નારદ પુરાણ - ભાગ 36 Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નારદ પુરાણ - ભાગ 36

નારદે કહ્યું, “હે સનંદન, સૌવીરરાજા અને જડભરત વચ્ચે શો સંવાદ થયો તે કૃપા કરીને જણાવો.”

        સનંદન બોલ્યા, “રાજાએ જયારે ‘હું કોણ છું’ તે વિષે વધુ વાત કરવા કહી ત્યારે  બ્રાહ્મણ બોલ્યા, “રાજન, ‘અહં’ શબ્દનું ઉચ્ચારણ જીભ, દાંત, હોઠ અને તાલુ જ કરતાં હોય છે, પરંતુ એ બધાં ‘અહં’ નથી; કારણ કે એ બધાં તે શબ્દના ઉચ્ચારણમાં જ હેતુ છે. તો પછી શું આ જિવ્હા આદિ કારણો દ્વારા આ વાણી જ પોતે પોતાને ‘અહં’ કહે છે? ના, તેથી આવી સ્થિતિમાં તું તગડો છે આમ બોલવું કદાપિ ઉચિત નથી.

        રાજન, માથું અને હાથ-પગ આદિ લક્ષણોવાળું આ શરીર આત્માથી પૃથક જ છે; તેથી આ ‘અહં’ શબ્દનો પ્રયોગ હું ક્યાં અને કોના માટે કરું? જો મારાથી ભિન્ન કોઈ બીજો પણ સજાતીય ‘આત્મા’ હોય તોપણ ‘આ હું છું અને આ બીજું કોઈ છે’ આમ બોલવું ઉચિત લેખાત; જયારે આખા શરીરમાં એક જ આત્મા વિરાજમાન છે, ત્યારે આ પ્રશ્નવાક્યો વ્યર્થ જ છે.

        હે નરેશ, ‘તમે રાજા છો અને આ સામે પાલખી ઉપાડનારા ઊભા છે તથા આ જગત આપના અધિકારમાં છે’ આમ જે કહેવામાં છે તે સત્ય નથી. ઝાડમાંથી લાકડું પેદા થયું અને તેમાંથી પાલખી બની કે જેમાં તમે બેસો છો. જો એને પાલખી કહેવામાં આવે તો એનું ઝાડ અને લાકડું આ નામ ક્યાં જતાં રહ્યાં? આ તમારા સેવકો એવું કહેતા નથી કે મહારાજા ઝાડ પર ચઢેલા છે કે એવું પણ નથી કહેતા કે તમે લાકડા પર ચઢેલા છો કે તેની અંદર બેઠા છો. પરંતુ પાલખી શું છે? વિશેષ નામ ધરાવતો લાકડાનો જથ્થો. એ લાકડાઓના સાંધાને છુટ્ટા કરી નાખો પછી એમાંથી શોધી કાઢો કે પાલખી ક્યાં છે.

        આ જ વાત તમને અને મને લાગુ પડે છે. પુરુષ, સ્ત્રી, ગાય, બકરી, ઘોડો, વૃક્ષ આદિ લૌકિક નામકર્મથી ઉત્પન્ન થયેલાં વિભિન્ન શરીરો માટે રાખવામાં આવ્યાં છે. હે ભૂપાલ, આત્મા એ દેવતા નથી, મનુષ્ય નથી, પશુ નથી તેમ વૃક્ષ પણ નથી. એ બધા તો શરીરની આકૃતિઓના ભેદ છે અને એ ભિન્ન ભિન્ન કર્મો અનુસાર ઉત્પન્ન થયાં છે. જે વસ્તુ પરિણામ આદિને લીધે કોઈ નવી સંજ્ઞાને કાલાંતરે પણ પ્રાપ્ત થતી નથી, તે જ પારમાર્થિક વસ્તુ છે. તમે સમસ્ત પ્રજા માટે રાજા છો, પોતાના પિતા માટે પુત્ર છો, પત્ની માટે પતિ છો, પુત્ર માટે પિતા છો, શત્રુ માટે શત્રુ છો. તો તમને શું કહેવામાં આવે? તમે કોણ છો? આ માથું છો કે ગરદન; અથવા પેટ કે પગ વગેરેમાં કોઈ છો; ને આ માથું વગેરે પણ તમારા કોણ છે?

        હે પૃથ્વીપતે, તમે બધાં અંગોથી વિલગ થઈને સારી પેઠે વિચાર કરી જુઓ કે તમે કોણ છો?”

