તૃપ્ત કરે છે. ગાંધાર સ્વર પિતૃઓને, મધ્યમ સ્વર ગંધર્વોને તથા પંચમ સ્વર દેવતાઓને, પિતૃઓને તેમ જ મહર્ષિઓને પણ સંતુષ્ટ કરે છે. નિષાદ સ્વર યક્ષોને તથા ધૈવત સંપૂર્ણ ભૂતસમુદાયને તૃપ્ત કરે છે.

 

ક્રમશ: