Featured Books
શ્રેણી
શેયર કરો

ભાવ ભીનાં હૈયાં - 51 (છેલ્લો ભાગ)

" શાંત..! અભિ..શાંત..! મને કંઈ જ નથી થયું. ને તુ મારી આટલી ફિકર નહીં કર. હુ જો શું લાવ્યો છું તારા માટે..! જો આ ફૂલોની માલા..! આ કુમકુમ..તારી માંગ ભરવા અને આ તો જો તુ..મંગળસૂત્ર..! બોલને કેવું છે..? તને ગમ્યું ને..?" આટલું કહી શશીએ અભિની આંખો લૂંછી અને તેને ભેટી પડ્યો.

અભિલાષા રિલેક્સ થઈ પછી પંડિતજીને બોલાવીને બંનેએ ગણેશજીના મંદિરમાં જ લગ્ન કર્યા. બન્ને વર્ષો બાદ બે પ્રેમી પંખીડાં લગ્નનાં અતૂટ બંધનમાં બંધાઈ ગયાં. વર્ષો પહેલાં જોયેલું સ્વપ્ન આજ પુરૂ થયું. ગણેશજી અને પંડિતજીના આશીર્વાદ લઈને બંને હવે ઘર તરફ જવા નીકળ્યાં.

" શશી..! બહુ જ કકડીને ભૂખ લાગી છે. યાર..!" અભિએ કહ્યું.

" આપણા લગ્નની ખુશીમાં ને ખુશીમાં હું તો ખાવા પીવાનું જ ભૂલી ગયો."

શશાંકે એક રેસ્ટોરન્ટ સામે ગાડી પાર્ક કરી. નવ પરિણીત દંપત્તિ હાથમાં હાથ લઈ રેસ્ટોરેન્ટ માં પ્રવેશ્યા. બન્નેએ ઘણાં સમય બાદ એકસાથે ધરાઈને ખાધું. ને ત્યાંથી નીકળી ગયાં.

" અભિ..! આજ મૌસમે રૂખ બદલ્યો છે. વાતાવરણ પલટાયું છે. આપણે જલ્દીથી ઘરે પહોંચવું પડશે." ગાડીને સેલ મારતા શશીએ કહ્યું.

" શશી..આજ તો હું બહુ ખુશ છું. આજ જો વરસાદ આવે તો મન મૂકીને મારે ભીંજાવવું છે."

" એવુ..? મારે પણ મન મૂકીને ભીંજાવવું છે..! પણ તારા પ્રેમમાં..!"

બંને આમ, વાતો કાર્યે જતાં હતાં ને આંધી આવી. કાળા ભમ્મર વાદળોએ આખાય આસમાનને ઘેરી લીધું હતું. વીજળીના ચમકારા થતાં હતાં. થોડે દૂર જતાં જ છમછમ વરસાદ વરસવા લાગ્યો. અભિએ ગાડીનો કાચ ખોલ્યો ને પોતાનો હાથ બહાર કાઢીને વરસાદની બૂંદોને પોતાના હાથમાં ભરવા લાગી. તેના ચહેરા પર વરસાદને જોઈને ગજબનો આનંદ છવાઈ ગયો હતો. ધુમ્મસભર્યું આહલાદક વાતાવરણ બંનેના રોમ રોમમાં નવી ઊર્જા ભરતું હતું. ત્યારે શશાંકે અભિલાષાની બાળકની જેમ વરસાદમાં પલાડવાની વૃત્તિ જોઈ ગાડી ઊભી રાખી.

ગાડી ઊભી રહેતાં જ અભિ શશાંક સામે જોવા લાગી. અને જાણે તેની આંખો વરસાદમાં ભીંજાવવાની પરવાનગી માંગવા લાગી. શશીએ પણ ઈશારો કરી તેને મંજુરી આપી દીધી. ખુશીની મારી ઉછળતી કૂદતી અભિલાષા રોડ વચ્ચે જઈને પલાડવા લાગી. બંને હાથ ઉપર કરી આકાશ તરફ મોં રાખી અભિ વરસાદમાં ગોળગોળ ફુદડીઓ મારવા લાગી. તેની ભીંજાયેલ સાડીનો પલ્લું હવામાં લહેરાતો હતો. તેના ચહેરા પર થી પાણીની બૂંદો ટપકતી હતી.