        સૌવીરનરેશે કહ્યું, “વિપ્રવર, આપે સર્વ વ્યાપીને રહેલા જે વિવેકજ્ઞાનનું દર્શન કરાવ્યું છે, તે પ્રકૃતિથી પર એવા બ્રહ્મનું સ્વરૂપ છે. આપની વાતોથી પ્રતીત થાય છે કે આપ પરમાર્થને યોગ્ય રીતે જાણો છો તો હે દ્વિજશ્રેષ્ઠ, મારું મન પરમાર્થનો જિજ્ઞાસુ થઈને તેને પ્રાપ્ત કરવા વિહ્વળ થઇ ગયું છે. જગતમાં શું શ્રેય છે તે જાણવા ભગવાન વિષ્ણુના અંશ એવા કપિલમુનિ પાસે જઈ રહ્યો હતો. તે જ ભગવાન કપિલ મારું હિત કરવાની કામનાથી અહીં આપના રૂપમાં પ્રકટ થયા છે, તેથી જ તો આપ આવું ભાષણ કરી રહ્યા છો. હે બ્રહ્મન, મારા મોહને નષ્ટ કરવા માટે જે કલ્યાણકારી હોય તે જણાવો.”

        જડભરતે કહ્યું, “ભૂપાલ, શું તમે શ્રેયની વાત પૂછો છો કે પરમાર્થ જાણવા માટે પ્રશ્ન કરો છો? રાજન, જે માણસ દેવતાની આરાધના કરીને ધનસંપત્તિ ઈચ્છે છે, પુત્ર તથા રાજ્યની અભિલાષા કરે છે, તેના માટે તે જ શ્રેય છે; પરંતુ વિવેકી પુરુષો માટે પરમાત્માની પ્રાપ્તિ જ કલ્યાણકારી છે. સ્વર્ગલોકરૂપ ફળ આપનાર યજ્ઞ આદિ કર્મ પણ શ્રેય જ છે; પરંતુ મુખ્ય શ્રેય તો તેના ફળની કામના ન કરવામાં જ છે.

        યોગયુક્ત તથા અન્ય પુરુષોએ સદા પરમાત્માનું ચિંતન કરવું જોઈએ કારણ પરમાત્માનો સંયોગ થવારૂપ શ્રેય જ વાસ્તવિક શ્રેય છે. આ પ્રમાણે શ્રેય તો અનેક છે, પરંતુ તે બધાં પરમાર્થ નથી. હવે હું આપને પરમાર્થ વિષે જણાવું છું. જો ધન જ પરમાર્થ હોત તો ધર્મ માટે તેનો ત્યાગ શાથી કરવામાં આવત? તેમ જ ભોગોની પ્રાપ્તિ માટે પણ તેનો વ્યય શાથી કરવામાં આવત? જો સંસારમાં રાજ્ય આદિની પ્રાપ્તિને પરમાર્થ કરવામાં આવે તો તેઓ કયારેક રહે છે ને ક્યારેક નથી રહેતાં; તેથી પરમાર્થને પણ આગમાપાયી માનવું પડશે. વેદમંત્રોથી સંપન્ન થનારા યજ્ઞકર્મ તમે પરમાર્થ માનતા હો તો હું કહું તે સાંભળો. યજ્ઞમાં નાશવાન પદાર્થો વપરાય છે અને જે ક્રિયા નાશવાન પદાર્થોથી કરવામાં આવે તો તેનું ફળ પણ નાશવાન હોય છે. હવે તો સંક્ષેપથી પરમાર્થનું વર્ણન કરું છું, તે સાંભળો.

        આત્મા એક, વ્યાપક, સમ, શુદ્ધ, નિર્ગુણ અને પ્રકૃતિથી પર છે, તેમાં જન્મ અને વૃદ્ધિ આદિનો વિકાર નથી. તે સર્વત્ર વ્યાપક તથા પરમ જ્ઞાનમય છે. અસત નામ અને જાતિ આદિ સાથે તે સર્વવ્યાપક પરમાત્મા સાથે સંયોગ થવાનો નથી. તે પોતાના અને બીજાઓના શરીરમાં વિદ્યમાન હોવા છતાં પણ એક જ છે. આ પ્રકારનું જે વિશેષ જ્ઞાન છે, તે જ પરમાર્થ છે. દ્વૈતભાવના રાખનારો પુરુષ તો અપરમાર્થદર્શી જ છે. જેવી રીતે વાંસળીમાં એક જ વાયુ અભેદભાવથી વ્યાપ્ત છે, પરંતુ તેના છિદ્રોના ભેદથી તેમાં ષડજ, ઋષભ આદિ સ્વરોની ભિન્નતા રહેલી છે. તેવી જ રીતે એક જ પરમાત્માના દેવમ મનુષ્ય આદિ અનેક ભેદ પ્રતીત થાય છે. આ ભેદ અવિદ્યાના આવરણ સુધી જ સીમિત છે. આ વિષયમાં એક પ્રાચીન ઈતિહાસ સાંભળો.

