પ્રકરણ - ૪
જાેકે, વાણીયો અને વાણીયન દર જન્માષ્ટમીએ પારણું કરવાનું ભૂલતા નહીં. શહેરમાં આવીને પણ તે પ્રથા ચાલું જ રહીં. દર જન્માષ્ટમીએ વાણીયાના ઘરે લાલાનું પારણું બંધાય અને તેની ઉજવણી કરવામાં આવે. લાલાની લગ્ન ઉંમર થઇ, વાણીયો અને વાણીયન સારી છોકરીની શોધમાં લાગ્યા. એવામાં જ ડભોઇ તાલુકાની નજીકમાં આવેલા નર્મદા જિલ્લાના એક ગામમાંથી ગોપાલ માટે એક યુવતીનું માંગુ આવ્યુ. યુવતીનું નામ હતું માધવી. ગોપાલ અને માધવીના પરિવારજનો મળ્યાં, ગોપાલ અને માધવી પણ મળ્યાં. બન્ને વચ્ચે મન મેળ થયો અને સગપણ નક્કી કરવામાં આવ્યું. સગપણ નક્કી થયું અને લગ્નની તૈયારીઓ શરૂ થઇ, કંકોત્રી લખાઇ અને પહેલી કંકોત્રી આપવા ગોપાલ અને માધવીનો પરિવાર ડાકોર રણછોડરાયના મંદિરે પહોંચ્યા.
ગોપાલ અને માધવી પરિવાર સાથે રણછોડરાયના મંદિર તરફ જઇ રહ્યા હતા. ત્યારે રસ્તામાં એક યુવાન મળ્યો. વાણીયો અને વાણીયનની ઉંમર વધી ગઇ હતી તેમ છતાં તે યુવાન તેમને ઓળખી ગયો હોય તેમ આવીને તેમને પગે લાગ્યો. વાણીયો અને વાણીયન તેને ઓળખી શક્યા નહીં. તેમના મુખ પર આશ્ચર્ય જાેઇ યુવાન બોલ્યો મારુ નામ માધવ, તમે કદાચ ભૂલી ગયા હશો પણ મને હજી યાદ છે. જન્માષ્ટમીનો દિવસ હતો, મારા માતા-પિતા સાથે હું તમારા ગામના કૃષ્ણ મંદિરે દર્શન કરવા આવ્યો હતો. ત્યારે મારા પિતાનું નામ વાસુદેવ અને માતાનું નામ દેવકી હતું. મને ભૂખ લાગી હતી તમે મને ઘરે લઇ ગયા હતા. માધવ આટલું જ બોલ્યો એટલે વાણીયા અને વાણીયનને તે નાનુ બાળક યાદ આવી ગયું. વાણીયને તરત જ પુછયું બેટા રાતે સુઇ ગયા બાદ સવારે તું દેખાયો જ નહીં. અમે તેને બહુ શોધ્યો પણ તું મળ્યો નહી.
માધવે કહ્યું કાકી મને રાતે મારા માતા-પિતાની યાદ આવી, મને થયું કે તેઓ મને શોધતા હશે. તે સમયે તેમે ખુબ જ નિંદરમાં હતા એટલે તમને ઉઠાડયા નહીં અને હું નિકળી મંદિરે આવી ગયો. જ્યાં મારા માતા-પિતા મારી રાહમાં રડી રહ્યા હતા. તેમને મળવાના આનંદમાં હું તમારી વાત કરવાની જ ભૂલી ગયો. ઘરે ગયા પછી તમારી વાત કરી તો તેઓએ પણ ભગવાનની સાથે સાથે તમારો પણ આભાર માન્યો હતો. ત્યારે વાણીયો અને વાણીયનને પણ ઘણો આનંદ થયો. તેમને માધવ સાથે ગોપાલ અને માધવીની ઓળખાણ કરાવી. માધવે કહ્યું મારા માતા-પિતાનો કૃષ્ણધામ ગયા હવે, હું અને મારી પત્ની સંતાનો સાથે અહી જ રહીએ છીએ. તમે અમારા ઘરે આવો, પણ માધવીનો પરિવાર પણ સાથે હોવાથી વાણીયા અને વાણીયને માધવને ઘરે જવાની તો ના પાડી પણ ગોપાલના લગ્નમાં આવવા માટે તેને પરિવાર સાથે આમંત્રણ આપ્યું. વાણીયને માધવને કંકોત્રી આપી ત્યારે માધવે કહ્યું ચિંતા ન કરો કાકી હું જરુરથી આવીશ.
માધવને મળીને ગોપાલ અને માધવીનો પરિવાર રણછોડરાયના મંદિર તરફ આગળ વધ્યા. મંદિરમાં ભગવાન સમક્ષ મુકવા માટે થેલામાં કંકોત્રી શોધી ત્યારે ખબર પડી કે રણછોડરાય માટે લખેલી કંકોત્રીતો માધવને આપી દીધી છે. જેથી થેલામાંથી બીજી કંકોત્રી કાઢી જેના પર ભગવાન રણછોડરાયનું નામ લખ્યું અને ભગવાનના શરણે મુકી ગોપાલ અને માધવીના લગ્નમાં આવવાનું આમંત્રણ આપ્યું. હોંશે હોંશે ગોપાલ અને માધવીનો પરિવાર વડોદરા પરત ફર્યા અને લગ્ની તૈયારીઓ શરૂ કરી. સમય વિતી રહ્યો હતો, લગ્નની તૈયારીઓ ગોપાલ અને માધવીનો પરિવાર વ્યસ્ત બન્યા હતા. ગોપાલના જન્મના બે વર્ષ પહેલા જન્માષ્ટમીના દિવસે વાણીયા અને વાણીયને ભગવાન શ્રીકૃષ્ણ પાસે માગેલા વરદાનને ભગવાને તથાસ્તુ કહી પુરૂ કર્યુ પરંતુ વાણીયો અને વાણીયન તેમની બાંધા ભૂલી ગયા. એમ તો શ્રી કૃષ્ણ ભોળા સ્વભાવના અને એમા પણ તેમનું બાળ સ્વરૂપ તો સાવ ભોળું. એટલે વાણીયા અને વાણીયનને તેમની બાંધા યાદ કરાવવા માટે ક્યારેય આવ્યા નહીં. પરંતુ હવે, જ્યારે ગોપાલના લગ્ન લેવાના થયા ત્યારે લાલાએ વાણીયા અને વાણીયનને બાંધા યાદ કરાવવાનો એક પ્રયાસ કર્યો, પરંતુ તેમને યાદ આવ્યું નહીં.