શશાંક ગાડીમાંથી અભિને જોઈ રહ્યો હતો ને મલકાઈ રહ્યો હતો. અભિને જોઈ શશાંકને પણ વરસાદમાં પલળવાનું મન થયું. રોડ પર જ વરસાદમાં રમતી અભિલાષાને જોવામાં મગ્ન શશાંક ગાડીમાંથી બહાર નીકળ્યો ને ગાડીનો દરવાજો બંધ કર્યો અને ગાડીના ટેકે આવીને અદબ વાળીને ઉભો રહી ગયો.

" ભીગી ભીગી રાતો મેં..
મીઠી મીઠી બાતો મેં..
ઐસી બરસાતો મેં.. કૈસા લાગતા..હૈ..?" શશાંક ઉભો ઉભો ગીત ગાવા લાગ્યો.

" ઐસા લાગતા હૈ...તુમ બનકે બાદલ..!
મેરે બદન કો ભીગોકે..મુજે છેડ રહે હો..છેડ રહે હો..!" અભિલાષા વરસાદમાં નાચતાં નાચતાં જ ગાવા લાગી.

"રૂપ તેરા મસ્તાના..! પ્યાર મેરા દિવાના..!
ભૂલ કોઈ હમસેના હો જાયે..!" અભિની નજીક જઈને શશાંક બોલ્યો. શાશંકને પાસે આવતો જોઈ અભિલાષા દોડી. શશાંક તેની પાછળ દોડ્યો. થોડીવાર દોડાદોડ કર્યા બાદ અભિલાષા થાકી જતાં તેણે શશાંકને ગાડી પાસે ઉભો હતોને તેને સ્ટેચ્યુ કહી દીધું. અને પોતે રોડ પર વરસતા વરસાદમાં નાચવા લાગી.

તેઓ આવેલાં ત્યાં સુધીમાં તો ત્યાં કોઈ વાહનની અવરજવર નહોતી. પણ અચાનક ત્યારે જ પુર જોશથી આવતી ટ્રકે રસ્તા વચોવચ ઉભેલી અભિલાષાને હવામાં ઉછાલીને ક્યાંય ફેંકી દીધી. ક્ષણભરમાં બનેલી આ દુર્ઘટનાને નજરકેદ કર્યા સિવાય શશાંક કંઈ જ ન કરી શક્યો. પોતાની વ્હાલસોયી પત્નીને પોતાની નજર સામે જ આમ, મોતને ઘાટ ઉતરતી જોઈ શશાંક સાવ ભાંગી પડ્યો, પણ તે પણ કુદરત સામે સાવ લાચાર હતો. તે ઉછળીને નીચે પટકાયેલી અભિને શોધવા માર્ગની પાસેની ઊંડી ખીણ તરફ દોડયો. ડરેલો ને ભયભીત શશાંક તેની વ્હાલસોયી પત્નીને શોધવા રગવાયો થઈ આમથી તેમ દોડાદોડ કરવા લાગ્યો. રોડ પરથી અવરજવર કરતાં વાહનો ઊભાં રખાવીને શશાંક અભિને શોધવા માટે મદદ માંગતો. કેટલાકે તેની મદદ પણ કરી અને પોલીસને પણ જાણ કરી પણ ક્યાંયથી અભિલાષા ન મળી. અભિ ન મળતાં શશાંક નાના બાળકની જેમ ધ્રૂસકે ને ધ્રુસકે રડવા લાગ્યો.

જેને ખોવાનો ડર હતો તે અભિનો શશાંક બચી ગયો ને અભિ પોતાની ઉંમર શશાંકને આપીને હંમેશને માટે ચાલી ગઈ અને ફરી એક વાર ભાવ ભીનાં હૈયાં એકલાં થઈ ગયાં.

( વ્હાલા મિત્રો..! અહીં "ભાવ ભીનાં હૈયાં" ધારાવાહિક પૂર્ણ થાય છે. કેટલાકને ધારાવાહિકનો અંત કદાચ નહિ ગમે. કેમકે દરેકને હૅપી એન્ડીંગ જોઈએ છે પણ દરેક સ્ટોરીનો હૅપી એન્ડ થાય એ શક્ય જ નથી. આપણે ખુશીની સાથે દુઃખને પચાવતાં પણ શીખવું જ પડશે, કેમકે તે જ વાસ્તવિક સત્ય છે. તમારાં સારા પ્રતિભાવો આપી મને પ્રોત્સાહિત કરજો. અને સુચનો પણ જરૂરથી જણાવજો. આ સાથે સૌનો હૃદય પૂર્વક આભાર🙏😊)


ભાવ ભીનાં હૈયાં સિઝન 2
Coming soon....

🤗 મૌસમ 🤗