        બ્રહ્માના ઋભુ નામના એક પુત્ર હતા. તેઓ સ્વભાવથી પરમાર્થ તત્વના જ્ઞાતા હતા. પૂર્વકાળમાં પુલસ્ત્ય મુનિના પુત્ર નિદાઘ તેમના શિષ્ય થયા હતા. ઋભુએ અતિપ્રસન્નતાથી નિદાઘની સંપૂર્ણ તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો હતો. સંપૂર્ણ ઉપદેશ છતાં નિદાઘની અદ્વૈતમાં નિષ્ઠા થઇ નહિ. દેવિકા નદીના તટ પર વીરનગર નામનું અત્યંત સમૃદ્ધશાળી અને પરમ રમણીય નગર હતું. મહર્ષિ પુલસ્ત્ય તે વસાવ્યું હતું. નિદાઘ તે જ નગરીમાં નિવાસ કરતા હતા. એક વખત મહર્ષિ ઋભુ  પોતાના શિષ્ય નિદાઘને મળવા માટે તે નગરમાં ગયા.

        આંગણે આવેલા ઋભુને પાદ્ય અને અર્ઘ્ય આપીને પોતાના ઘરમાં લઇ ગયા અને હાથપગ ધોવડાવીને આસન પર બેસાડ્યા પછી નિદાઘે આદરપૂર્વક કહ્યું, “વિપ્રવર, હવે આપ ભોજન કરો.”

        ઋભુ બોલ્યા, “દ્વિજશ્રેષ્ઠ, આપના ઘરમાં જમવા યોગ્ય જે ખોરાક તૈયાર હોય તે કહો.”

        નિદાઘ બોલ્યા, “મારા ઘરમાં સાથવો, જવની લાપસી અને બાટી બનેલ છે. આપણે એમાંથી જે કંઈ રુચે તે જ ઈચ્છા અનુસાર આરોગો.”

        ઋભુ બોલ્યા, “બ્રહ્મન, એ સર્વમાં મારી રુચિ નથી. શીરો, દૂધપાક અને એવાં બીજાં મિષ્ટાન્નનું ભોજન કરાવો.”

        નિદાઘે પોતાની પત્નીને કહ્યું, “શોભને, આપણા ઘરમાં સારામાં સારી ભોજન સામગ્રી હોય તેમાંથી મિષ્ટાન્ન બનાવો.”

        પતિના કહ્યા પ્રમાણે પત્નીએ સરસ મિષ્ટાન્ન બનાવીને મહામુનિ ઋભુને ભોજન કરાવ્યું. તેમના ભોજન કરી રહ્યા પછી નિદાઘે નમ્રભાવે પૂછ્યું, “બ્રહ્મન, ભોજનથી આપને સારી પેઠે તૃપ્તિ થઇ? આપ સંતુષ્ટ છો ને? હવે આપનુંચિત્ત સંપૂર્ણ રીતે સ્વસ્થ છે ને? વિપ્રવર આપ ક્યાંના નિવાસી છો? ક્યાં જવા નીકળ્યા છો ને આપ ક્યાંથી પધાર્યા છો? તે સર્વ જણાવો.”

        ઋભુ બોલ્યા, “બ્રહ્મન, જેને ભૂખ લાગે છે તેને જ જમ્યા પછી તૃપ્તિ થાય છે. મને તો નથી ક્યારેય ભૂખ લાગી ને નથી તો તૃપ્તિ થઇ. તો પછી મને શા માટે પૂછો છો? જઠરાગ્નિથી પાર્થિવ ધાતુ પછી ગયા પછી ક્ષુધાની પ્રતીતિ થાય છે. એવી જ રીતે પીધેલું જળ ક્ષીણ થયા પછી મનુષ્યોને તૃષાનો અનુભવ થાય છે. હે દ્વિજ, ક્ષુધા અને તૃષા દેહના ધર્મ છે, મારા નહિ. એટલા માટે મને ક્યારેય પણ ભૂખ લાગવાની સંભાવના જ નથી, તેથી મને તો સર્વદા તૃપ્તિ જ રહે છે. બ્રહ્મન, મનની સ્વસ્થતા અને સંતોષ- આ બંને ચિત્તના ધર્મ છે. તેથી આરમાં આ ધર્મોથી સંયુક્ત થતો નથી અને તમે જે પૂછ્યું કે આપનો નિવાસ ક્યાં છે ને ક્યાંથી પધારો છો ને ક્યાં જશો એ વિષયમાં મારો ઉત્તર જાણી લો.

        આત્મા સર્વમાં વ્યાપ્ત છે. આકાશની પેઠે એ સર્વવ્યાપક છે, તેથી એના સંબંધમાં ક્યાંથી આવ્યા, ક્યાં રહો છો અને ક્યાં જશો-આ પ્રશ્ન કેવી રીતે સાર્થક હોઈ શકે? એટલા માટે હું જનારો નથી તેમ આવનારો પણ નથી. વાસ્તવમાં તું તું નથી, તે તે નથી અને હું હું નથી, એવી જ રીતે મધુર એ મધુર નથી. મને મિષ્ટાન્ન જમાડવા માટે મેં તમને કહ્યું હતું તેમાં પણ મારો એ જ ભાવ હતો કે જોઉં તો ખરો, તમે આ વિષયમાં શું કહો છો. દ્વિજશ્રેષ્ઠ, હવે આ વિષયમાં મારો શું વિચાર હ્છે તે સાંભળો. તૃપ્ત થઇ ગયા પછી મિષ્ટાન્ન મિષ્ટ નથી લાગતું એટલું જ નહીં પરંતુ ઉદ્વેગજનક થઇ પડે છે. મનુષ્ય ક્ષુધાતુર હોય ત્યારે મિષ્ટ ન હોય તે અન્ન પણ મધુર લાગે છે. એવું કયું અન્ન છે જે આદિ, મધ્ય અને અંત-ત્રણે કાળમાં રુચિકર જ હોય. આ પાર્થિવ શરીર પાર્થિવ પરમાણુઓથી પુષ્ટ થાય છે. બધા જ ભોજ્ય પદાર્થ પાર્થિવ પરમાણુ જ છે ને! એટલા માટે આ વિચાર આ બધું સમજી ગળ્યાં-મોળાંનો વિચાર કરનારા મનને તમારે સમદર્શી બનાવવું જોઈએ; કારણ કે સમતા જ મોક્ષનો ઉપાય છે.”

        જડભરતે કહ્યું, “રાજન, ઋભુનાં આ પરમાર્થયુક્ત વચન સાંભળી નિદાઘે તેમને પ્રણામ કરીને કહ્યું કે આપ પ્રસન્ન થાઓ અને મને જણાવો કે મારું હિત સાધવા માટે અહીં પધારેલા આપ કોણ છો? આપનાં આ વચન સાંભળીને મારો સઘળો મોહ નષ્ટ થઇ ગયો છે.”

        ઋભુ બોલ્યા, “દ્વિજશ્રેષ્ઠ, હું તમારો આચાર્ય ઋભુ છું અને તત્ત્વને સમજનારી બુદ્ધિ તમને આપવા માટે અહીં આવ્યો હતો. જે કંઈ પરમાર્થ છે, તે સર્વ મેં તમને સમજાવી દીધો. તમે આ સંપૂર્ણ જગતને કેવળ ‘વાસુદેવ’ એવી સંજ્ઞાવાળા પરમાત્માનું સ્વરૂપ જાણજો, એમાં ભેદનો સર્વથા અભાવ છે.”

        જડભરત બોલ્યા, “ત્યારબાદ નિદાઘે ‘ઘણું સારું’ આમ કહીને ગુરુદેવને પ્રણામ કર્યા અને ભક્તિભાવથી તેમનું પૂજા કરી. હે નરેશ્વર, એ પછી તેઓ એક સહસ્ત્ર દિવ્ય વર્ષો વીતી ગયા પછી નિદાઘને જ્ઞાનોપદેશ કરવા માટે તે જ નગરમાં આવ્યા.”

ક્રમશ: